‘આપણા માટે બહુ જીવ્યા, હવે બીજાને કામ આવીએ એથી રૂડું શું!’ (પ્રકરણ : 32) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા

પ્રકરણ : 32

બ્રોકરસાહેબની લગોલગ જઈ હું ઊભી રહી. આમ કોઈના તે પણ સંનિષ્ઠ સર્જકનાં ચાલુ પ્રવચને વચ્ચે જવું તે ન જ શોભે પણ મારું મન દુભાયું હતું અને લાંબો વિચાર કર્યા વિના હું ત્યાં જઈ ઊભી રહી. બ્રોકરસાહેબ બોલતાં અટકીને મને જોઈ રહ્યા. સભાગૃહમાં પણ ઉત્સુકતાનું મૌન. મેં શાંત દૃઢતાથી કહ્યું,

`આપણે અહીં સર્જકતાની અને સાહિત્યની વાત કરવા ભેગા થયા છીએ કે રસોઈ અને વાસણ ઊટકવાની! સૉરી, તમને દહીંવડાની રેસિપી આપવા હું નથી આવી. આ પુરુષ વક્તાઓ અને શ્રોતાની પત્નીઓ ઘરે છે અને પતિદેવ માટે રવિવારની સવારે ભાવતા ભોજન બનાવશે. અહીં પ્રવચનો આપી બધા ઘરે જઈ તૈયાર ભાણે જમવા બેસશે, ત્યારે તો રવિવારની સવારે સહુ આવી શક્યા છે. મારે તો ઘરે એઠાં વાસણ સિંકમાં પડ્યાં છે, પતિએ દીકરીઓ સાચવતા મને આગ્રહ કરીને મોકલી, હું સર્જક તરીકે આવી છું અને એ જ વાત થાય તો સારું. શું કહો છો બહેનો?’

થોડી સેકન્ડ સ્તબ્ધતા. પછી તાળીઓનો ગડગડાટ, આ વખતે બહેનો ઊલટથી જોરથી તાળી પાડતી હતી. બ્રોકરસાહેબે સ્વસ્થતાથી વક્તવ્ય પૂરું કર્યું. સમારંભ પૂરો થયો, મેં બ્રોકરસાહેબને સૉરી કહ્યું પણ એમણે તો રાજી થઈ વાત્સલ્યથી મારી પીઠ થાબડી! પાછળ ફરીને જોઉં દહીંવડાવાળા લેખક અદૃશ્ય!

એંસીનાં દાયકાનો બીજો અનુભવ.

એક કૉલેજમાં લેખિકા ગોષ્ઠી હતી. રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સમાં થોડી લેખિકાઓ અને આમંત્રિત મહિલાઓ હતી. હું અને ઈલા અમે બહેનો પણ ત્યાં હતાં. આયોજક મહિલા પ્રોફેસરે આરંભ કર્યો, મારે લેખિકાઓને આમંત્રણ આપવું હતું પણ આશ્ચર્ય બધી મહિલાઓનાં નામ પાછળ પતિની જ અટક! (એ બહેન અપરિણિત હતાં.)

અમે તરત કહ્યું, અમે લખવાની શરૂઆત કરી પછી ફૅમિનીઝમનું મોજું આવ્યું. અત્યારે ઘણી મહિલાઓ લગ્ન પછી પિતાની અને પતિ બન્નેની અટક રાખે છે પણ ત્યારે એવી સમજ ન હતી, અને હવે અમારું આખું નામ જ અમારી આઇડેન્ટિટી છે. એનો જવાબ અમને ન મળ્યો.

બીજા પ્રોફેસરે ચર્ચામાં ઝુકાવ્યું. અમૃતા પ્રીતમ અને ઇમરોઝની રિલેશનશીપની વાત કરી. સાહિર અમૃતાને ત્યાંથી જાય પછી તેની અડધી બળેલી સિગરેટ અમૃતા પીતા.

સાહિર અને અમૃતા

આપણી ગુજરાતી લેખિકાઓમાં એવી ગટ્સ જ નથી. 

બધી બહેનો નવાઈથી એકમેકને જોઈ રહી, શું લેખિકા બનવા ઍક્સ્ટ્રા મારિટલ રિલેશનશીપ જરૂરી છે? સિગરેટ અને સાહિત્યને શો સંબંધ?

મેં તરત કહ્યું, અમે બે બહેનો દારૂ, સિગરેટ નથી પીતા, કોઈ સાથે સુંવાળા સંબંધો પણ નથી. સ્ત્રી ઘરગૃહસ્થી સંભાળતા, પતિનું ભાણું સાચવતાં બાળકોને ઉછેરતાં જો અમે લખીએ તો અમે લેખિકા કહેવાઈએ કે નહીં! બીજી બહેનોએ પણ સૂર પુરાવ્યો, હા. સાચી વાત છે, આનો જવાબ આપો.

