એકવીસમી સદીના પડકારો (Challenges) ~ નટવર ગાંધી

એકવીસમી સદીના પડકારો (Challenges) – નટવર ગાંધી
(સૌજન્ય : ચિત્રલેખા )

1950માં આર્ષદ્રષ્ટા પત્રકાર વજુ કોટકે ચિત્રલેખા સામયિકની શરૂ આત કરી. ત્યાર પછીના લગભગ સિત્તેર વર્ષમાં  આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ધરખમ ફેરફારો થયા. યુરોપના સામ્રાજ્યવાદી રાષ્ટ્રોની જકડમાંથી અનેક ગુલામ પ્રજાને મુક્તિ મળી અને નવા દેશો સ્થપાયા. બીજા વિશ્વયુદ્ધ (1939-45)ની સમાપ્તિ પછી જયારે યુનાઇટેડ નેશન્સની સ્થાપના થઈ ત્યારે તેમ 51 દેશો હતા, આજે એમાં 193 છે.

૧. અણુવિગ્રહ (Nuclear war)

1945માં ભલે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું, છતાં જગતની બે મહાસત્તાઓ–અમેરિકા અને સોવિયેત રશિયા–વચ્ચે જે હરીફાઈ અને હુંસાતુંસી હતી તે તો ચાલુ જ રહી, પણ એ ઠંડા યુદ્ધ (cold war) ફેરવાઈ ગઈ. 1945 પછી એ બન્ને ક્યારે ય એક બીજા સામે સીધે સીધા યુદ્ધે ચડયા નથી. પરિણામે પહેલા બે વિશ્વ યુદ્ધોમાં જે મહાવિનાશ થયેલો તે દુનિયાએ છેલ્લા સાતેક દાયકાઓમાં જોયો  નથી.

બન્ને મહાસત્ત્તાઓ અણુ શસ્ત્રોથી સજ્જ છે. હિરોશિમા અને નાગાસાકીમાં થયેલા મહાવિનાશથી બન્ને ચેતેલા છે. એક વાત સ્પષ્ટ હતી કે હવે જો બન્ને વચ્ચે જો કોઈ યુદ્ધ થાય તો તેમાં સર્વત્ર માનવજાતિનો વિનાશ થવો શક્ય છે.  આ કારણે બીજા વિશ્વયુદ્ધ પછી જે નાના મોટા યુદ્ધો થયા–કોરિયા (1950-53), વિએટનામ (1955-75), અફઘાનિસ્તાન (2001-21), ઇરાક (2003-11)–તેમાં ક્યારે ય આ મહાસત્તાઓ એક બીજાની સામે સીધેસીધી મેદાને પડી નથી. એટલે આ લડાઈઓ ક્યારે ય વિશ્વવ્યાપી બની નથી.

પહેલા તો સદીઓની સદી સુધી વિશ્વની, ખાસ કરીને યુરોપની મહાસત્તાઓ એક બીજા સાથે યુદ્ધો કર્યા કરતી હતી.  છેલ્લા સાત દાયકાઓમાં દુનિયામાં આવા કોઈ મહાવિનાશકારી યુદ્ધ થયા નથી એ ઇતિહાસની એક મહાન અપવાદરૂપ ઘટના ગણાય.

છેલ્લા સાતેક દાયકાઓમાં રશિયા અને અમેરિકા વચ્ચે એક વણલખી સમજૂતી રહી છે કે એક બીજા સામે મેદાને નહીં પડવું. આને લીધે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે 1950 પછી કોઈ વિશ્વયુદ્ધ જેવા વિનાશકારી વિગ્રહ થયા નહીં અને શાંતિ જળવાઈ રહી. દેશદેશો વચ્ચે વ્યવહાર, વ્યાપાર, આવજા, લેવડદેવડ વધી. દુનિયા આખીમાં, ખાસ કરીને ગરીબ દેશોમાં, આર્થિક વિકાસ અને પ્રગતિ થઈ અને ગરીબી ઘટી.  આપણા દેશનો જ વિચાર કરો તો 1950માં આપણે ત્યાં 70% લોકો અત્યન્ત ગરીબીમાં જીવતા હતા, આજે 21%. રશિયાના યુક્રેન ઉપર થયેલા આક્રમણને કારણે આ પરિસ્થિતિ જોખમમાં મુકાઈ છે.

