ચૂંટેલા શેર ~ મનોજ ખંડેરિયા (જુલાઇ ૬, ૧૯૪૩ – ઓક્ટોબર ૨૭, ૨૦૦૩)
એવી રીતે પ્રવાસની ક્ષણ ઓગળી જશે
પગલાં બનીબનીને ચરણ ઓગળી જશે
*
ઘડો કાંઠે ભરવાને આવી ચડેલી
હવાનું ઝીણું વસ્ત્ર ખેંચ્યા કરે જળ
*
એ પીંછું કે જે આંગણે ખૂણે પડ્યું રહ્યું
માંડીને આંખ બેઠું છે વૃક્ષોની ડાળ પર
*
આંજો નયનમાં સાંજનું ભગવું ગગન હવે
શોભે ન આજ આપણે શણગાર શબ્દનો
*
માન તો તારી ઉદાસીમાં બધે
હું જ ફરતો હોઉં છું કાયા વગર
*
સાંજે સમયને ચાંચમાં લઈ હારબંધ ચૂપ
પારેવાં બેસી જાય છે વીજળીનાં તાર પર
*
પ્રતિબિંબ કોઈ રૂપનું મારામાં નહિ મળે
હું તો સમયના આયનાની એક તિરાડ છું
*
ગાયોનું વૃંદ જાય પછી સાંજે સીમમાં
બાકી વધેલ તેજને ચરતું રહે તિમિર
*
ઊતરો તમે તો સાવ દબાતે પગે જજો
જાગી જશે એ નીર જે ઊંઘે છે વાવમાં
*
નથી કાં કોઈ પણ પડકારતું એને જરી
ગલીમાં ચાંદની શકમંદ હાલતમાં ફરે
*
ખબર ચાડિયાને પડે ના જરા પણ
વિહંગ ચાંચમાં એમ લઈ જાય ખેતર
*
અર્થોની અપ્સરાઓ બધી ક્યાં ગઈ કહો?
ઝાંખો હવે પડી ગયો વૈભવ અવાજનો
*
આકાર, રંગ, સ્વાદ ન જ્યાં કોઈ ચીજને
જેને સીમાઓ છે જ નહીં એવું સ્થળ હતું
*
મૂકી પંથમાં સાવ પગલાંને એકલ
જુઓ જન્મદાતા ચરણ ભાગી છૂટયાં
*
ચાંદની રાતે કોઈ મારામાં
એમ ટહેલે કે હું અગાસી છું
*
આંકડા વાગોળ થઈ ઊડી જતા
રાત જ્યારે ઘર કરે ઘડિયાળમાં
*
તમે કોઈ ચાંદરણાં પર કાન મૂકો
જતા સૂર્યનો એમાં સંભળાય પગરવ
*
રાસ રમતાં જે કદી ખોવાઈ ગઈ
એ સમયની મુઠ્ઠીમાંથી નથ મળે
~ મનોજ ખંડેરિયા
Adbhut!! We need more of such Salute to Hitenbhai for selecting good sher.
Please share more of Manoj’s and of other great poets lines frequently on AAPNU AANGNU!
Maza aavi!
વાહ….👌👌👌