ઊભો ખાટલો (વાર્તા) ~ જયંત રાઠોડ (અંજાર-કચ્છ) ~ વાર્તાસંગ્રહ: ધોળી ધૂળ

ઉગમણી દિશામાં અંધારા-અજવાળા વચ્ચે હમેશ થતો સંઘર્ષ શરૂ થયો. પણ આતો કાળી અને સફેદ દુનિયાની વચ્ચે છુપાયેલા રહસ્યને ઉજાગર કરનારો વૃશ્ચિક રાશિનો સૂર્ય! એના તેજથી આકાશની કિનારી ચમકી,ભરભાંખળું થયું.

ધુમ્મસના પડદાથી ઢંકાયેલી ટેકરી, પરોઢના આછા ઉજાશમાં જાગૃત થઇ ઊઠી. ટેકરી ઉપરના દેવાલયની ધજા ઘુમ્મટ ઉપર ટૂંટિયું વાળીને પડી હતી. દેવાલયના પાછળના ભાગેથી નીકળતી એક કેડી, ટેકરી ઊતરતી જાણે ભૂલી પડી ગઈ. ફરી કોઈ ઢોળાવ ઊપર ચડતી, ફરી ઊતરીને ખોવાઈ ગઈ હતી. આગળની પથરાળ અસમતોલ ભૂમિ પરથી કુતૂહલ જગાવતી ચાલી જતી ફરી દેખાઈ જતી. વાડીના શેઢા પાસેના વળાંક ઊપર કેડી સૂની ભાસી રહી. જાણે સ્ત્રીની સિંદૂર વિનાની સેંથી. વાડીમાં પરોઢનો સંચાર થયો. પંખીઓના કલબલાટથી બાજરીનું ખળું ભરાઈ ગયું. એકઢાળિયા નજીક સળગતા તાપણાની ફરતે કૂંડાળે વળેલા કેટલાક મજૂર ડાઘુની જેમ બેઠા હતા.

એટલામાં એકઢાળિયામાંથી એક સ્ત્રી બહાર આવતી દેખાઈ. પિત્તળની વટલોઈનો ભાર એક હાથે ઊંચકી એ બહાર આવી જરા થોભી. માથા ઊપરથી સરી જતો સફેદ સાડલો સંભાળી એણે આગળ ચાલવા માંડ્યું. ચાલવાની સહજ છટા સાથે તાલ આપતી પગની ગતિ, એની પાતળી કાયાને નૃત્યાંગનાની ભંગિમા પ્રદાન કરતી હતી. આમ છતું પડી જતું ભરપૂર યૌવન સફેદ વસ્ત્રમાં ઢાંકવાનો પ્રયાસ કરતી, એ વાડીના ઝાંપે આવેલા ખોરડા તરફ ચાલી નીકળી.

એક આંખમાં ફૂલાવાળા મજૂરનું ધ્યાન ખેંચાયું. તાપણા તરફથી મોઢું ફેરવી એણે ચાલી જતી સ્ત્રી તરફ જોયું, અને જોતો જ રહ્યો. એના આવા વર્તાવથી દુભાયેલું કોઈ ટોળામાંથી ખોંખાર્યું. ચોંકી ગયેલા મજૂરને નજર પાછી વાળી લેવી પડી. લબડતા હોઠ ઉપરથી બીડી ખેંચી કાઢી એણે ધૂળમાં જોરથી ઘસી. એ જોઈને પેલા દુભાયેલાનું હાસ્ય છૂટી ગયું. ફૂલા વાળી આંખ એણે ટોળા ઊપર ઠેરવી. બધાના ચહેરા એકસરખા જણાયા. બીડીનું ઠુંઠું તાપણાની અંદર ફેંકતા એ ઊભો થયો. ડાઘુ જેમ બેસી રહેલા સૌને કામ પર ચડી જવા એણે ધમકાવવા જેવું કર્યું.

