પેશાવર મેં આકર આપ યું હી જાઓગે તો હમારે શહર કા નામ બદનામ હોગા ~ ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ: 17) ~ પૂર્વી મોદી મલકાણ

તમે કોઈ શહેરમાં ફરવા ગયાં હોય અને ત્યાં તમને અચાનક તે શહેરની સૌથી નામાંકિત, માનનીય અને ધનિક વ્યક્તિ મળી જાય તો તમને કેવું લાગે? એમાંયે ન જાણતાં, ન પહેચાનતાં એ તમારું પ્રેમપૂર્વક સ્વાગત કરે ત્યારે કેવું લાગે? ખેર, મારે માટે તો આ એક શોક્ડ કહી શકાય તેવો અનુભવ હતો. એવો અનુભવ હતો કે તે ક્યારેય મારા જહનમાંથી જશે કે નહીં તે પણ સવાલ ઊભો છે.

કિસ્સા ખ્વાની બજારનાં દરેક ખૂણાને અમે સમજવા લાગ્યાં હતાં તેથી ઉસ્માનભાઈ સાથે અમે જાણે આ જ ગલીમાં મોટા થયાં હોય તેવી જ સહજતા અનુભવી રહ્યા હતાં. પણ તેમ છતાંયે એ સહજતાની વચ્ચે જેના પર અમારી નજર વારંવાર અટકી જતી તે હતી અમારા માથા ઉપરથી ઝળકતી ૨૦૦-૩૦૦ વર્ષ જૂની હવેલીઓ.

આ હવેલીઓ આજે પેશાવર હેરિટેજનો ભાગ હોવા છતાં તેની બાહ્ય સ્થિતિ જોઈ અમને તેની જર્જરિતતાનો ખ્યાલ આવી ગયો. હું એક ધક્કા સાથે યુરોપ – અમેરિકાની દિશા તરફ ધકેલાઇ ગઈ. પછી વિચારવા લાગી કે; જેમ અમારા અમેરિકામાં અને યુરોપમાં હિસ્ટોરિકલ ઇમારતોનું મહત્ત્વ સમજવામાં આવે છે તેવું મહત્ત્વ આ દેશ અને આપણો દેશ શીખી જાય તો આપણી ધરોહરની સાચવણીમાં આપણે પણ નંબરને પ્રાપ્ત કરી લઈશું.

એમ કેવળ એક વિચાર આ સંસ્કૃતિ જાળવવાનાં કાર્યમાં સાથ ન આપી શકે તેથી હું જ મારા વિચારનાં બીજને ફરી એ જ સમયનાં અંધારામાં છોડી ઉસ્માનભાઈની પાછળ પાછળ દોરાઈ ગઈ.

કિસ્સા ખ્વાની બજારમાં રહેલ કહાની કિસ્સાઓની સંખ્યા હવે વધી રહી હતી. તેથી જ જુઓને નાન, નાનભ, તંદૂર, ગાંધાર કલા, ક્રાંતિકારોની શહાદત, આપણાં  સુપરસ્ટાર્સનાં ઘરો, વગેરે વાર્તાઓને પાર કરતાં કરતાં અમે ગાંધાર અને મધ્ય એશિયા એમ બે સંસ્કૃતિની કલાને લઈને બેસેલી પેશાવરની એક બહુ પ્રખ્યાત ગલી તરફ નીકળી પડ્યાં.

તે સમયે બજાર અત્તરની સુગંધથી એવી મઘમઘી રહી હતી કે; મને મારા ઠાકુર યાદ આવી ગયાં. મારા ઠાકુર માટે આ જ બજારમાંથી અત્તરની ખરીદારી કરવી તેમ અમે નિશ્ચય કરી એક સેઇપરમાં (દુકાનમાં) ગયાં.

અમને આવેલાં જોઈ સેઇપરવાળાએ પણ પોતાની મતિ પ્રમાણેનો અત્તર સાથે અત્તરનો ઇતિહાસ બતાવી દીધો, જે અમુક રીતે સાચો હતો.