અમેરિકા અને પશ્ચિમના દેશોએ યુક્રેનના આક્રમણનો વિરોધ કરવા માટે રશિયાને આંતરરાષ્ટ્રીય બેન્કિંગ અને બીજા વ્યવહારમાંથી બાકાત કર્યું છે. એની સામે રશિયાએ યુરોપમાં ગેસ અને ઓઇલનો એક્સપોર્ટ બંધ કરવાની ધમકી આપી છે.  આ કારણે ગેસ અને ઓઈલના ભાવ વધી ગયા છે અને હજુ વધતા જશે. અમેરિકન શેરબજારમાં પણ એના પડઘા પડ્યા છે જો કે બીજી આવી કટોકટીઓનો ઇતિહાસ એમ કહે છે કે આવી અવળી અસર લાંબો સમય ટકશે નહીં. છતાં ગેસ અને બીજી કમોડિટીના વધતા જતા ભાવને કારણે દુનિયા આખીમાં, ખાસ તો પશ્ચિમના દેશોમાં ફુગાવો જરૂર વધશે.

યુક્રેન ઉપર થયેલ આક્રમણથી બચવા ત્યાંના નાગરિકો લાખોની સંખ્યામાં દેશ છોડીને આજુબાજુના દેશોમાં જવા લાગ્યા છે. યુદ્ધના પહેલા દસ દિવસમાં જ લગભગ 20 લાખ નિરાશ્રિતો પોલાન્ડ, માલ્ડોવા, રુમાનિયા, સ્લોવેકિયા, અને હંગેરી જેવા પાડોશી દેશમાં આવી પડ્યા છે. જેમ જેમ યુદ્ધ લંબાતું જશે તેમ તેમ આ નિરાશ્રિતોની સંખ્યા વધતી જવાની છે.

પરંતુ સૌથી મોટો પ્રશ્ન, કહો કે પડકાર (challenge) એ છે કે એ યુક્રેનનું યુદ્ધ બન્ને મહાસત્તાઓ વચ્ચે અણુયુદ્ધમાં ન પરિણમે તે જોવાનું છે. નહીં તો માનવજાતિનો મહાવિનાશ થાય એવી શક્યતા છે. રશિયાનું આ ખુલ્લમખુલ્લું આક્રમણ જો યુરોપમાં પ્રસરે તો નેટો (NATO)ની સંધિ અને કરારો મુજબ અમેરિકાએ પણ યુદ્ધમાં સીધેસીધું જોડાવું પડશે. અમેરિકા અને યુરોપના દેશો યુક્રેનને શસ્ત્રો આપે છે અને બીજી મદદ પણ કરે છે. છતાં અત્યારે તો આ આક્રમણ અણુયુદ્ધ સુધી ન પહોંચે એવી સાવચેતી બન્ને રશિયા અને અમેરિકા રાખે છે

૨. ગ્લોબલ વોર્મિંગ (Global warming) અને કલાઇમેટ ચેન્જ (Climate change)

એકવીસમી સદીનો બીજો મોટો પડકાર છે ગ્લોબલ વોર્મિંગ (global warming) અને કલાઇમેટ ચેન્જ (climate change)નો.  માનવ પ્રજાએ આર્થિક વિકાસ માટે જે આંધળી દોટ મૂકી તેમાં કુદરતી વાતાવરણનો ઝાઝો વિચાર થયો નથી. ઔદ્યોગિક ક્રાંતિ પછી પૃથ્વીનો ગરમાટો સતત વધતો જ રહ્યો છે. એટલું જ નહીં, પણ આગળપાછળનો વિચાર કર્યા વગર પૃથ્વીની ભૌતિક સમૃદ્ધિનું પણ અસાધારણ શોષણ થયું છે. આને કારણે આપણું નૈસર્ગિક વાતાવરણ, ખાસ કરીને હવા અને પાણી ખુબ કલુષિત થયા.

જે મહાન નદીઓને કાંઠે વિશ્વની મહાન સંસ્કૃતિઓ ઘડાઈ તેમાંની મોટા ભાગની આજે અત્યન્ત કલુષિત થઈ ગઈ છે. જેમ કે ઇન્ડોનેશિયાની સીટર્મ (Citarum), આપણી ગંગા અને યમુના, બાંગલાદેશની બરીગંગા (Buriganga), ચીનની યલો (Yellow River), કે અમેરિકાની મિસિસિપી (Mississippi).  આ નદીઓનાં પાણી પીવાને લાયક કે એમાં ડૂબકી મારવાને લાયક રહ્યાં નથી. આપણે ત્યાં એવી માન્યતા છે કે માણસ ગંગામાં ડૂબકી મારે તો સ્વર્ગે જાય.  આજની ગંગા એવી તો ગંદી છે કે એમાં કોઈ જો ડૂબકી મારે તો એને કદાચ સ્વર્ગને બદલે હોસ્પિટલ જવું પડે!

