મારું ઘર ક્યાં? (લેખ) ~ જયશ્રી વિનુ મરચંટ

“મારું ઘર ક્યાં?”

(“ગુર્જરી ડાયજેસ્ટ”ના સૌજન્યથી – ઓક્ટોબર ૧૯૯૭નો અંક)

લુફ્તાન્ઝાના જમ્બો જેટમાં ગોઠવેલી મારી સીટની નાનકડી બારીમાંથી, જે.એફ.કે. એરપોર્ટને થોડીક લાપરવાહીથી દ્રષ્ટિમાં મેં ભરી લીધું.

મનમાં એવી લાગણી થઈ કે હવે ફરી કદી આ ધરતી પર ન આવવાનું થાય તો કેટલું સારું! બસ, હવે તો મારું વતન ભારત જ છે અને બાકીની જિંદગી ત્યાં જ પસાર કરીશું. ભગવાન કરે અને આ વિદેશની ધરતી પર રહેવાનો બોજો મને હવે મારા હ્રદય પર કદી વેંઢારવો ન પડે!

હું મારા આત્માની પોઠ પર વિદેશી ધરતીનો બોજો સારી સારીને હવે થાકી ગઈ હતી. એક વણઝારાપણાની જિંદગીથી વિશેષ બીજું શું હું અહીં અમેરિકામાં જીવી રહી હતી? ન ક્યાંય રસ્તો, ન મંઝિલ, ન કાયમી ઘર કે ન ઘરના આસાર પણ….!

જોબ બદલાય એની સાથે ઘર બદલવા માટે પણ તૈયાર રહેવું પડે. હા, અમેરિકામાં અમને મોર્ડન સગવડો અને સજાવટસભર હાઉસ તો મળ્યું પણ એમાં અમારું પોતીકું લાગે એવું એક ઘર કદી લાગ્યું નહીં. એ પોતીકું ઘર એવું હોય કે જેની દિવાલો, બારી, બારણાંઓ અને પાયામાં જીવંતતા ધબકતી હોય, એટલું જ નહીં, પણ એ ઘર મારા વતનની ધરતી પર જ હોય! આ વિચાર આવતાં જ હું તો વતનની ભીની હવામાં તરબતર થઈ ગઈ! મારું મન તો હિલોળે ચડ્યું! પ્લેનમાં બેઠી બેઠી હું તો વિચારોના હિંડોળે ઝૂલતી રહી.

મારું પ્લેન ઊપડ્યું. અમેરિકાની ધરતીને છેલ્લા જુહાર કરતી હોઉં એવી લાગણી થઈ. મારા પતિદેવ તો બાળકોનું સમર વેકેશન શરૂ થયું કે તરત જ નીકળીને ભારત પહોંચી ગયા હતાં જેથી ભારતમાં એમની શાળાનું એડમિશન સમયસર થઈ શકે. અન્ય કામો પતાવવા માટે મારે એકાદ અઠવાડિયું પાછળ રહેવું પડ્યું હતું.

કહેવા માટે તો હું એકલી જ મુસાફરી કરતી હતી પણ હું એકલી ક્યાં હતી? મારી સાથે પાછો ફરી રહ્યો હતો વતનમાં વિતાવેલાં વર્ષોનો કિલ્લોલ. હું સફર દરમિયાન એ જ વિચારતી હતી કે કોણ જાણે કઈ રીતે મેં આયખાનો આખો દાયકો પરદેશમાં આમ વતનના વિરહમાં વલખતાં વિતાવ્યો?

પછી, મારા અવળચંડા મને ટકોર પણ કરી, “ભૂલી ગઈ તું? ૧૯૮૨માં ભારતથી અમેરિકા આવતાં પણ આવો જ થનગનાટ હતો મનમાં! તે સમયે તો એક ગુલાબી ચિત્ર હતું મનમાં કે, ‘અમેરિકા એટલે તો તકોનો ભંડાર. અમેરિકામાં આપવાવાળાની શક્તિનો હિસાબ ન માંડી શકાય પણ લેવાવાળાઓની લિમિટેશનનો હિસાબ માંડવો સહેલો પડે. અમેરિકામાં જે સ્ત્રી સ્વાતંત્ર્ય છે તેની સરખામણી ભારતના સ્ત્રી સ્વાતંત્ર્ય સાથે કરવાનો તો સવાલ પણ ઊભો નહોતો થતો.

