|

સમસ્ત બ્રહ્માંડને ધારણ કરનાર આકાશ (લલિત નિબંધ) ~ નેહલ વૈદ્ય (મુંબઈ)

આકાશ ક્યારથી અહીં છે? ખબર નથી. હું પહેલવહેલી ક્યારે જન્મી હતી ? ખબર નથી. મારી અને આકાશની પ્રીતનું પહેલું પ્રાગટ્ય ક્યારે થયું હશે? ખબર નથી. હું એને તાકતી બેસી રહું અને એ મારી આંખોમાં વિસ્મય આંજીને વિસ્તર્યે જાય.

પરોઢના ભૂખરા ઉજાસને ગુલાબી, રતુંબડી રેખાઓથી રંગતો સૂર્ય જયારે સાવ બાળઅવસ્થામાં હોય ત્યારે આકાશ ગેરુઆ વસ્ત્રો પહેરીને બેઠેલા શાંત યોગી સમાન લાગે છે, પંખીઓના હળવા મધુર કલરવ અને શીતળ હવાની લહેરખીઓ વચ્ચે જાણે ધ્યાનસ્થ, અચલ સાધક.

દિવસ જેમ જેમ ચડતો જાય એમ એની શાંત, નીલી આભા પ્રખર તેજમાં પલટાતી જાય. એ બની જાય પ્રતાપી, તેજસ્વી ચક્રવર્તી સમ્રાટ. ચારેકોર એની આણ વર્તાય. મને ઘેરી વળે એના હુંફાળા શ્વાસ તડકાનું આવરણ બનીને. રુકમિણીને હરી જતા કૃષ્ણની જેમ મને જીતી લે છે એનું ભુવનમોહિની ઝળહળતું સ્મિત.

સાંજ ઢળવા આવે અને આકાશ બની જાય છે વ્રજનો ક્હાન. રંગ રંગના ગુલાલ ઊડાડતો રંગી જાય છે મારા ચહેરાને એનું રસમાધુર્ય. રાતે તો વળી સાવ નિરાળી પ્રકૃતિ. ગહન, મૌન, ઊંડાણોમાં મને ખેંચી જાય.

ચમકતા તારાઓમાં હું એની ચમકતી આંખો શોધ્યા કરું અને એ મને સાવ નિકટ આવીને સ્પર્શી જાય, એની અંધકારની કાળી કામળીના એક છેડામાં મને સમાવી માંડે જૂગ જૂની પ્રેમ ગોષ્ઠી. ક્યારેક વાદળોની પાછળ છૂપાઈને મારી સાથે સંતાકૂકડી રમે તો ક્યારેક મને ભીંજવી દે એના હળવાં, મધુર ચુંબનો જેવાં ફોરાંથી.

ક્યારેક ઉન્મત્ત ઝડી જેવો ધોધમાર એનો પ્રેમ વરસે તો ક્યારેક ઘનઘોર ઘટાઓ અને ઘેરા ધુમ્મસની પાછળ; પીઠ ફેરવીને ચાલી ગયેલા રિસાયેલા પ્રિયતમની જેમ દિવસો સુધી પોતાનું મોં બતાવે નહીં. એ ભૂખરો, રાખોડી રંગનો ઘટ્ટ પડદો અમારી બંન્નેની વચ્ચે જુદાઈના દિવસો બની ઠરી જાય.

મારું સમગ્ર અસ્તિત્વ, મારી આસપાસની સૃષ્ટિ સર્વ કાંઈ બની જાય રંગહીન, તેજવિહીન, પ્રાણવિહીન. એ વિરહની પીડા અનરાધાર વરસે, સતત વરસે, મારા અંતરથી અને એની આંખોથી પણ. અને પછી નીકળે ઉઘાડ મિલનનો. મન હ્રદયને સ્વચ્છ કરતો, અજવાસભર્યો એનો નીલો ચહેરો વાદળોની વચ્ચેથી ડોકાય. રંગહીન સૃષ્ટિને પોતાની જાદુઈ પીંછીથી રંગવા માંડે, પર્ણો, ફૂલો, ઘાસ, પતંગિયા બધા સજવા માંડે ચમકદાર, ઉલ્લાસસભર રંગોમાં.

આ મિલનને ઉજવવા વૃક્ષો નહાઈને સ્વચ્છ, હરિયાળાં, નદીઓનાં ડહોળાં નીર ઉજળાં, ખળખળતાં, પંખીઓ વૃંદગાન માટે તૈયાર. સમગ્ર સૃષ્ટિને એક દ્રષ્ટિથી પોતાના ચૈતન્યમાં તરબોળ કરી દે. મારી અશ્રુભીની આંખ જ્યારે એની તેજભરી આંખ સાથે મળે, રચાય મેઘધનુષ્ય, અમારા પ્રણયનાં સર્વ રંગોને સમાવતું!

જ્યારે પણ મારી સખીઓ પૂછે છે કે તારી આ આંખ કોને માટે રડે છે? અને કોને જોઈને હસે છે?! હું કોનું નામ લઉં?! એ તો સઘળે છે, અને ક્યાંય નથી! સતત સાથે છે. બધાં જ એને જૂએ, પણ કોઈને એનું નામ કહેવાય નહીં ! મારી અને એની ગોષ્ઠિ તો સતત ચાલ્યા કરે, પણ કોઈને સમજાય નહીં! હું તો આંગળી ઊંચી કરી આકાશ તરફ કરી દઉં અને બધી સખીઓ હસી પડે, મને કહે; “પાગલ”.

હું મનમાં મલકી રહું. એ મને ચાંદનીના વસ્ત્રો મોકલે, ગ્રહ-નક્ષત્રોનાં ઘરેણાં મોકલે, તારાઓના રત્નોથી જડિત ઓઢણી મોકલે, એની અસંખ્ય ભેટ મારા આયખાને હર્યું-ભર્યું કરી દે. હું બીજું કાંઈ ના માંગું. એ સતત મારી સાથે છે અને હંમેશા બધી જગ્યાએ ઉપસ્થિત રહે છે. મારો શાશ્વત સંગાથી.

એનો અનાહત નાદ સઘળે ગૂંજે છે, કણ કણમાં, ક્ષણ ક્ષણમાં. આ જગતને, સમસ્ત બ્રહ્માંડને ધારણ કરનાર આકાશ સાક્ષી છે, સૃષ્ટીના ઉત્પત્તિ અને લયનું. એની સોબત મને બનાવે છે, ઊર્ધ્વગામી. અને છેલ્લે મહાકવિ શ્રી ઉમાશંકર જોશીના શબ્દોમાં….

“આકાશ-પીધેલાં પંખીને પૂછો:
કેટલી લાંબી નભ વાટ ?
તેજની છાલકો ઉછાળી પાંખો કહે:
ડગલે ડગલે તેજ-ઘાટ.”

આ પ્રેમની સફર તો તેજના ઘાટે ઘાટે ફરવાની, તેજની છાલકો માણવાની સફર છે.

 ~ નેહલ વૈદ્ય (મુંબઈ)

આપનો પ્રતિભાવ આપો..

5 Comments

  1. તમારા કાવ્યો, નિબંધ વાર્તાઓ ખુબ જ સંવેદનશીલ હોય છે . આપની કલમ માં જબરજસ્ત તાકાત છે . મારી ખુબ શુભેચ્છાઓ સાથે ઈશ્વર ને પ્રાર્થના અને પરિવાર હસતા – રમતા નિરોગી રહો .

  2. ઉઘડતા આકાશ જેવું જ સરસ નભનું વર્ણન. અભિનંદન.