‘આઇ, ધ જ્યુરી – મારા જીવનનો હું જ નિર્ણાયક’ ~ લેખક: દિવ્યકાંત મહેતા ~ પુસ્તક અવલોકન: રિપલકુમાર પરીખ
આત્મકથા: ‘આઇ, ધ જ્યુરી – મારા જીવનનો હું જ નિર્ણાયક’
લેખક: દિવ્યકાંત મહેતા
પુસ્તક અવલોકન:
રિપલકુમાર પરીખ
સૌજન્ય: ‘ધબકાર’ અખબાર
સંઘર્ષથી સફળતાની અને પરિવાર સાથે પરિવર્તનની મૂલ્યવાન ગાથા
“એક મળવા જેવો માણસ
માણવા જેવો માણસ
અનુભવવા જેવો માણસ
ગામડાંની ધૂળમાં આળોટી
શહેરનાં ઉચ્ચ શિખર પર પહોંચનારો માણસ
કાયદાનો માણસ
છતાં કાળજાંનો માણસ
આત્મવિશ્વાસથી છલકાતો માણસ
શૂન્યમાંથી સર્જન કરનારો માણસ
કુટુંબનો માણસ, સમાજનો માણસ
માતાનાં સંસ્કારો ઉજાળનાર માણસ
એક અજબનો માણસ
એક ગજબનો માણસ
‘માણસ’ નામને સાર્થક કરતો માણસ”
– પ્રવીણ સોલંકી
સિદ્ધહસ્ત નાટ્યલેખક શ્રી પ્રવીણ સોલંકીએ જે ‘માણસ’નું આટલું અદ્ભુત વર્ણન કર્યું છે, તે ‘માણસ’ કોણ છે? શ્રી પ્રવીણ સોલંકી ઉપરાંત આદરણીય શ્રી મોરારી બાપુ, સૌના પ્રિય લેખક શ્રી જય વસાવડા, શ્રી શોભિત દેસાઈ, શ્રી ઉદયન ઠક્કર જેવાં આદરણીય સજ્જનો જેમનાં ખૂબ જ વખાણ કરે છે, તે ‘માણસ’ કોણ છે? તે જાણવાની તાલાવેલી કોને ન હોય?
આપણને સૌને જીવનમાં ખૂબ સફળતા પ્રાપ્ત કરવી છે, ખૂબ મોટું નામ કમાવવું છે. તે માટે આપણે સૌ વિવિધ પ્રકારના સેમિનારોમાં જઈએ છીએ. કોઈ એક વ્યક્તિ સ્ટેજ પરથી ઉત્સાહપ્રેરક વાતો કરીને આપણાં પૈસા ખંખેરી લે છે અને આપણે ખુશી ખુશી એ સેમિનાર પત્યા બાદ જાણે સફળ વ્યક્તિ બની ગયા હોઈએ તેવો ભાવ કેળવી લઈએ છીએ.
ખરેખર તો કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડતો હોય છે. આવી જ એક સંઘર્ષગાથા કહો કે જીવનયાત્રા જ્યારે દેશનાં એક નામાંકિત વકીલ રજૂ કરે ત્યારે તો તે માણવી જ જોઈએ.
ઉપર જણાવ્યું તેમ આ એ માણસ છે, જેના માટે ઘણાં મહાનુભાવો પોતાનો અહોભાવ પ્રગટ કરે છે. પોતાના ગામમાં પૈસેટકે સુખી એક માણસ જીવનમાં કંઈક બનવા માટે બધું જ છોડીને એક નવા શહેરમાં સંઘર્ષ કરે છે અને પછી તે જ શહેરમાં તે દેશનો સૌથી મોટો વકીલ બને છે.
આવા આ ખ્યાતનામ વકીલ જેવી સફળતા પ્રાપ્ત કરવા મથતાં દરેક વ્યક્તિએ વાંચવા જેવી એક અદ્ભુત આત્મકથા એટલે ‘આઇ, ધ જ્યુરી – મારા જીવનનો હું જ નિર્ણાયક’ અને આ પુસ્તકનાં લેખક એટલે ખ્યાતનામ વકીલ શ્રી દિવ્યકાંત મહેતા.
મુંબઈની સ્મોલ કોઝ કોર્ટમાં પ્રેક્ટિસ કરતાં રેન્ટ એક્ટનાં નિષ્ણાત અને ખ્યાતિપ્રાપ્ત વકીલ શ્રી દિવ્યકાંત મહેતાની કલમે લખાયેલી તેમની જીવનયાત્રા એટલે આ પુસ્તક ‘આઇ, ધ જ્યુરી – મારા જીવનનો હું જ નિર્ણાયક’.