તેવી જ રીતે દુનિયાના મહાન શહેરો પણ એટલા જ કલુષિત થયા છે. દુનિયાના સૌથી વધુ કલુષિત (polluted) 50 શહેરોમાં 44 તો આપણા દેશના છે!  જેમાં ગાઝિયાબાદ, લખનઉ, નોઈડા, કાનપુર વગેરેનો સમાવેશ થાય છે.  ચીનના બે શહેરો–આકસુ (Aksu) અને કાશગર (Kashgar) પણ અત્યંત કલુષિત છે. આ શહેરો ત્યાંના રહેવાસીઓ માટે ખુબ જોખમી બની ગયા છે, છતાં કરોડોની સંખ્યામાં લોકો વખાના માર્યા ત્યાં રહે છે. ચિંતાનો વિષય એ છે કે આ અને આવા કલુષિત શહેરોની વસ્તી વધ્યે જ જાય છે.

વધુમાં ક્લાઈમેટ ચેન્જને કારણે પૃથ્વીનો ગરમાટો એવો તો વધ્યો છે કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ ઉપર સદીઓથી જમા થયેલ બરફની મોટી પાટો ઓગળવા માન્ડી છે. પરિણામે જગતભરના દરિયાઓ છલકાવા લાગ્યા છે. વૈજ્ઞાનિકો કહે છે કે ઠેર ઠેર દરિયા કાંઠે વસતા શહેરો ભયન્કર જોખમમાં છે.  આવતા પચાસેક વરસમાં આપણું મુંબઈ, અમેરિકાના માયામી, ન્યુ ઓર્લિન્સ કે સાન ફ્રાન્સિસ્કો જેવા મહાન શહેરો જળબમ્બાકાર થઈ જશે. બાંગલાદેશ જેવા આખા ને આખા દેશ પાણીમાં ડૂબી જાય તો નવાઈ નહીં! તો પછી ત્યાં વસતા અસન્ખ્ય લોકોનું શું થશે?

ક્લાઈમેટ ચેન્જને કારણે હવામાનમાં અને વાતાવરણમાં પણ ધરખમ ફેરફાર થયા છે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં તેમ જ પૂર્વ ઓસ્ટ્રેલિયામાં વારંવાર દાવાનળ થાય છે. ત્યાંની વનસ્પતિ તેમ જ આજુબાજુ રહેતા લોકોની મોટી જાનખુવારી અને માલમિલકતની હાનિ થાય છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયાના યુકેલિપટસના આખાને આખા જન્ગલો આ દાવાનળોમાં હોમાઈ જાય છે. અત્યારે જ ઓસ્ટ્રેલિયામાં ભયન્કર પૂર આવવાથી અનહદ નુકશાન થઈ રહ્યું છે.

આમ કોઈ ઠેકાણે દાવાનળ, કોઈ ઠેકાણે પ્રલય જેવા પાણીનાં પૂર, કોઈ ઠેકાણે વરસાદના અભાવે દુષ્કાળ, આવા ક્લાઈમેટ ચેન્જને લીધે આવતા ત્રીસેક વર્ષોમાં લગભગ 200 મિલિયન લોકોએ પોતાના ઘરબાર અને દેશ છોડવા પડશે. આવી આકરી પરિસ્થિતિ રૂવાંડા, હેતી, યેમન, કીરીબાતી જેવા ગરીબ દેશોની પ્રજાની તો ખરી જ, પણ સાથે સાથે જર્મની અને કેનેડા જેવા સમૃદ્ધ દેશોના લોકોએ પણ પોતાનો દેશ કે મુલક છોડવા પડશે. આ દુર્ભાગ્યમાંથી આપણો દેશ પણ છટકી નહીં શકે. આ દૃષ્ટિએ ક્લાઈમેટ ચેન્જ એ આખી દુનિયાને આવરી લેતી સર્વવ્યાપી અને સર્વવિનાશી મહાન ઘટના છે. તેમાંથી કેમ બચવું એ એકવીસમી સદીનો બીજો મહાન પડકાર છે.