ચર્ચા જોરદાર સરાણે ચડી. સામો પક્ષ ઓઝપાયો. અમારી પર્સનલ લાઇફને સાહિત્ય સાથે શું કામ જોડવાની? પિતાની સરનેમ નામ સાથે જોડો તો એ પણ પિતૃસત્તાક સમાજની જ વાત થઈ ને! બધી બહેનોએ જોરદાર ચર્ચામાં ઝુકાવી દીધું હતું અને આ સાહિત્યગોષ્ઠિ હતી એ વાત જ લગભગ ભુલાઈ ગઈ. પછી ધીમે ધીમે ચિત્ર બદલાતું ગયું.

વર્ષો પહેલાંની આ વાતો. નાના મોટા અનુભવો. ત્યારે કદીક હાંસિયામાં ધકેલાઈ ગયાનો ભાવ થતો. પણ એક રીતે સારું થયું, આપોઆપ સમજાયું કે અંતે તો કૃતિ જ પોતાની જબાનથી બોલે છે.
* * *
મહેન્દ્રની વિદાય પછી અચાનક મારી હથેલીમાં સમય નામનો એક અદ્ભુત, દ્યુતિમય મણિ ઝળહળી રહ્યો હતો.

ત્યારે સમજાયું, ઓહો! સમયનાં કેટકેટલાં પરિમાણ છે! ક્યારેક એ વજનદાર કાળો ધબ્બ ઘાટઘૂટ વિનાનો પથ્થર તો કદીક પંખીનું પીંછું! હળવું હવામાં લહેરાતું. કદીક ગળે ઘંટીનું પડ તો ક્યારેક માથે લટકતી તાતી ધારદાર તલવાર. સ્વયં ઈશ્વર છે કાલોસ્મિ.

મારો આ કિંમતી મણિ એને કેમ સાચવું, એનું શું કરું એની શરૂઆતમાં ગમ પડતી નથી. એના તીવ્ર પ્રકાશમાં આંખો પણ અંજાય છે! મારી લાઇબ્રેરીમાંથી વાંચી નથી શકી એ પુસ્તકોની થપ્પી ટેબલ પર કરીને રાત્રે આંખ ઘેરાય ત્યાં સુધી વાંચું છું.

વર્ષોની ટેવ સવારે વહેલી ઊઠી જાઉં છું. ઘરમાં અભૂતપૂર્વ શાંતિ છે. જાણે ઘર પણ ધ્યાનસ્થ મુદ્રામાં. હવે કોને ઑફિસ, સ્કૂલ કે કૉલેજ!

અમે રે ઉડણ ચરકલડી તો ક્યારની ઊડી ગઈ છે! કોઈને માટે હવે કશું જ કરવાનું નથી. હું એકલી છું અને મારે માટે છું. આ સમય પર મારો જ સંપૂર્ણ અધિકાર. એનું હું ચાહે તે કરું. ચાનો કપ લઈ મારી સામેની ખાલી ખુરશીને તાકતી અખબારો વાંચું છું. બ્રેકફાસ્ટ, લંચ, ડીનર કોઈને કશું પૂછવાનું નથી.

હવે મારી દુનિયામાં માત્ર હું જ. તો ચાલો શરૂ કરું અભિયાન. રસોડામાં જઈ ઊભી રહી. એક વખતનું કલરવતું, મને નાનું પડતું હતું રસોડું હવે સુવાંગ મારું જ હતું. એક વિચિત્ર લાગણીથી મન ભરાઈ ગયું. એક સમયે પ્લૅટફૉર્મ અને ગૅસનો ચૂલો મારું રાઇટિંગ ટેબલ હતું. રસોડાને જોઈ રહી. ઓહો કેટલું ભરચક્ક!

મારા પરિવારમાં મોટીબહેનનો પુત્ર સાથે રહેતો હતો, મહેન્દ્રને ઑફિસનાં કામમાં મદદ કરતો પ્રવીણ પણ જાણે પરિવારનો સભ્ય. બાઇ અને નોકર. સાંજે રસોઈ કરવા આવતા મહારાજ, દીકરીઓની બહેનપણીઓ અને મહેન્દ્રનાં મિત્રોની આવનજાવન, જન્મદિવસની પાર્ટીઓ, મિત્રો માટે રસપુરીનું જમણ આ સઘળું વસાવતી ગઈ હતી. મોટાં વાસણો, બરણીઓ, ક્રોકરી…

થયું હવે આ બધું કોને માટે? દીકરીઓ આવે ત્યારે નીતનવી રેસ્ટોરન્ટ્સમાં જવાનું. હવે ઘર (અને મન પણ) ખાલી કરવાનો સોનેરી સમય આવી ગયો. પાડોશીઓને, ઘરની નીચે ઈરાની હોટલને, વૉચમૅન, બિલ્ડિંગમાં સફાઈ કરતાં લોકો, શાક લાવતી બાઈ… બધાને વસ્તુઓ આપતી ગઈ. કબાટો સાફ કર્યા, નાની બરણીઓ લઈ આવી. ખપ પૂરતું જ અનાજ.

