જીવનનાં રસ્તાને રોડસાઇન્સ ક્યાં હોય છે! (પ્રકરણ : 8) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા

પ્રકરણ : 8

આપણું ભર્યુંભાદર્યું ઘર મુંબઈમાં સુરક્ષિત છે, જીવન પણ. ત્યાં પાછાં ફરીશું માનીને માતાપિતા કેટલી હોંશથી સૌરાષ્ટ્ર આવ્યાં હશે! શાં સપનાં જોયાં હશે!

હવે કેવી સ્થિતિમાં સૌરાષ્ટ્ર છોડી રહ્યાં હતાં, એક નવું સપનું આંખમાં સંગોપીને! ઘરમાં કશી ચર્ચા થઈ નહીં, નિરાશા, આક્રોશ તો કદી નહીં. હંમેશની જેમ ઘરમાં વાત્સલ્યપૂર્ણ માહોલ. પડદા પાછળ દૃશ્યો હશે તો અમે જોયા નહીં.

પેરન્ટિંગ વિષે આજે બેસ્ટસેલર પુસ્તકો લખતાં, કાઉન્સીલિંગની ધરખમ ફી લેતા કાઉન્સીલરોએ ગઈ સદીનાં માબાપો પાસેથી પેરન્ટિંગનો કોર્સ કરવો જોઈએ.

1952ની આસપાસનો કોઈ સમય. પપ્પાની પણ એટલી જ વય હશે, ઉંમરના એ પડાવે, મુંબઈ જેવા શહેરમાં જ્યાં માથે છત નથી, માત્ર કલમ તારે ખોળે છઉંનો નિર્ધાર. ચાર સંતાનોને ઉચ્ચ અભ્યાસ કરાવવાનો નિર્ણય કરી જીવનનો નવેસરથી આરંભ કરવો એ માટે કેટકેટલા ભોગની માતાપિતાની તૈયારી હશે! આજ સુધી જિંદગી સંઘર્ષમાં વીતી છે, તો ક્યૂં ના એક બાર ઔર સહી!

આજે વિચારું છું, કેવી સદંતર નિરાશાજનક પરિસ્થિતિ હતી! ત્યારે રગશિયા ગાડા જેવું જીવન જીવી નાખ્યું હોત તો! અમે આજે ક્યાં હોત! ત્યારે તો અમારી જ્ઞાતિમાં નાની વયે અંદરોઅંદર સગાઈ અને કાચી વયે દીકરીઓનાં લગ્ન થઈ જતાં. અમને બહેનોને એમ પરણાવી દઈ કૂબા જેવાં ઘરમાં નવાણિયો (માત્ર રસોઈ વખતે પહેરાતો મરીમસાલાયુક્ત સાડલો) પહેરી ત્રણેય બહેનો ચૂલે રાંધતી હોત અને આઠદસ છોકરાં જણી નાખ્યા હોત. ત્યાં તો અમારા જીવનની ઇતિશ્રી આવી ગઈ હોત.

એ કલ્પના માત્રથી ધ્રૂજી ઊઠું છું, પણ પપ્પાબાને એવો વિચાર સુધ્ધાં ન આવે. જે સ્વયં કિશોરવયે જ્ઞાતિનાં રીતરિવાજોના સુધારા માટે યુવાનો માટે પત્રિકા લખતા હતા, 1930 જેવા સમયમાં જ્ઞાતિબહાર લગ્ન કર્યાં, તેય રજિસ્ટર્ડ કોર્ટમાં અને નાતબહાર મુકાયા હોય એમને સ્વપ્નેય એવો વિચાર ન આવે.