વાડીના ઝાંપે આવેલા ખોરડા અંદરથી વૃધ્ધ સ્ત્રી બહાર આવી. સૂકી બોરડી જેવી કાયાને લપેટેલો ઊનનો કાળો સાડલો એણે વધુ સંકોર્યો. ખોરડા પાસેના ગાર-માટીના ઓટલે બેસવા જતાં એનું કંતાયેલું શરીર જરા લથડયું. છીંકણીની દાબડી ઓટલે મૂકી એણે હાથ સાડલાની અંદર ખેંચી લીધા. બોખા મો’ની ઊંડી કરચલીઓ એના રઘવાટને છુપાવી શકતી નહોતી. ટાઢની, ઉંમરની કે પછી સ્વભાવની અસરથી એની આખી કાયામાં ઝીણો કંપ ભરાયો હતો. વટલોઈ ઊંચકીને આવી રહેલી સ્ત્રીને જોઇ, એના ડોળા ચકળવકળ થયા. પાસે મૂકેલ દાબડીમાંથી ચપટો ભરી કાળી તપખીર મોં’માં ભરાવતા એણે સ્ત્રીને કહ્યું –

‘આજ લખડી નઈ આવે, ઝાઝી લપછપ વગર ખળામાં ઝટ જોતરાઈ જજે.’- ખોરડા અંદર દાખલ થઈ ગયેલી સ્ત્રીની લીસી પીઠ ઉપર, વૃધ્ધાનો આદેશ ચાબુકની જેમ વીંઝાયો.

અંદર સળગી રહેલા ચુલા પાસે સ્ત્રી ધબ દઈને બેસી પડી. માથેથી સાડલાનો છેડો સરી પડતા એનું ઊજળું મુખ અનાવૃત થયું. માંજેલા ત્રાંબાના વાસણ જેવું વદન આગનું તેજ પડવાથી ઝગમગી રહ્યું હતું. માથાનો અંબોડો ઢીલો પડી, ગૂંચળું વળેલા નાગ જેમ ડોક ઉપર ઝૂલી ગયો. કાજળ ભરેલી એની આંખો, ભીંતને અઢેલીને ઊભા રાખેલા ખાટલા સામે ત્રાટક કરી રહી. અને હમણાં હમણાં રોજ બનવા પામતું એમ એનું ભાન સરી ગયું.

હજુ તો થોડા મહિના પહેલાં, આજ ઓરડામાં ટહેલતી જુવારની ગંધ એને વ્યાકુળ કરી જતી. ટૂંકી લાગતી રાતોમાં, સખીઓની ટીખળની યાદ આગિયા જેમ ચમકી જતી. ખેતીકામ કરવાથી કુમાશ ખોઈ બેઠેલી ત્વચાવાળો એનો પુરુષ, આખો ખાટલો રોકીને સૂઈ રહેતો. ફાનસની વાટ નમાવી, ખાટલાની પાંગતે એ શરીર સંકોચી બેસતી. આમંત્રણ આપતી પુરુષની નફફટ નજર જોઈ, એની લજામણી જેવી ઇચ્છાઓ છંછેડાઈ પડતી. કસાયેલા બાવડાના ટેકાથી અર્ધ લેટેલી અવસ્થામાં પડી રહેલા પુરુષ ઉપર એ ઢોળાઈ જતી. હથેળીનો બરછટ સ્પર્શ પામી એના ચહેરાના રુવાં નાચી ઉઠતાં. છીપર જેવી છાતી, કરકરી દાઢી, મૂછોના કાળા થોભિયા, અષાઢના આકાશ જેમ એના ઉપર ઝૂકી વરસી પડતા. ધસમસતા પ્રવાહમાં એ ઘસડાતી. માટીના ઢેફા જેમ તૂટી જઈ તણાતી. ઘડીક અટકતી, ફરી વેગમાં ખેંચાઈ ઘૂમ્મરે ચડી જતી. બાજરીના પોંક જેવી ફોરમથી આખો ઓરડો મહેકી ઉઠતો!

