સર્જકનું કામ અંધારા ખૂણામાં દીવો પેટાવવાનું પણ છે (પ્રકરણ : 30) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા

પ્રકરણ : 30

એ દિવસે મેં મારા વક્તવ્યમાં એક અંગ્રેજી ફિલ્મની વાત કહી હતી, `સ્લીપિંગ વીથ એનિમી.’

ફિલ્મની નાયિકા અડધી રાત્રે બાળકોને લઈ ઘર બહાર ચાલી જઈ, ઘરમાં સૂતેલા પતિને પેટ્રોલ છાંટી જીવતો ભૂંજી નાંખે છે. કોર્ટમાં જજ પ્રશ્ન પૂછે છે, વ્હાય ડીડ યુ કીલ હીમ? ફ્લેશબૅકમાં એનો પતિ એ સ્ત્રી ઉપર કેવા ભયાનક જુલમ કરતો એનાં દૃશ્યો ભજવાય છે. નાયિકાને ફરી પ્રશ્ન;

`પણ તેં હત્યા શા માટે કરી? યુ કુડ હેવ લેફ્ટ હીમ. ધેર વોઝ નોટ અ ડોર ઇન ધ હાઉસ?’

એ નાયિકાનો જવાબ.

`યસ મિ. લૉર્ડ. ધેર વૉઝ અ ડોર બટ નો ઍક્ઝિટ.’

હા નામદાર. ઘરને બારણું તો હતું પણ, ત્યાંથી નીકળીને ક્યાંય જઈ શકું એવું ઠેકાણું નહોતું.

જ્યૂરી મૅમ્બર્સ નોટ ગિલ્ટી ચુકાદા સાથે નાયિકાને છોડી મૂકે છે. અમેરિકામાં બનેલી સત્યઘટના પરથી આ ફિલ્મ બની હતી.

વર્ષો પહેલાં જોઈ હતી એ ફિલ્મ પણ એ સ્ત્રીનો જવાબ હું ભૂલી શકી નહોતી. કેટકેટલી સ્ત્રીઓ માટે એ સાચું હતું!

ત્રસ્ત સ્ત્રી ઘર છોડી દે પછી બહારની દુનિયામાં પગ ક્યાં મૂકે? અનેક નારીગૃહનાં ચોપડાં આવી અભાગી નારીઓનાં આંસુથી ખરડાયાં છે. મેં નારીગૃહમાં જઈ આ કથાઓ વાંચી છે. મારા વકીલમિત્ર ભાવના જોષીપુરા સાથે રાજકોટની કોર્ટમાં આવી મહિલાઓનાં કેસ પણ સાંભળ્યા છે અને કંપી ઊઠી છું. કોઈ પણ વર્ષનું, તારીખનું અખબાર ખોલો સ્ત્રીઓની સતામણીના સમાચાર વાંચવા મળશે.

ધરતી પરનું સ્વર્ગ એટલે ઘર પણ એ જ ઘરને નેવેથી ટપટપ આંસુ ચૂવે છે, હૂહૂકાર કરતાં વાવાઝોડામાં ઘરની દીવાલો ધસી પડે છે અને જેણે શરણાઈને સૂરે હોંશથી ગૃહપ્રવેશ કર્યો હતો એ ઘરમાં જીવતી દટાઈ જાય છે.

સોળ-સત્તરની વયે મેં `ડોલ્સહાઉસ’ ભજવ્યું હતું જેમાં અંતે બૅગ લઈ ટટ્ટાર નોરા પતિનાં ઘરમાંથી સડસડાટ નીકળી જાય છે.

વર્ષો પછી મને પ્રશ્ન થયો હતો, સ્વમાનભેર ઘર છોડી જનાર નોરા ઘર છોડ્યા પછી ક્યાં ગઈ હશે! એનું શું થયું હશે! એનો ઉત્તર નથી.

ત્યારે જ શીલાબહેને મને કહ્યું, `અભિયાન’ માટે તમે ડૉમેસ્ટિક વાયોલન્સ પર નવલકથા લખી આપો.

`વીમેન’ લખેલી એક ફાઇલ મેં બનાવી હતી, ફરી જોઈ ગઈ, શારીરિક અને માનસિક સૂક્ષ્મ હિંસાનાં કેટલાંય જોયેલાં, વાંચેલાં, સાંભળેલાં દૃશ્યો તાદૃશ્ય થઈ ગયાં.

એક દૃશ્ય યથાતથ સ્મૃતિમાં છે અકબંધ.

