૨૦ માર્ચ ~ “વિશ્વ ચકલી દિવસ” ~ વિજય ભટ્ટ

૨૦ માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ!

આજે મેં એક મિત્રને કહ્યું કે ૨૦ માર્ચ એટલે ‘વિશ્વ ચકલી દિવસ’ તો એ માનતો જ ન હતો. એને એમ કે ફાધર્સ ડે કે વેલેંટાઈન ડે હોય, ચકલી દિવસ કેવી રીતે હોય? છેલ્લે માન્યો કે હા, માર્ચ ૨૦ એ ખરેખર વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાય છે.

વિશ્વ ચકલી દિવસની સ્થાપના ૨૦૧૦માં, આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા ભારતીય પર્યાવરણવાદી (એન્વિરોન્મેટલિસ્ટ) મહમદ  દીલાવરે કરી. હવે તો વિશ્વની ઘણી સંસ્થાઓ તેમાં જોડાઈ છે. હમણાંના પક્ષીચાહકો, અને નેચર લવર્સ દ્વારા તેને બહુ જ આવકાર મળ્યો છે. હવે આ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવાય છે.

ચકલીનું વૈજ્ઞાનિક નામ છે ‘પાસર  ડૉમેસ્ટિકસ’. Passer domesticus –  એક ઘરગથ્થુ પંખી. દુનિયાના લગભગ બધા જ દેશોમાં ચકલીઓ હોય જ છે. જેમ “કાગડા બધે જ કાળા” એમ કહેવાય છે, તેવું જ “ચકલીઓ બધે જ ચીં ચીં કરે જ!” ‘એમ પણ કહી શકાય.  યુરોપિયન જ્યાં જ્યાં ગયા, ત્યાં ત્યાં બધે જ ચકલી પણ ગઈ. અમુક જ પ્રદેશ જેમ કે સાઈબેરિયા, ચીન, ઈન્ડો ચીન, ઓસ્ટ્રેલિયાનો અમુક ભાગ, અને દક્ષિણ અમેરિકાના અમુક ભાગમાં ચકલી નથી. બાકી બધી જ જમીન પર ચકલી છે.

અહીં ઉત્તર અમેરિકામાં ચકલીની જુદી જુદી ૩૩ જાત હોય છે. કદાચ વધારે પણ હોઈ શકે. મોટા ભાગની માણસોની આસપાસ (ડૉમેસ્ટિકેટેડ) જ રહે છે. તેમની એક પણ જાત જંગલી (વાઈલ્ડ) નથી.

અમેરિકાના મૂળ રેડ ઇન્ડિયન્સની સંસ્કૃતિ અને વારસાનાં સંદર્ભમાં ચકલી ખૂબ જ અગત્યની અને પ્રેરણાદાયક પક્ષી ગણાય છે. તે જીવંતતાનો સંદર્ભ ગણાય છે બાઈબલમાં પણ ચકલીનો ઉલ્લેખ આવે છે કે જિસસે જોસેફના વર્કશોપમાં માટીમાંથી બાર ચકલીઓ બનાવી હતી. વળી એક ચકલી જીસસને ઓલિવ પર્વત પર પણ મળી હતી.

અમુક ધર્મમાં ચકલી એ જિજીવિષા અને મહેનતનું પ્રતીક છે. ગ્રીક દંતકથાઓમાં અને સંસ્કૃતિમાં પણ ચકલી એ પ્રેમની દેવી એફ્રોડાઇટનું પવિત્ર પંખી ગણાય છે. ચકલી એ  પ્રેમ, સફળતા, અને ડૂબતાને મળતી હોડી અને સહારાનું પ્રતીક છે. આમ વિશ્વની દરેક સંસ્કૃતિમાં ચકલીનું ઓછું વધતું પણ એક વિશિષ્ટ સ્થાન હંમેશાં છે.

વલ્લભ વિદ્યાનગરમાં નાના હતા, ત્યારે લગભગ સવાર ચકલીની ચીં ચીંથી જ થતી. કૂકડા નજીકમાં ન હતા. અમારા યુનિવર્સિટી ક્વાર્ટરના નાનકડા ઘરના વાતાવરણનો ચકલી એક જાણે અજાણે હિસ્સો હતી. એ ઘરની બારીઓને ઝીણી જાળીઓ ન હતી તેથી ચકલીઓ આરામથી ઘરમાં આવીને ઊંચે ખાનાઓમાં, ચોપડીઓની થોકડીની પાછળ, ઉપરના વેન્ટિલેશનની નાની બારી ઉપર, અને નહીં વપરાતી ઊંચી જગ્યાએ, જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં ત્યાં માળા બાંધતી. ઘરમાં લગભગ દરેક ઓરડામાં એકાદ બે માળા તો હોય જ.