જશવંત ઠાકર

રાજ્યનો સરસ આવાસ છોડી બીજા ઘરમાં રહેતા હતા ત્યારે પ્રસિદ્ધ નાટ્યકાર જશવંત ઠાકરે જામનગર આવી સામે બેસી ‘અલ્લાબેલી’ નાટક દમદાર સંવાદો સાથે લખાવેલું. 1942ની મૂવમૅન્ટમાં ઠેરઠેર ભજવાયેલું. ‘ઇપ્ટા’એ બલરાજ સહાની અને દીના ગાંધીની પ્રમુખ ભૂમિકામાં ભજવેલું.

1957માં બૃહદ મુંબઈ નાટ્યસ્પર્ધામાં અમે ક્રાન્તિ શતાબ્દીનાં સ્મરણમાં ભજવ્યું એમાં મારી પણ ભૂમિકા.

અલ્લાબેલી’ નાટકની ટીમ

હું અને લીલાબહેન ઝરીવાલા સ્ટેજ પરથી અમે તલવાર તાણી ખૂબ જુસ્સાથી ગાતાઃ

ના છડિયા હથિયાર લ્લાલા બેલી,
મરણે જો હકડીવાર
દેવોભા ચેતો
મૂળુભા બંકડા
ના
છડિયાં હથિયાર.

પપ્પા-બાએ કદી હથિયાર હેઠાં ન મૂક્યાં. કલમ, કડછી, બરછીની નાગરી પરંપરા. કલમ તો કિશોરવયથી હતી, પણ વનપ્રવેશ ટાંકણે બરછી પણ હાથમાં લઈ યુદ્ધમેદાનમાં ઊતરવામાં નક્કર હિંમત જોઈએ.

મુંબઈ પાછાં ફરવાનાં એક જ નિર્ણયે અમે ભાઈબહેનોનું જીવન પલટી નાંખ્યું. અમે રાજકોટ છોડ્યું એ અમારા જીવનની મોંઘામૂલી અત્યંત કિંમતી ક્ષણ હતી.
* * *
મુંબઈ છોડ્યું અને થોડાં વર્ષોની ખાઈ કુદાવી ફરી અમે મુંબઈ આવ્યા, એટલા જ સમયમાં જાણે એક ભવ વીતી ગયો.

આ એ જ શહેર! હવે એ સિલાઈએથી ફાટફાટ થતું હતું. ખાલી ઘરો શોધ્યાં જડતાં ન હતાં. જો હોય તો પાઘડીનાં ઊંચાં દામ. પહેલેથી અમુક રકમ આપી દો, જેની કોઈ રસીદ, ચિઠ્ઠી નહીં. પછી જ ભાડેથી ઘર મળે. મુંબઈનો દબદબો વધી ગયો હતો. ઠેકઠેકાણેથી લોકો આવવા લાગ્યા હતા.

પાર્ટીશનનાં થોડાં જ વર્ષોમાં ચિત્ર સમૂળું બદલાઈ ગયું, ‘અહીં સજ્જનોને રહેવાની જગ્યા ભાડે મળશે.’ પાટિયાં અદૃશ્ય થઈ ગયાં હતાં. અસંખ્ય નિરાશ્રિતો સરકારી કૉલોનીઓમાં વસીને ઠરીઠામ થઈ ગયા હતા. અહીં મોકળાશ હતી, ઘણી તકો હતી અને ગ્લેમર તો પહેલેથી જ હતું!

આ માહોલમાં પપ્પાભાઈની નોકરી છોડાવી, ઘરની તલાશમાં મુંબઈ આવ્યા ત્યારે પ્રથમ પસંદગી માટુંગા જ હતી, પણ માટુંગા હવે પરવડે એમ નહોતું. પાઘડીનાં ભાવ ખૂબ વધી ગયા હતા તોય ખાલી ઘર જ મળવું મુશ્કેલ! આખો પરિવાર ફરી આવી રહ્યો છે જાણી પપ્પાનાં મિત્રોય વહારે ધાયા હતા, પણ ઘર ક્યાં!