1956-57નો સમય, હું બહારથી અમારા ઘાટકોપરના ઘરે આવી રહી હતી. પાઇપલાઇન ઉપરથી જોયું, તો બપોરે સ્ત્રીઓનું મોટું ટોળું હતું અને વચ્ચે ઊંચા પપ્પા દેખાતા હતા. આ શું? દોડતાં પાસે જઈ જોયું તો ચીસ નીકળી ગઈ.

ટોળાની વચ્ચે ભડભડ બળી ગયેલી એક સ્ત્રી પડી હતી. સ્ત્રી! દહેજનાં હવનમાં હોમાઈને કોલસાનો એ ઢગલો હતો. સ્ત્રીઓ પાણી સારી રહી હતી અને પપ્પા ઘડા પર ઘડા રેડતા હતા. લાશને શું ફેર પડે! મારા કિશોરમાનસ પર એ દૃશ્યની ઘેરી અસર પડી હતી.

બીજું દૃશ્ય અમારી કૉલોનીમાં જીવણ માળીની ઓરડી. એની યુવાન હસમુખી વહુનું નામ કડવી. અમે નવા જ રહેવા આવેલાં. અડધી રાત્રે કડવીની હૃદયદ્રાવક ચીસો સાંભળી પપ્પા તરત ત્યાં દોડી ગયેલા. અમે જોયું તો દારૂ પીધેલો જીવણ કડવીને જોરથી ફટકારી રહ્યો હતો, પપ્પાએ જીવણને ઝટકાથી પકડી જંતરડાની જેમ ઘુમાવી જે ઘા કર્યો કે એ ખો ભૂલી ગયો. સવારે કોઈએ કહ્યું, આચાર્યભાઈ અમારે તો આ રોજનું થયું. (મતલબ અઢાર કૉટેજીસમાંથી કોઈએ ત્યાં સુધી આંગળી યે ઊંચી નહીં કરી હોય!)

1930ના અરસામાં રાણપુરમાં `સૌરાષ્ટ્ર’ અખબારમાં `સમાજસેવા’ વિભાગ હતો. તનમન પરના જખમ લઈ સ્ત્રીઓ આવતી અને `સૌરાષ્ટ્ર’ના પત્રકારો મીંઢા લોકો અને પોલીસો સાથે બાખડતા. સગા બાપે દીકરીને વેચી હતી એનું લેખિત વેચાણખત વિજયરાય કલ્યાણરાય વૈદ્ય, જાણીતા વિવેચકને પપ્પાએ બતાવ્યું હતું ત્યારે એ આઘાત પામી ગયા હતા.

કહેવાતા સુધરેલા પશ્ચિમના દેશોની પત્નીઓ પણ પતિના હાથનો ઢોર માર ખાય છે. થોડાં વર્ષો જ પહેલાં ઘરેલું હિંસાનો ભોગ બનેલી સ્ત્રીઓની આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સ ભરાઈ હતી એમાં અસંખ્ય સ્ત્રીઓએ પોતાના કમકમાટીભર્યા અનુભવો કહ્યા હતા.

હવે તો નાની બાળકીઓ પણ સેક્સ્યુઅલ હેરેસમૅન્ટનો ભોગ બને છે. હમણાં જ, કોરોનાનાં લૉકડાઉનમાં સ્ત્રીઓ પ્રત્યે હિંસાનાં સહુથી વધુ કેસ હેલ્પલાઇન પર નોંધાયા હતા.

મેં નવલકથા લખી `માટીનું ઘર’.

શીલા ભટ્ટે મારી પાસે ‘માટીનું ઘર’ લખાવી

મને હતું આ વિષયની નવલકથા લાંબું આયુષ્ય નહીં ભોગવે. પણ 1990માં પ્રગટ થયેલી આ કૃતિની હજી પણ આવૃત્તિ થતી રહે છે.

કહેવાય છે સમય પરિવર્તનશીલ છે પણ ક્યારેક થાય છે સમય તો શેષનાગનાં માથે ખીલો ઠોક્યો હોય એવો છે અવિચળ-શાશ્વત.
* * *
એક બપોરે ડૉરબેલ રણકી, જોઉં તો એક અપરિચિત વ્યક્તિ. સૂક્કો એકવડિયો બાંધો, સાદાં વસ્ત્રો, શાંત સ્મિત. હું કંઈ પૂછું એ પહેલાં એમણે મારી નવલકથા સામે ધરી `ગાંઠ છૂટ્યાની વેળા’ (જાણે મારા ઘરનો ઍન્ટ્રી પાસ!)

`હું અંદર આવી શકું છું?’