ત્યારે તો એમ જ લાગતું હતું કે ‘અમેરિકામાં પર્સનલ અને પ્રોફેશનલ ગ્રોથ માટે અમર્યાદિત શક્યતાઓ છે. અમેરિકામાં સ્ત્રી સાચા અર્થમાં પુરુષ સમોવડી બનીને રહે છે. ભારતમાં તો આપણે માત્ર આપણી ત્રણ હજાર વર્ષો જૂની સંસ્કૃતિનું ડિંડિમ વગાડતાં “યત્ર નાર્યા પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા” ની વાતોના માત્ર બણગાં જ ફૂંકીએ છીએ અને પાછળથી કેટકેટલી સ્ત્રીઓને સૂક્ષ્મ અને સ્થૂળ, માનસિક અને અન્ય પ્રતાડનાઓ સહેવી પડે છે! બસ, એક વાર હું અમેરિકા પહોંચી ગઈને તો પાછી આવવાની જ નથી. અમેરિકા એ જ મારું વતન હશે! મારી બે બેગો અને હેન્ડ બેગમાં ભરેલા ખીચોખીચ સામાન સાથે ભરેલી, મારી હિંમત, જોશ અને હોશ થકી હું એક નાનકડી દુનિયા અમેરિકામાં વસાવીશ… આ મારી, મારા આત્મા સાથે કરેલી પ્રતિજ્ઞા છે!’

એ સમયના મનોવિશ્વ અને ભાવ જગતને, આમ આટલા બધા વર્ષો પછી, આજે, જ્યારે હું પાછી જઈ રહી છું ત્યારે, યાદ કરાવનારા મારા એ અવળચંડા મનને ટપારતાં, હું સ્વગત, મારા મનને ટપારતાં બોલી, “બસ, હવે! મારી જુવાનીના જોશમાં કરેલી મોટી મોટી વાતો અને વાયદાઓને આમ મારા મોઢે મારવામાં કોણ જાણે તને શું આનંદ આવે છે?”

અમે અમેરિકા તો આવી ગયા પણ, અમેરિકામાં શરૂઆતનો જે આકરી પરિસ્થિતિ સામે ઝઝૂમવાનો જે જુસ્સો હતો, તે, જેમ અમે સેટલ થતાં ગયાં તેમ ઘટતો ગયો. અમેરિકા રહેવાની આરત વાસ્તવિકતા બનતાં જ, એનું વરવાપણું પણ છતું થવા માંડ્યું હતું.

આમ ને આમ વર્ષો વિતી રહ્યાં હતાં. અમારાં બે બાળકો પણ અહીં જન્મ્યા અને હવે મોટાં થઈ રહ્યાં હતાં અને અમે અમારી જોબની પાછળ સતત દોડાદોડીમાં જ શ્વસી રહ્યાં હતાં. અરે સોશ્યલ સંબંધો, વાર-તહેવારો પણ માત્ર વીકએન્ડમાં જ માણવા પડતાં. વીકએન્ડથી વીકએન્ડમાં જીવાતું યુ.એસ.એ.નું જીવન ભૌતિકતાની પાછળ મૂકેલી એક આંધળી દોટ છે, એની સચ્ચાઈ ધીરેધીરે સમજાવા લાગી હતી.

અમારા બાળકો હજુ એ ઉંમરમાં હતાં કે જો પાછાં ફરવું હોય તો હજુ જઈ શકાય એમ હતું. મારા અને મારા પતિના મનમાં જે અમેરિકામાં વસવાનો થનગનાટ હતો એનું સ્થાન ધીમે ધીમે ભારતમાં પાછા ફરવાની ઝંખના લેતી ગઈ અને એવી ઘર કરી ગઈ કે અમે અંતે પાછા ભારત જવાનો નિર્ણય કરી જ લીધો.

પ્લેનમાં બેઠી બેઠી આવા વિચારો કરતી હું તો હવે સંપૂર્ણપણે, પગથી માથા સુધી ભારતની સુગંધમાં તરબતર હતી. પ્લેનની સફરના આ ૧૭-૧૮ કલાકો કોઈ અકળ બેભાનીમાં જ વીત્યા હતા. અંતે, મારા દેશની ધરતી પર મેં પગ મૂક્યો.

