કેટલાક સંબંધોને નામનું લેબલ નથી હોતું (પ્રકરણ : 28) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા
પ્રકરણ : 28
1972માં મારું પ્રથમ પારિતોષિક સ્વીકારવા આજોલ ગઈ હતી ત્યારથી ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે મારો પહેલો પરિચય, ત્યારે અમે બે બહેનોએ પરિષદની આજીવન સભ્ય ફી ભરી દીધી હતી.
એ પછીના જ અરસામાં 1974-75ની આસપાસ પરિષદનું અધિવેશન વડોદરા હતું. મહેન્દ્રનો આગ્રહ, તું ઘરે એકદંડિયા મહેલમાં બેસીને લખે છે તારે પરિષદનાં કાર્યક્રમોમાં જવું જોઈએ. તને લેખકો મળશે, સાહિત્યની ગતિવિધિ પણ સમજાશે.
અધિવેશન, જ્ઞાનસત્ર હંમેશાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયે, ક્રિસમસ વૅકેશનમાં હોય. મહેન્દ્ર વડોદરાની ટિકિટો લઈ આવ્યા, કહે કે.જી. ક્લાસમાં વૅકેશન હશે, અમે બાપદીકરી કંઈ તિકડમ કરીશું, તું જા.
બે બહેનપણી સાથે હું વડોદરા ગઈ. આ પ્રકારનાં સાહિત્યનાં કાર્યક્રમનો પહેલો જ અનુભવ. આજોલમાં તો ઇનામ લઈ હું તરત નીકળી ગઈ હતી. અહીં તો ઘણાં લોકોને મળવાનું, સાથે રહેવાનું, સાહિત્યનાં જુદા જુદા વિષયો પર વક્તવ્યો સાંભળવાનો એક અલગ જ આનંદ અને અનુભવ. મારી થોડી ટૂંકી વાર્તાઓ અને ચારપાંચ નવલકથાઓ, પણ એનાં વાચકો મને ત્યાં મળ્યા ત્યારે હું રોમાંચિત થઈ ગઈ હતી.
મુંબઈથી ગુલાબદાસ બ્રોકર અને બીજા લેખકો અને સાહિત્યરસિકો આવ્યા હતા.
અમે બૉમ્બે ગ્રુપ કરી સવારની બેઠક સાથે સાંભળી અને લંચ લઈ રહ્યાં હતાં, ત્યાં કોઈએ આવીને કહ્યું :
`અભિનંદન વર્ષાબહેન.’
મને નવાઈ લાગી.
`શેના અભિનંદન?’
`હમણાં પરિષદની મિટિંગ મળી તેમાં રઘુવીરભાઈએ તમને પરિષદમાં કોઓપ્ટ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. હવે તમે પરિષદની મધ્યસ્થ સમિતિનાં મેમ્બર, વૅલકમ.’
રાજી થવાને બદલે હું ગભરાઈ ગઈ. આટલા દિગ્ગજ લેખકો વચ્ચે હું એક નવીસવી લેખિકા શું કરું? વિશેષ તો મિટિંગો અને કાર્યક્રમો માટે અવારનવાર મુંબઈથી અમદાવાદ આવનજાવન મને અઘરું પડે. જમીને તરત જ રઘુવીરને ના પાડવા જવા માટે ઊભી થઈ કે બ્રૉકરસાહેબે આદેશાત્મક અવાજે કહ્યું,
તારે ના નથી પાડવાની. તને કમિટીમાં લીધી છે તો રહેવાનું જ. કોઈવાર એક આંગળી ઊંચી કરવાનું પણ મૂલ્ય હોય છે. યુ આર એટ ધ રાઇટ પ્લેસ. આચાર્યની દીકરી પરિષદને આંગણે જ શોભે ને! ઉમાશંકરે મને આજોલમાં કહેલા શબ્દો યાદ આવી ગયા. બબ્બે પ્રમુખ સર્જકોનાં આશીર્વાદ અને જાણે આર્ષવાણી!
તોય હું રઘુવીરને ના પાડવા ગઈ પણ એમણે તો ના સાંભળવાની જ ના પાડી. તમે જ્યારે આવી શકો અમદાવાદ ત્યારે આવજો પણ તમે મધ્યસ્થમાં છો તો ખરાં જ.
આમ અણધારી રીતે, અનાયાસ જ ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે મારો નાતો બંધાયો.