રાજકોટમાં અમે રોજ પપ્પાનું તેડું આવે એની રાહ જોતાં હતાં. હવે આપણે ઘરે જઈએ છીએ તેનો જબરો ઉત્સાહ. રાજકોટ શહેર સાથે ખાસ લાગણીનું બંધન તો હતું નહીં.

પપ્પા-ભાઈએ કેટલી ભાગદોડ કરી હશે એની ખબર તો કદી ન પડી, પણ ઘર મળી ગયું. ઘર કઈ રીતે, ક્યાં મળ્યું, કોણે આપ્યું તેની અત્યંત રસપ્રદ કથા છે (અમારી દરેક વાત પાછળ એક રસપ્રદ કથા!).

બાએ ફરી ઘર અને સંસારનો સંકેલો કરવા માંડ્યો, ન જાણે કેટલામી વાર! હિંદી કવિ અક્ષયકુમારનું કાવ્ય છે,
ઘર ઐસા હો,
જીસે કભી ભી
લાદ કર કંધે પર
તુમ કહ સકો
:
ચલો, કહીં ઔર ચલતે હૈ.

ઘર સમેટવાની, ફરી ફરી માંડવાની પીડા એમણે કદી અનુભવી હશે!

દર વખતે ઘર સમેટાય, સાથે ત્યાં જીવાયેલું જીવન પણ સમેટવું પડે. સળી સળી કરી માંડ ગોઠવેલા માળાનો ઉલાળિયો તો થઈ શકતો નથી. સામાન ટ્રકમાં ભરાય એ સમયે હૃદયમાં કેટલી ભાંજગડ ચાલતી હોય! દર વખતે ઘરવખરી ઓછી ને ઓછી થતી જાય! કશુંક તો પાછળ છોડવું જ પડે. તૂટીફૂટી ઘસાયેલી વસ્તુઓ સાથે વહાલી વસ્તુઓ પણ. અમારો રાજવીઠાઠનો સાગસિસમનો ઢોલિયો તો મુંબઈ ક્યાં સમાય! એટલી જગ્યામાં તો આખું કુટુંબ રહેતું હોય. દેરામાં દેવ જ ન માય ત્યાં પોઠિયાને ક્યાં રાખવા?

અમે તો સમજણ અસમજણની સરહદ પર હતાં, બાને શું થયું હશે! બા ખૂબ હરખાઈ હશે, પણ એનો વહાલો હિંચકો, આ ઢોલિયો, નાની મોટી અનેક વસ્તુઓ છોડી જવાની હતી. સાથે વહાલી શોભાને પણ. બાની ચોથી ચોપગી દીકરી.

ટ્રકમાં સામાન ભરાયો. પપ્પાની લાઇબ્રેરીનાં પુસ્તકો મુંબઈમાં ક્યાં સમાવવા એ પ્રશ્ન જ નહીં રહ્યો હોય, જ્ઞાની ઉધઈએ એ સમસ્યા હલ કરી દીધી હતી. બા, પપ્પા અને ભાઈએ સૌરાષ્ટ્રનાં વર્ષોની અનેક કડવી નરવી સ્મૃતિઓનું પોટલું મજબૂત ગાંઠ મારીને છોડી દીધેલા સામાનનાં ઢગલામાં ફેંકી દીધું હશે.

હવે નવું જીવન. નવી દિશા.

અમે મોટાં થઈ બાની સરખી સહેલીઓ બન્યાં. ભાઈ તો મોટો તોય પહેલેથી દોસ્ત. અમે તું જ કહેતા. પપ્પા તો પહેલેથી જ ભૂતકાળ સાથે કાયમ છેડો ફાડતા. એટલે પછીથી કદી માટુંગા કે સોલેરિયમ સામેના મકાનની અમારી જાહોજહાલી, ભાઈનો ડ્રાઇવિંગ કે ફોટોગ્રાફીનો શોખ, બાનું ઘરને સરસ શણગારવાનું કૌશલ કે પછી એક પછી એક સુનામીનાં ધસમસતાં મોજાંમાં તહસનહસ થઈ ગયેલી જિંદગી, એ વિષે કદી કોઈ બોલ્યું જ નહીં. નિ:સ્પૃહતાથી ભૂતકાળ તરફ પીઠ ફેરવી દીધી. હરખ અફસોસનીયે પેલે પાર.

