વાસંતી વાયરો…. મહેકનો મુશાયરો ~ પ્રણવ પંડયા (અમરેલી) ~ જન્મભૂમિ પ્રવાસી

આપણી ત્વચાને જો આધુનિકતાનો એનેસ્થેસિયા ન લાગી ગયો હોય તો વસંત તો સૌને એકસરખા વ્હાલથી સ્પર્શવા થનગનતી હોય છે.

લેખક: પ્રણવ પંડ્યા (અમરેલી)
સાભાર : જન્મભૂમિ પ્રવાસી

વસંત પંચમીનું ટાણું છે. ‘‘આ વા’ જરા જુદો છે’’…. હાથમાં પેન પણ પકડી નથી એવા ગામડા ગામના ભરવાડ દાદા વિશ્વાસથી કહે છે અને બીજે દિવસે છાપામાં હવામાનના બદલાવના સમાચાર વંચાય છે. જે લોકોને પ્રકૃતિને ઓળખતા આવડે છે, કુદરત સાથે ઘરોબો છે એ સાચે જ જીવનને સમજી શક્યા છે. આપણાથી માસ્ક પછવાડે રહેલો ચહેરો પણ ઓળખી શકાતો નથી!

શેલી

પાંચ મહાભૂતથી બનેલો આ દેહ અને પાંચ તત્વોની આ દુનિયા …બંને માટે એક અનિવાર્ય સત્ય છે એ છે પરિવર્તન. જયારે જયારે બરફની બુકાની બાંધીને શિયાળો ત્રાસ ફેલાવે ત્યારે ત્યારે રંગદર્શી કવિ પર્સી બૈશે શેલીનું પ્રખ્યાત કાવ્ય ‘ઓડ ટુ ધ વેસ્ટ વિન્ડ’ યાદ આવી જાય. એમાં પણ એની છેલ્લી પંક્તિ તો કહેવતનો દરજ્જો પામી અને કોઈ સુભાષિત સમ નિરાશાના તળિયે પહોંચી ગયેલને ઉર્જાની અગાસીએ પહોંચાડી આપે…. “ઇફ વિન્ટર કમ્સ, કેન સ્પ્રિંગ બી ફાર બિહાઇન્ડ?”

ઉછળવા માટે સ્પ્રિંગ જોઈએ, પછી એ ધાતુની હોય કે ઋતુની! થીજી જવું એ સ્થિરતાનું પહેલું પગથિયું અને જ્યાં આખી પૃથ્વી ક્ષણેક્ષણ ઘૂમતી હોય તો એની માટી પર વસેલા, એના ઘડેલા, નિસર્ગમાં રમેલા ફૂદ્દાથી માંડી ફૂલ સુધી અને માણસથી માંડી બ્લુ વ્હેલ સુધીના જીવો સતત હરતાં ફરતાં રહે છે. શિયાળાનું હિમ કાયાને હિમાલય બનાવી દે એ પહેલા તો વાસંતી વાયુ વાય છે અને રમેશ પારેખના શબ્દોમાં ઉમળકાઓ ‘ધક્કામુક્કી ધક્કામુક્કી થાય છે!”

આપણી ત્વચાને જો આધુનિકતાનો એનેસ્થેસિયા ન લાગી ગયો હોય તો વસંત તો સૌને એકસરખા વ્હાલથી સ્પર્શવા થનગનતી હોય છે. વસંતને અનુભવવા કોઈ ખાસ હૃદયની ગરજ નથી હોતી. થોડીવાર જ્ઞાનને બાજુ પર મૂકી સભાન થઈને નજર નાખો આસપાસ તો ખીલવા અને ખૂલવા થનગનતા ટાણા લઈ વસંત ઉંબરે ઉભી રહી ગઈ છે. હવેલીઓમાં ઠાકોરજીને વસંતની વધાઈઓ ગવાય છે. મુંબઈના જાણીતા કવિ હિતેન આનંદપરા વસંતની વધાઈ આવી મુસલસલ ગઝલથી આપે છે… 

“બધી જ અટકળોનો એવી રીતે અંત મળે
કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે

સવારે બારી ખોલતા જ થાય છે દર્શન
મળે ગુલમહોર એ અદાથી જાણે સંત મળે

અમે જે પાનખરોમાં વિખેરી નાખેલી
અતૃપ્ત ઝંખનાઓનો ફરીથી તંત મળે

ગલી ગલીમાં ફરી રહી છે મહેક દીવાની
અને ગલીઓ બેઉ છેડેથી અનંત મળે

કરે છે આગેકૂચ પુરબહારમાં ફૂલો
નશીલી સાંજને કેવો વિજય જ્વલંત મળે

વહે તો માત્ર ટહુકાઓ વહે કોયલના
બધાં કોલાહલો નગરના નાશવંત મળે”

વસંત સૌને ગમે છે કારણકે વસંત એ પ્રાપ્તિની ઋતુ છે. વસંતમાં કૈંક ને કૈંક મળતું રહે છે. ઈશ્વરને ગમતું તમારું મનગમતું કરવાની જવાબદારી લેવા તમે તૈયાર હો તો વસંત તમને નિરાશ નહિ કરે. વાસંતી ક્ષણો થીજેલા સમયને થનગનાટ તરફ આંગળી ચીંધે છે એટલું જ નહિ, તમારી ઠુંઠવાઈ ગયેલી આંગળી પકડીને થનગનાટ સુધી પહોંચાડી  પણ દે છે.