પછી તો રઘુવીર, ભોળાભાઈ, કુમારપાળ, અનિલાબહેન, પ્રફુલ્લભાઈ સહુ સાથે વિશેષ સંબંધ થયો. બીજા પણ કેટલાય મિત્રો થયા!
મિટિંગ મોટેભાગે રવિવારે હોય. શનિવારની રાત્રે ગુજરાત મેઇલમાં અમદાવાદ પહોંચું. રવિવારે સહુને મળવાનો આનંદ (ત્યારે કેવા દિગ્ગજ વિદ્વાનો પરિષદમાં! એક પછી એક સહુની વિદાય. છેલ્લે ભગતસાહેબને મિટિંગમાં જ નજર સામે વિદાય લેતા જોવાનો દુઃખદ પ્રસંગ). રવિવારે રાતનાં મેઇલમાં પાછી ફરું.
હું ધીમે ધીમે મારા સ્વકેન્દ્રમાંથી વિસ્તરતા જતાં સાહિત્યનાં વિશાળ દાયરામાં પ્રવેશી રહી હતી. અધિવેશન અને જ્ઞાનસત્રોને નિમિત્તે અનેક શહેરો અને નાનાંમોટાં ગામમાં જવાનું બનતું. સાહિત્ય સાથે સમાજદર્શન, લોકજીવનનો પરિચય પણ થતો ગયો. જાણ્યાઅજાણ્યા અનેક લેખકો મળતા, સાથે મુસાફરી, રહેવાનું. જુદા જુદા વિષયો પર અનેક વક્તાઓને સાંભળવાની તક, એ પણ જીવનનું લાભ અને શુભ નહીં!
પરિષદનું અધિવેશન કે જ્ઞાનસત્ર ભરાય ત્યારે કોઈ વક્રદૃષ્ટિથી લખે કે આ તો મેળો છે, ખાણીપીણી અને રાત્રે નાટકચેટક.
ભોળાભાઈએ એક લેખમાં સરસ જવાબ આપ્યો હતો, હા મેળો ખરો પણ સાહિત્યિક મેળો, પુસ્તક-પ્રદર્શનોનો મેળો. જ્યાં વક્તાઓ, લેખકો, શ્રોતાઓ વિદ્યાર્થીઓ ખુલ્લા મનથી એકમેકને મળે છે. સભામંડપો સ્થાનિક અને આસપાસનાં વિસ્તારનાં લોકોથી ભરચક હોય છે.
રાતનાં કાર્યક્રમોમાં તો ઘણી હાજરી રહેતી. પોતાની ભાષા માટે ભેગાં થયેલાં લોકોની વાત જ નોખી. નડિયાદમાં રાતનાં કાર્યક્રમમાં દુલાભાયા કાગનાં પદોનું ગાન કે રાજેન્દ્ર શાહે સ્વયં કાવ્યપઠન એમના ઘેરા મીઠા સ્વરમાં કર્યું ત્યારે બેથી ત્રણ હજાર શ્રોતાઓ તો હશે.
આવા અનેક અનુભવો લઈ તરોતાજા ઘરે પાછાં ફરવાનો આનંદ મેંઅનેકેઅંકે કર્યો છે. એકવાર કોઈ નાના ગામમાં જ્ઞાનસત્ર. વહેલી ઊઠી ગઈ, બહાર આવીને જોઉં તો ગુલાબી ઠંડીમાં બાંકડે બેસી કુલડીમાં ચા પીતા ભાયાણીસાહેબ! ગુલાબી ઠંડી જેવો જ ગુલાબી મિજાજ! વિદ્વત્તાનાં ભાર વિનાનો.
અમે બે-ત્રણ કુલડી ચા પીતાં પીતાં ખૂબ ગપ્પાગોષ્ઠી કરી, ઊઘડતા પ્રભાત જેવું એમનું નિખાલસ હાસ્ય શહેરની રોજિંદી જિંદગીમાં ક્યાં સાંભળવા મળત!
તો રમેશ પારેખ આવ્યા હોય ત્યારે રાત્રે કવિતાનાં દરબારનો અનોખો લહાવો! જૂનાગઢમાં અધિવેશન હતું, ત્યારે પ્રમુખ તરીકે ભોળાભાઈનું ઇન્સ્ટોલેશન હતું.