ઉનાળાની ગરમીમાં, એર કન્ડિશન તો હતા જ નહિ, અને પરીક્ષાની તૈયારી કરતાં હોઈએ ત્યાર બપોરે જ્યારે બધું જ શાંત હોય ત્યારે માત્ર ચકલીના ઊડાઊડનો અને ચીં ચીં-નો અવાજ તેની હાજરી પુરાવે અને આપણને સજાગ રાખવામાં મદદરૂપ થાય! ચકલીના માળામાં એ જ્યારે ઈંડુ મૂકે પછી તમે તેને ઉડાડવા પ્રયત્ન કરો તો પણ એ ગભરાય નહિ. જ્યાં સુધી ઈંડામાંથી બચ્ચું બહાર ન આવે, ત્યાં સુધી તે માળામાંથી ખસે જ નહિ!  ઈંડામાંથી તરત જ નીકળેલા પીંછાં વગરનાં નવજાત બચ્ચાં જોઈને ખૂબ વિસ્મય અને આનંદ થતો. જો એકાદ બચ્ચું માળાની બહાર પડી જાય, તો તેની મા ચકલી એટલો તો ચીં ચીં-નો અવાજ કરી મૂકે કે આપણને થાય કે ચાલો આપણે જ બચ્ચાંને ઊંચકીને માળામાં મૂકી દઈએ.
 વળી, ચકલી જે રીતે માટીમાં પાંખો ફટફટાવીને સ્નાન કરે તે જોવાની મજા કોને ન આવે?

સાવ નાનાં બાળક હતાં ત્યારે દાદી વાર્તા કહેતાં કે “એક હતો ચકો અને એક હતી ચકી, ચકો લાવ્યો ચોખાનો દાણો અને ચકી લાવી દાળનો દાણો અને બનાવી ખીચડી!” એ આખી ય વાર્તા હજી કડકડાટ યાદ છે! 
ગુજરાતી સાહિત્યમાં અને ખાસ કરીને કવિતામાં ચકલીનો ઉલ્લેખ ખૂબ જ થતો આવ્યો છે કારણ કે તે માનવજીવનના વાતાવરણનું એક અંગ છે.

હજી થોડા જ દિવસ પહેલાં જ મારા યાર્ડમાં એક ચકલી મારી ખુરશી પર બેઠી. મને થયું કે સિંહાસન જેવી મારી આ સરસ ખુરશી પર આજે એક રાજવી ઢબે આ ચકલી વિરાજમાન છે! મારે બેસવું હતું પણ મેં એવો વિચાર કર્યો કે આજે ભલે આ ખુરશી પર તે હક જમાવે. ચાલો ચકલીનો રાજ્યાભિષેક કરીએ અને ફોટા પાડીએ. લગભગ ચાર પાંચ મિનિટ સુધી એ ચકલીએ ત્યાં બેસીને રાજપાટ ચલાવ્યું અને ઊડી ગઈ. ફરી થોડી વારમાં જ બીજી ચકલી આવી ને ત્યાં જ બેઠી. મારું માનવું છે કે તે પેલી ચકલી રાણીનો વર ચકલો રાજા હતો (બીજી ચકલી નહિ). તે પણ આવીને થોડીવાર બેઠો. મને એમ લાગ્યું કે પહેલાં ચકલી આવી અને પછી જ ચકલાએ ત્યાં આવવાની હિમ્મત કરી. આ ચકલો સહેજ ચરકી અને ઉત્સર્જન કરીને મારી ખુરશીને પવિત્ર કરી અને ઊડી ગયો.  મેં આ પ્રસંગને એક ફોટામાં  કંડારી લીધો!

અને તરત જ … મને આજે રમેશ પારેખની કવિતા ‘રજવાડું’ યાદ આવી ગઈ!  થયું કે ચકલી અને રમેશ બંનેને અંજલિ આપીને નવાજીએ અને .. વિશ્વ ચકલી દિવસ માણીએ!

રજવાડું / રમેશ પારેખ

તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,
મારે ફળિયે ચકલી બેસે તે મારું રજવાડું,

તારે બોલે હાંફળ ફાંફળ ચાકર ઊઠે બેસે,
મારા ઘરમાં કીડી સુદ્ધા દમામપૂર્વક બેસે.
મારે ફળિયે ઝૂલે ઝાડની ઘટાદાર ખુશીયારી,
ખોલું ત્યાં આકાશ લાગલું દેતી ઘરની બારી,
જેવો મારો ઉંબર તેવું આડેઘડ પછવાડું,
મારે ફળિયે ચકલી બેસે તે મારું રજવાડું.

તારે ફળિયે તારો વૈભવ ખોંખારાઓ ખાય,
મારે પંખીના ટહૂકાથી અજવાળા ફેલાય,
સાત રંગના ઓડકાર તું સાવ એકલો ખાતો,
હું તો અકડેલઠઠ્ઠ ડાયરા વચ્ચે મગન થાતો.
આવા મારા સાવ ઠોઠ જીવતરને શું શીખવાડું,
તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,
મારે ફળિયે ચકલી બેસે તે મારું રજવાડું,

~ વિજય ભટ્ટ
લોસ એન્જલ્સ, માર્ચ 20, 2022

આપનો પ્રતિભાવ આપો..

2 Comments