તેનું કહેવું હતું કે આ અત્તરને મુઘલો પર્શિયાથી ભારતમાં લઈ ગયાં હતાં. મુઘલો ભારત આવ્યાં તે પહેલાં ભારતમાં સુગંધિત જળનો ઉપયોગ થતો હતો. આ સુગંધિત જળ માટે વિવિધ સુવાસિત પુષ્પોને ઉષ્ણજળમાં નાખી તેને રાત્રિભર ચંદ્રની શીતળતામાં રાખવામાં આવતાં. પછી બીજે દિવસે તે જળનો ઉપયોગ થતો હતો.

થોડીઘણી ચિટચેટ અને અત્તરની મોટી ખરીદારી કર્યા પછી અમે યુનેસ્કોએ જેને હેરિટેજ મોહલ્લા તરીકે માન્ય કરેલ છે તે શેઠી મોહલ્લા તરફ નીકળી પડ્યાં.

અમે જ્યારે શેઠી મહોલ્લા પાસે પહોંચ્યાં ત્યારે એક બેગમસાહેબા શોપિંગ કરીને આવી હતી. તેનો ડ્રેસ જોઈ મેં તેમને પૂછ્યું કે, ‘શું હું આપનો ફોટો લઈ શકું?’ આ સાંભળી તેઓ કહે, ‘શા માટે?’

મે કહ્યું; ‘હું ટુરિસ્ટ છું. પેશાવર ફરવા આવી છું. પેશાવર માર્કેટથી લઈ અત્યાર સુધીની સફરમાં મેં સ્ત્રીઓ ખાસ જોઈ નથી અને આપે પેશાવરી ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો છે. મારી પાસે બસ એક યાદ રહેશે કે હું કોઈ બેગમસાહેબાને મળી હતી.’

આ સાંભળી તેઓ કહે; ‘સિર્ફ ફોટુ નહીં લેના આપકો ઘર કે અંદર આના પડેગા.’ આટલું કહી તે બેગમસાહેબા અમને તેમના ઘરમાં લઈ ગયાં. આ ઘરમાં જઈ તેમના પતિ, પુત્રી અને પૌત્ર સાથે અમને મેળવ્યાં. ત્યારે હું જાણતી ન હતી જે મોહલ્લાનો ઇતિહાસ જાણવા અમે આવ્યાં છીએ તે ઇતિહાસ તેમના પૂર્વજોથી શરૂ થતો હતો.

મી. શેઠીના પૂર્વજો મૂળે હિન્દુ વ્યાપારી હતાં. તેમનો લાકડાનો અને અન્ય વસ્તુઓનો બિઝનેસ ઈરાનના તાશ્કંદ, સમરકંદ, બુખારા, સાઉદી અરેબિયાના મઝારે શરીફ, મક્કા, રિયાધ, ચીન, અફઘાનિસ્તાનના કાબુલ, ભારતના કોલકત્તા, રશિયા એમ વગેરે દેશોમાં ચાલતો હતો.

શેઠી પરિવારના ઘર બે શહેરમાં હતાં. એક ભારતના કોલકત્તામાં અને બીજું ઘર પેશાવરમાં હતું. આ ઘર પહેલાં નાનું હતું, કેવળ મધ્ય એશિયામાં જવા માટેનો એક પ્રવેશદ્વાર હતો. પણ ૧૯મી સદીના પૂર્વાર્ધમાં શેઠી પરિવારે અહીં પોતાની સાત હવેલીઓ બનાવી જેમાં અફઘાનિસ્તાનની ગાંધાર કલા અને મધ્ય એશિયાની કલાનો સમાવેશ કર્યો.

આ સાતેય હવેલી અને ગલીમાં પર્વતીય વૃક્ષોના લાકડાનો ભરપૂર ઉપયોગ કરેલો. આ હવેલીઓનું બાંધકામ ૧૮૩૪થી શરૂ થયેલું જે ૧૮૮૪માં એમ ૫૦ વર્ષે પૂરું થયેલું.

