કેટલાક પ્રશ્નોના જવાબ કૃષ્ણ પાસે પણ નથી હોતા (પ્રકરણ : 5) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા

પ્રકરણ : 5

સમયે હજી દેશપ્રેમની લહેર હવામાં હતી. ઘણી ફિલ્મોમાં પણ એ પ્રતિબિંબિત થતું.

સભાગૃહમાં ઉદ્ઘાટન કાર્યક્રમોમાં બાએ અમ ત્રણેય બહેનોનાં નૃત્ય રાખ્યાં હતાં. બિંદુબહેનનું સોલો, પછી પદ્માબહેન સાથે રાધાકૃષ્ણનું નૃત્ય. બાએ ઈલા માટે પસંદ કર્યું હતું રાજ કપૂર-રેહાનાની એ સમયે લોકપ્રિય ફિલ્મ ‘ખિડકી’નું ગીત.
સુનો સજનવા જાઓ બજરીયાલાઓ ચુનરીયા ખાદી કીજય બોલો મહાત્મા ગાંધી કી.
છેલ્લી પંક્તિ વખતે પ્રેક્ષકો પણ જોરશોરથી સૂર પુરાવતા.

મુમતાઝઅલી

મારા માટે બાએ ‘ખિડકી’નું જ રમતિયાળ રોમૅન્ટિક ગીત પસંદ કર્યું હતું. કૉમેડિયન મહેમૂદના પિતા મુમતાઝઅલી પર ફિલ્માવાયેલું એ નૃત્ય મારે અને જ્યોતિએ કરવાનું હતું.
જી મૂંહ ક્યૂં છૂપાના,
નજર ક્યૂં બચાના
તેરી મેરી પ્રીતકો જાને જમાના.

હું મુસ્લિમ યુવાન અને જ્યોતિ હિંદુ પ્રેમીકા (આજે સિલ્વર સ્ક્રીન પર આવું ગીત આવે તો કેવો હોબાળો મચે! ફિલ્મ બેત્રણ વાર અમને બતાવી બાએ રિહર્સલ કરાવેલા. અમે બે નખરાળા નૃત્ય માટે થનગની રહ્યાં હતાં. જ્યોતિને ચણિયા ચોળી ઓઢણી સાથે તૈયાર કરી. મને પાયજામો કૂર્તો, માથે મુસ્લિમ ટોપી પહેરાવાની. લાલચટ્ટક રંગની ઊંચી અને પાછળ કાળી દોરીઓની ઝૂલતી સેર. અમારો વારો આવ્યો.

બા ગભરાટમાં સામાનનાં પોટલાં વિખે પણ એ ટોપી જ અદૃશ્ય! હવે? લાલ ટોપી વિના હું મુસ્લિમ લાગું શી રીતે! બા જરૂર મૂંઝાઈ હશે, આ કંઈ સાદીસીધી ગૃહિણીઓનો મહિલામંડળનો કાર્યક્રમ નહોતો. જામસાહેબ અને ગુલાબકુંવરબાનો દબદબાભર્યો સમારંભ હતો. બીજાં રાજા-રાણીઓ, જાણીતાં, સેલિબ્રિટી સ્ટેટ્સનાં લોકો પણ કદાચ હશે અને આ ધબડકો! એ નાટકીય ક્ષણની હું કલ્પના કરું છું. બા મૂંઝાતી હશે ગ્રીનરૂમમાં અને નજર પડી હશે બિંદુબહેન, પદ્માબહેનનાં રાધાકૃષ્ણનાં કૉસ્ચ્યુમ પર. બાનાં ફળદ્રુપ ભેજાએ ઉપાય શોધી કાઢ્યો. શો મસ્ટ ગો ઓન. હાજર સો ટોપી. કૃષ્ણનો મુગટ મને – મુસ્લિમ યુવાનને – તરત પહેરાવી દીધો. રૅકોર્ડ મૂકી ગીત વાગવા માંડ્યું અને કૃષ્ણ ભગવાનનો ઝરીવાળો મુગટ પહેરી હું મુસ્લિમ યુવાન બની લટકામટકા સાથે પ્રેમગીત લલકારવા લાગી. પ્રેક્ષકોનું રીએક્શન કે પછી શું થયું એ કશી ખબર નથી, બસ અમે બે મન મૂક્યાં નાચ્યાં હતાં એનું આજે પણ સ્મરણ છે.

