પેશાવરમાં પેશાવરી નાનનાં વિશ્વમાં ડોકિયું ~ ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ: 15) ~ પૂર્વી મોદી મલકાણ
આમ તો આપણે જ્યાં ફરી રહ્યાં છીએ તે કિસ્સા ખ્વાની બજાર ઘણી જ મોટી છે, પણ અહીંની ખાસ વાત એ છે કે આ વિસ્તારની જેમ આ એરિયાનાં નામનોયે એક અલગ ઇતિહાસ છે.
આ ઇતિહાસ આપણને મુઘલ બાદશાહ અકબરની પ્રથમ બેગમ રૂકૈયા તરફ લઈ જાય છે. આજ જગ્યામાં રૂકૈયા બેગમનાં કહેવાથી અનેક જનાનીઓ ભેગી થઈ પોતપોતાની ખાસ વાત જણાવતી, ખાણીપીણી કરતી, હાથી-ઘોડાની રમતો રમતી અને રૂકૈયા બેગમનાં હિંગ અને પહાડી ગુલાબી મીઠાનાં તેમજ બાદશાહી રાણી (રાણી જોધાબાઈનાં) મસાલાનાં ધંધાને કેવી રીતે આગળ વધારવો તેની ચર્ચાઓ કરતી.
આમ વિવિધ ચર્ચાઓને કારણે આ બજારનું નામ “કિસ્સા ખ્વાની” પડી ગયું. (કિસ્સા એટલે વાર્તા કે પ્રસંગ અને ખ્વાની એટ્લે કહેવાની) …પણ કહેવાની શબ્દનો અપભ્રંશ થતાં ખ્વાની શબ્દ આવ્યો.
જોવાની વાત એ છે કે આજ વિસ્તારમાં ફરતાં ફરતાં મેં અનેક પ્રસંગો, સ્થળો, ઇતિહાસને જાણ્યાં. જેમાં આપણાં સુપરસ્ટારોનાં ઘરો હતાં, જલિયાવાલા બાગની સરખામણી કરતાં પેશાવરી ક્રાંતિકારોની શહીદી હતી, કોલકતાનાં ગર્ભશ્રીમંત શેઠી પેશાવરનો માન-મોહતરબો હતો, ઈરાની અને હિન્દુઓનાં મિશ્રણથી બનેલી હિન્દકોને લોકોને મળવાનું થયું, હિન્દુ રાજપૂતો વગર તેમની રાજપૂતી પરંપરાનો નિભાવ થતો જોયો, પુરાતત્ત્વ વિભાગને ૨૫૦૦ વર્ષનાં અતીતને બહાર કાઢતાં જોયો, તાલિબાનીઓનું ઝનૂન જોયું, કેટલાયે હિન્દુ મંદિરની જીર્ણશીર્ણ થયેલી સ્થિતિની સાથે બ્રિટિશ ઓફિસર અને તેમનાં પરિવારની શિવભક્તિ જોઈ… આમ આ કિસ્સા ખ્વાની બજારમાં એ સૂક્ષ્મ અને સ્થૂળ આંખોએ લગભગ લગભગ ૫૦૦ થી ૬૦૦ વર્ષ પહેલાંનાં ઇતિહાસને જોયો ત્યારે મને કિસ્સા ખ્વાની શબ્દ ખરેખર સાર્થક અને રૂચિકર જ લાગ્યો.
આમ જુઓ તો આ વિસ્તારનાં દરેક ખૂણામાં અને દરેક દિશામાં મારે માટે ઊભેલી એક નવી વાર્તા તૈયાર જ હતી, ત્યાં આ વિષયોમાં વધુ સુગંધ ઉમેરવા હજુયે એક નવો જ વિષય તૈયાર જ થઈ રહ્યો હતો અને તે હતો અત્યારે અમારી ભૂખને સુગંધ દ્વારા સતેજ કરતી પેશાવરી નાન અને રોટી.