ગિરનારની છત્રછાયામાં હતું અમારું ગેસ્ટહાઉસ. રાત્રે મોડે સુધી શાલમાં ઢબૂરાઈને અમારા રૂમની બહારની વિશાળ અગાસીમાં અમે સહુ બેઠાં હતાં. સામે જ ભવ્ય ગિરનાર, એના શિખરે ચંદ્રબીજનું એ અભૂતપૂર્વ દર્શન! જાણે સ્વયં સમાધિસ્થ મહાદેવ! વ્હોટ અ મૅજિકલ મૉમેન્ટ! એમાં પારૂલભાભી, શકુબહેન, કાનજી પટેલે લોકગીતો અને લગ્નગીતોની એવી રસલહાણ કરાવી હતી! અધિવેશનનો આ પણ એક લહાવો બીજે ક્યાં મળે!
કોઈ નાના ગામના જ્ઞાનસત્રમાં હું ગઈ હતી, ત્યાં એક વયસ્ક બહેન લાકડીને ટેકે ધીમે ચાલતાં મને ખાસ મળવા આવ્યાં, બહેન, તું આચાર્યભાઈની દીકરી. તું અહીં આવી છે એવી ખબર પડી કે હું તને મળવા આવી.
વાત એમ છે, સ્વાતંત્ર્ય ચળવળ વખતેનાં એ ઉથલપાથલના દિવસો. આચાર્યભાઈને માથે ધરપકડનું વૉરંટ. વેશપલટો કરી, મુસલમાન ટોપી પહેરી, ગાડીના પાટિયા નીચે છૂપાઈને જૂનાગઢ અમારે ત્યાં ભાગી આવેલા. મારા પિતાએ છૂપાવેલા. રાત્રે ફાનસને અજવાળે એ શું ડાયરો જમાવતા! પાડોશીઓ પણ છાનામાના આવતા. એ સમયે મારા પિતાને તકલીફ હતી ત્યારે આચાર્યસાહેબનો સધિયારો મળ્યો હતો.
બસ, તને મળવું હતું, તું આચાર્યભાઈની દીકરી, તું યે લખે છે જાણીને બહુ રાજી થઈ.
હું સ્તબ્ધ એમની વાત સાંભળી રહી. એક અજાણી સ્ત્રીએ મારા પિતાએ કદી ન લખેલી એમની સાહસિક જીવનકિતાબનું એક પૃષ્ઠ મારા હાથમાં મૂક્યું હતું. મારું હૈયું ભરાઈ આવ્યું.
`બહેન, જેમ તમારા પિતાને મારા પિતાએ કઠિન દિવસોમાં સધિયારો આપ્યો હતો તેમ તમારા પિતાએ મારા પિતા પર વૉરંટની લટકતી તલવાર નીચે ઘરમાં છૂપાવી ભૂગર્ભવાસનું જોખમ ખેડ્યું હતું.’
અમારા બન્નેના પિતાઓને આપસમાં શું સંબંધ હતો એની અમને ખબર ન હતી. એ બે પિતાઓની અમે બે પુત્રીઓ કદી મળી ન હતી અને મળવાની પણ ન હતી. કેટલાક સંબંધોને નામનું લેબલ નથી હોતું. એમણે મારે ખભે હાથ મૂક્યો. આંખો ભીની અને અમે ચૂપચાપ ઊભાં રહ્યાં.
શું સ્મૃતિઓનો પણ સુવર્ણકાળ હોતો હશે!
સાહિત્યના કાર્યક્રમો, પરિષદની મિટિંગ, પુસ્તકમેળો એ કોઈ પણ નિમિત્તે મુંબઈથી અમદાવાદની અઢળક ટ્રેન મુસાફરીઓ કરી છે (આજે પણ પ્લેન કરતાં ટ્રેનજર્ની વધુ ગમે. પણ હવે દીકરીઓનાં રાજમાં પ્લેનમાં વધુ જવાનું થાય.)
અમદાવાદ જવું મારે માટે તો આનંદનો અવસર! ત્યાં ભાઈનું ઘર. મેં પત્ર લખ્યો હોય હું આવું છું આ તારીખે. ભાઈ રાહ જ જોતો હોય. આ નિમિત્તે ભાઈને વર્ષો સુધી નિયમિત મળી શકાયું. ઘણીવાર બન્ને બહેનો પણ આવે.