આઝાદી અને અખંડ ભારતના વિભાજન પહેલા પેશાવર અને કોલકત્તામાં રહેતાં અને લાકડાનો બિઝનેઝ કરતાં શેઠી પરિવારને અંગ્રેજોએ સાથે ખૂબ સારા સંબંધો હતાં. તેથી તેમની પાસેથી સબસીડી લઈ તેઓ ઘણું કમાયા. પણ ૨૦મી સદીના મધ્યકાલના પૂર્વાર્ધમાં અથવા તો ૧૯૧૭ની આસપાસ રશિયન બોલ્શેવિક ક્રાંતિ દરમ્યાન તેઓએ પોતાની સંપતિ ગુમાવી દીધી. આ દરમ્યાન મધ્ય એશિયામાં અને ભારતમાં ચાલતો તેમનો વ્યાપાર બંધ પડ્યો અને તેઓ પેશાવરમાં જ કાયમ માટે સ્થિર થઈ ગયાં.

શેઠી પરિવારે બનાવેલી આ સાતેય હવેલીઓમાં બે ભાગ છે, જેમાં પુરુષો માટે એક અને એક ભાગ મહિલા માટે છે. મહિલા અને પુરુષોનાં ભાગને અંદરથી જુદા પાડવા ચટ્ટાઇનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મૂળ ઇમારત ઈંટ અને લાકડાનો સંયોજનથી બનેલ છે. મુખ્ય પ્રવેશદ્વાર, ઘરના અન્ય દરવાજાઓ અને બાલ્કનીઓ લાકડાના કોતરણીવાળી છે.

પેઇન્ટેડ અને મિરરર્ડ કાચ અતિથિઓને માટે આકર્ષક દૃશ્યો પૂરા પાડે છે, પ્રત્યેક હવેલીમાં તખ્ત-એ-સુલૈમાણી (મુખ્ય ખંડ), તેખાખાના (બેઝમેન્ટ રૂમ), એક બાલખાના (ઉપલો માળ), દલાના (મોટા હોલ), ચિનીખાના (ચિમનીવાળો રૂમ) સહિત ૧૨ રૂમ અને ચાર બેઝમેંટ બનાવવામાં આવ્યાં છે. આ દરેક હવેલીનાં આંગણામાં ફુવારાઓ બનાવવામાં આવ્યાં છે.

શેઠી હવેલીનાં રૂમોમાં કરાયેલું લાકડાનું કામ

શેઠી પરિવારે કેવળ હવેલી જ નહીં, પણ જ્યાં હવેલીઓ હતી તે ગલીની બંને સાઈડની દીવાલ પર લાકડાનું કામ કરેલું હતું.

બીજી બાજુ ગલીમાં રહેલી બંને બાજુની હવેલીઓને ઉપરની બાજુથી જોડતાં આકાશી પુલ પણ બનાવવામાં આવ્યો હતો જેથી કરી મુલાકાતીઓ આ બંને દિશામાં સરળતાથી જઈ શકે. પરંતુ અમે પહોંચ્યાં ત્યારે અહીં સમારકામ ચાલું હતું તેથી અમે ઉપર તરફ જવાનું માંડી વાળ્યું. કારણ કે આ આકાશી બ્રિજ એટલો ઉપર હતો કે જો બ્રિજ સાથે નીચે પડીએ તો રામનામ સત્ય ન થાય તોયે હાડકાં તો ખોખરા થઈ જ જવાનાં.

મી. શેઠીનાં જણાવ્યાં મુજબ તેમની સાત હવેલીમાંથી આ એકમાં તેમનો પરિવાર રહે છે, બીજામાં મ્યુઝિયમ છે, ત્રીજી હવેલીને સ્કૂલમાં ફેરવી નાખવામાં આવી છે, ચોથીમાં હોટેલ બનાવવામાં આવી છે અને બાકીની ત્રણ લગ્ન જેવા પરિવારિક પ્રસંગો અને ફિલ્મો – મોડેલિંગ માટે રેન્ટ પર અપાય છે.