આવો. એમણે ઓળખાણ આપી, નામ : સુરેશ સોની, કામ : રક્તપિત્ત ગ્રસ્તોની સેવા. ધામ : બરોડા નજીક `શ્રમમંદિર’ આશ્રમ. ત્યાંથી મને ખાસ મળવા આવ્યા હતા.

એમની ઇચ્છા હતી કે મેં મધ્યપ્રદેશનાં આદિવાસીઓની વ્યથાકથા લખી એમ આ કુષ્ઠરોગીઓ વિષે પણ લખું તો સમાજને સાચી માહિતી મળે. હજી પણ લોકોમાં વ્યાપક માન્યતા કે આ રોગ પૂર્વભવનાં પાપ, અપરાધોની સજા રૂપે જ થાય છે. રોગીઓ પ્રત્યે અત્યંત અમાનુષી વ્યવહાર થાય છે પણ સારવારથી દર્દી નૅગેટિવ બને છે, છતાં સ્વજનો રોગીને ઉકરડે નાંખી દે છે, ગમાણમાં ખૂંટે બાંધી દે છે.

મને આશ્રમની બેત્રણ પત્રિકા આપીને સુરેશભાઈ ગયા.

ફરી એક કથા મારે આંગણે આવીને ઊભી હતી, એની છાબમાં મારે માટે શું શું લાવી હતી એની ત્યારે તો શી રીતે જાણ થાય!

પત્રિકામાં નાનાં નાનાં સાચાં પ્રસંગો હતા. એક પ્રસંગ હતો રૂપા નામની યુવતીને ચાઠું દેખાયું, એને ઘરેથી કાઢી મૂકી, ભટકતી આશ્રમમાં આવી, સાજી થઈ. મેં આ પ્રસંગમાંથી નવલિકા લખી. પ્રસંગમાંથી વાર્તા લખવાની હતી. રૂપાની પીડાને ધાર કાઢવા મેં બે પાત્રો ઉમેર્યા, ડૉક્ટર પતિ અને સોશિયલ વર્કર સાસુ. આશ્રમનું સેવાભાવી દંપતિ તે સુરેશભાઈ અને એમનાં પત્ની ઇન્દિરાબહેન.

વાર્તા તો લખી પણ અંત પાસે અટકી. નકારાત્મક અંત તો જોઈતો જ નહોતો. આમ પણ આશ્રમવાસીઓ સમાજની બહાર ફેંકાઈ નિરાશાજનક પરિસ્થિતિમાં જીવતા હતા.

રૂપા દીદીને પૂછે છે :

`આ પૃથ્વી પર આટલી પીડા, વેદના શા માટે? જો ઉપરવાળો પરમપિતા છે તો એના હોવાની એંધાણી કેમ આપતો નથી?’

રૂપાએ દીદીને પૂછેલો પ્રશ્ન મારો પણ હતો. શા માટે મારે જ ભાગે આ પીડા અને વેદના! વ્હાય મી ઓ ગૉડ? આ પ્રશ્ન સહુને જિંદગીમાં ક્યારેક તો થતો હોય છે.

દીદી શું જવાબ આપે? એના જવાબ પર નવલિકા પૂરી થતી હતી પણ ચાર લીટીનો જવાબ મને ન જડે. ઉપનિષદકાળથી ઋષિમુનિઓ જે પ્રશ્નનો જવાબ શોધતા આવ્યા છે તો હું તે વળી કોણ? મોરારિબાપુ કહે છે તેમ વેદ સમજવો સરળ છે પણ વેદના સમજવી કેટલી મુશ્કેલ છે! ચારપાંચ લીટીનો કોઈ જવાબ મૂકી મેં વાર્તા પૂરી કરી હોત પણ જે વાત મને કોઠે ન પડે તે હું કેમ લખી શકું!

ગોરખનાથ કહે છે :
`તલભર તાળુંરજભર કૂંચી.

આ રજકણ જેવડી કૂંચી ક્યાંથી કાઢવી! પછી પાનાં ફેરવ્યા, રજનીશ, પરમહંસ, હાથ ચડ્યા તે પુસ્તકો… જવાબ જડે છે!

વહેલી સવારે ઊઘડતા પ્રભાતે બારીએ ઊભી હતી. મંદ પવનમાં વૃક્ષોની ડાળીઓ ઝૂલી રહી હતી, ત્યાં અચાનક હવાની લહેરની જેમ શબ્દો વહી આવ્યા,

`આ દુઃખદર્દો અને પીડા જોઈ મનુષ્યોનો આતમરામ જાગે છે, પડી ગયેલાને ટેકો કરવા આગળ આવે છે. જેનાં નસીબમાં આ પીડા લખાઈ છે તે આ પવિત્ર યજ્ઞમાં હોમાયેલા ઇંધણ છે. આ પૃથ્વી પરનો દરેક વેદનાગ્રસ્ત માનવી હરિ હોવાની એંધાણી છે.’