આ લખું છું ત્યારે બ્રહ્માનંદ સહોદરની અનેક સુખદ સ્મૃતિઓ છલછલી ઊઠે છે! અસલ નાગરબ્રાહ્મણ ઘરનો માહોલ રચાઈ જાય, ચાનાં રગડા ઉકળતા હોય અને કલાકો વાતોનાં તડાકા મારતા હોઈએ, બિંદુબહેન કાઠિયાવાડી લહેકાથી બોલે, એયને પડતર ચા આવવા દેજો.
મારી સ્મૃતિમંજૂષાનાં અનેક આવાં કિરણો ઝગમગતાં મને આંજી દે છે.
* * *
મધ્યસ્થ સમિતિમાં કોઓપ્ટ થયાં પછી દર ચાર વર્ષે થતી પરિષદની ચૂંટણીમાં હું ભારે બહુમતીથી જીતી જતી. એક સમયગાળો એવો હતો કે લાગલગાટ ત્રણ ચૂંટણીમાં હું પ્રથમ, એટલે પૂરાં બાર વર્ષ સહુથી વધુ મત મને મળ્યા હતા. અત્યારે લખતાં સંકોચ અનુભવું છું. પણ એ વખતે તો એટલી ખુશ થતી! મને થતું હું જે અને જેવું લખું છું તે લોકોને ગમે છે.
પરિષદની મધ્યસ્થમાં, પછી કારોબારીમાં, પછી મંત્રી અને ઉપપ્રમુખ તરીકે યત્કિંચિત કામ કરી શકી. મુંબઈમાં પરિષદનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિના પણ ધીરુબહેન, દિપક મહેતા અને ઉદયન ઠક્કર સંગાથે કાર્યક્રમો કર્યા. કાંદિવલી પ્રગતિ મિત્રમંડળ સાથે સહયોગ પણ પરિષદ નિમિત્તે.
એક અણધારી ઘટના ઘટી.
જૂનાગઢ અધિવેશનમાં ભોળાભાઈ પટેલનો સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પદગ્રહણ સમારંભ. પ્રૉટોકોલ પ્રમાણે વિદાય લેતા પ્રમુખ વરાયેલા નવા પ્રમુખને કાર્યભાર સોંપે. ભગવતીકુમાર પૂર્વ પ્રમુખ હતા પણ એ જૂનાગઢ આવી ન શક્યા એટલે ઉપપ્રમુખ તરીકે મારે ભાગે એ જવાબદારી આવી. ભરચક સભામંડપ અને ભોળાભાઈ જેવા વરિષ્ઠ સર્જકને કાર્યભારની સોંપણી કરતાં મને ખૂબ સંકોચ થતો હતો, મેં એમને સ્ટેજ પર કહ્યું પણ ખરું. એમણે તરત કહ્યું
જે થાય છે તે બરાબર થાય છે, તમે યોગ્ય વ્યક્તિ છો.
ગિરનારની નિશ્રામાં એમણે કેવી ભવિષ્યવાણી ઉચ્ચારી હશે! ત્યારબાદ ભોળાભાઈએ વિદાય લીધી અને ઉપપ્રમુખ તરીકે સાહિત્ય પરિષદનું પ્રમુખપદ મેં સ્વીકાર્યું.
1972માં એક નાનું ઇનામ લેવા, એક નવીસવી લેખિકા પરિષદમાં આવી હતી અને ઇનામ લઈ તરત ચાલી ગઈ હતી. એ પરિષદનું સર્વોચ્ચ સ્થાન 2012માં મને મળ્યું. જ્યાં ગાંધીજી, ગોવર્ધનરામ જેવી વિભૂતિ અને અનેક વિદ્વાનોએ એ પદની ગરિમા વધારી હતી…
… એ મા સરસ્વતીના દરબારમાં ભલે દૂરના એક ખૂણામાં મને ઊભાં રહેવાનું પણ સૌભાગ્ય મળ્યું. એ તેમની કૃપા વિના શી રીતે શક્ય બને!
પપ્પાને તો કદી અંદેશો પણ ન હતો કે એમની દીકરીઓ કદીક લખશે, પણ એમની વિદાય પછી નિયતિએ અમારા હાથમાં કલમ મૂકી અને સાહિત્યની અનેક પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત કરી.
બાવનબાહરોની જેમ કોઈવાર એવી ઘટના બને છે જેનો કદી તાળો મળતો નથી. જેનાં પગલાં જ ન હોય તેનું પગેરું શી રીતે શોધવું!