બહેન ઈલા સાથે રાજકોટમાં

સૌરાષ્ટ્રને છેલ્લા ઝાઝા જુહાર કરી અમે નીકળ્યાં.

1952ની કોઈ એક મોડી સવાર.

બિસ્તરાં પોટલાં સાથે અમે હરખાતાં મુંબઈનાં દાદર સ્ટેશને ઊતર્યાં. કોઈ ફૂલડે વધાવવા તો આવવાનું નહોતું. ખૂબ થાક્યા હતા. શહેરની ભૂગોળથી અમે ત્રણેય બહેનો અજાણ. પપ્પા, આપણે ક્યાં આવ્યાં? દાદર. અહીંથી ઘાટકોપર જવાનું. ઘાટકોપર? ક્યાં આવ્યું? આપણે તો માટુંગા જવાનુંને?

ચાલો તો ખરા કહેતાં બિસ્તરા, પોટલા, પેટીઓ માટે ભાઈ મજૂર કરે છે. ત્યાં હિંદી ફિલ્મની ઢબે, ઠહરો, આપ નહીં જા સકતે કહેતાં એક રુઆબદાર પોલીસ લાકડી ઝુલાવતો આવ્યો. (હજી લડાઈ લડવાની છે એની મુંબઈમાં પગ મૂકતાંવેંત શુભ શરૂઆત)

`હમ ક્યૂં નહીં જા સકતે?’

`ચલો, સામાન ખોલ કે દીખાઓ.’

હવે ઓનલાઇન, ફટાફટ, દેશપરદેશની ફૂડ આઇટમ, ગ્રોસરી ખરીદતાં લોકોને કલ્પના પણ નહીં હોય કે સમજાય જ નહીં કે પાર્ટીશન પછી કડક રેશનિંગ હતું. (વર્ષો સુધી લાલ ઘઉંની ચવ્વડ રોટલી અમે સહુએ ખાધી છે. રેશનિંગ દુકાને લાંબી લાઇનો લાગતી). ગમે તે સામાનની તપાસ ફૂડ ઇન્સ્પેક્ટરો કરી શકતા. બાએ નરમાશથી કહ્યું, `મારી પાસે ક્યા હૈ? કુછ નહીં. હમ ઘર બદલતા હૈ, એ સામાન હૈ.’

પણ એણે તો ફટાફટ બિસ્તરા પોટલા ખોલી સામાન ફેંદી નાંખ્યો. પ્લૅટફૉર્મ ખાલી થતું ચાલ્યું. એક ડબ્બામાં નાના વાસણો બાએ ભરેલા. કશું મળતું નહોતું એમ એ જીદે ભરાયો. ડબ્બો ઊંધો વાળ્યો. વાટકી, ચમચાનો ઢગલો એમાં એક નાની પોટલી. એણે ગાંઠ ખોલી તો અડધો કિલ્લો જેટલો ઘઉંનો લોટ! લ્યો, બા ગુનેગાર સાબિત થઈ જ ગઈ.

ફૂડ ઇન્સ્પેક્ટર રંગમાં આવી ગયો. મુદ્દામાલ સાથે રંગે હાથ પકડી લીધા. ભવાં ચડ્યાં.

હે કાય આણલા?

થયું. આટલો મોટો અપરાધ! બા-પપ્પાએ બહુ સમજાવવાની કોશિષ કરી, અજાણ્યું શહેર, એમાં નવું ઘર જઈને માંડવાનું. નાનાં બાળકો, અરે બપોરે ભૂખ્યા થાય તો… થોડો લોટ…

પણ કોણ સાંભળે? આતા જ કોર્ટ મધી ગેઉંન જાતો તુમ્હાલા.

