“તાજા કલામને સલામ” (3) ~ કાવ્યનો આસ્વાદ ~ કવયિત્રી: અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’ ~ આસ્વાદઃ સપના વિજાપુરા
ગઝલ – “અઘરું પડે….!”
પ્રશ્નનો જો કોઈ ઉત્તર ના મળે, અઘરું પડે,
ને અધૂરી ઇચ્છા જ્યારે ના ફળે, અઘરું પડે.
આપણે જે કંઈ બધું ભૂલીને બેઠા હોઇએ,
તે જ પાછું આપણી બાજુ વળે, અઘરું પડે.
હોય લાખો દુ:ખ છતાં પણ રાખો મુખ હસતું સદા,
કૈંક જખ્મો અંદરોઅંદર કળે, અઘરું પડે.
સો વિરોધીઓની સામે હું લડત આપી શકું,
પણ કોઈ અંગત જો એમાં જઈ ભળે, અઘરું પડે
મેં જ સામેથી બધા સંબંધ તોડ્યા છે છતાં,
રોજ એની યાદમાં હૈયું બળે, અઘરું પડે.
~ કવયિત્રી: અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’
~ આસ્વાદઃ સપના વિજાપુરા
ભાવનગર નિવાસી કવયિત્રી અંજના ગોસ્વામી “અંજુમ આનંદ” એક કવયિત્રીની સાથે સાથે એક ગાયિકા, એક વકીલ અને ફેશન ડિઝાઈનર પણ છે. શિક્ષિકા તરીકે કવયિત્રીએ ત્રણ વર્ષ સેવા આપી છે. બાર વર્ષ બેંકમાં પણ જોબ કરી છે. એમને બેસ્ટ ફેશન ડિઝાઈનર નો એવોર્ડ પણ મળ્યો છે.
ચૌદ વર્ષથી ગીત-સંગીત સાથે જોડાયેલા છે. એમનો યાદ કર ગઝલસંગ્રહ પ્રકાશિત થયો છે. એમની રચનાઓ અવારનવાર અખબારો અને કવિતા, શબ્દસૃષ્ટિ, કુમાર, તમન્ના, શબ્દસર, કવિલોક, સમન્વિત જેવા નામાંકિત સામયિકોમાં પ્રકાશિત થાય છે. ઓલ ઇન્ડિયા રેડિયો – આકાશવાણી અમદાવાદ અને ભાવનગરના રેડિયો સ્ટેશન કાવ્યપઠન કર્યું છે.
નાની ઉંમરે ચોટદાર ગઝલ લખવાની કલા એમને સિદ્ધહસ્ત કરી છે . જીવન ક્યાં એવું સહેલું હોય છે. જિંદગી પ્રશ્નાર્થ ભરેલી હોય છે. અને પ્રશ્નના જવાબ મળતા નથી ત્યારે કેટલું અઘરું પડે છે. કવયિત્રીની આ ગઝલ મુસલસલ બની છે. ‘અઘરું પડે’ રદીફ લઇ તેમ જ ચુસ્ત કાફિયા લઇ બનેલી આ ગઝલ કદાચ આપણાં જીવનનાં સવાલો ના જવાબ આપી શકે !
પ્રશ્નનો જો કોઈ ઉત્તર ના મળે, અઘરું પડે,
ને અધૂરી ઇચ્છા જ્યારે ના ફળે, અઘરું પડે.
કોઈ પ્રશ્નનો જવાબ સાંભળવાની તાલાવેલી દરકે પ્રેમિકાના દિલમાં હોય છે. ઘણાં પ્રશ્નનાં જવાબ આંખોથી વાંચી લેવાના હોય છે! પણ જે આહલાદકતા મધમીઠી જબાનથી મળે એ આંખોથી મળે એમાં ન હોય, એટલે પ્રશ્નો ઉત્તર સાંભળવા બેતાબ થયેલી પ્રેમિકા માટે ઉત્તર ના મળે તો અઘરું પડે!
ફક્ત પ્રેમિકા શા માટે કોઈપણ સંબંધમાં વાર્તાલાપ જરૂરી છે. પછી એ પતિપત્ની હોય, ભાઈ બહેન હોય કે બીજા કોઈ પણ સંબંધ હોય વાર્તાલાપ એ સંબંધને સબળ રાખવાની ચાવી છે. ગેરસમજ ના કરવી હોય તો પ્રશ્નના ઉત્તર પણ આપવાં પડે, નહીંતર અઘરું પડે! પ્રેમિકા પ્રશ્નના જવાબની રાહમાં છે અને જવાબ મળ્યો નથી! ઈચ્છા અધૂરી રહી જશે! ઈચ્છા ફળશે નહીં! અઘરું તો પડે!