* * *
1982નું વર્ષ અમારા માટે અત્યંત નિરાશાજનક હતું.
નૂતન વર્ષનો સાંધ્યદીપ ઝગમગી ઊઠે એની પહેલાં જ કાળની ઝંઝાવાતી ફૂંકે ઓલવી નાંખ્યો. એ ધન અંધકારનાં ઓળા આખા મહારાષ્ટ્ર પરના, આખા દેશ પર લંબાતા ગયા. તો અમે ક્યાંથી બાકાત રહીએ!
મુંબઈની ધમધમતી ટૅક્સટાઇલ મિલોનાં ત્રણેક લાખ જેટલા કામદારો અણધારી હડતાળ પર ઊતરી ગયા. સંપૂર્ણ લૉકઆઉટ!
દેશની આર્થિક રાજધાની તો મુંબઈ. જાણે ચક્રવર્તી સમ્રાટ! એની શોભા એકદમ ઝાંખી પડી ગઈ. મિલમાલિકો અને કામદારો પોતપોતાની માંગણીઓ પર અડગ. માલિકોને શો ફરક પડે! પણ કાપડઉદ્યોગની કમ્મર ભાંગી ગઈ. એ ઉદ્યોગ સાથે સંકળાયેલા બીજા હજારો ઉદ્યોગો હતા એ લાખો લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ. ભૂખે મરવાનો વારો આવ્યો.
અમેય એમાંનાં એક! મહેન્દ્રનો ટૅક્સટાઇલ કૅમિકલનો બિઝનેસ-મિલોને ડાયઝ વગેરે સપ્લાય કરે. પહેલી મિલ મુંબઈમાં તારદેવ પર શરૂ થઈ ત્યારથી મુંબઈ અને અનેક શહેરોમાં ટૅક્સટાઇલ મિલો ધમધમતી હતી.
સતત ચડતો સિતારો. મુંબઈ તો માન્ચેસ્ટર કહેવાતું. એ બંધ પડશે એવું તો ભલભલા જ્યોતિષી ન કહી શકે અને મિલો બંધ પડી ગઈ.
અમારું તો પાણીનાં રેલાની જેમ જીવન વહી જતું હતું અને દીકરીઓ ન્યૂ એરા જેવી સરસ પ્રયોગશીલ ગુજરાતી સ્કૂલમાં ભણી રહી હતી, અચાનક વીજળી ત્રાટકવા જેવી આ ઘટના. આર્થિક પાયમાલીમાં મુંબઈ ડૂબી રહ્યું હતું. અમારો પણ કપરો કાળ. ઉઘરાણીનાં પૈસા ડૂબી ગયા. દીકરીઓ સૂઈ જાય પછી અમે બે મૌનની હૂંફમાં બેસી રહેતા. રેતીમાં કેમ વહાણ હંકારવું તેનો સૂઝકો નહોતો પડતો.
એ સમયે શૈશવમાં વર્ષો પહેલાં જોયેલું દૃશ્ય મને તાદૃશ્ય થતું. એ અંધકારઘેરી રાત. જામનગરમાં બારીએ એકલી ઉભેલી બા. ભિક્ષાન્ન દેહી કરતું મૃત્યુ ખપ્પર લઈ પતિના પ્રાણ માટે દ્વાર પર ઊભું હતું. ક્યાંય દૂર દૂર પણ દીવો ટમટમતો નહોતો છતાં બાએ હિંમત અને પરિશ્રમથી સંસારને નવસાધ્ય કર્યો હતો.
પપ્પાએ તો સર્વસ્વ ખોયું હતું છતાં અસાધ્ય બીમારીમાંથી બેઠા થઈ પરિવારને પણ કળણમાંથી બહાર કાઢ્યો હતો. મહેન્દ્રના પિતાનું ઑટોમોબાઇલ સ્પેર પાર્ટ્સનો સફળ બિઝનેસ. ઘરમાં છલોછલ સમૃદ્ધિ પણ વર્લ્ડવૉર, કૉલોનિયલ રૂલ, હુલ્લડોમાં બિઝનેસ ડૂબી ગયો.
અમે વિચાર્યું, અમે આ માતાપિતાનાં સંતાનો. હિંમત હાર્યે ન ચાલે. એ હડતાળે કાપડઉદ્યોગની ડોક મરડી જ નાંખી. પરેલની મિલમજૂરોની ચાલીમાં ભૂખમરો, ગરીબી, બેકારીએ અનેકોનો ભોગ લીધો. હા, મિલમાલિકોની જમીનો સોનાની ખાણ થઈ ગઈ. મિલમજદૂરોનાં પરેલ ઍરિયામાં હવે લક્ઝુરિયસ હાઇરાઇઝ ઊભા થઈ ગયા.