એ સમયના કસ્ટમના નિયમો, તુમારશાહી કે પછી વતનની અસહ્ય ગરમી, કશું જ મને ડિસકરેજ કરી શકે એવો ચાન્સ જ ન હતો. મને રિસીવ કરવા આવેલા મારા સગાં સ્નેહીઓને હું તો દોડીને ભેટી પડી. મારા પગ જમીન પર જ ક્યાં પડતાં હતાં? હું તો હવામાં જ જાણે સરકતી હતી અને આંસુભરી આંખે સહુને મળતી રહી.
*****
બે ચાર દિવસો તો એક ખુમાર અને ઝનૂનમાં પસાર થયા, પણ, આવનારા દિવસોમાં શરાબીનો નશો ઊતરતાં, વાસ્તવિકતાનું ભાન થાય અને એ સાથે જ થતી ‘હેંગ ઓવર’ની વેદનાના વમળોમાં હું પણ ગડથોલાં ખાવા માંડી હતી. આ વેદનાનો બોજો એટલો ભારી થવા માંડ્યો હતો કે બીજાં  છ અઠવાડિયામાં, તખ્તો જ આખો પલટાઈ ગયોને અંતે, અમે અમેરિકા પાછાં જવાનો નિર્ણય લઈ જ લીધો!
****
…..અને, આજે, મુંબઈના એરપોર્ટ પર ફરી મને વિદાય આપવા આવેલાં સ્નેહીજનોનો મહેરામણ ઊભરાયો હતો. અમારી બેગોમાં ઠાંસીને ભરેલી અનેક મૂલ્યવાન વસ્તુઓ હોવાના ભારથી નહીં પણ, એક ખાલીપાના બોજાથી, અમારી બેગો અત્યંત ભારી થઈ ગઈ હતી.

મને માનવામાં જ નહોતું આવતું કે મારા પોતાના દેશમાંથી હું, તૂટેલા ભરમની શરમ અનેધેર ઈઝ નો વેકન્સી ફોર યુ હીયર ના અણલિખિત શબ્દોને મારા અંતર પર કોતરાવીને પાછી અમેરિકા જઈ રહી હતી.

મારા પતિ અને સંતાનો તો અમેરિકા પાછા જવાની વાત પર મારા જેટલાં અપસેટ નહોતાં, તો, આ બાજુ, મારી સઘળી મિરાત જાણે લૂંટાઈ ગઈ હોય એવું મને કેમ લાગ્યા કરતું હતું, એનું કારણ હું નક્કી નહોતી કરી શકતી. કદાચ આ જ કારણસર, મારી આંખોમાંથી આંસુઓ સર્યા કરતાં હતાં. અને મને એરપોર્ટ મૂકવા આવેલાંઓનાં ચહેરા અશ્રુઓનાં વરસાદને કારણે ધૂંધળા દેખાતા હતાં, પણ, હથોડા જેવા, ચારેકોરથી આવતાં એમનાં અવાજો સીધા જ મારા હ્રદય અને આત્મા પર રુઝાઈ ન શકે એવા ઘા કરી રહ્યાં હતાં.

અરે આટલું શું રડે છે?  ભારત કઈં દુનિયાના નકશામાંથી મટી નથી જવાનું! દર વર્ષે આવતી રહેજે! વોટ ઈઝ અ બીગ ડીલ?

“તમે ફરી પાછાં અમેરિકા જવાનો જે નિર્ણય લીધો છે તે બિલકુલ સાચો અને પ્રેક્ટિકલ છે.

સારું કર્યું કે એકવાર આમ ભારત ફરી સેટલ થવા આવવાનો પ્રયત્ન કરી જોયો.  તમે દસ વર્ષે પાછાં આવ્યાં અહીં સેટલ થવા, પણ તેં જોયું ને? આ દસ વર્ષોમાં અહીંની તકલીફો સો ગણી વધી ગઈ છે.

એ તો ખોટી લાગણીમાં ખેંચાઈને એમ લાગે કે વતન ભેગાં થઈ જઈએ પણ આ ભૂખ્યા-નંગા દેશમાં તમારે રહેવું જ શું કામ છે? વોટ ઈઝ રોંગ વિથ યુ?

તો એ રીમાર્ક સાથે ‘ટેગ અલોન્ગ’ થતાં બીજા અવાજો ધસી આવ્યાં.

એમાંનો આ એક ‘મોસ્ટ પ્રિવેલન્ટ’ અવાજ સીધો હ્રદય સોંસરવો ઊતરી ગયો.

“આ શું દેશમાં રહેવાની રટ લઈને બેઠી છે? જરાક પ્રેક્ટિકલ થા. પાછા જવાનું નક્કી કર્યું એ જ બાળકોના ફ્યુચર માટે સારું છે. એમ કર, તારુ ગ્રીન કાર્ડ અમારા નામે ટ્રાન્સફર કરી દે અને અમે તારા બદલે ત્યાં જઈએ છે અને તમે રહી પડો અહીં!”