અમારા રડુંરડું ચહેરાનીયે એને દયા ન આવી. અને બા અને પપ્પાને ઘઉંનાં લોટની એ નાની પોટલી કોર્ટમાં લઈ જ ગઈ. અમે વેરણછેરણ સામાન વચ્ચે ખાલી પ્લૅટફૉર્મ પર મોં વકાસી ઊભાં હતાં. અમારા વહાલા મુંબઈએ અમારું આવું સ્વાગત કર્યું એથી અમે ડઘાયેલાં હતાં. નિયતિએ જાણે પટમાં પાસા ફેંક્યા હતા. આ મારી ચાલ. હવે તમારી ચાલ શું છે!
* * *
એ સમયે સૌરાષ્ટ્ર મેઇલ મુંબઈ મોડો પહોંચતો પછી ઘઉંના લોટની રામાયણ અને પછી સામાન સાથે દાદરથી ઘાટકોપર ભાઈ અમને લઈને આવ્યો ત્યારે બપોર ખાસ્સી ધગધગતી હતી અને પેટમાં ભૂખ.

વિજય ઍસ્ટેટ કૉલોની છેક ઘાટકોપરને સાવ છેવાડે. વચ્ચે મોટા મેદાન જેવું ખાડા, માટી, ધૂળ-ઢેંફાનું કંપાઉન્ડ. ગોળ ફરતાં અઢાર બેઠા ઘાટનાં કોટેજીસ, નીચલા મધ્યમવર્ગનાં રહેવાસીઓ. અમારું કોટેજ નં. દસ. સામે ઘટાદાર જાબુંડાનું વૃક્ષ.

ભાઈએ કહ્યું, આ આપણું ઘર. અમે તો બાઘાં બની આ માહોલ, આવા ઘરને જોઈ જ રહ્યા. અહીં રહેવાનું? આવા ટચૂકડા ઘરમાં? ગમે તે સ્થિતિ હોય આજ સુધી સરસ વિશાળ ઘરોમાં જ રહ્યાં હતાં. એટલું જ નહીં આવા ઘરો, નીચલા મધ્યમવર્ગનો માહોલ જ પહેલી વાર અમે જોયો. તત્ક્ષણ જીવનનાં આ રૂપનું પણ દર્શન!

ભાઈ, આ આપણે ક્યાં આવ્યાં? આપણે તો મુંબઈ આવવાના હતા. અમારા મનમાં તો મુંબઈ એટલે માટુંગાની ઝાકઝમાળ જિંદગી. મુંબઈ એટલે સુંદર ઘરો, વિશાળ રસ્તાઓ વચ્ચે દોડતી લાલપરી ટ્રામ, ભવ્ય અરોરા થિયેટર, ઈરાની હોટેલ, રંગબેરંગી ફૂલોની અઢળક દુકાનો…

અને આ ઘર! બે પગથિયાં ચડીને માનાર્થે નાનીશી પોર્ચ, દાખલ થતાં એક રૂમ, તેમાંથી અંદર જતા રસોડું. એમાં નાનો સરખો બાથરૂમ અને બીજો રૂમ. ઓરડાઓમાં અને રસોડામાંથી બહારના રસ્તા પર બારીઓ પડે. પાછળ રસ્તો, એની સામેની બાજુ આવા જ નાનાં ઘર, ઓરડીઓ અને પછી લોકલ ટ્રેનનાં પાટા. ત્યાંથી ધમધમાટ સવારે 4 વાગ્યાથી રાતના એક સુધી લોકલ ટ્રેન દોડતી રહે. એનાં પડઘા ઘરમાં પડે.

