ગઝલ તો ગઝલ છે… ~ જિત ચુડાસમા
વખોડો, વખાણો, પ્રમાણો, પ્રસારો; ગઝલ તો ગઝલ છે.
પ્રથમ આંખો પરથી આ ચશ્મા ઉતારો, ગઝલ તો ગઝલ છે.
પીડાને ય ઘૂંટીને ચંદન બનાવે ને આંસુને અગ્નિ;
શરત એટલી કે પ્રથમ હો ઈશારો, ગઝલ તો ગઝલ છે.
હથેળીમાં લોબાન સળગાવી કરવી પડે છે પ્રતીક્ષા;
નથી કાંઈ બે-ચાર પળનો ધખારો, ગઝલ તો ગઝલ છે.
ન અંદર કશું હો ન બ્હારે, બધે શૂન્યતા હોય કેવળ;
અચાનક એ લઈને ઊઠે એકતારો, ગઝલ તો ગઝલ છે.
મળો, બાથમાં લો, ભીંસો; એય પાછા વિવેચક બનીને ?
તમારી આ મળવાની આદત સુધારો, ગઝલ તો ગઝલ છે.
સભા તો સભા છે, ચડાવી દે માથે ને નીચે ય પાડે;
બધું એક ખૂણામાં જઈને ઉતારો, ગઝલ તો ગઝલ છે.
~ જિત ચુડાસમા
વાહ કવિ
waah
દરેક શેર દમદાર.
અભિનંદન, કવિ
વાહ
અત્યંત સુંદર માર્મિક. દરેક શેરમાં સીધું નિશાન તાકતી ગઝલ.
આપનો હૃદયપૂર્વક આભાર કવિ…
વાહહ