કોચમેન અલી ડોસા જેમ એની દીકરી મરિયમના કાગળની રાહ જોતાં એમ જ વસંતની રાહ જોતું હોય ધરિત્રીનું કણેકણ. અને પછી બાઅદબ, બામુલઈઝા, હોશિયાર એવી છડી પોકારે વાયરો અને પંચાંગમાંથી અંગેઅંગમાં પહોંચી જાય વસંત. પરમેશ્વરના પ્રેમ સમું પરબીડિયું પામે સમષ્ટિ અને બધી જ અટકળોનો અંત વસંતથી થાય.

ઉમંગના રંગને આપણે ધર્મના દંભ માટે વેડફી નાખ્યા છે. વસંતનો કામણગારો કેસુડો જુઓ. આને પણ શું ભગવા બ્રિગેડ કહેશો?

જુઓ ચારેતરફ કોળી ઉઠેલી હરિયાળી. આ લીલો રંગ પણ શું હજી ધાર્મિક લાગે છે? આપણે ધર્મને રંગ આપ્યા પણ રંગનો તો એક જ ધર્મ હોય, વ્યક્ત થવું. 

વસંત તો રંગ સાથે રાગની મોસમ છે. વિખેરાઈ ગયેલી અતૃપ્ત ઝંખનાને આ મોસમમાં ફરી રેશમ થવાના કોડ જાગે છે. ગંધની વાયરા સાથે હોડ લાગે છે. ગલી ગલીમાં ટૂંટિયું વાળીને બેઠેલા છોડ ફૂલો ખીલવવા દોડાદોડ કરી મુકે છે. સવારથી ખીલતા રહેલા ફૂલોની આ વિજયકૂચની નશો સાંજને ચઢતો રહે છે.

કવિએ કહેલી અનંત છેડાવાળી ગલી એ તો આખી સૃષ્ટિ જ! સર્જન માટેની પૂર્વ શરત છે સંકીર્ણતાનો ત્યાગ. વસંત વિજય કંઈ ‘ડી.જે. વાલે બાબુના ગાના’ દ્વારા કોલાહલથી વ્યક્ત ન થાય. ઘોંઘાટને બદલે ઘૂંઘરું જેવો કોયલનો ટહુકાર એ વૃક્ષના વક્ષસ્થળ પરથી થયેલો વસંતનો વિજયનાદ છે, જડતા સામે પ્રકૃતિએ કરેલો  જયજયકાર છે!  

ચાર્જિંગ પોઈન્ટ :

“પલ્લવ મંડપ તોરણ વેલી ઝૂલે તરુ વનરાઈ
નિસર્ગની ડેલીએ વાગે પંખીની શરણાઈ
જલચર થલચર કરે આરતી ચેતનની ઉજીયાલી
કીર્તન કરી ઉઠી હરિયાલી”
~ નિનુ મઝુમદાર 

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

 1. કવિ હિતેન આનંદપરા વસંતની વધાઈ આવી- મુસલસલ ગઝલ
  બધીયે અટકળોનો એવી રીતે અંત મળે,
  કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.
  સવારે બારી ખોલતાં જ થાય છે દર્શન,
  મળે ગુલમ્હોર એ અદાથી જાણે સંત મળે.
  ખૂબ સુંદર
  યાદ આવ્યું
  બંધ પરબીડિયા માં મરણ મળે તમને
  બચી સકાય તો બચવાની પદ મળે તમને
  ખજુર જેવો છાયો મને એ સીકા ની બીજી બાજુ છે કે
  રણ મળે તમને
  તમારા કંઠ માં પહેલા તો એક છિદ્ર
  પછી તરસ અને પછી હરણ મળે તમને
  ટપાલ જેમ ગેર ગેર પહોચો તમે
  સમગ્ર સહેર ના લોકો અભણ મળે તમને..
  ત્યારે હિતેનને
  કરે છે આગેકૂચ પુરબહારમાં ફૂલો,
  નશીલી સાંજને કેવો વિજય જ્વલંત મળે!
  “રણ’ … (ભલે સુક્કું…ત્રાસદાયક…આકરું લાગે….શબ્દ સાંભળી..વાંચીને….) ‘વસંત ‘બધી અટકળોનું મારણ ? દુશ્ચિન્તાઓનું કારણ ? ઘણી બધી ઝંખનાઓ…(અને પાછી ‘અતૃપ્ત” !) આવા વિરોધાભાસોમાં જ જીવનનું મૂળ……છે ને ? , અને છેલ્લા શેરમાં છે તે. કવિશ્રીને ઝંખના છે….”વસંત “સાથે જોડાય્ર્લા કોયલના ટહુકાની…જે શહેરી જીવાનના ઘોન્ઘાટો….ને સર કરી એક આશાયેશ ના ભાવ આપી જાય કંઈક “શાંતિનો અનુભવ કરાવે…
  એક તસલ્લી આપે ઝેહનને…
  હિતેન , શોભિત,મુકેશ જેવા અન્ય સારા કવિઓ જેમ….”સુ..દ.”ના હાથો અને અમી નઝર તળે ઉગ્યો,ઉછર્યો ,પોષાયો છે……“
  કાવ્યત્વ” વિષે શું કહેવું?
  “ત્યારે હિતેનને
  કરે છે આગેકૂચ પુરબહારમાં ફૂલો,
  નશીલી સાંજને કેવો વિજય જ્વલંત મળે!”

 2. આ લેખમાં હિતેન આનંદપરાની આહ્લાદક ગઝલ મન પ્રસન્ન કરી દે છે.