આમ, અમારા તરફ આડેધડ ફેંકાઈ રહેલા સીઝન બોલના થ્રો સમા આવા કડવા બોલો હ્રદય પર આડેધડ વાગી રહ્યાં હતાં.  દરેક આવી કોમેન્ટ સાથે મારા આંસુનો પ્રવાહ ઓછો થતો ગયો હતો પણ, એ છેલ્લા એક સટીક ઘાએ મારી આંખોને અચાનક જ કોરી કરી નાખી હતી. એક રીતે તો હું હેબતાઈ ગઈ હતી.

મને હવે મારા દેશના લોકોની છબી સાફ દેખાવા માંડી હતી. પ્લેન બોર્ડિંગનો સમય થવા માંડ્યો હતો. મારી આંખો મેં લૂછી, કોરી કરી. મેં મારા પાંચ અને સાત વર્ષોના બાળકોની બેઉ હાથે આંગળી પકડી લીધી. મારા પતિએ અને બાળકોએ ‘આવજો’ કહેવા હાથ ઊંચા કર્યાં અને મેં કંઈ પણ કહ્યાં વિના, પીઠ ફેરવી ને કસ્ટમની વિધિ પતાવવા આગળ ચાલવા માંડ્યું.

મારી પાછળ “આવજો, આવજો’ ના અવાજો ઘસડાતાં રહ્યાં. હું ચૂપચાપ ચાલી રહી હતી, ત્યાં જ મારા પાંચ વર્ષના દીકરાએ મને પૂછ્યું, “મમ્મી, આર વી ગોઈંગ બેક હોમ?” અને મેં માત્ર ડોકું ધૂણાવીને હા પાડી. મારા અવળચંડા મને ત્યારે ટકોર પણ કરી લીધી, “લે, તારે વતનમાં ઘર લેવું હતું ને, લઈ આવી?”

અંતે, અમે અમેરિકા પાછાં જવા પ્લેનમાં ગોઠવાઈ ગયા. હવે વિમાન રનવે પર દોડવા માંડ્યું હતું.

મેં મારા પતિના હાથ પર માથું ટેકવ્યું ને બે ચાર આંસુ એમની સ્લીવ ભીંજવી ગયા. મિતભાષી મારા પતિ, મારા માથે હાથ ફેરવીને એટલું જ બોલ્યા, “ઈટ ઇઝ ઓકે.”
***
પ્લેન હવામાં ઊડી રહ્યું હતું અને મારું મન મારા દેશની ધરતી પર ગુજારેલાં આ છ અઠવાડિયાની બેલેન્સશીટ બનાવી રહ્યું હતું. આ છ અઠવાડિયા દરમિયાન, મારા હમવતનીઓએ સંબંધના દાતરડાથી મારા અંતરમનની ચામડી ઊતરડી લીધી હતી.

મને કોડ હતા, વતનમાં મારું ઘર બનાવવાના. મારું પોતાનું એવું ઘર જે સગાં-સંબંધીઓ અને મિત્રોની હૂંફ, વિશ્વાસ, સપોર્ટ અને અનકન્ડીશનલ પ્રેમની દિવાલો, છત અને બારી-બારણાંથી બન્યું હોય! પણ અંતે શું મળ્યું મને? મારી નજર સામે એ છ અઠવાડિયાના પ્રસંગો કોઈ મુવીના રીલની માફક ‘અનફોલ્ડ’ થવા માંડ્યાં હતાં.

૧૯૯૨ની એ સાલ હતી. સહુ પહેલો પ્રોજેક્ટ અમારા માટે મુંબઈમાં ફ્લેટ શોધવાનો હતો. જગ્યાના દલાલે તો મને સાફ સંભળાવી દીધું હતું કે, “જુઓ બેન, તમને અમેરિકાવાળાને પૈસા હોયને, તો યે ખરચતાં બહુ તકલીફ પડે છે! ત્રણ બેડરૂમનો ફ્લેટ જુહુમાં લેવો હોય ને તો કરોડની ઉપર જ થશે. અને, એવો ખર્ચો કરવાની ત્રેવડ ન હોય ને તો મારું માનો, અમેરિકા પાછા જતાં રહો. તમારો અને મારો બેઉનો સમય બરબાદ નહીં થાય.” અને, મને ઓચિંતું જ અમેરિકાના જગ્યાના એજન્ટનું પ્રોફેશનાલિઝમ યાદ આવી ગયું હતું અને મનોમન એક સરખામણી પણ થઈ ગઈ હતી.

મુંબઈમાં જગ્યાના એક દલાલથી બીજા દલાલ અને એક બિલ્ડિંગથી બીજા બિલ્ડિંગ ફરીને હું નાસીપાસ થતી જતી હતી. મારા પતિ મારી સાથે આવતાં પણ મની મેટર્સની વાતો સિવાય, જગ્યાની પસંદગીનો ભાર મારા પર છોડીને, તેઓ તો આ પ્રોસેસમાંથી સાવ ખસી ગયા હતા. એમણે તો સાફ કહી દીધું હતું કે ‘તને જ્યાં ગમશે ત્યાં મને ફાવશે.’

