ચાલ વર્ષો બાદ આજે સાથ બેસી ઓસરીમાં ~ જયશ્રી વિનુ મરચંટ ~ આસ્વાદ: અનિલ ચાવડા ~ કટાર: અંતરનેટની કવિતા

અંતરનેટની કવિતા  – અનિલ ચાવડા
ગુજરાત સમાચાર, “રવિપૂર્તિમાંથી  સાભાર

કોઈ માણસ થોડોઘણો પણ વેરાન હોય એવું તો બને કેવી રીતે?*

*લોગ ઇનઃ*

ચાલ વર્ષો બાદ આજે સાથ બેસી ઓસરીમાં;
ને અબોલા એકસાથે ચલ ઉલેચી ઓસરીમાં.

એકબીજામાં રહેલાં રણ જરા ખંખોળીએ તો,
થાય સ્મરણોની ઘણીયે રેત ભેગી ઓસરીમાં.

જોઈએ શું નીકળે છે આંસુડાં કે મોતીડાંઓ?
આજ મેં વર્ષો જૂની ખોલી છે પેટી ઓસરીમાં.

વિશ્વની ગલીઓમાં થઈને ને રસ્તામાં થઈને,
છેવટે આવીને અટકી એક કેડી ઓસરીમાં.

બસ હવે ઘરને સજાની જેમ ભોગવતી રહે છે,
‘ભગ્ન’ બેઠી છે જુઓને થઈને કેદી ઓસરીમાં.

~ જયશ્રી વિનુ મરચંટ

અત્યારનો સમય વનબીએચકે, ટુબીએચકે કે ડ્રોઇંગરૂમ, કીચન વગેરે શબ્દો સાથે પનારો પાડી રહ્યો છે, ત્યારે આ બધામાં ઓસરી તો જાણે સાવ ઓસરી ગઈ છે. આવા સમયમાં જયશ્રી મરચન્ટ ‘ઓસરી’ જેવી રદીફ રાખીને ગઝલ લખે એ નોંધનીય છે. જયશ્રી મરચન્ટ મૂળ અમેરિકા રહેવાસી, પણ શ્વાસ ગુજરાતી લે છે. ગદ્ય અને પદ્ય બંને કેડી પર તેમની કલમ વિહાર કરે છે. આ ગઝલ તમે જોશો એટલે તેમની કલમમાં રહેલી ગુજરાતી સુગંધ આપોઆપ અનુભવાશે. ફ્લેટમાં કે ટેનામેન્ટમાં કે બંગલોમાં મોટેભાગે આગળના મોટા રૂમને ડ્રોઇંગરૂમ કહેવામાં આવે છે, જ્યારે ગામડામાં ઘરના આવા પ્રથમ મોટા રૂમને ઓસરી કહેવામાં આવે છે. જ્યાં બધા આવે, બેસે, વાતો કરે… ગામડાના ઘરનાં મોટાભાગનાં કામ ઓસરીમાં બેસીને થતાં હોય છે. ઘરના મોભી હોય, બાળક હોય કે સ્ત્રી હોય. ઓસરી દરેક પ્રસંગની પ્રત્યક્ષ સાક્ષી હોય છે. ઓસરીને રદીફ તરીકે રાખીને ગઝલ લખવાની વાત જ આકર્ષક છે. કેટકેટલી ઘટનાની સાક્ષી હોય છે ઓસરી!

પ્રથમ શેરમાં જ કવયિત્રી વર્ષો બાદ ઓસરીમાં બેસવાની વાત કરે છે. અર્થાત વર્ષો સુધી પોતાના પ્રિયજન સાથે ઓસરીમાં બેસાયું નથી. માત્ર બેસાયું નથી એટલું જ નહીં, તેમની સાથે કોઈ વાતચીત પણ નથી થઈ. કેમકે બેસીને વર્ષોનાં અબોલા તોડવાના છે. વર્ષો સુધી વાતચીત ન થઈ હોય એટલે શક્ય છે કે ખાલીપાનું એક રણ જમા થઈ ગયું હોય ભીતર! આ રણની રેતી તો જ ઉલેચાય જો કોઈ શબ્દોનું ઓજાર કામ કરે! અને એટલા માટે જ કદાચ બીજા શેરમાં તેમણે એકબીજામાં રહેલા રણ ઉલેચવાની વાત કરી છે. દરેક માણસમાં નાનું મોટું રણ હોય જ છે. કોઈ માણસ રણ વિનાનો નથી હોતો. રણ એ વેરાનીનું પ્રતિક છે. કોઈ માણસ થોડોઘણો પણ વેરાન ન હોય એવું તો બને જ કેવી રીતે? કવયિત્રી અહીં એકબીજામાં રહેલા રણ ખંખોળવાની વાત કરે છે અને રણમાં રેત સિવાય હોય પણ શું? વર્ષો પછી ફળિયે બેસીએ, વર્ષોના અબોલા તોડીએ, અબોલા તોડીએ તો સ્મરણ તાજાં થાય, અને સ્મરણ તાજાં થાય તો ભીતર રહેલા ખાલીપાની રેત આપોઆપ ખરે ઓસરીમાં!