એ શબ્દો મનમાં ઉતારતી થોડો વખત સ્તબ્ધ ઊભી રહી. જલ્દી વાર્તા પૂરી કરી. શીર્ષકની શોધમાં `જન્મભૂમિ’ લાઇબ્રેરીમાં ગઈ. બંધ આંખે એક પુસ્તક લઈને જોયું તો કરસનદાસ માણેકનો કાવ્યસંગ્રહ! અધવચ્ચે ખોલ્યું તો કવિતા પર નજર પડી, `હરિ મને આપો એકાદી એંધાણી.’ કવિતાની દરેક કડી જાણે રૂપાની જીવનકથની!

હું તો નવાઈ પામતી સ્તબ્ધ! (લાઇબ્રેરીમાં નીલિમા અને અન્ય બહેનો સાક્ષી.) જીવનમાં કેટલા યોગાનુયોગ બની શકે! એ શીર્ષક વાર્તાને આપી સુરેશભાઈને મોકલી. આશ્રમની પત્રિકામાં એ વાર્તા છપાતી અને છૂટક નકલ અમુક હજાર. મારી તો નિતાંત વાર્તા, એમાં દાનની અપીલ ન હતી. તો પણ પાતાળઝરણું ફૂટે એમ વાર્તામાંથી દાનની સરવાણી ફૂટી. દેશપરદેશથી નાનીમોટી મદદ આવતી જ રહી.

મને થયું ચાર પાનાંની નવલિકામાં આટલું કૌવત! શબ્દોનું આ ગજુ નથી. મને થયું રૂપાની પાછળ અનેક કુષ્ઠરોગીઓની વલવલતી વેદના અને આશ્રમની પણ પોતાની સંઘર્ષકથા હશે, જે મારે ઉજાગર કરવી જોઈએ. મને મળશે આંગળી ચીંધ્યાનું પુણ્ય. જાણે કથા મને સાદ પાડી બોલાવી રહી હતી. આશ્રમમાં જવા મન તલપાપડ થઈ ગયું. ચલો, નીકલ પડો.

પહેલાં પણ સત્યઘટનાત્મક કથાવસ્તુને કલ્પનાથી ઘાટ ઘડી મેં નવલકથાઓ લખી હતી. એ અનુભવોથી મને એક વાત સમજાઈ હતી.

સર્જકનું કામ અંધારા ખૂણામાં દીવો પેટાવવાનું પણ છે.

હું આશ્રમ ગઈ. કુષ્ઠરોગીઓ સાથે રહી, એમનાં કૉટેજે ફરી એમની આપવીતી લખી, એમની દૂઝતી આંગળીએ એમની પાસે પણ લખાવી. સુરેશભાઈ અને અન્યોનો આશ્રમ કરવા માટેનો સંઘર્ષ, સાચાં અને કાલ્પનિક પાત્રો, અનેક સાચા હૃદયદ્રાવક પ્રસંગો એ બધું સમરસ કરી મેં `અણસાર’ લખી. ફરી ફરી લખી.

હરીન્દ્રભાઈએ જ. પ્રવાસીમાં પ્રગટ કરી. રવિવારે અખબાર આવતાં જ મારી પર ફોન આવતાં, વાચકોનાં પત્રો ખૂબ આવતાં. મને પ્રોડક્શનનો તો શો અનુભવ હોય! તો પણ `અણસાર’ની ટેલિ ફિલ્મની સ્ક્રીપ્ટ મેં દિલ્હી દૂરદર્શનને મોકલી. આશ્ચર્યનું આશ્ચર્ય. એપ્રૂવ્ડ! એ સમયે અમદાવાદ દૂરદર્શનને માટે એક કલાકની ટેલિફિલ્મ પ્રોડ્યુસરોએ સ્ક્રીપ્ટ મોકલ્યા પછી મળતી/રીજેક્ટ થતી.

બે લાખ રૂપિયા મળતા. ઘણાં પ્રોડ્યુસરો 1 લાખ રૂપિયા કમાયા હતા. નજીકના સ્ટુડિયોમાં કરકસરથી ફિલ્મ બનાવે. મેં હનીભાઈને દિગ્દર્શન સુકાન સોંપ્યું અને અમે તો આખી ફિલ્મની જાન લઈ આશ્રમ જ પહોંચ્યાં. માણેકની કવિતા કૃષ્ણમૂર્તિને કંઠે, ગૌરાંગ વ્યાસનું સંગીત નિર્દેશન. અદ્ભુત ફિલ્મ બની (બે લાખ ખર્ચીને). `એંધાણી’ ટેલિફિલ્મ અમદાવાદ દૂરદર્શન પર સતત ટેલિકાસ્ટ થઈ.