આપણે જે કંઈ બધું ભૂલીને બેઠા હોઇએ,
તે જ પાછું આપણી બાજુ વળે, અઘરું પડે.
ભૂતકાળ બધાને હોય! કડવો મીઠો! યાદ રાખવા જેવો ભૂલી જવા જેવો! પણ એ બધું ભૂલીને બેઠા હોઈને અને ફરી એ બધું સામે આવે તો અઘરું પડે! મુકેશનું ગીત યાદ આવે છે, ” ભૂલી હુઈ યાદો મુજેહ ઇતના ના સતાવો, અબ ચૈન સે રહેને દો મેરે પાસ ના આવો.” પણ યાદ ઉપર આપણો કાબુ ક્યાં હોય છે? યાદ તો ક્યારે પણ આવી જાય. કોઈ રસ્તે મળી જાય અને છાતીમાંથી ટીસ ઉઠે! અથવા કોઈના તીર જેવા શબ્દો સોંસરવા નીકળ્યા હોય, માંડ કરીને ભૂલ્યાં હોઈએ અને ફરી બીજા તીર વાગે તો અઘરું તો પડે!
હોય લાખો દુ:ખ છતાં પણ રાખો મુખ હસતું સદા,
કૈંક જખ્મો અંદરોઅંદર કળે, અઘરું પડે.
બધાં હસતા ચહેરા સુખી નથી હોતા! પણ હસતા ચહેરાની પાછળ દર્દ છુપાયેલું હોય છે. કેટલાય દુઃખો છૂપાવીને માનવી હસતું મોઢું રાખે છે. અંદર અંદર જખ્મો કળતાં રહે છે. કહે છે ને કે “તુમ ઇતના જો મુસ્કુરા રહે હો, ક્યાં ગમ હૈ જિસકો છૂપા રહે હો!” કોણ કેટલું દુઃખી છે, એ એનો ચહેરો દેખાડતો નથી. ચહેરા પર લોકો હાસ્યના મોહરા પહેરીને ફરતાં હોય. હૃદયમાં તડપતાં ગમને ઓળખવા માટે હૃદયની જ આંખો જોઈએ! ચહેરા તો હંમેશા જૂઠ બોલતા હોય છે. શાવરમાં રડતી આંખોના આંસુ કોઈ જોઈ નથી શકતું! પણ જખ્મોને કળતાં જોવાં અઘરાં તો પડે!
સો વિરોધીઓની સામે હું લડત આપી શકું,
પણ કોઈ અંગત જો એમાં જઈ ભળે, અઘરું પડે
જેના પર વિશ્વાસ હોય જે આપણી પડખે છે એવી ખાતરી હોય એજ આપણા દુશમન સાથે ભળી જાય તો કેટલું દુઃખ થાય! વિરોધીની સામે લડત લડી લઈએ પણ આપણો પ્રિયજન એ વિરોધી સાથે ભળી જાય તો! આપણાં હથિયાર હેઠાં પડી જાય! જ્યારે કોઈ અંગત આપણી સામે પડી જાય તો. ” કોઈ દુશમન ઠેસ લગાયે તો મીત જીયા બેહલાયે, મનમીત જો ઘાવ લગાયે ઉસે કૌન મીટાએ ” મનમીત જો બીજા સાથે ભળીને ઘાવ આપે તો અઘરું તો પડે!
મેં જ સામેથી બધા સંબંધ તોડ્યા છે છતાં,
રોજ એની યાદમાં હૈયું બળે, અઘરું પડે.
ઘણાં સંબંધો તોડ્યા પછી પણ તમારી સાથે સાથે ચાલતાં હોય છે. ગુસ્સામાં આવીને કે મજબૂરીથી સંબંધ તોડવા પડે છે. પણ એ સંબંધ દિલથી નથી તૂટતાં પણ એ સંબંધ તમારી સાથે કબર સુધી જતાં હોય છે. એ સંબંધની કડવી મીઠી યાદ રોજ તમને તડપાવી જતી હોય છે. તમને લાગે છે કે તમે એને ભૂલી ગયા પણ એ તમારી સાથે શ્વાસોની જેમ વળગેલા હોય છે. ” હમ તો સમજે થે કે હમ ભૂલ ગયે હૈ ઉનકો , ક્યાં હુઆ આજ એ કિસ બાતપે રોના આયા” આમ કોઈને કોઈ વાતે આપણે પ્રિયને યાદ કરી લઈએ છીએ! એની યાદમાં હૈયું બાળી લઈએ છીએ! કોઈ ના જુએ એમ રડી લઈએ છીએ! અંજનાજી ખૂબ સુંદર ભાવવાહી ગઝલ!
***