વર્ષો વીત્યાં. ત્યાં એક દિવસ ટી.વી. પર ભૂલે બિસરે ગીતોનો કાર્યક્રમ ભૂલચૂકમાં જ જોયો અને લ્યો, મુમતાઝઅલી અજી મૂંહ ક્યૂં છૂપાના કહેતા મસ્ત ડાન્સ કરતા હતા. હું ખડખડાટ હસી પડી. મહેન્દ્ર નવાઈથી પૂછે, આમાં હસવા જેવું શું છે!

શું કહું હું! કેટલાક પ્રશ્નોના જવાબ કૃષ્ણ પાસે પણ નથી હોતા.

જામનગરની આયુર્વેદિક યુનિ. આજે વિશ્વપ્રખ્યાત છે પણ ત્યારે એ ઐતિહાસિક ઘટના હતી. એમાં નાનકડો તલપૂર અમારો હિસ્સો એનો અમને હરખ. 1996માં જામનગરમાં ગુ. સા. પરિષદનું અધિવેશન. અમે બંને બહેનો જામનગર ગયાં હતાં. અણધાર્યું આયુર્વેદ યુનિ.નું અમને આમંત્રણ. એટલું આશ્ચર્ય અને આનંદ! વર્ષો પછી એ ભૂમિ પર પગ મૂક્યો એ જગ્યા સાથેનો અમારો અનુબંધ નક્કી કોઈને ખબર હશે, મારી અને ઈલા પાસે ત્યાં વૃક્ષારોપણ કરાવ્યું.

અમારી આંખો ભીની થઈ ગઈ. આંસુને કાર્યકારણ સાથે ક્યારે સંબંધ હોય છે!
* * *
સમયે સૌરાષ્ટ્રમાં દીકરીઓ બારતેરની થતામાં ઘાઘરી, બ્લાઉઝ અને પછેડો ઓઢણી પહેરતી એક સાડલાનાં વચ્ચેથી ફાડીને બે કટકા થાય એ પછેડો. પંદરની થતામાં ગુજરાતી ઢબે સાડલો પહેરતી થાય. બેંગોલી ઢબે પહેરાતી સાડી હજી ચલણમાં નહોતી. જમણે ખભે પાલવ એટલે ગુજરાતી સાડી, પાલવ આગળ. ડાબે ખભે સાડી એટલે પાલવ પાછળ એને બેંગોલી સાડી પહેરી કહેવાય. કેમ કહેવાય છે તે સંશોધનનો વિષય કારણ કે બેંગાલી સાડી જુદી જ ઢબે પહેરાય છે.

બિંદુબહેન ઓઢણી પહેરતા. સ્કૂલમાં યુનિફૉર્મ, શૂઝ, સ્કૂલબૅગ એ હજી પ્રકાશવર્ષ દૂર હતા. મારી શાળામાં અડધોઅડધ છોકરીઓનો ઘાઘરીઓ ઘેર. પુરુષો પણ હજી ધોતિયું, પહેરણ કે હાફકોટ પહેરતા. સફેદ કે કાળી ટોપીનો પણ ખાસ્સો મહિમા.

નરગીસ

ફિલ્મોમાં સુરૈયા, નલિની જયવંત પછી નરગીસને પંજાબી ડ્રેસ, શરારા, ટ્રાઉઝર્સ કે બ્રીચીઝ જેવા પહેરવેશમાં જોઈને તો અમે ચકિત! હીરોઇનોનાં વાંકડિયા બોલ્ડ હેર પર તો ઓળઘોળ. સોશ્યલી હજી થ્રી પીસ સૂટ દેખાતા નહોતા. પણ રાજ, દેવ, દિલીપની ત્રિપુટી સૂટ પહેરતી એનોય અહોભાવ.