સ્મરણોની વાત નીકળે એટલે સહેજમાં ઓછું પતે! પછી તો ઉર્દૂ શાયર કફીલ આઝર અમરોહવીએ કહ્યું છે તેમ, ‘બાત નીકલેગી તો બહોત દૂર તલક જાયેગી…’ સ્મરણોની પેટી આપોઆપ ખૂલવા લાગે છે. એમાંથી આંસુ નીકળે કે મોતી એ તો પેટી ખૂલ્યા પછી જ ખબર પડે. ‘આંસુડાં’ અને ‘મોતીડાં’ જેવાં શબ્દો મોટેભાગે ગીતમાં વધારે સારાં લાગતાં હોય છે, અહીં ગઝલમાં કહેવાયાં હોવા છતાં તે નડતાં નથી. વળી તે એક સ્ત્રી દ્વારા કહેવાયાં છે એટલે વધારે સોહામણા લાગે છે.

માનવી આખા વિશ્વમાં ગમે ત્યાં ફરે, રખડે પણ તેની અંતિમ કડી તો ઘર જ હોય છે. આ જ વાત જયશ્રી મરચન્ટ અહીં ઓસરીના રેફરન્સથી કરે છે. કેડી તો આખા વિશ્વમાં ભમીને આવી, પણ અટકી ક્યાં? તો કહે ઓસરીમાં. અહીં અટકવાની સાથે ઓગળવાની વાત છે. કેડી ઓસરીમાં ઓગળી જાય છે.

ઘર ક્યારેક સજા જેવું બની રહેતું હોય છે. તેનું કોઈ એક કારણ નથી હોતું, હજારો કારણો હોય છે અને એ દરેક કારણ વ્યક્તિગત હોય છે. કવયિત્રી અહીં પોતાના જ ઘરને સજાની જેમ ભોગવતાં રહે છે અને પોતે કેદીની જેમ ઘરની ઓસરીમાં બેઠાં છે. આપણી આંખ સામે કોઈ ઉદાસ વ્યક્તિ ઓસરીમાં બેઠી હોય તેવું એક ચિત્ર ઊભું થાય છે. શેરમાં રહેલી ઉદાસી ભાવકના આંખ સુધી પહોંચે છે. આ આખી ગઝલ ઓસરીમાં બેઠેલી ઉદાસી જેવી છે. અમેરિકામાં રહીને પણ ગુજરાતીપણું છલકાવતા જયશ્રી બહેનની આવી કવિતાઓ અહીં ગુજરાતમાં રહેતા અનેક ભાવકોના હૈયાં સુધી પહોંચે એવી છે. તેમની જ એક બીજી ગઝલથી લેખને લોગ આઉટ કરીએ.

*
લોગ આઉટ

એ હતો મુશ્કેલ કે સારો સમય પણ નીકળી ગયો,
તારી સાથોસાથ બસ મારો સમય પણ નીકળી ગયો.

સ્વાદ બદલાતા રહ્યા કાયમ પળેપળ જિંદગી તણા,
નીકળ્યો મીઠો સમય, ખારો સમય પણ નીકળી ગયો.

આપણે ધાર્યો હતો એ પણ ટક્યો છે ક્યાં કદીય પણ?
ધારવાવાળો કે નોંધારો સમય પણ નીકળી ગયો.

સાથમાં વીત્યો હતો, એકાંતમાં વીત્યો હતો અને,
દૂર રહીને સાવ પરબારો સમય પણ નીકળી ગયો.

આ ગઝલ વાંચી જરા, માણી જરા, મમળાવી સ્હેજ તેં,
તો ગઝલની સાથ બસ તારો સમય પણ નીકળી ગયો.

~ જયશ્રી વિનુ મરચંટ

આપનો પ્રતિભાવ આપો..

6 Comments

  1. હ્રદય સ્પર્શી પંક્તિઓ રજૂ કરી છે.

  2. જયશ્રી ખૂબ સુંદર અને સચોટ ગઝલ સાચી વાત છે ઓસરી ઓસરાઈ ગઈ ત્યારે ઓસરી રદીફ મનમાં વીજળી ચમકાવી ગયો અનિલભાઈ ખૂબ સુંદર આસ્વાદ

    1. વાહ બહુજ સરસ રચના
      અને આસ્વાદ. 👌
      ઓસરી બહાર છે પણ ઓસરી ની ભિતર માં ઘણું બધું કહી દીધું..