સુવર્ણ અક્ષરોમાં મઢેલ શ્રી દિવ્યકાંત મહેતાની છબીથી શોભતું આકર્ષક આ પુસ્તકનું મુખપૃષ્ઠ પહેલી નજરે જ પુસ્તક વાંચવા માટે પ્રેરણા આપે છે. મલ્ટીનેશનલ કંપનીની રોયલ કોફી ટેબલ બુક જેવું ખૂબ જ સુંદર, ભવ્ય અને કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવેલું આ પુસ્તક લેખકની પોતાનાં જીવન પ્રત્યેની ધન્યતાનો અને ભવ્યતાનો અનુભવ કરાવે છે.
ગ્લોસી પેપર પર છપાયેલ, રંગીન તસવીરોથી સજ્જ આ પુસ્તકનો વિમોચન સમારોહ પણ એટલો જ ભવ્ય હતો. મુંબઈમાં ખ્યાતનામ વકીલો અને આદરણીય ન્યાયાધીશોની ઉપસ્થિતિમાં આ પુસ્તકનું વિમોચન મુંબઈ હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસ રહી ચૂકેલાં શ્રીમતી સુજાતા મનોહરે કર્યું હતું.
પૂજ્ય શ્રી મોરારીબાપુ આ પુસ્તક માટે પ્રસન્નતા વ્યક્ત કરે છે.
લોકપ્રિય લેખક શ્રી જય વસાવડા લખે છે, ‘શ્રી દિવ્યકાંત મહેતાની આ સ્મરણકથામાં મહુવાથી મૂળિયાની યાત્રા પાંખો પસારીને મુંબઈમાં ઊડે છે. સંઘર્ષ અને સફળતાની પ્રેરણા તો છે જ. પરિવાર અને પરિવર્તનની મૂલ્યવાન ગાથા પણ છે. સુધીર શાહ જેવા વિશ્વપ્રવાસી મિત્રો જોડે અવનવી ધરતીઓનું ખેડાણ, વિવિધ વકીલો અને કોમ્પલિકેટેડ કેસીઝ સાથેનું જોડાણ, દિલીપકુમારથી મોરારિબાપુ સુધીની વિભૂતિઓનો સંગાથ, વર્જીનિયાનું ગલૂડિયું અને મૂળરાજભાઈની વિદ્વત્તા જેવાં અનેક પ્રસંગોનો પરિચય આમાં છે.’
શ્રી શોભિત દેસાઈ પુસ્તકમાં જણાવે છે, ‘દિવ્યકાંત મહેતા એટલે સૌથી પહેલાં તો કાઠીયાવાડની ધીંગી અને મીઠી ધરાનો માણસ. મીઠી ધરાનો માણસ એટલા માટે કે દિવ્યકાંત મહેતા મહુવાનો માણસ… મહુવાનાં માણસમાં મહુવાનાં રમકડાં અને મહુવાનાં ભમરડા જેવી નાજુકાઈ તો હોય જ અને પાછો દિવ્યકાંત મહેતા આટલો સફળ વકીલ, એટલે એની આત્મકથા તો કેટલી બધી રસપ્રદ હોય જ. અને પાછી એમાં ફિક્શનની વાત પણ ભળેલી હોય, કારણકે કોર્ટની સાથેની સંલગ્ન એની આત્મકથા હોય જ. ‘
કુલ ત્રેવીસ પ્રકરણમાં વિસ્તરેલી આ આત્મકથામાં લેખકનાં જીવનની સુવર્ણ યાદો મઢાયેલી છે. અહીં મહુવાની મહેક છે, બાળપણનાં સંભારણા છે, મુંબઈનો સંઘર્ષ છે, રશિયાની રખડપટ્ટી છે, વકીલાતની શરુઆતની યાદો છે, લેખકે લડેલા નોંધપાત્ર કેસો અને લેન્ડમાર્ક ચુકાદાઓ છે, મોંઘેરા મિત્રોનો અતૂટ સાથ છે અને પરિવારનો પ્રેમ પણ છે.
લેખકે તેમની આ આત્મકથા તેમની માતાને અર્પણ કરીને લખ્યું છે, ‘મારા અસ્તિત્વના પાયા પર મારી માતા, મારાં હીરો છે.’