૩. આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence)

એકવીસમી સદીનો ત્રીજો મોટો પડકાર (challenge) છે આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સનો. ટૂંકમાં એઆઈ તરીકે એ ઓળખાય છે. એમ કહી શકાય કે એઆઈ દ્વારા કમ્પ્યુટર અને એવી ટેક્નોલોજી ઉભી થઈ છે કે જે માણસની જેમ વિચારી શકે છે અને જુદા જુદા ક્ષેત્રે ઉભા થતા અનેક પ્રશ્નોનો નિકાલ લાવી શકે છે. આનો સૌથી ઉત્તમ દાખલો ટેસ્લા નામની કાર છે. એમાં ડ્રાઈવરની જરૂર નથી. કમ્પ્યુટરના પ્રોગ્રામ દ્વારા જેમ જેમ કાર આગળ વધતી જાય તેમ તેમ એને ખબર છે કે ક્યાં બ્રેક મારવી, ક્યાં ગેસ પેડલ ઉપર દબાણ લાવી ગાડીની સ્પીડ વધારવવી કે ઘટાડવી, ક્યાં વળાંક લેવો, એક્સિડન્ટ થયો ત્યારે શું કરવું. આપણે તો ખાલી ગાડીમાં બેસી જ રહેવાનું અને ખેલ જોવાનો!

એઆઈનો બીજો દાખલો છે: સિરી (Siri). આ ટેક્નોલોજી એપલ કંપનીના આઈ ફોન તેમ જ આઈ પેડમાં સમાવાઈ છે. જાણે સિરી  આપણી સેક્રેટરી હોય એમ એ બધું કામ કરવા હાજરાહજૂર છે. આપણે ખાલી એને કહેવાનું કે શું કરવું. આપણે એને કહી શકીયે કે કોને ફોન કરવાનો છે, કયો રસ્તો લેવાનો છે, કોને વોઇસ મેલ કરવાનો છે–આ બધા હુકમોનું એ કોઈ આજ્ઞાંકિત સેક્રેટરી તરીકે સામું બોલ્યા વગર પાલન કરે! આગળ વધીએ તો હવે ડ્રોનની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મિલિટરી ઓફિસરો ઘરે બેઠા બેઠા દૂરના કોઈ અભાગિયા દેશ ઉપર બૉમ્બ ફેંકી શકે છે.

મૂળમાં જે કામ આપણે કરતા હતા તે બધું હવે મશીન કરી શકે છે. આ કારણે જોબ માર્કેટમાં મોટા મોટા ફેરફાર થવા મંડ્યા છે. દાખલા તરીકે  બુકકીંપીંગ, ડેટા એન્ટ્રી, રીસેપ્શનિસ્ટ, પ્રૂફરીડીન્ગ, મેન્યૂફેક્ચરિંગ, કુરીઅર સર્વિસ વગેરે કામો એઆઈ કરી શકે છે. આવા જોબ્સ જો મશીન કરવા માંડશે તો તે એ બધું કામ કરતા લોકોનું શું?  ચિંતાનો વિષય એ છે કે આવતા દાયકામાં લગભગ 70 ટકા જોબ્સ માણસો નહીં પણ એઆઈ કરશે! આનો અર્થ એ થયો કે લાખો અને કરોડો લોકો બેકાર થશે.  તો પછી એમની રોજગારીનું શું? નવા કામધન્ધા કરવા માટે એમણે નવી સ્કિલ શીખવી પડશે. એ પાકા ઘડે નવા કાંઠા કેમ ચડે? આ એઆઈને કારણે શિક્ષણ, અર્થશાસ્ત્ર અને રાજકારણમાં ધરખમ ફેરફાર કરવા પડશે. આ છે એકવીસમી સદીનો ત્રીજો મોટો પડકાર.

૪. ગ્લોબલાઇઝેશન (Globalization)

ગ્લોબલાઇઝેશન (globalization) એ માનવજાતિ માટે એકવીસમી સદીનો ચોથો મોટો પડકાર (challenge) છે. કૂદકે અને ભૂસકે આગળ વધતી ટેક્નોલોજીને કારણે આગળ જોયું તેમ આપણને એઆઈ (આર્ટીફીસીયલ ઇન્ટિલિજિન્સ) મળ્યું. તેમ જ હવે ઇન્ફોર્મેશન હાઇવે મળ્યા. આ બન્નેને લીધે દુનિયાની કોઈ પણ પ્રજા દૂર કે નજીકની બીજી પ્રજાથી અલગ રહી શકતી નથી. આપણને ગમે કે ન ગમે પણ આપણું સર્વસ્વ અસ્તિત્ત્વ અન્ય દેશો અને અન્ય પ્રજાઓ સાથે ગૂંથાઈ ગયું છે. આપણા ખોરાક, પોશાક, ગીતસંગીત, બોલચાલ, ભણતર, આચારવિચાર, કામધંધા, વેપાર, આયાત નિકાસ, વગેરે બધું જ ટેક્નોલોજીને કારણે દેશ વિદેશની અસર નીચે થાય છે. એવી જ રીતે આપણે બીજી પ્રજાઓ ઉપર પણ આપણી અસર ફેલાવીએ છીએ.