અમે જગ્યા જોવા જતાં પણ મને ક્યાંક હવા ઉજાસના વાંધા, ક્યાંક લોકેશનનો પ્રોબ્લેમ તો ક્યાંક ટ્રાન્સપોર્ટેશનની તકલીફો દેખાતી હતી અને જો બધું જ બરાબર હોય તો એન.આર.આઈ.ને જોઈને આસમાને ચઢેલા ભાવ…!

હું મારા ઘરની શોધમાં ભટકતી રહી હતી. દિવસે દિવસે મારી હિંમત તૂટતી જતી હતી અને જે બચી હતી એ તોડવામાં અને ચૂરચૂર કરવામાં સ્વજનોએ પણ કોઈ કસર છોડી નહોતી.

ક્યારેક મને કહેવામાં આવતું, “જુઓ મોટીબેન, કાકાના અને આપણા ઘર વચ્ચે, શેખરના લગ્નપ્રસંગે મન ઊંચા થઈ ગયાં હતાં. આપણે ત્યારથી એમની સાથે બોલે વ્યવહાર નથી. તો તમારે ત્યાં જવું હોય તો આગળપાછળનું બધું વિચારીને જજો. તમે અમેરિકાવાળા ધારો છો એવું અહીં કંઈ બધું સિમ્પલ નથી હોતું. બાકી તમે તો સમજદાર છો જ.”

તો, કોઈ વળી અમારા સંતાનોના હિતેશ્રી બનીને કહેતાં, “તમારાં બાળકો તો અમેરિકન છે. ત્યાંની સ્કૂલમાં ભણેલાં છે, અહીં કેવી રીતે સેટલ થઈ શકશે? થોડોક તો વિચાર કરો!” ત્યારે એવું લાગતું કે મેં અને મારા પતિએ આનો તો જાણે વિચાર જ નહોતો કર્યો…! અને, આ લોકો કહેતે નહીં તો અમને સમજ જ ન પડત!

તો ક્યારેક કોઈ ફેમિલી મિત્રના કુટુંબ માટે આવું કહેવાતું, “તમને તો ખબર છે ને કે બાપાજીએ એ ઘરના એકેએક મેમ્બર માટે પૈસાથી માંડીને બીજી કેટલી મદદ હંમેશાં જ કરી છે? જ્યારે બાપાજી આઈ.સી.યુ.માં હતા તો એ નગુણાઓમાંથી કોઈ એકવાર પણ એમને જોવા નહોતું આવ્યું! આ તો સીધું અપમાન જ કહેવાય ને? તમને અમેરિકાવાળાઓને અહીંની આવી બધી આંટીઘૂંટી ન સમજાય. એમને તો પોઈંટ પ્રુવ કરવો હતો કે એ લોકો હવે આપણી બરાબરીનાં થઈ ગયાં છે. એ સાબિત કરવા નાનાંનાનાં આવા અપમાનો તો ક્યારનાંયે અમે સહન કર્યાં છે, પણ હવે તો હદ થઈ ગઈ! બસ, આપણે તો બોલચાલ જ બંધ કરી નાંખી છે. જેને આપણી પડી જ ન હોય એની સાથે સંબંધ રાખીને કરવુંય છે શું?”

તો વળી સામા પક્ષની દલીલો પણ Via Via સાંભળવા મળી જતી, “તું તો આજ કાલની અમેરિકાથી આવી છે. અમારા સંજોગો નહોતાં કે કાકાને જોવા જઈ શકીએ. સમજાવવાની કોશિશ પણ કેવી રીતે કરીએ જ્યારે એ લોકો સામું જોવા પણ તૈયાર નથી! એમની અકડ તો એવી છે કે પૂછો નહીં! આટલું અભિમાન હોયને, તો બેસે એમના ઘરે! એ લોકો ભલે જે સમજવું હોય તે સમજે, પણ આજ સુધી તો અમે હંમેશ જ એમનાં સારામાઠાં પ્રસંગે ઊભાં હતાં, એનું કંઈ નહીં?”

તો કોઈ વળી સામેવાળા તરફથી એવો ડિટેલ્સમાં સંદેશો પણ પહોંચાડતું, “અમને કોઈ વેર નથી. પણ કાકાજી બિમાર હતાં ત્યારે ખાલી દાદીમા અને નોકર ચાકર જ ઘરમાં હતાં. અમે બાકી બધાં જ વેકેશન પર ત્રણ અઠવાડિયા માટે મનાલી રિઝોર્ટમાં ગયાં હતાં. બેઝિકલી, એમને એ જ પેટમાં દુઃખે છે કે અમે હવે પૈસે ટકે ઊભા થઈ ગયા છીએ.”