ગાંધીજીનાં પ્રભાવ તળે બહેનોએ ફ્રીડમ મૂવમૅન્ટમાં ઉંબર બહાર પગ મૂક્યો. ફિલ્મની પહેલાં ન્યૂઝ રીલમાં દેશપરદેશનાં સમાચારો સાથે દેશની વિવિધતા પહેલી વાર દૃશ્યમાન થતી આથી એકમેકની રહેણીકરણી, ખાનપાન, પહેરવેશની જાણકારી પણ મળતી. પંજાબી મહિલાઓનો ડ્રેસ લોકપ્રિય થવા લાગ્યો હતો.

બાને તો પહેલેથી જ વસ્ત્રોનો શોખ અને સૌરાષ્ટ્રમાં પરંપરાગત માહોલ. અમે ભલે જામનગર હતાં પણ ફૅશન કેપિટલ મુંબઈની હવાની લહેર અમારી તરફ વહેતી રહેતી.

બાએ અમ ત્રણેય બહેનો માટે રેશમી લહેરિયા પ્રિન્ટનાં પંજાબી સિવડાવ્યા હતા. (દરજી સાથે કેટલી માથાકૂટ કરી હશે!) દુપટ્ટો ઝરિયાન બનારસી. પગમાં પઠાણી શૂઝ. જામનગર નાગરી નાતનું હૅડક્વાટર્સ! રોજ રાત્રે ઓટલા પરિષદ ભરાય. એક તો પપ્પા લેખક, જાણીતું નામ, ફિલ્મ-નાટકનું મુંબઈનું કનેક્શન. સાથે બાની મંડળની પ્રવૃત્તિઓ. ભાઈ ભણેશરી અને ફોટોગ્રાફર, મેડિકલ સ્ટુડન્ટ. પપ્પાની મહેલમાં આવનજાવન અને ત્રણેય દીકરીઓ આવી સજેલીધજેલી!

અમારું કુટુંબ ચર્ચાની સરાણે ન ચડે તો જ નવાઈ! જ્યાં દીકરીઓ નાનપણથી પછેડો પહેરે, સગાઈ થઈ ગઈ હોય ને સોળ-સત્તરમાં તો પરણીને ઠરીઠામ થઈ હોય. ત્યાં આપણાં ગનુની દીકરીઓ પંજાબી ડ્રેસમાં! જામનગરનાં બર્ધન ચોકમાંથી બા રેશમી બાંધણીઓ ખરીદે, અમારે માટે સરસ કાપડ. કથ્થાઈ રંગનાં સાટીનમાં સાચી ઝરીનું બ્રોકેડ અને પોપટી રંગના ચણિયાચોળી, એમાં ચાંદીની ઘૂઘરીઓ મીઠું રણકતી. અમારા મોળાકતની ઉજવણીમાં બાએ અમને ફૂલોનો શણગાર કરી સ્ટુડિયોમાં ફોટો પડાવેલો. સુંદર પુષ્પમુગટ, ધનુષબાણ, કર્ણફુલ, બાજુબંધ… માતાપિતાએ કેવા લાડ લડાવ્યાં હતાં. આજેય એ ફોટો જોઉં છું અને ફૂલોની સુગંધથી તરબતર થઈ જાઉં છું.
* * *
સેતાવાડનો નાગરચકલો અમારા દૂર નજીકનાં સગાંઓથી ભરચક્ક. અમે કોઈને ક્યાંથી ઓળખીએ? બા અમને એકસરખાં કપડાં પહેરાવે, લાંબા વાળનાં ચોટલા, જલેબી અંબોડો વાળે (એમાં ચાંદીનો નાગફણાનો ચાક) અને કારમાં સેતાવાડ લઈ જાય. અમને સેતાવાડ દીઠું ન ગમે.

