કનિષ્ક યુગનો વિહાર ~ ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ: 19) ~ પૂર્વી મોદી મલકાણ

કનિષ્ક યુગનો વિહાર ~ ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ: 19) ~ પૂર્વી મોદી મલકાણ

ગોરખત્રીમાં આવેલ, જે જગ્યામાં આપણે ફરી રહ્યાં છીએ તે જગ્યા આજે “જહાઁબાદ દરવાજા” તરીકે ઓળખાય છે જે શાહજહાંની પુત્રી જહાંઆરા બેગમે બનાવેલ. જહાંઆરા બેગમે અહીં એક મસ્જિદ, એક સરાઈ (સરકારી બિલ્ડીંગ) અને બે કૂવા બનાવેલ.

૧૮૮૦માં શીખોએ આ જગ્યા પર કબ્જો મેળવી લઈ બેગમ જહાંઆરાએ બનાવેલી મસ્જિદ તોડી પાડી ત્યાં શીખ આર્મીને રહેવા માટે જગ્યા બનાવી. લગભગ છએક વર્ષ શીખો આ સ્થળમાં રહ્યાં. છ વર્ષ પછી એટલે કે ૧૮૯૬માં અંગ્રેજોએ આ સ્થળને પોતાના કબ્જામાં લઈ લીધું.

ત્યાર પછી દેશ સ્વતંત્ર થયો ત્યાં સુધી આ સ્થળ પર અંગ્રેજોનો જ કબ્જો રહ્યો. ૧૯૧૨માં અંગ્રેજો દ્વારા અહીં પેશાવરનું પ્રથમ ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું ત્યારે તેમણે પ્રથમવાર બકેટ સિસ્ટમ છોડીને સ્ટીલ પાઇપનો ઉપયોગ કરેલો.

ગોરખત્રીમાં હિન્દુ નિશાનીની સાથે બૌધ્ધ ધર્મની પણ એક ખાસ નિશાની છે. આ નિશાનીના ઉલ્લેખ વગર આ સ્થળની મુલાકાત તદ્દન અધૂરી રહી જાય છે.

૧૯૭૨માં ડો. આદિલ અલી અને તેમનાં અનુયાયી ડો. મુસ્તાફ સુન્નર્ખારની નિગેબાની નીચે ખોદકામ થઈ રહ્યું હતું ત્યારે તેમનાં હાથમાં અનાયાસે કુશાણ યુગના સિક્કાઓ આવ્યાં. તેથી તેઓએ ઉત્સાહમાં આવી જઈ આ વિસ્તારમાં વધુ ખોદકામ કરવાનું શરૂ કર્યું અને ભૂગર્ભમાં લગભગ બે માળ સુધી ખોદકામ કર્યું.

આ સમયે આ યુગની અનેક નિશાનીઓ સાથે બૌધ્ધ ધર્મની પણ નિશાનીઓ મળી. ખાસ કરીને તેઓ જેમ ઊંડા જતાં ગયાં તેમ તેમ નિશાનીઓમાં પણ ફર્ક દેખાવાં લાગ્યો તે તેમને માટે વધુ આશ્ચર્ય જનક હતું.

ખોદતાં ખોદતાં તેઓએ ભૂગર્ભમાં જ્યારે ૪ માળ પૂરા કર્યા ત્યારે તેમને કનિષ્ક વિહાર મઠની દીવાલો મળી. આ વિહારની શોધ સાથે તેમણે કહ્યું કે; પેશાવર પાસે ઓછામાં ઓછી ત્રીજી સદી પૂર્વેનો ઇતિહાસ પાછો ફર્યો છે.

આટલાં સુંદર અને વિરાટ ઇતિહાસના મૂળ મળ્યાં હોવા છતાં બદલતી પરિસ્થિતિ અને અપૂરતા સહયોગને કારણે આ કાર્ય અધૂરું મૂકી દેવામાં આવ્યું.

આખરે ૨૦ વર્ષ પછી ૧૯૯૨-૯૩માં અહીં પુરાતત્ત્વવિદ ડો. ફારજંદ અલી દુર્રાનીએ ફરી ખોદકામની શરૂઆત કરી, પણ આ સમયેય ભંડોળના અભાવને કારણે તેમનું ખોદકામ અધૂરું રહી ગયું. જો કે, આ દરમ્યાન તેમણે આ સાઇટનો પૂર્ણ અભ્યાસ કરીને કહ્યું કે; આ શોધ વિશ્વમાં એક નવું પરિમાણ પ્રગટ કરશે કારણ કે આ સ્થળેથી કેવળ એક નહીં પણ એક સાથે ત્રણથી ચાર ધર્મની નિશાનીઓ મળી છે જે એક અનૂઠી બાબત છે.

ડો. ફારજંદ પછી આ સ્થળે વિવિધ પુરાતત્ત્વવાદીઓ નીચે પેશાવર હેરિટેજ સમિતિએ ખોદકામ ચાલું રાખ્યું. તેથી અમે પણ જ્યારે આ સ્થળે પહોંચ્યાં ત્યારે અહીં કામ હજુ ચાલું હતું. જમીનની અંદર લગભગ દસ માળ સુધી ખોદકામ કરાયેલું હતું,

આ ખોદકામ દરમ્યાન એક લેયર લાકડાનું હોય તો બીજું લેયર ઈંટનું; એમ પ્રત્યેક યુગના અલગ અલગ પડ દેખાતાં હતાં.