આ અને આવું બધું સાંભળીને હું અવાક્ થઈ જતી! મને થતું હતું કે, ‘અરેરે, અહીં આવી નાની-નાની બાબતોમાં તમે આટલો કલેશ કરી મૂકો છો તો જરા પરદેશમાં સ્વજનો સિવાય તો રહી જુઓ, ત્યારે તમને સમજાશે કે સગાં-સંબંધીઓ વિનાની એકલતા કેટલી કારમી હોય છે?’

તો, ક્યારેક મિત્રો ને સ્વજનોમાં આવું પણ સાંભળવામાં આવતું, “મોટા કાકાના મરણ પછી, પોતપોતાનો ભાગ લઈ, ત્રણેય ભાઈ જુદા થઈ ગયા. કાકીના તો હાલહવાલ છે. કોઈ દિકરો-વહુ એમને સાથે રાખવા તૈયાર નથી અને કાકી એકલા રહી શકે એવી એમની કન્ડીશન નથી, એટલું જ નહીં, પણ કાકી એમનો કટકટિયો સ્વભાવ બદલવા પણ તૈયાર નથી. કરવું ય શું?”

તો, વળી કોઈક મામા-ફોઈના ઘર માટે આવું પણ કહેવાતું, “ભાભી, જ્યારથી ઘરમાં આ નવી વહુ આવી છે ત્યારથી એમના ઘરમાં કોઈનાય જીવને જંપ નથી! તમારા અમેરિકનોને પણ ટપી જાય એટલી છુટ્ટી અને ઉછાંછળી છે!

આ ટેલિવિઝનના ફુડના શો જોઈજોઈને આખો વખત પોતાની ફીટ્નેસ અને હેલ્ધી ખાવાપીવાનું બનાવવા સિવાય બીજું કંઈ એને કરવું જ નથી! એ એના ધણીને એનું બનાવેલું સાવ બેસ્વાદ, હેલ્ધી ખાવાનું ખવડાવે ત્યાં લગી તો ઠીક, પણ આખા ઘર પર હેલ્થના નામે રોબ જમાવે તો તમે જ કહો, કેમ ચાલે?”

આવું સાંભળતી ત્યારે મને નવાઈ લાગતી હતી કે આ લોકોને આમાં ઉછાંછળાપણું ક્યાં દેખાતું હતું? હેલ્થ માટે માત્ર પોતાનું કે પોતાના પતિનું ધ્યાન રાખવાને બદલે આખા ઘરનું ધ્યાન રાખવામાં ખોટું શું હતું, એ મને તો સમજાતું જ નહોતું!

તો, ક્યારેક વળી ઘરમાં ને ઘરમાં કુથલી કરતાં કોઈ એમ પણ કહેતાં, “ખબર છે, લતાભાભીને અને રાજનભાઈને તો ખૂબ જ માઠું લાગ્યું છે કે એમણે મંગાવેલી ચીજો તમે ન લાવ્યાં અને બાકી બધાને માટે એમણે મોકલેલા લીસ્ટ પ્રમાણે બધું જ લઈ આવ્યાં!”

હું સફાઈ આપવા જતી તો મને તરત જ કહેવામાં આવતું, “તમેય મૂકોને, હવે! આપણે ક્યાં અહીંનું ત્યાં અને ત્યાંનું અહીં કરીને પાપ બાંધવા છે? મને તો અહીંનું ત્યાં અને ત્યાંનું અહીં કરી કોઈનાયે સંબંધોમાં આડા નથી આવવું! મારી તો એવી ટેવ જ નથી!” અને, હું વિચાર્યા કરતી હતી ને પછી, મનોમન કહેતી, “રિયલી?”

એમાંયે, લગ્ન, જનોઈ, જન્મદિવસ, વેડિંગ એનિવર્સરી અન્ય ધર્મના નામે થતા પ્રસંગોના નામે થતાં જમણવારો નિમિત્તે થતાં સત્તાનાં, પૈસાના, પ્રેમના, હકના, સંબંધોના અને સગવાડિયા ધર્મના પ્રદર્શનો..!