એના પુરુષની અણધારી વિદાય પછી રિવાજ મુજબ ઓરડાનો ખાટલો ઊભો કરી દેવાયો હતો. ખાટલાએ  સ્ત્રીને આજ ઓરડામાં દુનિયાથી કપાઈને ખૂણો પાળતી, આંસુ સારતી, ખિન્ન રહેતી જોઈ હતી. એકલી પડી ગયેલી સ્ત્રીને હવેથી ઓરડાની એકલતા ડરાવી શકતી નહિ. ઊભો ખાટલો કોઈની હાજરીની ગરજ સારતો. એની એકલતાની સફેદીમાં રંગોળી પૂરતો. એનું ભાન હરી લેતો, પછી કશું જાણતો ન હોવાનો ઢોંગ કરતો, ભીંતને અઢેલીને પડ્યો રહેતો.

‘ચૂલે ચડી બેઠી છો કે સું? ખળે ગુડાતાં કેટલી વાર?’ – બારણું હડસેલીને અંદર આવી ગયેલા વૃધ્ધાના શબ્દોએ વીંછીના ડંખનું કામ કર્યું. ભાનમાં આવી એણે ઊભા ખાટલા સામે ઠપકાની નજરે જોયું. એની છાની વાત કોઈ જાણી ગયું હોય, એવી ભોંઠપ અનુભવતી સ્ત્રીનું હ્રદય જોરથી ધડકી ઊઠયું. સરી ગયેલા સાડલા વડે છાતીની હાંફ છુપાવતી એ ઝડપથી ઊભી થઈ. અંબોડો ફરીથી બાંધ્યો. ચૂલાની ધીમી પડેલી આંચ ઉપર પાણી છાંટી એ બહાર દોડી ગઈ. ચૂલામાંથી નીકળતો ધુમાડો બંધ ઓરડાની અંદર ધૂંધવાતો રહ્યો.
***
‘ અભાગણી
છે અભાગણી! ચોરીમાંથી જ છોરીને રંડાપો આયો.’ – ખળામાં કામ કરતી મજૂરણ બાઈ, કુવાના પગથાળે બેઠેલી સ્ત્રી તરફ નજર કરી કહી રહી હતી.
‘ હા બાઈ, મેંદી ચડેલ હાથે છાજીયા લેતા કાળજું ફાટી નઈ પડ્યું હોય.’ – બીજીએ સૂર પુરાવ્યો.
‘ ડોસી પોતે મોટી ઉમરે રંડાણી’તી તોય બીજું ઘર માંડ્યું’તું! પણ છે આની દયા?’
‘ ડોસીને તો જવાન જોધ દીકરાનું મોત પણ વહમું ન પડ્યું.’
‘ એને તો વાડીનો સવારથ છે. બસ ઈ લીલીછમ્મ રે’વી ખપે.’
‘ હા બાઈ, જુવાન વહુ કરમાઈ જાય તોય એના પેટનું પાણી નઈ હાલે.’
‘ ચડતા પૂરને ખાળવા સે’લા નથી. છો’રીની જુવાની છીંડું પાડસે તે દી’ ડોસીની દસા બેસસે!’
‘ ઘર ઉઘાડું કરે એવી છો’રી નથી. કામમાં કાયા નિચોવી નાખે છે. કોઈની સામે આંખ ઊંચું કરીને જોવાની નવરાસ નથી એને.’
‘ સાવ એવું નથી. ધના ભગતના છો’રાનું મન અમથું વાડીએ ચોંટેલું રે’છે?’
‘ એને તો મૂછનો દોરોય હજી માંડ ફૂટયો છે.’
‘ એણે જ તો છો’રી ઉપર અડદ છાંટયા છે, બાઈ!’ – મજૂરણ બાઈએ રહસ્ય ખોલ્યું.
‘ પણ ઈ તો ગૂંગો મૂઓ છે.’– બીજીની શંકાનું સમાધાન હજુ થયું નહિ.
‘  મૂઆના હાથ હાલે છે. તે દી’ જોયું નઈ?’ – મજૂરણે વાતમાં મોંણ ઘાલ્યું.
‘ હાય હાય ! મને તો બાઈ સુધ જ નથી. – બીજીના પ્રશ્નમાં ન જોયાનો વસવસો સળગી ગયો.
‘ તું તો બૌ ઊતાવળી, એમ ક્યાં રેઢું પડ્યું ‘તુ.’
‘ તો સું હાથેથી આરતી ઉતારતો’તો મૂઓ?’
‘ ગૂંગો સેઢે બોરડી ઝૂડતો’તો ને આ પડેલા બોર વીણતી’તી. છોરીનો ઉડી ગયેલો સાળુ લઇ આવીને ગુંગાએ ઓઢાળ્યો’તો’ – મજૂરણે આંખ મીચકારી.
‘ માથે ઓઢાળ્યો? આખરે ભગતનું લોઈને.’ – બીજી લુચ્ચું હસી ગઈ.
‘ લ્યો હાલો હવે, અધારું ઊતરી આવ્યું!’
***
ખળામાં
થતી ગપસપથી અજાણ, કૂવાના પગથાળે કપડા ધોઈ રહેલી સ્ત્રીનું મન ગમાણમાંથી ખીલો છોડાવી ગયેલ વાછડી જેમ કૂદી રહ્યું હતું. ગોફણના ઘા ઉલાળતા ભગતના છોરાને માંચડા ઉપરથી પરાણે નીચે ઊતારી એ વાડીના શેઢે ખેંચી ગઈ હતી. છોરાએ બોરડી ઝૂડીને નીચે પડેલા બોર વીણવાની પણ એને સૂધ રહી નહિ. અચાનક ઉઠેલા વંટોળથી બચવા એ નીચે બેસવાનું કરે, ત્યાં માથેથી ઊડી ગયેલો સાળુ ઝાંખરે જઈ ભરાણો. છો’રો ઝાંખરામાંથી જાણે ફૂલ ચૂંટી લાવ્યો હોય એમ સાળુ ધરીને ઊભો હતો.