હેમંત એન. ઠક્કર, એન. એમ. ઠક્કર ઍન્ડ કુ., મુંબઈ દ્વારા પ્રકાશિત આ ક્લાસિક પુસ્તક સફળતા મેળવવા માંગતા તમામ વ્યક્તિઓ ઉપરાંત જીવનમાં કંઈક વિશેષ પામવાં માંગતા દરેક વ્યક્તિઓએ ચોક્કસ વાંચવું જોઈએ.
પુસ્તકમાંનાં કેટલાંક સુવિચારો માણીએ…
નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. એ સમજાયું ત્યારે જીવનમાં ઉતારવાનું નક્કી કર્યું કે ગોલ હંમેશા ઊંચો રાખવો. ધ્યેય ઊંચું હશે તો મહેનત કરવાની તાલાવેલી લાગશે. સંઘર્ષ, કઠોર પરિશ્રમ સિવાય બીજો વિકલ્પ નથી એ ખબર પડી ગઈ. મહેનત કરીને જીવનમાં નામ કમાવવું છે એ નિશ્ચય મેં ત્યારે જ કરી લીધો.
***
ભારતમાં જ્યારે કોઈએ કોમ્પ્યુટરનું નામ નહોતું સાંભળ્યું ત્યારે ૧૯૮૭માં મેં ‘Use of computer and Computer Laws in India ‘ વિશે એક પરિસંવાદનું આયોજન કર્યું હતું. એ પછી ૧૯૮૮માં હું મારી ઓફિસમાં કોમ્પ્યુટર લઈ આવ્યો હતો. ફેક્સ મશીન મારી પાસે પહેલેથી જ હતું.
***
મારા અગાઉ છપાયેલા લેખોની લોકપ્રિયતાને લીધે ‘ઈકોનોમિક ટાઈમ્સ’ જેવા પ્રતિષ્ઠિત અખબારમાંથી મને કોલમ લખવાનું નિમંત્રણ મળ્યું. મારાં પોતાનાં રેન્ટ એક્ટના ફિલ્ડમાં મારી માસ્ટરી આવી રહી હતી એટલે મેં લખવાનું શરૂ કર્યું. મારી આ કોલમ ૧૫ વર્ષ ચાલી હતી. મારી કોલમને મળતાં ઉત્તમ પ્રતિસાદ પછી મારાં લેખ ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ અને ‘ બોમ્બે ટાઈમ્સ’ માં પણ છપાવા લાગ્યા હતા.
***
માણસની ગમે તેટલી ઉજ્જવળ કારકિર્દી હોય છતાં દરેક વ્યક્તિમાં કોઈક પ્રકારનો ભય કે અસલામતી હોય છે પરંતુ, એ ભય દૂર કરીને જીવનમાં જે આગળ વધે છે એ મુકદ્દર કા સિકંદર બની શકે છે.કોઈ માણસ સંપૂર્ણ નથી હોતો. મારામાં પણ કેટલીક અધૂરપ હતી પરંતુ એ ક્ષતિઓને લીધે મારો આત્મવિશ્વાસ ક્યારેય ડગ્યો નથી. ઊલટું, એનો એક યોદ્ધાની જેમ હિંમતપૂર્વક સામનો કર્યો છે. આફતને અવસરમાં ફેરવવાની કલા મને હસ્તગત હતી તેથી મારી ઓછી ઊંચાઈ કે અંગ્રેજીનાં ફાંફાંએ મારી પ્રગતિ અટકાવી નથી.
જીવનમાં પડકારો ના આવે તો એની મઝા શું? તમારામાં એનો સામનો કરવાની હિંમત હોય તો કોઈ તમને આગળ વધતાં અટકાવી શકે નહીં.
પુસ્તક પ્રકાશક : હેમંત એન. ઠક્કર, એન. એમ. ઠક્કર ઍન્ડ કં., મુંબઈ .
પુસ્તક પ્રાપ્તિસ્થાન: દિવ્યકાંત મહેતા ઍન્ડ એસોસિએટ ઍડ્વોકેટ, મુંબઈ.
ટેલિ . : +91 22 22014002, 22014008, 40134008
મૂલ્ય : 500/-
શ્રીમતી જયશ્રી વિનુ મરચંટજી, શ્રીમાન હિતેન આનંદપરાજીનો ખૂબ ખૂબ આભાર, આટલાં મોટાં પ્લેટફોર્મ પર મારી રચના મુકવા બદલ. આ પુસ્તકનાં લેખક શ્રી દિવ્યકાંત મહેતાજીની સાથે પૂજ્ય શ્રી મોરારીબાપુ અને મારાં પ્રિય લેખક શ્રી સૌરભભાઈ શાહને જોઈને ખૂબ જ આનંદ થયો.