આશ્રમમાં ‘એંધાણી’ ટેલિફિલ્મના શૂટિંગની ટીમ. દિગ્દર્શક હની છાયા, કમલેશ દરુ સાથે

સાવ ખાલી હાથ પણ કામનો સંતોષ. આવી `મૂર્ખાઈ’ બદલ લોકોનો ઠપકો ય ખાધો. ઠીક ભાઈ. એવા રે અમો એવા.
* * *
1995નું વર્ષ. રાત્રે મહેન્દ્ર બીજા રૂમમાં ધ્યાનમાં હતા અને હું ટી.વી. પર દૂરદર્શનનો કોઈ પ્રોગ્રામ જોતી હતી. હજી વિવિધ ચૅનલો અને સોશિયલ મીડિયા છેટાં હતાં. નવ વાગ્યે સમાચારનો સમય. અચાનક જ મહેન્દ્ર બરાબર નવ વાગ્યે અંદર આવી, મારા હાથમાંથી રિમોટ લઈ, હું ના ના કરતી રહી અને સમાચાર મૂક્યા.

બરાબર એ જ ક્ષણે ન્યૂઝરીડર દિલ્હી સાહિત્ય અકાદમીના ઍવૉર્ડના સમાચાર આપી રહ્યા હતા, સ્ક્રીન પર પુરસ્કૃત પુસ્તકો ગોઠવાયેલા હતા, કૅમેરો સ્પાન કરી રહ્યો હતો અને મારી `અણસાર’ એ પુસ્તકોની હરોળમાં હતી.

હું અને મહેન્દ્ર સ્તબ્ધ બની એકમેકને જોઈ રહ્યાં, `અણસાર’ને અકાદમીનો નેશનલ ઍવૉર્ડ! સમાચારની એ જ ક્ષણે ધ્યાનમાંથી મહેન્દ્ર ઊઠીને અંદર આવીને સમાચાર મૂકે! કેવી રીતે! એનો જવાબ આજે પણ ખબર નથી.

ત્યાં ટેલિફોનની ઘંટડી રણકી, `સમકાલીન’માંથી હસમુખ ગાંધીનો અભિનંદનનો ફોન. મોડી રાત સુધી ઘંટડી રણકતી રહી. મારા મનમાં મહેન્દ્રના શબ્દો ગુંજતા હતા, આ ઍવૉર્ડ પાછળ જ બીજો ઍવૉર્ડ તને મળવાનો છે પણ હું ત્યારે નહીં હોઉં. હું મને સાંત્વન આપતી રહી, ડરતી રહી. ના, ના. એવું થોડું બને!
* * *
બીજે દિવસે વહેલી સવારની ટેલિફોનની ઘંટડીએ મને જગાડી. એક સ્વસ્થ ઘૂંટાયેલો અવાજ, હું નારાયણ દેસાઈ બોલું છું. હું તરત તો કશું બોલી જ ન શકી. મને નારાયણભાઈનો ફોન!

વંદન. મેં કહ્યું, `અણસાર’ માટે અભિનંદન આપતાં કહ્યું, ઍવૉર્ડ માટેની અંતિમ પ્રક્રિયામાં એ જ્યૂરી મેમ્બર હતા. એમને એ નવલકથા બહુ ગમી હતી. મુંબઈમાં કોઈને ત્યાં હતા, મને મળવા બોલાવી હતી. હું એ જ દિવસે ગઈ, રાજી થતાં એમણે કહ્યું, કુષ્ઠરોગીની વેદનાને તમે પહેલી જ વાર વાચા આપી, એ બહુ સારું થયું, બસ આમ જ લખતાં રહેજો.

જે ગાંધીજીના ખોળામાં રમ્યા, મહાદેવભાઈ દેસાઈ જેવી અનન્ય વ્યક્તિના પુત્ર, નિષ્ઠાવાન ગાંધીવાદી તેમનાં વાત્સલ્યસભર આશીર્વાદ પામી બીજો ઍવૉર્ડ મળ્યાનો મને આનંદ થયો.

નારાયણ દેસાઈ

નારાયણભાઈ સાહિત્ય પરિષદ પ્રમુખ થયા કે મને સંદેશો મોકલ્યો, મુંબઈનાં લોકોને મળવું છે, તમે ગોઠવી આપો. મેં અભિવાદનનો કાર્યક્રમ ગોઠવ્યો. જે જે સંસ્થા, અખબારોને વાત કરી, બધા જ ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે જોડાયા.