ચહેરાના ભાવ છુપાવવા કે છાતીના ઉભારને સ્ત્રીની અકળામણ વધી ગઈ. સરી જતી ક્ષણના ભારથી આંખ મીંચાઈ, એકાએક શું થઇ ગયું? ઊડતી રેતને કારણે, દટાઈ ગયેલી ચીજ સપાટી ઉપર દેખાઈ આવે, એમ એ ઉઘાડી પડી ગઈ. એણે ઈચ્છયું ફરી રેત ફરી વળે, પણ વ્યર્થ. વંટોળનું  જોર વધી ગયું. એના શ્વાસનો લય ખોરવાયો. અસ્થિર દેહને આધાર મળ્યો નહિ એટલે આંખ ખુલ્લી  ગઈ.

જોયું તો સામે ધના ભગતનો છો’રો પાળિયા જેમ જમીનમાં ખોડાઈ ગયેલો. એની અંદર ઊઠેલ વંટોળથી સાવ અજાણ. જે મોજાએ અંદર ખેંચી હતી એણે જ જાણે ઉછાળીને કિનારે પાછી ફેંકી. આવ્યો હતો એમ જ વંટોળ શમ્યો. છો’રા સામેથી નજર હટી અને ઢળી પડી. ત્યાં એ નજીક આવી એને સાળુ ઓઢાળી ગયો. એણે નજર ઊપર કરી જોયું, સાળુ જેવી ઊજળી એની આંખ જોતાં એની પોતાની આંખોનું ધુમ્મસ વિખેરાયું. કોઈ પુરુષને પહેલી વાર જોયો હોય એમ એને જોતી રહી. કમળ જેમ એનું અંતર ખીલી ઊઠયું. થોડી જ ક્ષણો પસાર થઇ હતી અને સ્ત્રી એ ન રહી, જે થોડી ક્ષણો પહેલા હતી.
***
સ્ત્રીમાં
આવેલા ફેરફારની નોંધ લીધા વગર રાત પછી સોનેરી સવાર ઊગી જતી. રાત્રે ખરી પડેલા ફૂલો બીજી સવારે ફરી ખીલી જતા. આંગણામાં ચણવા ઊતરી આવતાં પારેવડાંને સ્ત્રી જોઈ રહેતી. એક પારેવું ઘેરામાં સૌથી છેલ્લું ઊતરતું. એની પાંખ થોડી જીર્ણ થઈ ગયેલી. એ થોડા દિવસ પહેલાં બિલાડીના પંજામાંથી છટકી ગયેલું. એ ડરતું ડરતું એની પાસે આવી હથેળીમાં રાખેલા દાણા ચણતું. એ ખુશ થઇ જતી. પણ એને ખુશ થયેલી જોઈ રહેલાના ભવાં ચઢી જતાં. શા માટે? પ્રશ્ન એની ચોપાસ દોરી કાઢવામાં આવેલી લક્ષમણ રેખાની બહાર ઊભો રહી ઉત્તર માંગતો. સ્ત્રીનું મન વંટોળે ચડી જતું. બહારના જગત સાથેનો સંપર્ક કોઈને કોઈ ઘાત છોડી જતો. પણ સહજ જન્મતા પ્રત્યાઘાત મનમાં જ દબાઈ જતા. સ્ત્રી આખો દિવસ કોઈને કોઈ કામમાં પોતાને રોકી રાખતી, શ્રમથી નિચોવાઈ જતી.