અહીંથી પથ્થરમાંથી બનાવેલ ભગવાન બુધ્ધના વિશાળ ચરણ ખંડિત અને કુશાણ યુગની સીલ, મૂરતો વગેરે મળી આવ્યાં જેમાંથી અમુક નિશાનીઓ અમે ખૂબ ધ્યાનપૂર્વક અને ઉત્સાહપૂર્વક જોઈ. આ ઉપરાંત અહીંથી મળી આવેલ માનવપિંજરો પણ જોયાં. જેને સાઇટના ખાડામાં રાખેલ કોફીનોમાં મૂકેલા હતાં.

અહીં એક બોર્ડ મૂકેલું જેમાં લખેલું કે આ પિંજર કોઈ લડાઈ પછી મૃત્યુ પામેલા લોકોના હતા.. જેમને આ સ્થળની જમીનમાં દાટી દીધા હશે, પછી મોક્ષની ધારણાએ ભગવાન બુધ્ધની મૂર્તિના ચરણ આ જમીનમાં પધરાવી તેના ઉપર સ્તૂપા બનાવી દેવામાં આવ્યો હશે.

અમે પહોંચ્યાં ત્યારે જમીનની અંદર અમે ઠેરઠેર કાણાં જોયાં. ત્યાં રહેલાં ચોકીદારે કહ્યું કે, આ કાણાંમાંથી હાડકાં મળેલાં. આ સાઇટ મને ખૂબ એક્સાઇટિંગ લાગી તેથી આ સાઇટ જોતાં જોતાં વારંવાર એક બાળક મારા હૃદયમાંથી બહાર નીકળી પડતો હતો.

મારો આનંદ, ઉત્સાહ, ડ્રેસ વગેરે જોઈ ચોકીદારને ખ્યાલ આવી ગયો કે હું લોકલ પ્રજામાંની વ્યક્તિ નથી, તેથી તે મને કહે, મૈડમજી આપ અગર ચાહો તો આપ ખુદાઇ તક જા શકતી હૈ. ચોકીદારની વાત સાંભળી મે એમને પૂછયું; ઇતને સારે લોગ યહાં હૈ આપને કિસીકી નહીં જાને દીયા ફીર હમેં પરમિશન કૈસે દે દી?

કનિષ્ક વિહાર પુરાતત્ત્વ સાઇટ

મારી વાત સાંભળી તે કહે; બીબીજી તવજ્જુ કી બાત હૈ. આપ આસપાસ દેખીયે ઔર કહીએ કિસી કે પાસ યહ જગહ દેખને કી ફુરસત હૈ? આપ કો પતા હૈ કી યહ જગહ કી ક્યા તવજ્જુ હૈ ઇસી લિયે આપ યહાં તક આયી હો…..

તેની વાત સાચી હતી જે મારે માટે રસદાયક હતું તે બીજાને માટે રસદાયક ન પણ હોય. ક્યારેક આપણાં હાવભાવ, ભંગિમા અને ઉત્સાહ ઘણી બધી વાતો કહી જાય છે.

ખેર, તે ચોકીદારે તો નીચે સુધી જવા કહ્યું પણ નીચે ઉતરવાના માટીના પગથિયાંની કન્ડીશન અમને સેફ ન લાગી તેમ છતાંયે ઉત્સુકતાવશ થઈ અમે અમુક અંતર સુધી ગયાં અને માટીમાં ધરબાયેલ ઇતિહાસ ઉપર હાથ ફેરવી તેને મહેસૂસ કર્યો.

ત્યાં ખોદકામ કરી રહેલાં લોકો સાથે વાતચીત કરી વિશેષ વિગત જાણવા પ્રયત્ન કર્યો. અંતે તે લોકોએ બતાવેલ અમુક જગ્યામાં રહેલ દટાયેલ હાડકાં, તલવાર વગેરે કેવી રીતે બહાર કઢાય તે થોડું જાણવા ને થોડું શીખવા પ્રયત્ન કર્યો પછી જ્યારે અમારી દુનિયામાં ઉપર આવ્યાં ત્યારે એ વાત સમજાઈ ગઈ કે; દબાયેલી ભૂમિ પણ પોતાની પાસે કેટકેટલા ઇતિહાસ અને ભવ્ય અતીતની કહાણીઓ લઈને ય એવી મૂક બેઠી હોય છે.  એ પહેલી નજરે જોતાં ખ્યાલ ન આવે, ને ખ્યાલ આવે તોયે એને પામવા માટે દરિયાનાં મરજીવાની જેમ ઊંડે ઊતરીએ તો જ એનાં મોતી આપણને મળવાનાં, અન્યથા નહીં.

© પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ
purvimalkan@yahoo.com

આપનો પ્રતિભાવ આપો..