શિયાળાની ઊતરતી સાંજે, તાપણાંની હૂંફ જેવું એમનું ઉષ્માસભર પ્રવચન હતું. હૉલ છલોછલ ભરેલો હતો. પછી તો પરિષદ પ્રમુખ તરીકે એમને સતત મળવાનું બનતું.

એક સવારે વાડીલાલ ડગલીના ભાઈ શાંતિભાઈનો મને ફોન આવ્યો, નારાયણભાઈ ગાંધી જયંતિ અવસરે શાંતિયાત્રામાં જુદે જુદે સ્થળે વ્યાખ્યાનો આપે છે, કાલે રાત્રે મુંબઈના પરામાં હતું, એ વ્યાખ્યાનમાં એમણે `અણસાર’ વિષે બહુ સરસ વાતો કરી. તમને ક્યાંથી ખબર હોય એટલે તમને કહેવા ફોન કર્યો, અભિનંદન.

મેં તેમને પત્ર લખ્યો, મને નહીં કહો મારી નવલકથા માટે તમે શું કહ્યું?

એમણે તરત જવાબમાં મને પત્ર લખ્યો. એનો નાનો અંશ લખવાની લાલચ રોકી નથી શકતી.

`વર્ષા અડાલજાની `અણસાર’ એક નવલકથા તરીકે તો ઉત્કૃષ્ટ કૃતિ તો છે જ પણ એથીયે વિશેષ એ પીડિત માનવતા માટે પયગામ છે. વર્ષાબહેને એમની વચ્ચે જઈ વાસ કર્યો. લેખિકા તરીકે તેમનો આ પ્રયાસ આયાસ મટી સાધના બની ગયો. મહાવિભીષિકા સમા આપણા આ જગતમાં કરોડો પીડિતો, શોષિતો, દલિતો, યુદ્ધગ્રસ્તો કે ભયગ્રસ્તો સારુ વિશ્વનાં માંગલ્ય વિષે, એક અણસાર આપી જાય છે. આ સંદેશ `અણસાર’ને સામાન્ય નવલકથાઓ કરતાં મૂઠી ઊંચેરી બનાવી દે છે.’

મારા પ્રકાશક ચિંતન શેઠ આ પત્ર `અણસાર’ની સતત થતી આવૃત્તિમાં ઊઘડતે પાને પ્રગટ કરે છે. `અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ નારાયણભાઈએ હસ્તાક્ષર કરી ભેટ આપી છે, એ મારું વિશેષ સંભારણું.

મહેન્દ્રનાં અવસાન પછી એમણે મને સરસ, સાંત્વનાસભર પત્ર લખ્યો હતો. બારડોલીનાં સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રમાં એમની નાની પૌત્રી સાથે મને મળ્યા ત્યારે હસીને કહે, મારી પૌત્રીને તમારી રહસ્યકથાઓ ખૂબ ગમે છે. ક્યારેક એવું પણ લખતા રહેજો.

કેવી નિખાલસતા! આ પણ એક ઍવૉર્ડ.
* * *
માધવી, શિવાની, ગીતા અને આશુએ ઘરમાં જ એક નાની સરખી પાર્ટી કરી. અ ગિફ્ટ ઑફ લવ. બીજું શું જોઈએ! ધીરુબહેનનું મારા પર અઢળક વહાલ. એમણે મારા અભિવાદનનો સરસ કાર્યક્રમ કર્યો હતો અને મસ્ત સાડી ગિફ્ટ આપી હતી. (આમ પણ સ્નેહથી ઘણીવાર ભેટો આપી છે, અન્યોને પણ પ્રેમપૂર્વક ભેટ આપતા રહે છે.)

ઘણીવાર કૃતિ સર્જકથી દૂર જઈ ઊભી રહે છે, એને પણ એનાં અસ્તિત્વની શોધ હોય છે. પોતાની કુંડળી ખુદ જ દોરે છે. મારી પહેલાંની નવલકથાની જેમ સ્વૈરવિહારીણી બની આ નવલકથાએ પણ ગજબનું કાઠું કાઢ્યું. ઘણાં સર્જકોને આવો અનુભવ હશે.
* * *
એક દિવસ વિષ્ણુભાઈ વ્યાસ, લંડન નિવાસી નટુભાઈ પટેલને લઈ ઘરે આવ્યા. એમનું નામ નાટ્યજગતમાં જાણીતું. મુંબઈથી દિગ્દર્શકોને લંડન લઈ જાય અને ત્યાંનાં જ લોકોને તાલીમ આપી નાટકો કરાવે, નિ:સ્વાર્થભાવે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ લંડનમાં કરાવે.