કોઈ વૃક્ષના ખરતા પાનને વહાલ કરતી સાંજ ડૂબી જતી. એનો શોક કરતી રાત કાળા વસ્ત્રો પહેરી ઊતરી આવતી. સ્ત્રીનું થાકેલું તન આરામ માંગતું, બેહોશીમાં સરી જતું. તંગ રાખેલી મનની લગામો ઢીલી પડી જતી. બંધ આંખો સમક્ષ દ્રશ્યોની ઈંદ્રજાળ નાચવા લાગતી. આખરે બેહોશી તૂટી જતી. ઝબકીને ખુલ્લી જતી આંખ સામે નગ્ન વાસ્તવ તોળાઈ રહેતો. ભાંગતી રાતમાં સ્ત્રી અને ફાનસ એક બીજાના સહારે ધીમું ધીમું બળતા રહેતા. નવી સવાર ઉગતી. ફરી રાત ઊતરી આવતી. સમયનું ચક્ર ફર્યા કરતું. આમ જ એક દિવસ કુંડીના પાણીથી હાથ-મોં ધોઈ રહેલી મજૂરણની વાતોએ, કૂવાના પગથાળે કપડાં નિચોવી રહેલી સ્ત્રીના કાન ભર્યા.

‘ આજ લખડી કેમ આવી નઈ?’
‘ એનો ભાયડો સે’રમાંથી કાલ જ આયો છે. મૂઈ ટાઢ ઉડાડતી હસે!’
‘ મોંઘી પણ બે દી’થી દેખાણી નઈ, એનેય બઉ ટાઢ ચડી લાગે છે.’
‘ બિચારીના ટાઢ-તડકા બેઉ સરખા. એનો વર તો બાવાની મઢીએ ચલમ ફૂંકતો પડયો રે’.’
‘ ઈ તો રોજનું થ્યું, એમ મૂલ ભંગાતું હસે?’
‘ મોંઘીને ભીમાના વાડે ગાય દોરી જતી ભાળી’તી.’
‘ આ ભીમાનો સાંઢ જબરો! એને બુઢાપો નથી વરતાતો? ’
‘ એમ તો ભીમોયે ક્યાં સાંઢથી ઓછો ઊતરે એવો છે.’ – મજૂરણોનુ છૂટેલું હાસ્ય સૂકાયેલા ધોરિયામાં વહી નીકળ્યું.