અમે આવાં પ્રસંગોમાં પણ ગયાં ત્યારે અમારા સ્નેહીઓ પાસેથી ભારતમાં કાયમ રહેવાની વાત પર વણમાગી સલાહો મળતી – “જુઓ, અહીંયા પોતાનો બિઝનેસ સ્થાપીને કાયમ સ્થાયી થવાની વાત જ મૂકી દો! અહીંયા, વાતેવાતે લાંચ વિના કામ નથી થવાનું અને તમને અમેરિકનોને આ વાત સમજાશે પણ નહીં! અમને તો અમલદારી અને તુમારશાહીમાં કામ કેવી રીતે કઢાવવું એની ફાવટ આવી ગઈ છે!’ તો, કોઈ કહેતું, “અરે, આ શું થયું છે તમારી બુદ્ધિને? બાળકોના ભવિષ્યની ચિંતા તો કરો! ત્યાં અમેરિકામાં આટલી બધી એડ્યુકેશન અને જોબની તકો છોડીને આવા દેશમાં અહીં કેમ આવવું છે પાછાં?”

આ શું થઈ રહ્યું હતું? હું તો મારા વતનમાં મારું ઘર શોધવા અવી હતી અને કોણ જાણે કેવું કેવું અને શું શું, ન શોધવાનું શોધાઈ રહ્યું હતું? મને એટલી તો સમજ પડવા માંડી હતી કે ઈચ્છું છતાં પણ, હું આ સહુની વચ્ચે, ફીટ નથી થઈ શકવાની અને ધારો કે આ ચોકઠામાં હું ગોઠવાઈ પણ જાઉં તોયે આ બધાં કહેવાતા સ્મવજનો મને ગોઠવાવા પણ નહીં દે!

બધું જ બદલાઈ ચૂક્યું હતું, અને હું એ દસ વરસ પહેલાંનો સમય અને એ સમયનો જાદુ મારા સંબંધોમાં શોધતી જ રહી ગઈ હતી! હું સહજતાથી જે છું તે રહીને વ્યવહાર કરતી તો મારી હાંસી ઉડાવવામાં આવતી. “રાખો રાખો હવે! તમે અહીં ક્યાં હવે કાયમ રહી શકવાનાં છો? થોડા દહાડાના મહેમાન છો તો મહેમાનની જેમ રહો. અમારી જેમ કરકસરથી ઘર અને રસોડું ચલાવતાં તમને ન ફાવે જ નહીં!”

અને, જો કરકસર કરવાની કોશિશ કરતી તો પણ ઉપહાસ જ થતો, “આ તમે સહુ અમેરિકાવાળાના જીવ બાપા, ભારે ટૂંકા! ગમે તેટલું કમાયા હો, પણ પૈસો હાથથી ન છૂટે!”

સાચા અર્થમાં તો મારા વતનના લોકો સાથેનો તંતુ તૂટી ગયો હતો. આ તૂટેલા તાંતણે ઘરને કેમ ગુથું, એની અસંમજસમાં હું મૂંઝાતી રહેતી. પતિદેવને આ વાતો કરતી તો એ હસીને કહેતાં, “તારે જે કરવું હોય તે કરીશું. તું જેવું ઘરનું નક્કી કરી લે એટલે હું મારી સી.એ. ની પ્રેક્ટીસ ફરીને શરૂ કરીશ. ઈટ ઈઝ કંપલિટલી યોર કોલ.”

મને થતું, દસ વરસ પહેલાં, જ્યારે અમેરિકા જવાનું નક્કી કર્યું હતું ત્યારે આ જ બધાં તો અમને કહેતાં હતાં, “અહીં ભારતમાં કોઈ કમાતું નથી, જીવતું નથી, આગળ નથી આવતું? આપણો પોતાનો દેશ છોડીને પરદેશ કેમ જવું છે?” આજે એક દસકા પછી એવું તે શું બદલાઈ ગયું હતું, કે, જ્યારે અમે હોંશથી અહીં સેટલ થવા પાછાં આવ્યાં તો કોઈ ખોટા મોઢે પણ કહી ન શક્યું કે, “અરે, પોતાના ઘરે પાછા આવો છો, આટલો બધો વિચાર શું કરો છો? અમે બધાં જ બેઠાં છીએ, આવી જાઓ, બધું જ થઈ રહેશે!”