નટુભાઈ પટેલ (લંડન)

વિષ્ણુભાઈ કહેણ લઈને આવ્યા, હું બીમાર રહું છું, નટુભાઈને જ્યારે અને જે સ્ક્રીપ્ટ જોઈએ તારે લખી આપવાની. મારા માટે આપણી ભાષા માટે. વિષ્ણુભાઈ પિતા સમાન અને મારા નાટ્યગુરુ. થોડા જ સમયમાં એમનું અવસાન થયું. એમનો આદેશ, મારું વચન.

ખાસ્સા સમય પછી નટુભાઈએ એ વચનની યાદ અપાવી, `અણસાર’નું નાટક આપો લંડન માટે. નાટક માટે આ અઘરું કથાવસ્તુ પણ દ્વિઅંકી નાટક લખી આપ્યું. એનાં સરસ પૅમ્પલેટ્સ પણ બનાવ્યા હતા. (એક સચવાયું છે.)

અધૂરા માનવી’ શીર્ષક હેઠળ ‘અણસાર’ લંડનના પાટીદાર ભવનમાં ભજવાયું હતું. પ્રથમ પ્રયોગ તા. ૯ ઓક્ટોબર ૨૦૦૪.

આ નાટકના ત્રીસેક જેટલા શો થયા હશે. નટુભાઈ પટેલે બીજું નાટક માગ્યું.

તમને ટોકન રૉયલ્ટી એકસાથે આપીશ, એક સરસ હાસ્યપ્રધાન કૌટુંબિક નાટક લખી આપો. લખ્યું. અરવિંદ જોષીથી માંડી બે-ત્રણ દિગ્દર્શક સાથે એ વાત કરતા હતા અને એમનું અવસાન. ઠીક છે, પાઉન્ડ ભલે ગયા પણ વિષ્ણુભાઈને આપેલું વચન પાળી શકી એ મારી ગુરુદક્ષિણા.

`અણસાર’ મુંબઈ આકાશવાણી પરથી કથાવાંચન કાર્યક્રમમાં ઉપરાઉપરી બબ્બે વર્ષ તેનું વાંચન થયું. આકાશવાણીએ તેર ભાગમાં સિરિયલ પણ લખાવી જે યુ-ટ્યૂબ પર મૂકી છે. અમદાવાદ આંબેડકર યુનિ.માં ટેક્સબુક અને વિશેષ અભ્યાસક્રમમાં. પૂનાનાં જાણીતા પબ્લિશર્સે અંજની નરવણેએ કરેલો મરાઠી અનુવાદ પ્રગટ કર્યો તેની પણ આવૃત્તિઓ થઈ.

વર્ષો પહેલા કનૈયાલાલ ભાટીએ `આતશ’નો હિંદી અનુવાદ કરી અમે ખત્તા ખાધા હતા, તેમનો ફરી પત્ર `અણસાર’ મારી પ્રિય નવલકથા છે, રાજસ્થાનીમાં અનુવાદની અનુમતિ આપો, ના નહીં પાડો સમજીને કૅન્સરમાં મૃત્યુશૈયા પરથી અનુવાદ કરી રહ્યો છું.

એમને શી રીતે ના પાડી શકાય! મહિનાઓ પછી એમની પત્નીનો પત્ર, અનુવાદ પૂરો કરી ભાટીનું અવસાન થયું છે, છેલ્લા દિવસ સુધી આ જ કામ કરતા હતા. એમની અંતિમ ઇચ્છા અને સ્મૃતિમાં હું તેનું પ્રકાશન કરી રહી છું, મને અનુમતિ આપવા કૃપા કરશો.

એક શિક્ષક પત્ની, પતિની સ્મૃતિમાં પુસ્તક પ્રગટ કરતી હોય એની સાથે રૉયલ્ટીની વાત કેવી રીતે કરાય! મને યાદ હતું પપ્પાએ એક અપરિચિત બહેનને પુસ્તક લખી પ્રત જ આપી દીધી હતી. મેં તરત અનુમતિનો પત્ર લખ્યો. થોડા સમય પછી મને રાજસ્થાનીની બે પ્રત મળી. કોઈની અંતિમ ઇચ્છા પૂરી કરવામાં હું નિમિત્ત બની એનો સંતોષ.

વર્ષ 2019માં સાહિત્ય અકાદમીએ અણસારનો હિંદી અને અંગ્રેજી અનુવાદ પ્રગટ કર્યો.

