|

બારીનું હોવાપણું ! (લલિત નિબંધ) ~ મીના છેડા (મુંબઈ)

(નોંધ : લેખ લખાયો – જુલાઈ ૨૦૨૧)

ઘરમાં પ્રવેશદ્વારની નજીક, બહારની દીવાલ પર કેમેરો અને અંદરની દીવાલ પર એની સ્ક્રીન મૂકેલી છે. જેથી કોઈ પણ વ્યક્તિ આવે તો સ્ક્રીનમાં જોઈ શકાય.

આ સ્ક્રીનમાંથી કૉરિડૉર દેખાય. આખું કૉરિડૉર એટલે કે લિફ્ટ સુધીનું. અત્યારે કોરોનાના વાયરસનો આતંક આખા વિશ્વમાં ફેલાયો છે એટલે લોકડાઉન ચાલી રહ્યું છે અને હજી કેટલા દિવસ કે સમય આ જ સ્થિતિમાં જશે એ નક્કી નથી. એવા સમયે લગભગ આખો દિવસ સ્ક્રીનમાંથી આ કૉરિડૉર ખાલી દેખાય છે.

કોઈ ચહલપહલ નથી. ત્યાં મૂકેલો શુરેક પણ અચાનક જીવંતતા ખોઈ બેઠું હોય એમ લાગે. કોઈ એને ખોલતું નથી. ચપ્પલ કે જોડા નથી અંદર મૂકાતા કે નથી બીજા કઢાતા. લિફ્ટના બંધ દરવાજાની વચ્ચેની ઊભી લાઇનમાંથી અંદરની લાઇટનું સ્થિર અજવાળું બહાર આવીને કૉરિડૉરને સીધી લીટીમાં સોંસરું વીંધીને ઊભેલું દેખાય છે.

વહેલી સવારે આ કૉરિડૉર સ્વચ્છ લાગે છે. જાણે હમણાં જ કોઈએ સાવરણી ફેરવી હોય. કૉરિડૉરનો બીજો છેડો અને ત્યાં આવેલી બારી સ્ક્રીન પર નથી દેખાતી પણ સૂર્યનો પ્રકાશ આ કૉરિડૉરમાં ડોકાઈને એ બારીની હયાતી આપી જાય છે અને ત્યારે એનું હોવાપણું અનુભવું છું.  કૉરિડૉરમાં રમતાં સૂર્યનાં કિરણોની ચમક મને સ્પર્શી જાય છે અને એ સમયે આખું કૉરિડૉર જાણે જીવંત થઈ જાય છે. પણ એ તો સવાર પૂરતું..

દિવસ જેમ જેમ આગળ વધતો જાય છે કૉરિડૉરમાં ખાલીપો ભરાતો જાય છે. અને પછી સમય જાણે સ્થિર થઈ ગયો લાગે,  હવામાં સ્તબ્ધતા આવી જાય… ધીરે ધીરે હવાવિહીન કૉરિડૉર અનુભવાય અને પછી સમય સૂમસામ..

સાંજે કૉરિડૉરમાં લાઇટનું અજવાળું થઈ જાય છે પણ આ પ્રકાશ કૉરિડૉરમાં પેસી ગયેલા ખચોખચ ખાલીપા અને સૂનકારને ખતમ નથી કરી શકતો પણ વધુ સ્પષ્ટ કરી દેતો હોય એવું લાગે છે.

દરવાજો બંધ છે. સ્ક્રીનમાંથી દેખાય છે કે કૉરિડૉર ખાલી છે.. લિફ્ટ પણ દેખાય છે. ઘરનો દરવાજો ખોલું એટલી વાર છે. કૉરિડૉર પસાર કરી લિફ્ટમાં હું નીચે જઈ શકું છું આ લોકડાઉનમાંથી આઝાદ થઈ શકું છું. બહુ જ સરળ છે અહીંથી નીચે જવાનું… બહાર નીકળવાનું…. પછી તો ખુલ્લું આકાશ… ખુલ્લો તડકો.. ખુલ્લો પ્રકાશ. સંપૂર્ણ આઝાદી.

પણ બહાર નીકળવાનું આટલું સરળ છે ખરું ?

ફરી મેં કૉરિડૉર તરફ જોયું.. જાણે સૂમસામ ગુફા. હું જોતી જ રહી. ક્ષણ.. બીજી ક્ષણ.. ત્રીજી ક્ષણ.. સમય હટતો ગયો. હવે મારી નજર સમક્ષ ફક્ત આ સૂમસામ ગુફા છે. આમાં આગળ વધું? આની અંદર ઉતરું? ડર લાગે છે.. સામનો કરી શકીશ ? આગળ જતાં ભય જેવું હશે તો?

બહારના કોરાનાએ તો હજી હમણાં કેર વર્તાવ્યો છે પણ મનની અંદર વર્ષોથી ન જાણે કેટલાય યુગોથી ફેલાયેલા કોરાનાનું શું? અંદર મેં શા માટે દરવાજાને ભીડી દીધા છે.. કયો ડર સતાવે છે મને બહાર નીકળતાં.. ખુલી જવાનો ભય છે? આ ડર મને દિવસોના દિવસો સુધી આંખો બંધ કરવા નથી દેતો. ધ્યાનમાં બેસવા નથી દેતો. ધ્યાન લાગી જશે ને બધું સ્પષ્ટ ખૂલી જશે
તો?

પણ ખુલવાથી તો ખુલ્લું આકાશ મળે, ખુલ્લો તડકો મળે, ખુલ્લો પ્રકાશ મળે.. સંપૂર્ણ આઝાદી. બહારનો કોરોના એક દિવસ ખતમ થશે, લોકો એને હરાવવા મહેનત કરી રહ્યા છે, તો વર્ષોથી મનમાં ઘર કરી ગયેલા ડરના કોરોનાને હરાવવા બારી તો ખોલવી જ રહીને. ભલે પેલી પારની બારી મને દેખાતી નથી પણ એનું હોવાપણું મારે અનુભવવું છે તો પહેલાં સાવરણી લઈ પૂંજો તો વાળું. જરૂર એ બારીમાંથી ડોકાઈને સૂર્યનાં કિરણો આવશે એની ચમક રમતી દેખાશે, એને સ્પર્શવાનો અદ્ભુત આનંદ મળશે.

હવે મને આ કેમેરાની સ્ક્રીન ગમવા લાગી છે. એમાંથી દેખાતો કૉરિડૉર… એની શાંતતા..  બધું જ સમજાવા લાગ્યું છે. ખાલીપો ધીરે ધીરે પીગળવા લાગ્યો છે. બહાર પણ નીકળાશે. સ્વતંત્ર શ્વાસ પણ લેવાશે… પ્રક્રિયા ચાલુ છે. સતત ચાલુ છે.

~ મીના છેડા (મુંબઈ) 

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

  1. કૉરિડૉરનો ખાલીપો અનુભવી શકાય છે…અત્યંત સંવેદનશીલ અભિવ્યક્તિ,મીનાબહેન…