પણ રોટીની ભૂખ મિટાવવાનો સમય હજુ આવ્યો ન હતો તેથી અમે કિસ્સા ખ્વાનીની બજારમાં ફરતાં રહ્યાં અને અંતે ફરતાં ફરતાં પહોંચ્યાં પોસ્તો ગલીમાં. પોસ્તોનો અર્થ આપણે ત્યાં “ખસખસ” થાય છે, જ્યારે અહીં રોટી એવો થાય છે. આમેય અમે એવી જ જગ્યામાં ફરી રહ્યાં હતાં જ્યાંનાં પ્રત્યેક ખૂણામાંથી રોટીની જ સુગંધ આવી રહી હતી.
અમારે જમવાને હજુ વાર હતી. આ જ અરસામાં અમારા ગાઈડ ઉસ્માનભાઈએ અમારી મુલાકાત સાબિહા બીબીની સાથે કરાવી જેઓ ઉસ્માનભાઈનાં કઝીન સિસ્ટર હતાં. સાબિહા બીબીની આ વિસ્તારમાં એક નાનભ હતી. નાનભ એટલે કે તંદૂર હતી જેમાં તેઓ તેમનાં માણસો પાસે નાન-રોટી તૈયાર કરાવતાં હતાં.
સાબિહા બીબીની સાથે અમારી જે વાતચીત થઈ તેમાં મને જાણ થઈ કે; આ પ્રાંતમાં નાન, રોટી અને પાઉં એમ ત્રણેયનો ઉપયોગ થાય છે. જેમાં પેશાવરી સ્ત્રીઓને માટે નાન એ મુખ્ય છે, રોટીનો ક્રમાંક બીજા નંબરે આવે છે અને પાઉંનો ત્રીજો.
બીજી વાત એ કે આ પેશાવરી સ્ત્રીઓની બોલચાલમાં જેટલો રોટી શબ્દનો પ્રયોગ થાય છે તેટલી રોટીનો ઉપયોગ થતો નથી. દા.ત. તેઓ બોલે કે; ચલો રોટી-શોટી ખાને ચલો….પણ થાળમાં જે પીરસાય છે તે નાન જ હોય છે રોટી હોતી નથી.
જે થાળની વાત કરી તેનાં બે ભાગ હોય છે. એક થાળમાં બધાં પુરુષો સાથે જમે અને બીજા થાળમાં સ્ત્રીઓ સાથે જમે ને બાળકો બંને થાળમાં સમાઈ જાય. ને પાઉં અહીં બને ખરા, પણ પાઉં એ કેવળ એક સાઈડ વાનગી છે જેનો યુરોપ અમેરિકાના લોકો ઉપયોગ કરે છે. આમ જનતામાં પાઉંનું કોઈ ખાસ સ્થાન હોય તેમ અમને લાગ્યું નહીં. પણ હા, અહીં દરેક નાનભ પાસે પેશાવરી જનાનીઓનો મેળાવડો ચોક્ક્સ જોવામાં આવ્યો તે મારે માટે ખૂબ આશ્ચર્યજનક હતું.
આશ્ચર્ય એ હતું કે; પેશાવરની ખુલ્લી માર્કેટમાંથી ચાલતાં ચાલતાં અમે જેટલી પણ જૂની ગલીઓ ફર્યા ત્યાં એકલદોકલ સ્ત્રીઓ પણ ભાગ્યે જ દેખાય છે ત્યાં આ વિસ્તારમાં નાનભ પાસે આટલી સ્ત્રીઓનું ટોળું આશ્ચર્ય જ પમાડે.
આ વિષે અમને જાણવા મળ્યું કે; આ જનાનીઓ પોતપોતાના ઘરેથી બાંધેલાં લોટને લઈ નાનભ એટલે કે તંદૂરવાળા પાસે પહોંચી જાય અને તંદૂરવાળો તેની નાન શેકી આપે. સાબિહા બીબીનાં કહેવા મુજબ પેશાવરી બીબીઓની આ રીતભાતનો ઉદય ઈરાનથી અફઘાનિસ્તાન થઈ પેશાવરમાં પહોંચેલો હતો.
આ બીબીઓને જોઈ હું વિચારવા લાગેલી કે રોટી બનાવતાં કેટલો સમય થાય? પણ પ્રાંત પ્રમાણે કોઈ વાર્તા કે પ્રથા ન હોય તેમ કેમ બને? હા! એ છે કે પેશાવરી બીબીઓની આ પ્રથા પૂર્વ પાકિસ્તાન (લાહોર તરફ) અને આપણે ત્યાં ન આવી. તેનું કારણ કદાચ એ હોઈ શકે કે આ બાજુ એટલી તંદૂર શોપ નહીં હોય તેથી આ રિવાજ અહીં પગદંડો જમાવી ન શક્યો.