પડતાં આખડતાં અમે આખરે ઊભાં થયાં અને અમારી ફૅવરિટ મરીન ડ્રાઇવની પાળીએ, દરિયાની સાક્ષીએ આઇસક્રીમની ઉજાણી કરી.
* * *
એ દરમ્યાન, પછી અને ક્યારેય પણ મારી લેખનયાત્રા કદી ન અટકી.
રેડિયો, ટી.વી.ના કાર્યક્રમો, નવલકથા કંઈ ને કંઈ લખતી રહેતી. ટી.વી પરના જ કોઈ કાર્યક્રમ માટે હું ઉનાળાની એક ધગધગતી બપોરે બસમાં વર્લી, ટી.વી. સેન્ટર જઈ રહી હતી. બસ ભરેલી હતી અને હું ઊભી હતી. હાજીઅલી દરગાહના બસસ્ટોપ પર બસ ઊભી રહી. અહીં એશિયાની સૌથી મોટી ચિલ્ડ્રન્સ હૉસ્પિટલ છે. આ સ્ટોપ પરથી એક મા કાંખમાં વિકલાંગ બાળકને લઈને ચઢી, એ પણ હડદોલા ખાતી ઊભી હતી.
બાળકના મોંમાંથી સતત લાળ ઝરે, હાથપગ વાંકાચૂંકા, બાળક કેડેથી ઘડી ઘડી સરકી પડે. મેં એના હાથમાંથી થેલી લઈ લીધી, એ આશ્ચર્યથી મને જોઈ રહી. મને થયું, માને કયો તાપ વધુ લાગતો હશે આ બહારનો કાળઝાળ કે ભીતરનો!
હું વર્લી સ્ટોપ પર ઊતરી ગઈ પણ એ બાળકનો ચહેરો અને માની કંતાઈ ગયેલી કાયા, મને તાકી રહેલી આંખો દેખાયા કરે. અમારા બે મિત્રોને ત્યાં આવાં બાળકો હતાં, એમની પીડાની હું સાક્ષી હતી. મોટા ભાગની દુનિયા એનાથી અજાણ હતી. મને થયું, આવા મેન્ટલી ચૅલેન્જ્ડ બાળકોનાં માતાપિતાની વાત હું જરૂર લખીશ. મનુષ્ય સ્વભાવ છે, જ્યાં સુધી પાણીનો રેલો પગ નીચે ન આવે ત્યાં સુધી અન્યોની વેદનાનો અહેસાસ જલ્દી થતો નથી.
એક બપોરે હું એ હૉસ્પિટલ પહોંચી ગઈ. હૉસ્પિટલ વિશાળ હતી. મારે દરેક વૉર્ડમાં ફરી બાળકોને મળવું હતું, માતાને મુખેથી એની કથની સાંભળવી હતી. પણ એમ જ ઓળખાણ વિના મને રોજ અંદર કોણ જવા દે! બહાર તડકામાં ઊભી, વિચારતી હતી કે પરમિશન માટે કોને મળું, હા પાડશે કે નહીં!
હંમેશની જેમ સામેથી અણધારી મદદ મળી. હૉસ્પિટલમાંથી એક મહિલા બહાર નીકળતી હતી. એકદમ સૌમ્ય અને ગરવું વ્યક્તિત્વ, મારી પાસે આવ્યાં,
`તમે અહીં કેમ ઊભાં છો? વર્ષાબહેન છો ને! તમને ટી.વી. પર જોયા છે, વાંચું છું.’
મેં મારી વાત કહી, એ રાજી થયાં.
`ચાલો, હું તમને લઈ જાઉં, પરિચય કરાવી પરમિશન પણ અપાવી દઉં, અહીં કોઈ આ રીતે આવ્યું નથી તો આ બાળકોની વાત તો કોણ લખે?’