વિચાર કરો કે આજથી પચાસેક વરસ પહેલા મારા કુટુંબીજનોને મારી સાથે અમેરિકામાં વાત કરવા ટેલિફોનનું  કનેક્શન મેળવતા આખો દિવસ નીકળી જતો. કનેક્શન મળ્યા પછી પણ ભાગ્યે જ બરાબર સંભળાતું. આજે દેશના કોઈ પણ ખૂણેથી મોબાઈલ દ્વારા કોઈ પણ માણસ દુનિયાના કોઈ પણ દેશમાં વસતા લોકો સાથે ફટ કરીને ચોખ્ખેચોખ્ખી વાતચીત કરી શકે છે. ટેક્નોલોજીની આ અજાયબીથી જ આંતરરાષ્ટ્રીય કંપનીઓ આજે લાખો અને કરોડોનો નાણાંકીય વ્યવહાર મોબાઈલ ઉપરથી તત્કાલ કરી શકે છે.  દૂર દૂરના દેશો સાથે મોટા આયાત નિકાસના ધન્ધા કરે છે.

ચીન અને રશિયા જેવા સામ્યવાદી દેશો પણ આ આંતરરાષ્ટ્રીય આવનજાવન કે લેણદેણમાંથી બાકાત નથી. યુક્રેન ઉપર કરેલા આક્રમણ માટે રશિયા ઉપર પગલાં લેવા માટે અમેરિકા અને પશ્ચિમના દેશોએ લશ્કરના કોઈ ધીંગાણાં કર્યા નથી. માત્ર એની સાથેનો નાણાંકીય અને અન્ય વ્યવહાર બંધ કરી દીધો અને તેની આર્થિક પરિસ્થિતિ જોતજોતામાં એકદમ નબળી કરી નાખી.

આપણે ત્યાં તેમ જ બીજે ઘણે ઠેકાણે આ ગ્લોબલાઇઝેશન દ્વારા પ્રશ્ચિમના દેશો, ખાસ કરીને અમેરિકા ગરીબ દેશોનું શોષણ કરે છે એવો આક્ષેપ મુકાય છે અને એનો વિરોધ થાય છે. પણ ગ્લોબલાઇઝેશન ઉપર પ્રતિબન્ધ મુકવો એ પગ પર કુહાડી મુકવા જેવી વાત છે.  આપણે જો આર્થિક પ્રગતિ કરવી હોય તો આ ગ્લોબલાઇઝેશન સિવાય છૂટકો નથી. આપણા શાસ્ત્રોમાં જે વસુધૈવ કુટુંબકમની વિભાવના કરાઈ છે તેનું સાચા અર્થમાં આ વર્તમાન સ્વરૂપ છે.

બાઇબલમાં મહાવિનાશના ચાર ઘોડેસવારોની (the four horsemen of the apocalypse) ની કલ્પના થઈ છે.  આ  ઘોડેસવારો એમની સાથે મહાન યુદ્ધ, ભયન્કર દુષ્કાળ, ભયાનક મહામૃત્યુ કે પરાજય જેવા વિનાશ લાવે છે. અહીં આપણે જેની ચર્ચા કરી છે તે ચારે પડકારો–અણુવિગ્રહ, ગ્લોબલ વોર્મિંગ અને કલાઇમેટ ચેન્જ, આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ અને ગ્લોબલાઇઝેશન–તે એકવીસમી સદીના મહાવિનાશના ઘોડેસવારો જેવા છે. એમનાથી બચવા માટે આપણે ઉકેલ શોધવો જ રહ્યો. એમાં જો આપણે પાછા પડ્યા તો એમાં મને માનવજાતિના મહાવિનાશના ભણકારા સંભળાય છે.

~ નટવર ગાંધી
વોશિંગ્ટન, માર્ચ 7, 2022

આપનો પ્રતિભાવ આપો..