આવી અને આટલી જ જગ્યામાં અમારો સામાન અને અમે છ લોકોનો સમાસ કરી, હવે અહીં જ રહેવાનું હતું. ઘરનું આ પ્રથમ દર્શન, ખરા બપોરની ભડભડતી ભૂખ, બા અને પપ્પાને પોલીસ લઈ ગઈ એ વિચારથી જોરજોરથી રડવાનું મન મને થઈ ગયું હતું.

બાજુમાં જ અગ્યાર નંબરનું કોટેજ. એમાં અમૃતલાલ જોષી, વકીલ રહે. એમનું કુટુંબ અમારી પ્રતિક્ષા કરતું હતું. ઓહો, આ વાડીમાં (આવાં પ્રકારનાં ઘરોની જગ્યાને મુંબઈમાં વાડી કહેવાતી.) ગુણવંતરાય આચાર્ય લેખક રહેવા આવવાના છે! અમારી બાજુમાં જ! તમારું ઘર ન ગોઠવાય ત્યાં સુધી ચાપાણી, જમવાનું બધું અમારે ત્યાં જ.

જોષીકાકા, પ્રભાકાકી અને ત્રણ દીકરીઓ, દીકરો તરત અમારી સરભરામાં લાગી ગયાં. અમને પ્રેમથી જમાડ્યાં. સામાન ઘરમાં મુકાવ્યો. જોષીકાકા સ્વભાવે દુર્વાસા, પણ અત્યંત પ્રેમાળ. બા અને પપ્પાને પોલીસ લઈ ગઈ એટલે અત્યંત ક્રોધિત. પણ પ્રતિક્ષા સિવાય શું થઈ શકે?

છેક નમતી બપોરે બા-પપ્પા ઘરે આવ્યાં. ભૂખ્યા અને થાકીને લોથ. જોષીકાકા તાડૂક્યા, `આચાર્યભાઈ, શું થયું કોર્ટમાં? અનાડી કોર્ટમાં લઈ ગયા હશે.’

પપ્પાએ માંડીને એમની રમૂજભરી શૈલીમાં (આવી સ્થિતિમાં પણ) વાત કરી, બાને પિંજરામાં ખડી કરી દીધેલી. આ તો અનાડી કોર્ટ. બા જેમ બચાવ કરે, દંડ વધતો જાય,

`ક્યાંથી આવો છો?’
બા ગભરાઈ ગઈ.
`હેં!’
`પાંચ રૂપિયા દંડ.’

`પણ સાહેબ, નાનાં છોકરાં… થોડો લોટ…’
`દસ રૂપિયા. ક્યાંથી આવો છો?’
બા થોથવાઈ ગઈ!
`ર… રા… રાજકોટ સાહેબ.’

બોલતાં બોલતાં પપ્પા ખડખડાટ હસી પડ્યા! જાણે હળવી ફૂંકથી ગુસ્સો અને ટૅન્શન ઊડી ગયાં. ત્યારથી અમારા ઘરની આ સ્ટાન્ડર્ડ જોક. બાની મસ્તી કરવી હોય તો અમે બોલતા: ઓયે ર… રા… રાજકોટ! અમારી આ રાજકોટવાળી જોકની ગાડી છૂકછૂક કરતી લાં…બી ચાલી હતી. પણ બા તો હસતી અને હસતી. જો કે અમે તો શૈશવથી જ ખબરદાર કે આચાર્યકુટુંબની છૂકછૂક ગાડીનું પાવા વગાડતું એન્જિન બા જ છે.
* * *
અમારી પાસે ઘર તો હતું નહીં. તો ભલે નાના, બહુ ન ગમતાં ઘરમાં પણ રહેવા શી રીતે આવી ગયાં!

અમારી હર દાસ્તાં કી તરહ યે ભી અજીબ દાસ્તાં!

જ્યારે પરિસ્થિતિએ અમને સમજદાર બનાવી દીધા પછી એ રહસ્ય ખૂલ્યું.

