તને લોકગીત જેમ જોઉં સાંભળું (ગીત) ~ નરેશ સોલંકી

શેરી, બજાર, ચોક, મારગે જતાં
તને લોકગીત જેમ જોઉં સાંભળું

ઝાંઝરનો સૂર જરા ઢોળાતો વાયરે
ને ચૂંદડીમાં ભાત પડી જાય
આંખમાં ને આંખમાં શમણાનું ઝાડ
છેક સાતમે પાતાળ લીલું થાય

અડતાં અડતાંય તારા વેણ થાય ગુમ
એવું પાણી કરતાંય પોત પાતળું
તને લોકગીત જેમ જોઉં સાંભળું

બોલવાની ચાલવાની હસવાની રીત
બધી જીવલેણ લાગે બજારને
તડકો પણ શીતળ થઈ જાય એવી વાયકા
ને રંગે પતંગિયું સવારને

જોખી જોખીને હું નાનું વજનિયું
ત્રાજવાની એક બાજુ ટળવળું
તને લોકગીત જેમ જોઉં સાંભળું

~ નરેશ સોલંકી

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. કવિશ્રી નરેશ સોલંકીનુ તને લોકગીત જેમ જોઉં સાંભળું સુંદર પ્રણય ગીત

  2. અનોખી તાજગીસભર કલ્પનાઓ સાથેનું મસ્ત પ્રણયગીત