સાળુની સાથે ઝીણું હાસ્ય સંકોરતી સ્ત્રી ઊભી થઈ. નીચોવેલા કપડા ડોલમાં મુકવા લાગી. લખડી, મોંઘીની ગાય, ભીમાનો વાડો અને સાંઢ જેવા ભીમાના વિચારોની જાળમાંથી છટકવાના પ્રયાસોથી એ એમાં વધુ ગૂંચવાતી ગઈ. ખુલ્લું ખુલ્લું હસી પડેલી મજૂરણની ઈર્ષ્યાનું વજન ભીના કપડામાં ઉતર્યું હોય, એવો ભાર ડોલ ઊંચકતા એને જણાયો. ખોરડા તરફ એણે મંથર ગતિએ ચાલવા માંડયું.
***
પોષ
મહિનાની ઠંડીના સુસવાટા, મધ્ય રાત્રીના અંધકારને થથરાવી રહ્યા હતા.ટોળે વળેલા તારાઓનું કુતૂહલ જોઈ, ફિક્કા ચંદ્રે વાડીના ઝાંપે આવેલા ખોરડાની બારીમાં ડોકિયું કર્યું. ઓરડાના ખૂણે સૂઈ રહેલી સ્ત્રીનું શરીર સાણસામાં સપડાયેલ સાપણ જેમ વળ ખાતું હતું. ઓઢવાનું વસ્ત્ર ગૂંચળું વળી પગ નીચે દબાઈ ગયું હતું. પાસે બળતું ફાનસ અચાનક ભભકી ઊઠયું. સ્ત્રી એક આંચકા સાથે પથારીમાં બેઠી થઇ ગઈ. એનો શ્વાસ ધમણ પેઠે ચાલતો હતો. સૂકા વાળ ખભા ઉપરથી સરી જઈ, ભોંય ઉપર પથરાયા. એની પાતળી કાયા ધ્રુજવા લાગી. ઓરડાની ભીંત ઉપર સ્ત્રીનું અરુણચિત્ર, ફાનસના પ્રકાશમાં નાચી ઊઠયું. એ વિસ્ફારિત નેત્રોથી ઊભો ખાટલો જોઈ રહી. હમણાં તો એણે ખાટલામાં જોયો હતો! પોતાના ઉપર ઝળુંબી રહેલો. માતેલા સાંઢ જેવો એ આકાર ફરીથી દેખાયો. એણે જોરથી આંખો મીંચી. ઘૂંટણ વચ્ચે મોં છુપાવ્યું, બંધ આંખોના ખૂણા છલકી ગયા.

ઊભો ખાટલો ઉદાસીનતાથી સ્ત્રીને જોઈ રહ્યો. સ્ત્રીએ સજળ નેત્રે ઉપર જોયું. બારીના સંકૂચિત આકાશમાં ચંદ્ર દેખાયો. એમાં ડોશી અને બકરી દેખાતા હોવાની વાત યાદ આવી જતાં એણે એ જોવામાં મન પરોવ્યું. પણ સાંઢ જેવો આકાર કળાયો. પછી તાપણું કરતી લખડી દેખાઈ. હસી રહેલી મજૂરણ..અને ત્યાં ગુંગો દેખાયો! હાથમાં ખપાટીયું પકડી જઈ રહ્યો છે. એને ઊભો રાખવા એણે સાદ પાડયો પણ વ્યર્થ. એની ધૂનમાં બોરડીની ઝાડી તરફ એ આગળ વધી ગયો. સ્ત્રી અપલક જોઈ રહી. એના મુખ ઉપરથી ગ્લાનિના વાદળ વિખરાયા. સ્વચ્છ આંખોમાંથી દ્રઢતા છલકાઈ રહી. એ ઝડપભેર ઉભી થઇ, એની સુકુમાર કાયા પણછ જેમ ખેંચાઈ. મક્કમ ડગ માંડતી એ આગળ વધી. ભીંતને અઢેલીને ઊભા કરેલા ખાટલાને એણે એક ઝાટકે નીચે પાડી દીધો. પછડાયેલા ખાટલાના ઘાતથી, ભોંય ઉપરનું જાડું, માટીનું પોપડું ઉખડીને છુટ્ટું પડી ગયું. પોપડાને ઠોકર મારતી સ્ત્રી કૂદકો મારી  ઢાળેલા ખાટલા ઉપર ચઢી બેઠી, ખાટલો હચમચી ગયો!