સાંકડી શેરીમાં ડેલીબંધ ઘરો. એક ફળિયે ત્રણ-ચાર કુટુંબનાં ઘર. બહાર ઓટલા પર નાનું, ડબ્બાનું શૌચાલય. બાળકો તો લહેરથી શેરીમાં જ પતાવે. શેરીમાં પગ મૂકતાં જ સૂગભર્યાં આ દૃશ્યો. મચ્છરોની મધુર શરણાઈ સ્વાગત કરે. આ મચ્છરોની પણ વિશિષ્ટ જાતિઓનાં ડંખથી હાથીપગ થાય. ઘણાં જ્ઞાતિજનોનાં હાથીપગ મેં જોયા છે.

આમ તો પપ્પાને નાતબહાર મૂકેલા. જ્ઞાતિની બહાર લગ્ન તેય કોર્ટમાં! પણ પપ્પા તો કિશોર વયે જ સ્વયં જ્ઞાતિદાયરાની બહાર નીકળી ગયેલા. ભાઈને જનોઈ આપીને કરાવ્યું જ્ઞાતિ ભોજન. ઉમટી પડ્યા જ્ઞાતિજનો. ત્રીસ- ચાલીસ લાડુ ઝાપટી, લોટામાં ભરી ઘરે પણ લઈ ગયા – લ્યો, ગનુએ તો નાતનું નાક રાખ્યું હોં!

અમારો જીવ મુંબઈગરાનો, સેતાવાડ અબખે પડેલું. પણ કુટુંબ ત્યાં એટલે બા અમને લઈ જાય. અમે પહેલી જ વાર સહુને મળતા હતા ને! પપ્પાના મોટાભાઈ રમણિકકાકાનો નિર્વાહ પૂજાપાઠથી. એમનું આખું જ કુટુંબ પ્લૅગની મહામારીમાં અવસાન પામેલું. આજે પણ આંખ બંધ કરું છું અને મને દેખાય છે સવા છ ફૂટનો ઊંચો પડછંદ દેહ, સંસારની ભઠ્ઠીમાં તવાઈ તવાઈને ત્રાંબાવરણો અત્યંત રૂપાળો લંબગોળ ચહેરો અને સહુથી ધ્યાન ખેંચે એમની આંખો. લીલીછમ્મ, અંગૂરી સુંદર પાંદડિયાળી. સફેદ મેલખાયું ધોતિયું ઝબ્બો અને ટોપી. જ્યારે મળવા આવે ત્યારે હાથમાં ગંડેરી કે શીંગની પોટલી હોય જ.

થોડાં વર્ષ પહેલાં ભાઈએ મને એક પ્રસંગ કહ્યો હતો.

રમણિકકાકાએ રુદ્રીપાઠ કરવા યજમાન પાસેથી ચાર આના દક્ષિણા લીધી હતી એવામાં ગંભીર બીમારીમાં હૉસ્પિટલમાં. ક્યારેક ભાનની સપાટી પર આવી બેભાનીમાં સરકી પડતા પણ એમના હોઠ સતત ફફડતા. ડૉક્ટરને કહ્યું, દાક્તરસાહેબ, જાણું છું જવાનો સમય થઈ ગયો છે, પણ મારી પર ચાર આનાનું ઋણ છે, રુદ્રીપાઠ પૂરો કર્યા વિના હું દેહ નહીં છોડું. આખરે રુદ્રીપાઠ પૂરો કરીને જ એમણે દેહ છોડ્યો ત્યારે ડૉક્ટરની આંખ છલકાઈ ગઈ હતી.

અંતકાળે એમની પાસે રહેલા જ્ઞાતિજને આ પ્રસંગ ભાઈને કહ્યો હતો. મેં મારી ‘ક્રોસરોડ’ નવલકથામાં ગોરબાપાનાં પાત્રને રમણિકકાકાના ઢાળમાં ઢાળી એ પ્રસંગ આલેખ્યો છે.