પપ્પા અને ભાઈ રાજકોટથી મુંબઈ ઘરની શોધમાં આવ્યા હતા અને ભાઈના ભાઈ જેવા મિત્ર કાન્તિભાઈને ત્યાં માટુંગામાં રહેતા હતા. પહેલો પ્રેફરન્સ તો માટુંગા જ! પણ હવે ત્યાં પાઘડીનાં દામ ખૂબ ઊંચા થઈ ગયા હતા અને તોય જગ્યા મળવી મુશ્કેલ હતી. પાર્ટીશનની વ્યથા કથા વિસરાઈ ગયેલી અને મુંબઈ ખૂબ ફૂલવા ફાલવા લાગેલું.

ઘરની શોધમાં ફરતાં ભાઈ-પપ્પા એક લોજમાં જમવા ગયા હશે, ત્યાંથી કઈ રીતે વાત વહેતી થઈ, આપણી ભાષાનાં લેખક ઘર શોધે છે, દેશમાંથી કુટુંબ લાવવું છે, પણ ભારે ભીડમાં છે. કેટલી ફિલ્મો લખી… કેવી કેવી સાગરકથાઓ લખી, આપણું ગુજરાતીઓનું, આપણી ભાષાનું ગૌરવ કર્યું.

વાયરો વાત લઈ ગયો છોટુભાઈ નામના સજ્જન વેપારી પાસે. એમને ગુજરાતી સાહિત્યનો કક્કોય ખબર નહીં, પણ એક વાત મનમાં ઘર કરી ગઈ. વિજય ઍસ્ટેટ કૉલોનીનું એમનું દસ નંબરનું કોટેજ ટાંકણે જ ખાલી થયું હતું. એને ઠીકઠાક કરી, રંગાવી પપ્પા સામે એમણે ચાવી ધરી, આચાર્યસાહેબ મને બીજી તો કંઈ ખબર નથી, પણ તમે આપણી ભાષાની સેવા કરો છો, તમને કાંઈ મદદરૂપ થઈ શકું તો મારું અહોભાગ્ય. આ ચાવી, આ ભાડાચિઠ્ઠી તમારા જ નામની અને પાઘડી પેટે એક રૂપિયોય નહીં.

દસબાર હજાર સહેજે પાઘડી હશે. એ સમયે એ કેવડી મોટી રકમ હશે! સોનું ત્યારે સો રૂપિયે તોલો હતું!

જેમ ઈશ્વરની લીલા હોય છે એમ મનુષ્યની પણ લીલા હોઈ શકે ને!

જેને અમારા માન્યા હતા એમણે ઘર પડાવી લીધું અને સાવ અજાણી વ્યક્તિએ નિ:સ્વાર્થ ભાવે, માગ્યા વિના એનું ઘર અમને સામેથી આપી દીધું. પછી એ કદી મળ્યા નહોતા, પાછું માગ્યું પણ નહોતું.

કુદરત ન્યાયનાં બે પલ્લાં કેવા સમતોલ રાખે છે!

મુંબઈએ ઉદારતાથી સામેથી ઘર આપ્યું અને કહ્યું, વેલકમ બેક.

સહજભાવે એક અપરિચિત સજ્જને કરેલી મદદે અમારા જીવનને વળાંક આપ્યો. આમ પણ જીવનનાં રસ્તાને રોડસાઇન્સ ક્યાં હોય છે! જોખમી વળાંક કે દિલધડક ઢોળાવ કે ચડાણ, એ તો સફર કરતાં રસ્તો ખૂલતો જાય ત્યારે જ સમજાય.

પપ્પાના સ્વાતંત્ર્યસંગ્રામના જૂના મિત્રો ગુજરાત અને દિલ્હીમાં સત્તાસ્થાને ગોઠવાયેલા હતા. ન પપ્પાએ કદી એમની પાસે ટહેલ નાંખી, ન એમણે પૃચ્છા સુધ્ધાં કરી. પપ્પાએ તો અજાણતાં એક શીશો દરિયામાં તરતો મૂક્યો હતો, ખારવાની રીતરસમ મુજબ કોઈને હાથ લાગ્યો અને એણે વહાર પહોંચાડી.