સંસારનો પથારો સંકેલતા જઈ મારા પૂરતું નાનકડું વિશ્વ રચી દીધું. વર્ષો જૂનું ઘર અને એવો જ સામાન. શિવાનીએ જૂનું બધું ફેંકી દઈ ઘરનો નવો અવતાર કર્યો. હું પણ મન ઉલેચતી ગઈ. ઘર અને મન બન્ને હળવાફૂલ!

શિવાની હોંગકોંગથી વ્યસ્ત શેડ્યુલમાંથી પણ અહીં સુધી દોડી આવી મારી અને ઘરની કાળજી લેતી હતી, ત્યારે મને યાદ આવ્યું, મહેન્દ્રની પ્રાર્થનાસભામાં મારી બે બાજુ દીકરીઓ રિદ્ધિસિદ્ધિની જેમ બેઠી હતી ત્યારે કોઈએ મને ઠાવકાઈથી પૂછેલું, તમને બે દીકરી જ છે? દીકરો નથી? અધ્યાહાર રાખેલા વાક્યથી બન્ને દીકરીઓ રોષે ભરાઈ હતી પણ પ્રસંગની ગરિમા જાળવવા ચૂપ રહી હતી.

મહેન્દ્રએ મને આઇસીયુમાંથી કહ્યું હતું, મારે તને મુક્તિ આપવી છે. એની એ કિંમતી ભેટ હતી. પણ ભર્યાભાદર્યા ઘરમાં સાવ એકલા પડવું પુરુષ અને સ્ત્રી બન્ને માટે અઘરું છે. એટલે યુવાનીમાં વ્યસ્ત હોઈએ ત્યારે જ કોઈ શોખ, પૅશન કેળવવું જોઈએ જે જીવનનો આધારસ્તંભ બની રહે. પણ હું એકલી નથી. હું મારી સાથે રહું છું, મારી કલમ પણ સાથે ને સાથે. હું ખુશ છું.
* * *
કોઈ મારા પરિચય / મુલાકાતમાં કહે છે તમે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું.

ના. કલમે મારા જીવનને સમૃદ્ધ કર્યું. જીવનની નવી તરાહની દિશા ચીંધી. અનેક અનુભવોથી સભર બની.

એક વખત સુરતમાં મોટા પાયે પુસ્તકમેળો હતો, અનેક સર્જકોનાં રોજબરોજનાં કાર્યક્રમો.

પુસ્તકમેળામાં મારું પેવેલિયન

હું જે હોટલમાં રહેતી હતી, ત્યાં એક સાંજે સુરતનાં સજ્જનો આવ્યા, બહેન, અમારી સાથે ચાલો, અમારા ગુરુ પાસે.

ભાઈ, તમને ન ઓળખું ન પાળખું, ન તમારા ગુરુને. હું શું કામ આવું?

અમારા ગુરુ ભારતનાં જુદા જુદા શહેરોમાં યજ્ઞ કરે છે. એક પ્રતિભાવંત મહિલાનું સન્માન કરી પુરસ્કાર આપે છે, એક લાખ રૂ.નો પુરસ્કાર તમે સ્વીકારો.

જે સંસ્થા વિષે ન જાણતી હોઉં તેનો પુરસ્કાર કેમ લેવાય?

તેઓ ગયા, પરત આવ્યા, સાથે સંસ્થાના કાગળો, જગદ્ગુરુ રામાનંદાચાર્ય, રામનરેશાચાર્ય, કાશી. આયોજક અખિલ ભારતીય શ્રીમદ્ ન્યાસ, કાશી.

અને મારું નામ શી રીતે પસંદ થયું?

અમે એક પ્રબુદ્ધ લેખિકાનાં નામ માટે પૂછપરછ, તપાસ કરી અને બધેથી તમારું જ નામ સૂચવાયું, ગુરુજીનો આગ્રહ છે આપ પધારો.

હું સડક થઈ ગઈ. મારી કોઈ દલીલ કામ ન લાગી, યજ્ઞસ્થળે હકડેઠઠ મેદની વચ્ચે મારા હાથણાં જગદ્ગુરુ રામનરેશાચાર્યજીએ મારા હાથમાં લાખ રૂ.ની નોટો મૂકી. આઇ વોઝ ડેઝ્ડ. રામનરેશાચાર્યજી અત્યંત સૌમ્ય શાંત વ્યક્તિત્વ. અમે એકમેકને દૂરથી વંદન કર્યા. બે ભાઈઓ મને કારમાં હોટલ સુધી મૂકી ગયા.