આજે વિચારું છું કેવું હશે આચાર્યકુટુંબનું ભાગ્યચક્ર! સંસ્કૃત સ્કોલર મનુભાઈનું ભરયુવાન વયે અવસાન. રમણિકકાકાએ પ્લૅગની મહામારીમાં, યુવાન વયે એમનાં કુટુંબને ખોયું. નાનાભાઈ બચુભાઈ અકસ્માતમાં એક આંખ ગુમાવી અને આજીવન અપરિણિત. યુવાન વયે વિધવા થઈ પિયર પાછી ફરેલી બહેન અને સ્મૃતિભ્રંશ માતા. અને એક સમયે માન-સન્માન અને સમૃદ્ધિથી ભર્યું ભર્યું હતું કુટુંબ.

અડાબીડ વન જેવી ભવાટવિની કેવી ભૂલભૂલામણી છે!
* * *
બાનો સ્વર હલકભર્યો અને મીઠો. કેટલાય ગરબા, લોકગીતો બધું કંઠે. પપ્પાએ બા માટે ખૂબ સરસ હાર્મોનિયમ ખરીદ્યું હતું અને સોને પે સુહાગાની જેમ રૂપાળી કાચની સુંદર પેટી. ગ્રામોફોન અને હાર્મોનિયમ અમારા ઘરનું કિંમતી ઘરેણું હતાં.

બાને હાર્મોનિયમ શીખવવા સંગીત શિક્ષક આવતા, પ્રજ્ઞાચક્ષુ આત્મારામજી. કોઈની સાથે ઘોડાગાડીમાં સોલોરિયમવાળા ઘરમાં આવતા. અમે પણ આ સંગીતવર્ગના વગર ફીનાં મેમ્બર. બા એને ગમતાં ગીતો ગાય અને આત્મારામજી હાર્મોનિયમ પર ગીત બેસાડીને બાને શીખવે.

અમેય સામે ગોઠવાઈ ગયા હોઈએ. આ જુગલબંધીના લાઇવ રિયાલિટી શો પર અમે મુગ્ધ. લાઇક શેર અને સબસ્ક્રાઇબ. બાનો વર્ગ પૂરો થાય ત્યાં સુધી હરખભેર સાંભળીએ પછી હાથ જોડીએ, હે માસ્ટરજી! અમનેય કંઠી બાંધો, થોડું જ્ઞાન આપો, આત્મારામજીએ અમને હાર્મોનિયમ પર એક ગીત શીખવાડેલું એ અમે જોરજોરથી ગાતા,
સમજુ બાળકી જાય સાસરે
વચન માડીનાં કાનમાં ધરે.
બિંદુબહેનને બાનો સંગીતનો વારસો ગળેલો. મીઠો અને સૂરીલો કંઠ. ટેબલ, બારણું બધે તાલ દેતા હાલતા ચાલતા ગાતા હોય. લગ્ન પછી રાજકોટ રહેતા. એ સમયે લાખો-કરોડોની નવરાત્રિ ક્યાં હતી! નવરાત્રિમાં સોસાયટી આગ્રહ કરી એમની પાસે ગવડાવે. એક વખત સોસાયટીએ સાડી ભેટ આપી, એમણે તરત જ પાછી વાળી. માતાના ગરબા ગાવા માટે નાની સરખી પણ ભેટ કેમ લેવાય?

જામનગરમાં ‘કુમારિકા નવરાત્રિ મંડળ’ પ્રખ્યાત હતું. બાએ મને એમાં દાખલ કરી હતી. નવરાત્રિમાં અને શુભ પ્રસંગે, તહેવારે કોઈ ને કોઈ કુમારિકાઓને ઘરે તેડાવે. ઝાલરવાળા મંડપ, ઝગમગતી લાઇટ્સ, ફૂલોનો શણગાર. ઘરે તો જાણે ઓચ્છવ! સગાંવહાલાંને નોતરે. અમારી પૂજા કરે. એટલા અમારા માનપાન અને વહાલ! ઉપરથી વાસણોની લહાણી. ઉમા અને મંદા અમારા મંડળની સ્ટાર ગાયિકાઓ. મારે ભાગે પણ બે ગરબા આવેલા. હું તો શું પોરસાઉં! લહાણીનાં જાતભાતનાં વાસણોની બાએ મારી એક જુદી પેટી ભરેલી.