અકાદમી એવોર્ડ પ્રાપ્ત ‘અણસાર’નો મરાઠી, અંગ્રેજી ,રાજસ્થાની ,હિંદીમાં અનુવાદ પ્રગટ થઇ ચુક્યો છે. હવે આસામીઝ અને કન્નડમાં અનુવાદ થઇ રહ્યો છે.

ઇન્દિરા-સુરેશ સોની દંપતિએ અમદાવાદ શામળાજી હાઇવે પર `સહયોગ કુષ્ઠયજ્ઞ’ વિશાળ આશ્રમ બનાવ્યો છે.

ઇંદીરા સુરેશ સોની, પુત્ર દીપક સાથે

કુષ્ઠરોગી અને હવે ત્યાં મૅન્ટલી ચૅલેન્જ્ડ યુવાનો, બાલિકાઓ અને મહિલાઓની પ્રેમથી નિઃશુલ્ક કાળજી લેવાય છે.

સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ

ત્યજાયેલા, પીડિતોનું પણ આ અંતિમ આશ્રયસ્થાન. હું ત્યાં પણ જાઉં છું, એ મહિલાઓને મળી છું. દરેક ચહેરા પાછળ કથાવ્યથા.

એકવાર `અણસાર’નાં સાચાં પાત્રો મને મળવા આવેલા, એ આનંદની તે શી વાત!
* * *
મહેન્દ્રએ પોતાને માટે ઉચ્ચારેલી ભવિષ્યવાણી સાચી પડી.

મારું અકાદમી ઍવૉર્ડ ફંક્શન બૅંગ્લોર હતું. શિવાની હોંગકોંગથી આવી અને અમે બે બૅંગ્લોર ગયાં. અકાદમી પ્રમુખ અને કન્નડના દિગ્ગજ સાહિત્યકાર અનંતમૂર્તિના હાથે ઍવૉર્ડ સ્વીકાર્યો.

સાહિત્ય અકાદમી એવોર્ડ -૧૯૯૬. બેંગલોર

પાર્ટીમાં ગિરીશ કર્નાડ, પદ્મા સચદેવ (પ્રસિદ્ધ ડોંગરી કવયિત્રી, જેનું હમણાં જ અવસાન થયું) અનેક સર્જકોને મળીને મુંબઈ પરત ફરી અને થોડા જ સમયમાં ઇચ્છામૃત્યુની જેમ મહેન્દ્રની વિદાય. એમણે ઍવૉર્ડ એનાઉન્સમૅન્ટ વખતે જ કહેલું, આની પાછળ બીજો પ્રતિષ્ઠિત ઍવૉર્ડ છે પણ એ તને મળશે ત્યારે હું નહીં હોઉં.

મહેન્દ્રની વિદાય 1996 ઑક્ટોબર અને 1997ના આરંભમાં મને ટેલિગ્રામ મળ્યો, `અણસાર’ને આ વર્ષના શ્રેષ્ઠ પુસ્તક તરીકે કલકત્તાની ભારતીય ભાષા પરિષદનો `સાબરમતી પુરસ્કાર’ મળે છે.

ઘરની નીરવ સ્તબ્ધતામાં હાથમાં તાર પકડી એકલી ક્યાંય સુધી સ્તબ્ધ બેસી રહી.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

5 Comments

  1. વર્ષાબહૈન! આપની સાહિત્ય સાધનાને કોટિ કોટિ વંદન! સો

  2. વર્ષાબેન આપના માટે શું લખું? અભિનંદન શબ્દ બહુ વામણો લાગે છે. ‘પગલાં માંડુ આકાશમાં’ આપવા બદલ આભાર.

  3. ખુબ સુંદર છે સાચું કહું છું આજે જ ક્યાંક થી મંગાવી ને વાંચવા બેસીશ. એમની સાથે એમની જ જિંદગી આપણને અનુભવ કરવા મળે એવી રીતે લખાઈ છે. મોબાઈલ કે કમ્પ્યુટર સ્ક્રીન પર વાંચવા કરતા હાથ માં પુસ્તક હોય તે વાંચવાની મઝા વધુ આવશે. પણ હું વાંચીશ તેની ક્રેડિટ તો આપનું આંગણું ને જ મળશે… જય હો..

  4. સિદ્ધિઓ ,પુરસ્કારો,ખુશીઓ,એવોર્ડ મળે એ જ સમયે પ્રિય વ્યકિત જગત છોડીને જતા રહ્યા હોય એ હકીકત જીરવવી બહુ જ અઘરી વાત થઈ જાય છે.