દિવસો સુધી હું સ્વપ્નવત્. આ ઍપિસોડને કેવો અનુભવ ગણું એ સમજાય નહીં, બીજે દિવસે મોટું ફ્રેમ કરેલું સન્માનપત્ર મળ્યું. જગદ્ગુરુ રામાનંદાચાર્ય પુરસ્કાર અલંકરણ સમારોહ. જગદ્ગુરુ રામાનંદાચાર્યની 717મી જયંતિનાં પાવન પ્રસંગે સુપ્રસિદ્ધ સાહિત્યકાર વર્ષા અડાલજાનું પુરસ્કાર રૂપે સન્માન.

પહેલદાર હીરા જેવા કેટકેટલા પાસા જીવનને છે! પ્રકૃતિ એમાંથી કેવા કેવા રંગો પરિવર્તિત કરે છે!

આ જ્ઞાનનાં વિસ્ફોટનો યુગ છે. ટી.વી. પરનાં ક્વીઝ શો જોઈ હું છક્ક થઈ જાઉં છું. અઘરા પ્રશ્નોનાં ઉત્તરો નાનાં બાળકો ય ફટાફટ આપી દે છે. ધરખમ ઈનામો જીતે છે પણ જીવનનાં પાયાની આપણી સમજ કાચી કેમ રહી છે!

હરીન્દ્ર દવેનો એક સરસ લેખ હતો, ઘણી પ્રભાવશાળી રાજરાણીઓ થઈ ગઈ પણ શા માટે મીરાંને જ આપણે સ્મરીએ છીએ!

હરીન્દ્રભાઈ ગાલિબનો શેર ટાંકે છે,

`જિંદગી યૂં હી બિસર જાતી
ક્યૂં તેરા રેહગુઝર યાદ આયા?’

મીરાં બીજી રાણીઓ જેવી ન બની રહી, એ સંસારની જાળમાંથી નીકળી ગઈ હતી. ઘણીવાર વિચારું છું, મારું જીવન બ્યુટી અને ફેશન કૉલમમાં જ પૂરું થયું હોત. દુનિયાનાં ઉછળતાં માનવમહેરામણમાં હું પણ મોજું બની વિલીન થઈ ગઈ હોત પણ…

ક્યૂં તેરા રેહગુઝર યાદ આયા?
* * *
હવે સાહિત્યની મોસમ ખીલી ઊઠી હતી. સાહિત્યના અનેકવિધ કાર્યક્રમો સતત યોજાઈ રહ્યા હતા. ગુજરાતનાં નાનાંમોટાં શહેરોમાં, હવે લિટરેચર ફૅસ્ટિવલમાં મંડપો ભરચક્ક રહે છે. પુસ્તક વિમોચન અને પ્રદર્શનો પણ ભરપૂર.

મુંબઈમાં પણ રાજ્યની સાહિત્ય અકાદમી અને અનેક સાહિત્ય વર્તુળો છે, ભારતીય વિદ્યાભવનમાં સંગીત, નાટક અને સાહિત્યનાં રોજ સ્વાદિષ્ટ રસથાળ પીરસાય છે. ગુજરાતી સાહિત્ય પરિષદની મિટિંગો, અધિવેશન અને જ્ઞાનસત્રો માટે ગુજરાત અને ભારતનાં જુદાં જુદાં શહેરોમાં હું સતત પ્રવાસ કરું છું.

ગુજરાતી સાહિત્ય પરિષદ જ્ઞાનસત્રમાં
સન્માન સમારોહ

હવે શેની ચિંતા! ઘરકો કરો બંધ ઔર નિકલ પડો. ઘરની ચાવી સદાય પર્સમાં.

`यस्याति सद्ग्रंथविमर्शभाग्यं किं तस्य शुष्कोश्चपला विनोदैः ।।

સુભાષિત છે, જેને સારા સારા ગ્રંથો વાંચવા વિચારવાનું સદ્ભાગ્ય મળ્યું છે તેને ચપલા-લક્ષ્મીનાં શુષ્ક વિનોદની શી ગણતરી! કોઈવાર પુરસ્કાર તો કોઈવાર હરિ હરિ. (એ વખતે થતું લક્ષ્મીજી કૃપા કરશે તો હોંશથી જરૂર ઝીલીશું) પણ મનમૌજી ફરવું, મળવું, માણવું એનો કેટલો આનંદ!

એક પ્રસન્નકર ચિત્રનો પણ આનંદ. અનેક યુવા, વયસ્ક લેખિકાઓ સાહિત્યનાં સ્વરૂપોમાં કામ કરે છે, પુસ્તકો પ્રગટ થાય છે, ગુજરાતી ભાષા ધબકતી રહે છે.