પછી મને એમનો પરિચય થયો. નામ, નીલાબહેન ચિનોઈ. અનેક ક્રાફ્ટ જાણે અને વિકલાંગ બાળકોને શીખવે, વસ્તુઓ સાધનો એમનાં. પછી ઍક્ઝિબિશન કરે જે એક જ કલાકમાં વેચાઈ જાય, એ રકમ બાળકોની ટ્રીટમૅન્ટમાં જાય. એમને ઘરે હું ગઈ, વિશાળ ઘરમાં ઍમ્બ્રોઇડરી વગેરે ગરીબ બહેનો પાસે કરાવી એમને પગભર કરે.
એમની સાથે દરેક વૉર્ડમાં ફરીને એવાં બાળકો જોયાં કે આંખ છલકાઈ જાય. અનેક રીતે વિકલાંગ બાળકો અહીં હતાં. દૂરથી આવતાં માબાપ મુંબઈમાં ક્યાં રહે? કેમ પરવડે? ભારે હૈયે સંતાનોને અહીં જ મૂકીને ચાલી જાય. તો મુંબઈમાં જ રહેતી માતાઓ (મને બસમાં મળેલી એવી મા) વર્ષો સુધી દૂરના પરામાંથી અહીં ટ્રીટમૅન્ટ માટે આવે.
હું દરરોજ જતી. આ માતાઓ સાથે વાતો કરતી. ધીમે ધીમે આ માતાઓ એમનાં હૃદયનાં ગુપ્ત દ્વાર ખોલતી. એમાં કંઈ કેટલી આંસુભરી કથાઓ દીઠી! એમાં કલમ બોળી મેં નવલકથા લખી `ખરી પડેલો ટહુકો’. એવા પંખીની વાત જે કદી ઊડી શક્યું નથી, ગીત ગાઈ શક્યું નથી, જેનો ટહુકો ગળામાંથી ખરી પડ્યો છે.
`નવનીત સમર્પણ’માં ઘનશ્યામભાઈએ પ્રગટ કરી જેનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. એ બાળકોનો મેં ટી.વી. પર પ્રોગ્રામ કર્યો, શું બાળકો મને વળગી પડ્યા છે! પ્રોડ્યુસર નયના દાસગુપ્તાનો પણ ખૂબ સહકાર.
હૉસ્પિટલની ફિઝિયોથૅરેપીસ્ટ યુવતીઓ એક અનાથાશ્રમમાં મને સાથે લઈ ગયા. નાની છોકરીઓ નાના કિશોરવયનાં બાળકોને રાખડી બાંધતા રડી પડી. તમે એક સાથે ત્રણસો-ચારસો બાળકોને રડતાં જોયાં છે! આ પૃથ્વી પર પોતાનું કોઈ જ નથી એ લાગણી પીડાદાયક કેવી હશે! દિવસો સુધી એ રુદન મારા મનમાં પડઘાતું રહ્યું હતું.
તો મેં નજરોનજર ચમત્કાર પણ જોયો હતો.
ચિરાગનો જન્મ અમેરિકામાં, જન્મથી જ પગને આંટી અને લાકડા જેવું શરીર. ડૉક્ટરની કોઈ કારી ન ફાવી. નાની નણંદનું આવું બાળક. મુંબઈમાં રહેતા મોટી ઉંમરના એનાં ભાભી સામે ચાલીને એ બાળક લઈ આવ્યાં. મારી પાસે સમય છે, હું સેવા કરીશ. કૉલેજમાં ભણતાં એમનાં સંતાનો પણ રાજી. (આજના સમયમાં તો આ પણ એક ચમત્કાર!) લલિતાબહેન રોજ ચિરાગને હૉસ્પિટલમાં લાવે, કલાકો ધીરજથી બેસે. મને કહે હું ચિરાગ પાસે રામનામ બોલું છું. ક્યારેક તો એનો અંદરનો રામ હોંકારો ભણશે જ.
રામે હોંકારો ભણ્યો તે મેં નજરોનજર જોયું. લાકડાના ટુકડાની જેમ જડ પડી રહેતો ચિરાગ એક મોટા દડા સાથે કસરત કરી રહ્યો હતો.
1985ની આ વાત.
2012ની આ ઘટના.
2012માં સૂરતની યુનિવર્સિટીમાં અધિવેશનમાં મારું પરિષદ પ્રમુખ તરીકે ઇન્સ્ટોલેશન. બપોરે અમે લંચ લેતાં હતાં ત્યાં એક યુવતી મળવા આવી.
`વર્ષાબહેન, મારા શારદાફોઈ તમને યાદ કરે છે.’
`બહેન, કોણ શારદાફોઈ?’