બિંદુબહેન ઘણી વાર મને ચીડવે, લ્યો વસુનું આણું તૈયાર. તેડાવો. વશરામ ભૂવાને એટલે લઈએ ઘડિયા લગ્ન. મને સાચે જ બીક લાગતી. રાત્રે ગરબાના કાર્યક્રમ પછી ઝોકાં ખાતી મને સખારામ સાઇકલ પર સંભાળીને ઘરે લઈ આવતો.

કેવા હોંશીલા લોકો અને નિર્દોષ આનંદનાં દિવસો!
* * *
બા, બિંદુબહેન અને ગ્રામોફોનનાં ત્રિવેણીસંગમમાંથી એક નાનું શું, મીઠું શું સંગીત ઝરણું સમયનાં પ્રલંબ પટ પર વહેતું રહ્યું હતું. જૂનાં ફિલ્મીગીતો, ગરબા બિંદુબહેનનાં ગળામાંથી ગુંજતાં રહેતાં. હુંય સૂર પુરાવું.

મારી ‘રંગભૂમિ’ સંસ્થાનું અમે મસ્ત રમૂજી એક નાટક ભજવતા હતા, ‘પલ્લવી પરણી ગઈ’. બે બહેનોનાં મુખ્ય પાત્રો, પલ્લવી અને રાગિણી. પલ્લવી દેશી મણિબહેન અને રાગિણી મૉડર્ન અને ફૅશનેબલ. હું, દામિની અને ચિત્રા (કવિ કાંતની દોહિત્રી) અમે અદલાબદલીમાં આ પાત્રો ભજવતા. અમારું એકદમ સફળ નાટક. હું શો પર જાઉં ત્યારે જ ખબર પડે કે મૈં કોન હૂં?

જો પલ્લવીનું પાત્ર ભજવવાનું હોય તો બે ગીત ગાવાના મારે ભાગે આવતા. સાવ સાદા સીધા ગીત. સ્ટેજ પરથી લાઇવ ગાવાની મજા પડતી, ક્યારેક તાળીઓ પણ મળતી (એ સમયે પ્રેક્ષકો કેટલા સહનશીલ હશે!)

બસ, ખાવું પીવું, પહેરવું, ઓઢવું, ગાવું એમાં હું ગુલતાન.

દૂર દૂર એક ભયાનક વાવડો હૂહૂકાર કરતો ગાજી રહ્યો હતો, પણ અમને એ ખબર ન હતી. અમે બહેનો અમારા શૈશવનાં સુરક્ષાકવચમાં સુરક્ષિત હતી. બસ, લહેર જ લહેર.

અમારા જીવનમાં હંમેશાં અણધાર્યા વળાંકો આવતા રહેતા.
* * *
અમારે માટે તો હજી ઓલ વોઝ વેલ વીથ ધ વર્લ્ડ.

હું સહુથી નાની એટલે ભાઈબહેનો મને બનાવવાનાં ભેદી કાવતરા રચે. સખારામ પણ આ અન્ડરવર્લ્ડની ગેંગમાં. હું લાગમાં આવી જ જાઉં. જામનગરમાં એ દિવસોમાં બા અને પપ્પા, અમારા સગાનાં કોઈ ને કોઈ યુવાનોને ઘરે રાખે, પ્રેસનું કામ શીખવે અને નોકરી શોધી આપે. એવું કોઈ એ સમયે જો ઘરમાં હોય તો એ પણ આ ખૂફિયા કાવતરામાં સામેલ.

મારા માસા, લેખક દેવશંકર મહેતા, પ્રસિદ્ધ હાસ્યકાર જગદીશ ત્રિવેદીનાં નાના એમને પણ ત્યારે આયુર્વેદિક મુદ્રણાલય પ્રેસનાં કામમાં પપ્પાએ જામનગર બોલાવેલા. એમનો સ્વભાવ ખૂબ હસમુખો. એ પણ આ ગેંગના પ્લાનિંગ કમિશનના ચીફ.

આ તો કીડી પર કટક! ધરખમ મહારથીઓ અને સામે એક નાની બાલિકા ઉર્ફે હું. મને બનાવે, દાઝ્યા પર ડામની જેમ ઉપરથી ખડખડાટ હસે.