મારા વિશ્વમાં હું મારી સાથે

* * *
ગુજરાત જાઉં એટલે ભાઈને ત્યાં ધામા. શિશીરભાઈ પણ મહેન્દ્રની જેમ અંતર્મુખી. ઓછા મિત્રો. તેજતરાર્ર જીવન એને અરઘે જ નહીં એટલે એણે મુંબઈ છોડી દીધું હતું. અમદાવાદનાં મારા કાર્યક્રમમાં પણ ન આવે. હા, મારા માટે ખૂબ રાજીપો અનુભવે.

આટલાં વર્ષોમાં એક અપવાદ હતો. મને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો તેનો ઝાકઝમાળ સમારંભ, વિશ્વકોશભવનમાં કુમારપાળ અને મનુભાઈએ ગોઠવ્યો હતો. એમાં ભાઈભાભી બન્નેને જોઈ હું અત્યંત આનંદિત હતી, ચંદ્રક સ્વીકારતાં પપ્પાની સ્મૃતિ થતી હતી અને સામે મારો પરિવાર.

ભાઈ ભાભી સાથે

મારા માટે આ અણમોલ ઘડી. જીવનનું સંચિત પુણ્ય જાણે. પપ્પાને `દરિયાલાલ’ માટે 1945માં ગુજરાતી સાહિત્યનું આ સર્વોચ્ચ સન્માન મળ્યું હતું અને મને 2005માં. પિતૃતર્પણનાં આનંદથી આંખ ભીની થઈ ગઈ હતી. સભાખંડ ભરચક્ક. કેટકેટલા મિત્રો, વાચકો દૂરદૂરથી આવ્યા હતા! એ પછી ભગતભાઈએ મારા સન્માનને સેલિબ્રેટ કરતાં સરસ પાર્ટી આપી હતી.

બીજે દિવસે સવારે ભાઈએ ઘરે મને તિલક કરી સોનાનું લૉકેટ ભેટ આપ્યું. મારે મન આ બીજો શિશીર સુવર્ણચંદ્રક!

ભાઈ શિશીર

નિવૃત્તિ પછી ભાઈએ રીતસર પલાંઠી મારી વાંચનયજ્ઞ આરંભ્યો હતો. એકાઉન્ટ્સનાં કામની સામેથી ઘણી ઑફર, ક્યારેક આગ્રહ પણ ભાઈ તે ભાઈ. એક જ પુત્ર છે, એની જરૂર પૂરતું કમાઈ લે છે તો હવે આ આંકડાઓની ઇન્દ્રજાળ શું કામ? દર મહિને એક પુસ્તક ખરીદવાનું. અંતિમ તારીખે એ પૂરું જ હોય. ધ્યાનથી વાંચેલું હોય. લીટીઓ દોરેલી હોય. કાળજીથી પૂંઠું ચડાવેલું હોય. વ્યવસ્થિત કબાટમાં ગોઠવેલું હોય.

શેક્સપિયરનાં નાટકોથી યજ્ઞારંભ. પછી સંસ્કૃત નાટકો. બધાં પુસ્તકો તેનાં પરનાં અભ્યાસલેખ સાથે જ ખરીદે. એ માટે અનેક બુકશૉપ્સ, ગુજરીબજાર સુધી જાય. મુંબઈ મારે ઘરે આવે ત્યારે અમારી આવી જ રખડપટ્ટી હોય. ગીતાનાં તો કેટલાંય પુસ્તકો એના ભંડારમાં.

પછી વારો આવ્યો ગુજરાતી સાહિત્યની ઉત્તમ કૃતિઓનો. અંગ્રેજી સાહિત્યના દળદાર ગ્રંથો પણ એનાં કલેકશનમાં. શેરલોક હોમ્સ, આગાથા અને પી.ડી. વુડહાઉસ તો આમ પણ અમારા ફૅમિલી ઑથર.

વર્ષો સુધીનો અખંડ જ્ઞાનયજ્ઞ. અમે બહેનો એને ત્યાં કુટુંબમેળો કરીએ ત્યારે એને ખૂબ વઢીએ ય ખરા, તું એકલસૂરો છે, ઢગલાબંધ કમાઈ શક્યો હોત, ઠાઠથી રહી શક્યો હોત. પણ કદાચ એટલે જ એની પર ખૂબ વહાલ ઊપજતું.
* * *
જેમ ભાઈ પાસે એમ બા પાસે જવા પણ મન ખૂબ ખેંચાય. ઊપડી જ જાઉં રાજકોટ. પપ્પાના અવસાન પછી અમારા સહુને ત્યાં ફેરા ફરતી બાએ આખરે ભક્તિનો કૂવાથંભ પકડી જીવનની હાલકડોલક નાવને સ્થિર કરી હતી.