`તમે `ખરી પડેલો ટહુકો’ નવલકથામાં ચિરાગને સાજો કરતા શારદાફોઈનું પાત્ર આલેખ્યું છે તે.’
મેં વાર્તામાં લલિતાબહેન નામ રાખેલું.
`ચિરાગ હવે યુવાન છે, ઉત્સાહી છે. જાતે જ પોતાનું કામ કરે છે. તમારી એ નવલકથા અમે ઘણાને ગિફ્ટ આપી છે, ડૉન્ટ ડિસ્પેર. ઘેર ઇઝ અ રે ઑફ હોપ એ સંદેશ ધરપત આપે છે. તમારો આભાર માનવા આવી હતી.’
ના. આભાર તો નિયતિનો. જેણે સર્જકતાની મને ભેટ આપી. કેવા કેવા અનુભવોનો સાક્ષાત્કાર કરાવી મારા જીવનને સમૃદ્ધ કર્યું!
મહેન્દ્રનાં મિત્ર દંપતીનો પુત્ર તુષાર. વય પચીસ-ત્રીસ, હેન્ડસમ. આઇક્યુ માત્ર છ મહિનાનાં બાળકનો. તેને ઉછેરતા બન્ને કંતાઈ ગયાં હતાં. મેં તેમને તુષારને આશ્રમમાં મૂકવા સમજાવ્યા. એ કપરી કામગીરીમાં મારે પણ સામેલ થવાનું હતું.
મુંબઈથી અમદાવાદની ટ્રેન મુસાફરીમાં એને સાચવતાં અમને ખૂબ મુસીબત પડી. શરીરથી મજબૂત, દોડાદોડ કરે. આશ્રમ પહોંચ્યા. એ સમજી ગયો. મને અહીં મૂકવાના છે. ટૅક્સીમાંથી ઊતરે જ નહીં, માંડ સંસ્થાનાં ક્વાર્ટ્સમાં લઈ ગયા જ્યાં બીજા આવા મૅન્ટલી ચૅલેન્જ્ડ વીસ-પચીસ યુવાનો હતા.
તુષારને મૂકીને અમારે નીકળી જવાનું. મા દીકરાને છુટ્ટા પાડતાં અમારું હૃદય વલોવાઈ જતું હતું. તુષાર બારી પર ચડી ગયો, નીતાભાભીનું રુદન અને બીજા યુવાનોએ મને ઘેરી લીધી. મારી લાલ ઓઢણી શરદ નામના યુવાને પકડી મને અડીને સાથે ફર્યા કરે.
બાવીસ-ત્રેવીસનો યુવાન. બુદ્ધિ નહીં પણ શરીર તો બોલે ને! એની આંખમાં મેં સેક્સની ભૂખ ભડકેલી જોઈ. સુરેશભાઈ સોની પહોંચી ગયા, અમને કહે જલ્દી નીકળી જાઓ. ભાભી અને તુષારનું રુદન. બે-ત્રણ યુવાનો અમારી પાસે આવ્યા, જેની પાસે ભલે બુદ્ધિ ન હોય પણ હૃદયની ભાષા તો હતી!
શરદે પ્રેમથી અમને સાંત્વન આપ્યું, જેને દુનિયાદારીની કશી ખબર નહોતી એણે કહ્યું, ચિંતા નહીં તુષારભાઈ. અમે ધ્યાન રાખશું.
હું નીતાભાભીનો હાથ પકડી લઈ ગઈ ગૅસ્ટહાઉસ. માતા પુત્રને જુદા પાડવાની સૌથી કપરી કામગીરી માંડ બજાવી.
એ દિવસે જિંદગીનો અઘરો પાઠ એ બાળકબુદ્ધિ યુવાનો પાસેથી ભણી.
(ક્રમશ:)
વર્ષાબેનની આત્મકથા વાંચવી એ પણ એક લ્હાવો છે. કેટલું સરળ વ્યક્તિત્વ. મનોભાવો અને જાતજાતના અનુભવો સુંદર શૈલીમાં આલેખાયેલા છે. વર્ષાબેન, તમે મારા જેવી લેખિકા માટે પ્રેરણામૂર્તિ છો. આભાર.
વર્ષાબેનના જીવનમાં કલ્પનાઓ કરતાં પણ વધારે રોમાંચક ઘટનાઓ મેઘધનુષ્ય જેવા રંગો લઈ આવી છે.