ભલે દૂરનાં પરામાં સાવ છેવાડાનું નાનું ઘર. સગવડો વિનાનું. પણ ઘર. માથે છત. અમારું ઘર. હું અને બહેન ઈલા તો આમ પણ ગર્ભનાળથી મુંબઈ સાથે જોડાયેલાં. અમે બારણે લખ્યાં લાભ અને શુભ. અમે જ અમને વધાવ્યાં કંકુચોખાથી, માથેથી અમે જ નજરિયું ઉતારી દૂર ફેંક્યું અને અમે સહુએ હાથ પકડી કર્યો ગૃહપ્રવેશ. વિધાતાએ લાંબી લેખણે અમારાં પરિવારની છઠ્ઠીનાં લેખ લખ્યાં હતા તે અમે ભૂંસી નાંખ્યાં.

પછી ગ્રહ, નક્ષત્રો વિનાની અમે જ દોરી અમારી કુંડળી. કંકુ છાંટી અમે જ લખ્યા અમારા લેખ. સ્વયં ભાગ્યવિધાતા. સ્ટેશન પર પગ મૂકતાં જ નિયતિએ પટમાં પાસા ફેંકી, એની ચાલ ચાલી અમને આહ્‌વાન આપ્યું હતું.

અમે પહોંચી વળવાનો નિર્ધાર કર્યો હતો. બા-પપ્પા હવે એકલાં ક્યાં હતાં! શૈશવની ખાઈ કુદાવી અમે બહેનો ઝટપટ મોટી થઈ ગઈ હતી. પપ્પા હંમેશાં કહેતા, ઈશ્વર તમને હંમેશાં વિકલ્પ આપે છે, લડો કે રડો. અમે લડવાનું પસંદ કર્યું. આમાર જીબન-ઈ આમાર બાની.

માતાપિતાની વિદ્યાપીઠમાંથી સંતાનોને કેટકેટલું શીખવા મળે છે!

પિતાના આદેશથી એક કિશોર ઘનઘોર જંગલમાં અડધી રાત્રે ભેંકાર અંધકારમાં દોડ્યો હતો અને નિર્ભયતાનું વરદાન પામ્યો હતો. હવે અમારે પણ ઘનઘોર જંગલમાં, ઘન અંધકારમાં દોટ મૂકવાની હતી.

– અને શરૂ થઈ અમારી સંઘર્ષયાત્રા.

આ લખું છું ત્યારે એ સમય તાદૃશ થાય છે. હરિવંશરાય બચ્ચનની થોડી કાવ્યપંક્તિઓ :

जो बसे हैं वे उजड़ते हैं,
प्रकृति के जड़ नियम से;
पर किसी उजड़े हुए को,
फिर बसाना कब माना है?…
है अँधेरी रात, पर
दीया जलाना कब मना है?’

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. ખાલી હાથ અને હૈયે હામ લખીને વર્ષાબેને વાંચક ના હૈયામાં હામ ભરવાનું કામ કરેલ છે અને આ પ્રકરણ મા આચાર્ય દંપતી ની સહસિકતા નો અનુભવ કરાવેલ છે.આભાર

  2. સુ શ્રી વર્ષાબેનેના અનુભવોએ મુંબઇ આવેલ ત્યારનો અમારો અનુભવ પણ યાદ આવ્યો ! આવી સ્થિતીમા મા-બાપ હીંમત આપી, રમુજ કરી આવા સાહસને વધુ રોમાંચક બનાવ્યો !

  3. આ પ્રકરણમાં વર્ષાબેને સ્વપ્ન-ભંગની પીડા,અજાણ આત્મીય અનુભવ અને માતાપિતાની હિંમત તથા સાહસનું રોમાંચક વર્ણન કરેલ છે.