બાનું ગરવું રુપ

બા અને બિંદુબહેનનાં અંગત કામ પણ મારે જોવાના હોય, પપ્પાનાં પુસ્તકોનો વ્યવહાર પણ મારે જ સંભાળવાનો હોય. મહેન્દ્ર તો રાજકોટ જવા સદા તત્પર રહેતા. બાને મળવાનું એમને ગમતું. પછી એમના મિત્ર સાથે રાજકોટથી જૂનાગઢ ગિરનારયાત્રાએ ઊપડી જાય.

હું જ્યારે બાને મળું એક એક ડગલું પ્રકાશની પગદંડીએ માંડતા હું એને જોતી. કાચબાની જેમ વૃત્તિઓ સંકોરી એ સંસાર સામે ઢાલ બની ગઈ હતી. પતિતર્પણમાં એણે સાપ કાંચળી ઉતારે એમ પૂર્વજીવન ઉતારી નાંખ્યું હતું. શરીર કૃશ પણ મનમાં ચેતનાની ધૂણી ધખધખે. મૂર્તિમંત કરુણામૂર્તિ!

ભજનમંડળ મંદિરમાં રચી, પૈસા ભેગાં કરે. એમાંથી ગરીબ વિદ્યાર્થીઓને ભણાવે, તો કોઈનાં ઘરમાં ચૂપચાપ અનાજ પહોંચી જાય. અમારા સંસારમાં માથું ન મારે, સાધારણ પૂછપરછ પણ નહીં. કોઈ કિંમતી ચીજ ખરીદું એટલે તરત કહેશે, મને પૈસા નહીં આપે? મારે જોઈએ છે. વારતહેવારે અમને એક સાડલો ય ન આપે, તમારે વળી શી જરૂર છે!

સૌરાષ્ટ્રમાં દુકાળ પડ્યો ત્યારે બાએ બહુ કામ કરેલું. પોસ્ટકાર્ડ વાંકાચૂંકા અક્ષરે આવે, કપડાં, પૈસા મોકલજે. મહેન્દ્રના મફતલાલ મિલ સાથે જૂના સંબંધો. કટકા, રેગ્સ, સેકન્ડ્સનાં પોટલાં એ બધું ટ્રકમાં બાને મોકલે.

બાની એક વાત કમાલની. વરસે દહાડે જાત્રાએ ઊપડે, પોસ્ટકાર્ડ એલાન કરે, હું જાઉં છું, મારી ચિંતા કરશો નહીં. અરે ભઈ, એ જ તો ચિંતાનું કારણ!

લખે, ગુરુજીની રૉયલ્ટીનાં પૈસા મોકલજે. હું ગુર્જર પ્રકાશનનાં મનુભાઈને ફોન કરું, બાને રાજકોટ પૈસા પહોંચાડજો. નહીં હિસાબ કે કિતાબ. મનુભાઈ તો તરત જ બાને હાથોહાથ રાજકોટ પૈસા પહોંચાડે. બા જાય તો જાય સાથે મંદિરમાં આવતી. એકલી પડેલી વયસ્ક અને વિધવા બહેનોને ય જોડે લઈ જાય. બધી વ્યવસ્થા બા જ કરે. કેવડું મોટું જવાબદારીનું પોટલું!

અમે વિરોધ નોંધાવીએ. બાનો એક જ જવાબ હશે બેટા! સહુનો ભગવાન છે. એમને કોણ લઈ જાય! સૌરાષ્ટ્રનાં નાનાંમોટાં તીર્થસ્થાનોથી માંડી એ છેક નેપાળ સુધી બધાંને લઈ ગયેલી.

એકવાર બા હરિદ્વારના કુંભમેળામાં ઊપડી, તેય આઠ-દસ મહિલાઓને લઈને. અમારું માને! અમ ભાઈબહેનોનો જીવ ચપટીમાં. એક મહિના પછી એ બહેનો બધી પરત ફરી, બા રોકાઈ ગઈ અન્નક્ષેત્રમાં મદદ કરવા. ન કોઈ ખત ન ખબર. પાછી આવી ત્યારે અમે નારાજ પણ એનો એક જ જવાબ, આપણા માટે બહુ જીવ્યા હવે બીજાને કામ આવીએ એથી રૂડું શું!

એક દૃશ્ય મનમાં તાદૃશ્ય થાય છે. સ્મૃતિકિરણ ઝબૂક ઝબૂક થાય છે.