અમે આ પરિવાર સાથે સારો એવો સમય વિતાવ્યો ત્યારે તેમણે ગર્વ સાથે કહ્યું કે; પેશાવરની બહુ જાણીતી ઈસ્લામિયા કોલેજ તેમનાં પરિવારે બનાવેલી છે, તો જનાનીઓ માટે એક હોસ્પિટલ પણ બનાવી છે. આ ઉપરાંત જૂના પેશાવરમાં મ્યુનિસિપલ સાથે મળી પાણીની વ્યવસ્થા પણ તેમણે કરેલી છે.

આકાશી બ્રિજ

આમ અમારી અનેક વાતો શેઠી પરિવાર સાથે થતી રહી, એ વાતચીતમાં વચ્ચે મારી ભારતીયતાને ધ્યાનમાં રાખી દૂધવાળી ચા પણ આવી અને જે ચા નહોતું પીતું તેમને માટે લીલી ચાનો કાહવો પણ આવ્યો.

અંતે જ્યારે નીકળવા માટે તૈયાર થયાં ત્યારે તેઓ બોલી ઊઠ્યાં, ‘પેશાવર મેં આકર આપ યું હી જાઓગે તો હમારે શહર કા નામ બદનામ હોગા. ઇસ લિયે આપ યું હી તો નહીં જા શકતે,’ કહી તેમના પતિ પાસે ત્રણ રેશમી કપડાંની પોટલીઓ મંગાવી.

આ પોટલીઓ અમારા હાથમાં મૂકીને કહે; ‘હમારી ઔર સે પેશાવર કી મહેમાંનવાઝી કી યાદ કે લિયે આપ ઈસે લે જાઈએ. ઇસમેં આલુબુખારા (જરદાલુ) ઔર અખરોટ હૈ.’

આલુબુખારા ઔર અખરોટ એ જે તહેઝીબથી બોલ્યાં તે સાંભળી મને ફરી દાદા રવિન્દ્રનાથ ઠાકુરનો કાબુલીવાલો યાદ આવી ગયો, જે આલુબુખારા વેચવા માટે કોલકત્તાની ગલીઓમાં ચક્કર લગાવતો હતો પણ નાનકડી મીનુને તો તે એમ જ આપી દેતો હતો.

ખરે જ આપણી વાર્તાઓ પણ ગજબની હોય છે, ચાહે જે ઉંમરમાં સાંભળી હોય, વાંચી હોય પણ એય કોઈપણ ઉંમરમાં ફરી પાછી આવી હૃદય પર ટકોરા દઈ ફરી એ સમયમાં ચોક્કસ લઈ જાય છે જે ઉંમરને આપણે બહુ પાછળ છોડીને આવ્યાં હોઈએ.

મારું મન પણ કોલકત્તાની ગલીઓમાં ખોવાઈ જાય તે પૂર્વે આજની આજે ફરી એક ધક્કે મને શેઠી હાઉસમાં લાવીને મૂકી દીધી અને એ સાથે જ ફરી મિસીસ શેઠીનો અવાજ ગૂંજી ગયો, ‘યહ પેશાવર કે ખાસ હૈ ઇસી લિયે આપ ઈસે કુબૂલ કરેં.’

મિસીસ શેઠીની ગિફ્ટને અમે હાથ લગાવી પ્રેમપૂર્વક પાછી વાળી કારણ કે આટલા પ્રેમાળ પરિવારને મળ્યાં પછી હવે બીજી કોઈ ભેટની અમને જરૂર ન હતી.

શેઠી પરિવારની અને શેઠી મોહલ્લાની સૌમ્ય અને મધુર મુલાકાત લીધા બાદ અમે અમારા કદમ ગોરખત્રી તરફ વાળ્યાં જે કિસ્સા ખ્વાની બઝારના અંત પર આવેલ વિસ્તાર હતો. હિન્દુઓની અનેક નિશાનીઓ લઈને બેસેલ આ વિસ્તાર એક સમયે સમ્રાટ કનિષ્કનો ગણાતો હતો, પણ અમે પહોંચ્યાં ત્યારે એક અલગ જ યુગનો અમને અહેસાસ થયો.

© પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
purvimalkan@yahoo.com

 

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. purvi ben . may i know which year you visited pakistan.tour. very interesting story . read all your chapter. thank you.