હા, હું એ વ્હાલપ, સુંવાળપ, મીઠાશ અને પોતાપણાની ચાર દિવાલો શોધતી શોધતી પાછી દેશમાં આવી હતી, જેના દરવાજે “ભલે પધાર્યા” લખેલું હોય! પણ, આ વાત ન હું કોઈનેય સમજાવી શકી કે ન અમેરિકાની ચમકધમકના મોતિયાની ઝાંખપની આડે અહીંના મારા સ્વજનો એ જોઈ શક્યાં! ટોટલ ડિસકનેક્ટ ઈન કોર્સ ઓફ ટાઈમ! મારા મનમાં ઊભી કરેલી મારા વતનની ધરતી પરનું ઘર હવે માત્ર કલ્પનામાં જ જીવનભર રહેશે!
***
હું આવા વિચારોમાં ગળાડૂબ હતી અને પ્લેનનાં પૈડાં ઊંચકાયા. ભારતની ધરતીનો સ્પર્શ છૂટ્યો. પ્લેનમાંથી મેં બારી બહાર જોયું. મુંબઈનો દરિયો એના કિનારાના બાહુ પ્રસારીને સ્થિર હતો.

અને મેં મુંબઈના દરિયાને છેલ્લા જુહાર કરી લીધાં અને મનોમન, મુંબઈને અલવિદા કહેતાં એક ડૂસકું ભરી લીધું. પણ, હું અલવિદા કોને કહેતી હતી? સ્વ-જનોને, મિત્રોને કે વતનની ભૂમિને? કે, પછી, મારા એ ન બની શકેલા “ઘર”ની આઠે ઘોડે થનગનતી રહેલી કલ્પનાને?

~ જયશ્રી વિનુ મરચંટ

આપનો પ્રતિભાવ આપો..

10 Comments

  1. “જે ગયું હતું, મધુરું હતું, જે મળ્યું તે સારું મુકામ છે.
    છે વિરક્તિ ને હળવાશ છે, હૃદયે અજાણી તલાશ છે.

    ન કશો હવે કંઈ રંજ છે, કે નથી કશોયે અજંપ કંઈ.
    ન લગાવ છે, ન અભાવ છે, છે હવે તો અંતિમ પડાવ છે.”

    જયશ્રી બેન્નના અનુભવ અનેકના હોય જ.પણ દેવિકાબેનની આપંક્તિઓ  દિલે ધરી રાખીએ તો  શાંત-સ્વ્સ્થ જિવાય જાય.

  2. હકીકતનું સુંદર અને આબેહૂબ બયાન, જયશ્રીબહેન.
    જિંદગી અને સમય સૌને ઘણું ઘણું શીખવે છે.
    કદાચ આ અને આવી વાસ્તવિક્તા થકી જ તો ‘મારું ઘર મારી ભીતર’ ની ફિલોસોફી આત્મસાત થતી હશે ને?

    થોડા દિવસ પહેલાં આવા જ કોઈ ‘ઘર’ વિશેના વિચારોમાં મેં લખ્યું હતુંઃ

    જે ગયું હતું, મધુરું હતું, જે મળ્યું તે સારું મુકામ છે.
    છે વિરક્તિ ને હળવાશ છે, હૃદયે અજાણી તલાશ છે.

    ન કશો હવે કંઈ રંજ છે, કે નથી કશોયે અજંપ કંઈ.
    ન લગાવ છે, ન અભાવ છે, છે હવે તો અંતિમ પડાવ છે.

  3. You have described ‘Manomanthan’ of many Indians who have decided to settle down in US, and many new arrivals are going through this right now.

  4. 1983 માં અમે પણ આ પીડામાંથી પસાર થઈ ચૂક્યાં છીએ અને એક વર્ષમાં પાછા ફર્યા છીએ સરસ લેખ હ્ર્દયસ્પર્શી

  5. હકીકતનું સુંદર અને આબેહૂબ બયાન, જયશ્રીબહેન. જિંદગી અને સમય સૌને ઘણું ઘણું શીખવે છે.
    કદાચ આ અને આવી વાસ્તવિક્તા થકી જ તો ‘મારું ઘર મારી ભીતર’ ની ફિલોસોફી આત્મસાત થતી હશે ને?

    થોડા દિવસ પહેલાં આવા જ કોઈ ‘ઘર’ વિશેના વિચારોમાં મેં લખ્યું હતુંઃ

    જે ગયું હતું, મધુરું હતું, જે મળ્યું તે સારું મુકામ છે.
    છે વિરક્તિ ને હળવાશ છે, હૃદયે અજાણી તલાશ છે.

    ન કશો હવે કંઈ રંજ છે, કે નથી કશોયે અજંપ કંઈ.
    ન લગાવ છે, ન અભાવ છે, છે હવે તો અંતિમ પડાવ છે.

  6. સ્વપ્ન-ભંગની પીડા અને કઠોર વાસ્તવના સાક્ષાત્કારનું સુરેખ રેખાચિત્ર

    1. બહુજ સરસ ..
      હું પણ 2001 માં આ મનોદશા માંથી પસાર થઈ છું.
      એટલે બરાબર ખયાલ છે ..
      👌