એક વખત બા પાસે રાજકોટ હતી ત્યારે મહેન્દ્રના થોડા મિત્રો મને બાને મળવા આવ્યા. વાતમાં કોઈએ વિનંતી કરી, માડી! શિવમહિમ્નસ્તોત્ર ગાઓ ને! મેં કહ્યું, ભાઈ બા તો ગુજરાતી ભજન ગાય. એને સંસ્કૃત શિવમહિમ્ન ક્યાંથી આવડે? એમણે કહ્યું, ના હોં બહેન! બા મંદિરમાં કથા કરતા ગાતા હતા, મેં સાંભળ્યાં છે. ત્યાં તો બાએ મધુર સ્વરે સ્તોત્ર ગાવા માંડ્યું.

ધ્યાનસ્થ મુદ્રા, કપાળે ભસ્મ, સફેદ વસ્ત્રો અને અસ્ખલિત વહેતી સ્ત્રોતધારા. હું માની નહોતી શકતી. શૈશવમાં ગામડામાં બેચાર ચોપડી ભણેલી બાએ કેવી રીતે સંસ્કૃત શ્લોકો કંઠસ્થ કર્યા હશે! એણે કોઈ ફિલૉસૉફીનાં ગ્રંથો તો વાંચ્યા નહોતા, છતાં સમજણની આ ભૂમિકાએ પોતાની મેળે પહોંચવા કેટલું મથી હશે! આત્મદીપો ભવઃ સ્વયં ગુરુ, સ્વયં શિષ્ય.

સહુ બાને પ્રણામ કરી રહ્યા હતા. બા ભાવસમાધિમાં હતી. બાનાં મેં કેવાં કેવાં રૂપ જોયાં હતાં! પણ બાનું આ રૂપ કલ્પનાતિત! મારા મનમાં માતૃમહિમ્નસ્તોત્ર ગુંજી રહ્યું હતું. બા, તારે પેટે જન્મ લઈને કૃતાર્થોહમ્, કૃતાર્થોહમ્.
* * *
`મૃત્યુદંડ’ નવલકથા હૉસ્પિટલમાં મહેન્દ્રના આઇસીયુની સામેના વેઇટિંગરૂમમાં બેસીને લખી હતી ત્યારે એક બૃહદ નવલકથા લખવાની તીવ્ર ઇચ્છા થતી હતી.

વીતી ગયેલા સમયને ફ્રીઝ કરવો હતો. નામ પણ પહેલેથી મનમાં રમતું હતું. `ક્રૉસરોડ’. એક બૃહદ નવલકથા. પચાસ વર્ષનો મારા દેશનો ઇતિહાસ એક સાંસારિક કથામાં ગૂંથી લેવો હતો. એવા આછાપાતળા ખ્યાલ સાથે કથાકાળમાં સમયપ્રવેશ માટે હું વાંચવાનું શરૂ કરું છું, 1922થી કથાનો આરંભ એટલે સશસ્ત્ર ક્રાન્તિ, ક્રાન્તિવીરો વિષે, સ્વાતંત્ર્ય સંગ્રામનો માહોલ. પાર્ટિશન. વાંચું છું અને નોટ્સ લખતી રહું છું.

આ એક લાંબી પ્રક્રિયા હતી એટલે `ક્રૉસરોડ’ માટે વાંચવાનું સાથે નવલિકાઓ, સિરિયલ્સ કંઈ ને કંઈ લખાતું રહેતું. હજી મનમાં કથાપિંડ બંધાય એની પહેલાં મુંબઈનું લોકપ્રિય અખબાર ગુજરાતી મિડ ડેનાં તંત્રીનું આગ્રહપૂર્વકનું આમંત્રણ, નવલકથાની શરૂઆત કરવી છે પણ પહેલ તમારાથી. આજના સમયની, મુંબઈનાં જ અર્બન માહોલની નવલકથા આપો.

`ક્રૉસરોડ’નું પોટલું વાળી મૂક્યું ઉપર અને નવી નવલકથાનો રફ ડ્રાફ્ટ લખવા માંડ્યો. આજનો સમય `લાક્ષાગૃહ’નો છે. આજના સમયની તેજ રફ્તાર, સાંકડા થતાં જતાં મન અને ઘર. તલવારની જેમ સતત માથે લટકેલા જીવનનો તકાદો. આ બધાની નાગચૂડ માણસને ભીંસે છે.

એષણા અને એની તૃપ્તિ એ બેનો મેળ કદી મળતો નથી. મુંબઈ જેવા મહાનગરમાં જીવવાની મધ્યમવર્ગની મથામણ, નાના ઘરમાં સાથે રહેતાં, ભટકાતાં ભાઈબહેનોનાં અલગ અલગ સપનાં, એને સાકાર કરવાનો સતત સંઘર્ષ આ બધું કથારસમાં ઘોળીને નવલકથાનો પહેલો ડ્રાફ્ટ. પછી એને મઠારતાં પુનર્લેખન કરતાં આખી દળદાર નવલકથા તંત્રીના ટેબલ પર મૂકી દીધી. દર હપ્તે એક પ્રકરણ મને ફાવતું નથી.

