ત્રણ ગઝલો ~ ભગવતીકુમાર શર્મા
“નિર્વિકલ્પ છું…!”
ઘણા વિકલ્પ છે, છતાં નિતાન્ત નિર્વિકલ્પ છું;
અસંખ્ય અંક છે, પરંતુ આખરે હું શૂન્ય છું.
પ્રતીતિ કેમ હું કરું કે સત્ય છું, અસત્ય છું?
હું મેદનીનો અંશ છું કે એક ને અનન્ય છું?
મને ન શોધજો તમે કો ગ્રંથના મહાર્ણવે;
હું કોઈના હૃદય વિશે વસેલું રમ્ય કાવ્ય છું.
મને ગણીને ક્ષીણ તો ય અવગણો નહીં તમે.
ભલે હું જળની મંદ ધાર કિન્તુ હું અજસ્ર છું.
મને સદૈવ પ્રેરતી રહી છે શબ્દ-ખેવના;
પરંતુ મૂળમાંથી હું અવ્યક્ત છું, અજન્મ છું.
મહાર્ણવ = મહાસાગર
અજસ્ર = સતત
– ભગવતીકુમાર શર્મા
“અનુભવ થતો નથી…!”
મોસમની આવ-જાનો અનુભવ થતો નથી;
ઉપવનમાં ભરવસંતેય કલરવ થતો નથી.
ક્ષણની ગતિવિધિઓમાં વિપ્લવ થતો નથી;
કેમે કરીને પૂરો હજી ભવ થતો નથી.
ભીતર તો ક્રૌંચવધ હવે હરપળ થતો રહે;
એકાદ શ્લોકનોયે કાં ઉદભવ થતો નથી ?
દુનિયા તો એની એ જ છે ઝળહળ ને ધૂમધામ;
જો તું નથી તો મનનો મહોત્સવ થતો નથી.
પ્યાલાઓ ગટગટાવું છું આકંઠ તે છતાં
ઓછો જરાયે યાદનો આસવ થતો નથી.
– ભગવતીકુમાર શર્મા
“ગવાઈ જઈશ….!”
તમે પ્રસારી લીધો હાથ તો અપાઈ જઈશ,
વચન બનીશ તો નાછૂટકે પળાઈ જઈશ.
હરેક છત્રીમાં વાદળ શો અંધરાઈ જઈશ,
હરેક ચશ્માંને વીંધીને ઝરમરાઈ જઈશ.
આ છાંયડાના કસુંબાઓ ઘટઘટાવી લ્યો !
નગરનું વૃક્ષ છું, કોઈ પણ ક્ષણે વઢાઈ જઈશ.
નથી હું સૂર કે રૂંધી શકો તમે મુજને,
હું બૂમ છું ને કોઈ કંઠથી પડાઈ જઈશ.
હવે તો વેલને ફૂલોનો બોજ લાગે છે,
હું મારા શ્વાસની દીવાલથી દબાઈ જઈશ.
કોઈ તો સ્પર્શો ટકોરાના આગિયાથી મને,
કે જિર્ણ દ્વારની સાંકળ છું હું, કટાઈ જઈશ.
પછી ભૂંસાઈ જશે મારી સર્વ અંગતતા,
ગઝલરૂપે હું રચાયો છું તો ગવાઈ જઈશ.