મને બનાવવાની એક ટ્રીકનો નમૂનો યાદ છે. અખબારની, બિસ્કિટની જાહેરાતમાંથી બિસ્કિટ આકારનાં કટિંગ કાપી રકાબીમાં સરસ ગોઠવે હું સોલેરિયમમાં રમીને કે લીમડાનાં ઝાડ પર ચડી ઊતરી ભૂખી દોડતી ઘરે આવું કે મારી સામે પ્રેમથી ડીશ ધરવામાં આવે. લે, તારા માટે બિસ્કિટ. હું ખુશ થતી હાથમાં લઉઁ કે કાગળિયા! ઉપરથી બધા હસી પડે. હું રિસાઉં, આ ઘરમાં હવે રહેવું નથી. હું ભીષ્મને તો ઓળખતી નહોતી, પણ હુંય વટથી પ્રતિજ્ઞા લઈ લઉં, ગૃહત્યાગ ભગવાન બુદ્ધે તો એક જ વાર કર્યો હતો. પણ મારા માટે એ રૂટિન એટલે પોટકું તૈયાર જ હોય.

પોટકું કાંખમાં અને રિસાઈને નીકળી જાઉં. દુશ્મનો બારીમાંથી નિરાંત કોઠે જોઈ રહ્યા હોય. કહાં જાઓગે બચ્ચુ! અને સખારામ મને તેડીને ઘરે લઈ આવે.

મોટા થતાં સમજાયું કે બધા ગૃહત્યાગ મહાભિનિષ્ક્રમણ નથી હોતા અને ગૃહત્યાગથી બ્રહ્મજ્ઞાન થાય જ એવું કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી.
* * *

આચાર્ય કુટુંબમાં ફિલ્મ જોવાની મોસમ બારે માસ વસંત જેવી પુરબહારમાં. પપ્પાએ ઘણી ફિલ્મો લખેલી પણ ફિલ્મ જોવાનો શોખ નહીં, પણ અમને જાતે ડ્રાઇવ કરી લઈ જાય. એ સમયે દક્ષિણનાં જૈમિની સ્ટુડિયોઝ વગેરેનો ભારે દબદબો. ‘ઘરસંસાર’ ટાઇપની ફિલ્મો લોકપ્રિય. વી. શાંતારામની ફિલ્મ્સ પણ બાને બહુ ગમતી.

ફિલ્મ જોવા જવાનું એ તો ખાસ પ્રસંગ. ત્રણેય બહેનોને એક સરખાં કપડાં બા પહેરાવે. ભાઈની ભાષામાં અમે આચાર્યકુટુંબનું બૅન્ડબાજા ગ્રુપ. વાજતે ગાજતે ફિલ્મમાં ઊપડીએ, ઈન્ટરવલમાં બદામપિસ્તાનાં પડીકાં ખાતાં, સોડાવૉટર બૉટલની ગોળી ફોડવાના ફટાફટ અવાજો સાંભળીએ, સાથે તાર સ્વરે ફિલ્મનાં ગીતોની કથાસાર સાથે ચોપડી વેચતાં છોકરાઓનો અવાજ ભળી જાય.

1966ની આસપાસ નવલકથા લખવા હોંશેહોંશે બેઠી તો ખરી, પણ કેમ લખાય, કેવી રીતે લખાયની મૂંઝવણ વખતે, ઊંડે દટાયેલા બીજનો ઝીણો તૃણાંકુર અચાનક ફૂટે એમ એ ફિલ્મો, એ માહોલ સાંભરી આવ્યો અને જૈમિનીનાં ‘ઘરસંસાર’ ફિલ્મ જેવી નૉવેલ લખી, ‘શ્રાવણ તારા સરવડાં’. ત્યારે ટી.વી. સિરિયલનાં આરંભનાં દિવસોમાં આવી ફિલ્મ્સનાં ‘સ્પીનઓફ્ફ’ પરથી ઘણી સિરિયલ્સ ટેલિકાસ્ટ થઈ હતી અને લોકપ્રિય પણ થઈ હતી. હજી આજે પણ એ જ ફૉર્મ્યુલા સિરિયલોમાં હીટ છે.
* * *
પપ્પા-બાને પ્રવાસ કરવો ખૂબ ગમે. એ સમયે પ્રવાસ એટલે મોટેભાગે તીર્થસ્થાન. ડાકોર, દ્વારકા, અંબાજી, સોમનાથ, પાવાગઢ, ગિરનાર, ચાંદોદ કન્પાળી વગેરે તીર્થસ્તાનોમાં જતાં. દર્શન કરવાના. ધર્મશાળાઓમાં રહેવાનું. બીજી સુવિધાઓ તો હતી નહીં.