`લાક્ષાગૃહ’ મિડ ડેમાં પ્રગટ થતાં ખૂબ લોકપ્રિય થઈ, કદાચ વાચકોને એમના જીવનનું, પ્રતિબિંબ લાગ્યું હોય! `લાક્ષાગૃહ’ને ઇનામો મળ્યા, આવૃત્તિઓ થતી રહે છે.

નૉવેલ ઇઝ અ રોડસાઇડ મિરર. રસ્તે આવતાંજતાં સહુ એમાં પોતાનું પ્રતિબિંબ નિહાળી શકે. આપણી આસપાસ બનતી રોજિંદી ઘટનાઓ, અખબાર અને ન્યૂઝપોર્ટલમાં આવતાં અનેક પ્રસંગો, પાત્રો એ બધું કળાની કાચી સામગ્રી છે, રોમટીરિયલ. પણ એમાંથી રસભર, હૃદયસ્પર્શી નવલકથા લખવી અઘરી છે. નાની ગલીકૂંચીઓમાંથી નીકળતા મુખ્ય રસ્તા સુધી પહોંચવા સાવધાની રાખવી પડે એવું આ કામ છે, પણ આનંદ તો અઘરા કામનો જ છે ને!
* * *
અચાનક એક સોનેરી અવસર આવીને ઊભો રહ્યો. બારસાખે આસોપાલવનાં તોરણ અને બારણે લાભ-શુભ કંકુનાં થાપાં.

બ્રિટનની ગુજરાતી લીટરલી એકૅડમી અને બ્રેડફર્ડનાં ગુજરાતી મિત્રમંડળે તેમની છઠ્ઠી ભાષા સાહિત્ય પરિષદનું, બ્રેડફર્ડ-યુ.કે.માં આયોજન કર્યું હતું 29-04-2000માં.

એમાં સામેલ થવાનું મને અને ઈલાને એમની પુત્રીઓ તરીકે આમંત્રણ મળ્યું હતું. પણ માત્ર એટલા જ માટે આ અવસર સોનેરી નહોતો. આ ત્રિદિવસીય ભાષા પરિષદ ગુણવંતરાય આચાર્યની સ્મૃતિને સમર્પિત હતી.

જેતલસરમાં 1900માં એમનો જન્મ. 2000માં એમનું જન્મશતાબ્દી વર્ષ દરિયાપારનાં એમનાં અસંખ્ય વાચકો હોંશભેર ઊજવી રહ્યા હતા. યુ.કે.માં વર્ષોથી ગુજરાતી સાહિત્ય અકાદમીના વિપુલ કલ્યાણી ભાષા અને સાહિત્યના સંવર્ધનનું ઘણું કામ કરી રહ્યા હતા. અનેક મિત્રો એમાં સાથે હતા. એ સહુનું અમને પ્રેમપૂર્વકનું નિમંત્રણ.

એમના પ્રિય લેખકે અનેક સાગરકથાઓ દ્વારા ગુજરાતી પ્રજાનાં શૌર્ય, ખમીર અને વ્યાપારકૌશલને બિરદાવ્યા હતા. ઐતિહાસિક પુરાવાઓ સાથેની આ કથાઓએ ગુજરાતી સાહિત્યમાં નવો ચીલો ચીતર્યો હતો. એની ઉજવણી દરિયાપારના મિત્રો દબદબાથી કરવાના હતા.

1999માં અમને નિમંત્રણ મળ્યું, બરાબર એક વર્ષ પહેલા.

અને 2000માં ભાષા પરિષદ.

અમારી પાસે પાસપોર્ટ તૈયાર, યુ.કે.થી આવેલા બધાં પેપર્સ પણ ફાઇલમાં. વિઝા તો તરત જ મળી જશે ને! અમે જવા માટે થનગની રહ્યાં હતાં.

પણ છેલ્લી ઘડીએ કેવા વિઘ્નો! અમારો જીવ છેલ્લી ઘડી સુધી ચપટીમાં, એક વર્ષ પહેલાં નિમંત્રણ, નિયમાનુસાર પેપર્સ, છતાં જવાશે કે નહીં!

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. સુંદર @ અતિ સુંદર ગુજરાતી ભાષા કદી n ભૂલી શકે તેવી વાતો @હાર્દિક સુભકામના અને અભિનંદન પાઠવી રહ્યો છું
    સ્વીકાર કરસોજી

  2. હંમેશા રહસ્ય દરેક હપ્તાને અંતે રાખી અમે વાચક પણ તમને વિઝા મળી જાય એવી ભાવના આવતા શુક્રવાર સુધી કર્યા કરીએ.