જે રીવાજ પૂર્વ તરફ અધૂરો રહી ગયો તે રીવાજ કે પ્રથા આપણે ત્યાં ખાનસામા, રસોયણ બાઈ કે મહારાજ તરીકે વધુ ઊભરી આવી. આ મહારાજની પ્રથા રાજા-મહારાજા-નવાબોના રસોડામાંથી બહાર નીકળેલી. જ્યારે આ રાજા રજવાડાનો સમય પૂરો થયો પછી આ ખાનસામાઓ જેઓ પેઢી દર પેઢીથી કેવળ રસોઈ બનાવતાં હતાં તેઓ કામ શોધવા નીકળ્યાં. પરિણામે આજે આ ખાનસામા, મહારાજ અને રસોયણો અનેક ઘરોમાં વિવિધ રૂપે સમાઈ ગયાં છે.
રહી તંદૂરની વાત અને નાનની વાત. તો…આ પેશાવરી સ્ટફ્ડ નાન પરથી આપણે ત્યાં સ્ટફ્ડ કૂલચાનો જન્મ થયો. આ કૂલચા અંગ્રેજોને એટલા ગમી ગયાં કે તેઓ મૂર્ગછોલે સાથે તેને પોતાના દેશમાં લઈ ગયાં. આજે મૂર્ગછોલે અને નાન અંગ્રેજી કિચન અને રોયલ કિચનનો એક ભાગ ગણાય છે. આપણે ત્યાં નાન તો પ્રખ્યાત થઈ જ પણ આ નાન ઉપરથી “નાન ખટાઈ” બહાર આવી જે મોંમાં આવતાં જ ઓગળી જાય.
અંતે રહી તંદૂરની વાત, તો તંદૂરની શરૂઆત ૮૦૦૦ થી ૩૦૦૦ વર્ષ પૂર્વે મધ્ય એશિયામાંથી થયેલી. આપણે ત્યાં તંદૂર દ્વારા શેકવાની પધ્ધતિ મોગલો દ્વારા આવી. સમયાંતરે પાકિસ્તાનમાં રહેલ શીખસમુદાયને કારણે આ તંદૂરની અંદર શેકાયેલ તંદૂરી ચિકનથી લઈ રોટી સુધીની બધી જ વાનગીઓ પંજાબના ખાણાનો મુખ્ય હિસ્સો બની ગઈ. જોકે તંદૂરનો સૌથી વધુ ઉપયોગ તો ગ્રામ્યસમાજે અને વિભાજન પછી આમતેમ ફરતી પ્રજાએ કર્યો હતો. બે-ચાર ઈંટ, સૂકા પાંદડા અને ઝાડની ડાળીઓની વચ્ચે બનેલ આ નેચરલ તંદુરે ન જાણે કેટલા લોકોની ભૂખ મિટાવી હશે તે કોને ખબર. પણ કદાચ રાંધણની આ કલાએ જ પંજાબની સાંઝા-ચૂલ્હાની પ્રથાને જન્મ પણ દીધો હોઈ શકે.
આમ જોઈએ કિસ્સા ખ્વાની બજારમાં ફરતાં ફરતાં આપણે ફરી વિભાજન પહેલાંનો ક્રાંતિકારીઓનાં સમયનો સમય અને તંદૂરમાં શેકાતી પેશાવરી નાન વિષે જાણી લીધું છે તો અહીંથી જતાં જતાં એક ટહુકો મૂકી દઉં શું આપને જાણ છે કે,પાકિસ્તાનમાં તંદૂરી નામનું એક રેલ્વે સ્ટેશન છે તો આપણે ત્યાં તંદૂર નામનાં બે – બે ગામ છે. જેમાંથી એક તૈલંગાણા રાજયમાં અને બીજું બંગાળમાં છે.
તંદૂરી રેલ્વેસ્ટેશન, પાકિસ્તાન
© પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
purvimalkan@yahoo.com