બહાર બદામના ઝાડ ઉપરથી કોઈ પક્ષી પાંખો ફફડાવતું ઉડી ગયું. કૂતરાના ભસવાનો અવાજ ખળા તરફથી ઉઠયો. નળિયા વાટે નાગ જેમ સરસરીને બાજુના ઓરડામાં પેસી જતા ઠારે નીચે જોયું! ફાનસના પીળા પ્રકાશમાં, ભીંત ઉપર લંબાતા ખાટલાના પડછાયામાં બેઠા થઇ રહેલ વૃધ્ધ સ્ત્રીની આકૃતિ ઊભરી. બેઠા થઇ જઈ વૃધ્ધાએ કાન સરવા કર્યા. બાજુના ઓરડામાંથી કોઈ અવાજ આવ્યો હોય એવો ભાસ થયો. પણ તેઓ ખાટલાની ઇસ ઉપર પગ લટકાવતા બેસી રહ્યા. ઘૂંટણના કળતરથી ખાટલા નીચે ઊતરવાની ઈચ્છા થીજી ગઈ હતી. ખળામાંથી આવતો અવાજ હવે બંધ પડી ગયો હતો. કાને ઓછું સાંભળતા વૃધ્ધ સ્ત્રીને, ધાન છડવાના ખૂણામાંથી આવતો કંસારીનો એકધારો અવાજ કનડતો હતો. એમના કાન બાજુના ઓરડે મંડાયા હતા.

બાજુના ઓરડામાં ખાટલા ઊપર સવાર સ્ત્રીની આકૃતિ બિહામણી લાગી રહી હતી. માતા આવ્યા હોય એમ ધ્રુજતા શરીર ઉપર વસ્ત્રોનું ઠેકાણું નહોતું. ખુલ્લા વાળ ઝૂલી રહ્યા હતા. પાંગત ઉપરની મજબુત ગાંઠો ઝનૂન પૂર્વક ખોલી નાખી એ કાથીના વાણને ઉખેડવા મથી રહી. ખાટલો ઉખેડવા જતાં ઘવાતી આંગળીઓ તરફ એનું ધ્યાન ન હતું. જાણે  હાથોમાં અમાનુષી બળ ન ઉતરી આવ્યું હોય. નીચે ઊતરી જઈ એણે એક પગ ખાટલાની ઈસ ઉપર ભરાવ્યો. ઢીલા પડેલા ગૂંથણના છેડા ઉપર લોહી નીંગળતા હાથની પકડ મજબુત કરી. જીવ ઊપર આવી જઈ એણે જોર અજમાવ્યું. આખરે સીંદરીનું ગૂંથણ ખાટલાથી છૂટું પડી ગયું. કોઈનું પેટ ફાડીને ખેંચી કાઢેલા આંતરડા જેવું ગૂંથણ, સ્ત્રીના હાથમાં ઝૂલી રહ્યું! ફાનસ એકાએક ભભકતું અટકી ગયું. એના ધીમા એકસરખા ફેલાઈ ગયેલા પ્રકાશમાં, સ્ત્રીની કાળી ઘેરી છાયા ભીંત ઉપર સ્થિર થયેલી દેખાઈ.

~ જયંત રાઠોડ (અંજાર-કચ્છ)
+91 99984 65290
(સાભાર: “તથાપિ” એપ્રિલ-ઓગષ્ટ ૨૦૧૮)

 

 

 

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. મારી વાર્તા આપના બ્લોગ ઉપર મૂકવા માટે આભાર હિતેનભાઈ

  2. મેઘાણીનો લાડકો રંડાપો’ વાર્તા યાદ આવી અને કચ્છની વાર્તા જેમા ગામને રંડાપો આવ્યો-‘ `અજોજી નાંય ઘરે તડેં માડી મુલતી કરે !’ તો સંતો કહે-‘પૈણાવે ત્યારે સૌભાગ્યવંતીનું સુખ વર્તે, અને પછી રાંડે ત્યારે રંડાપાનાં દુઃખો ભાં થઇ જાય. તે પાછી સૌભાગ્યવંતી થઇ — તેને રંડાપો ને મંડાપો, કહેવાય
    બધી અવસ્થાઓ બદલાય છે. આત્મા તેના તે જ સ્વરૂપે રહે છે. આત્મામાં ફેરફાર થતો જ નથી ત્યારે આ કરુણ વાર્તામા એના પુરુષની અણધારી વિદાય પછી રિવાજ મુજબ ઓરડાનો ખાટલો ઊભો કરી દેવાયો હતો.ચોરીમાંથી રંડાપાની વેદના આંખને નમ કરી જયંત રાઠોડની સ રસ વાર્તા