બાએ લીલા રંગનો એક મોટો લોખંડનો ટ્રંક વસાવેલો. બાનું એ મોબાઇલ કિચન. એમાં મરીમસાલા થોડા જરૂરી વાસણો, પ્રાઇમસ સુધ્ધાં હોય. માટીનો કૂંજો, ફરતે સિંદરીની ગૂંથણી, એ કૂંજો બાલદીમાં હોય. એક નાની હૅન્ડબૅગમાં ટોર્ચ, પત્તાં, બામ, સાબુ, દવાઓ વગેરે હોય. હા, મસમોટો બિસ્તરો તો ખાસ. લો, હો ગયે તૈયાર. આમ, સાજનમાજન અમે આ બધા જ સ્થળોએ ગયાનું બરાબર સાંભરે છે.

પપ્પાને બહુ દેવદર્શન, પૂજાવિધિ એનું આકર્ષણ નહીં. અમને આજુબાજુનાં સ્થળે ફેરવે, નદી હોય તો નૌકાવિહાર તો હોય જ. આબુ, પાવાગઢ, ગિરનાર  ઉપર તો અમે દિવસો સુધી રહેલાં. સાથે બેએક મિત્રકુટુંબો હતાં. સખારામ તો અમારી સાથે જ હોય, પણ મહારાજની પણ વ્યવસ્થા પપ્પાએ કરેલી. રોજ જાતભાતનાં જમણ અને ડુંગર પરની ધર્મશાળામાં બહારનાં ચોગાનમાં રાત્રે ડાયરાની જમાવટ.

બાળકો, કિશોરોની અમારી ખાસ્સી ટોળકી હતી. ત્યારે ગિરનાર પર ઘન જંગલો હતાં. એ જંગલોમાં અમે રખડતાં, એમાં એક દિવસ અમે ખોવાયાં અને ઘેરાયો ઘન અંધકાર. ભોમિયા વિના કૂંજ કૂંજ જોવા ડુંગરામાં ભમતા હતા અને પડ્યા ભૂલા અને પોક મૂકી રડ્યા. અણસમજમાં જીવનનો પહેલો પાઠ ભણ્યો. ભોમિયા વિના ભમવાનો આનંદ અને ખુમારીની લિજ્જત ઔર છે, શરત એટલી કે ભૂલા પડવાની તૈયારી જોઈએ. પછી જાતને શોધવાની મથામણ.

બા તો કહેતી, આચાર્યકુટુંબને પગે ભમરો છે. આ ભમરો તે કેવો! અમે મોટા થયા પછીયે મને અને મારી દીકરીઓને પગે ભમરો વળગ્યો તે વળગ્યો. શિવાની ઍરહૉસ્ટેસ થઈને દુનિયાભરમાં વર્ષો સુધી ઊડતી રહી. માધવી, શિવાની અને મેં દેશ પરદેશમાં કેટલાય પ્રવાસો કર્યા.

બિંદુબહેન મેઘાણીનાં ‘રઢિયાળી રાત’ પુસ્તકમાંથી ગરબો ગવડાવતા.
આજ મારે સોનાની શરણાયે
તે સૂરજ ઊગ્યો રે લોલ.

હા, પ્રાંતઃકાળે સોનાની શરણાઈના મીઠા સૂરથી અમારો સોનાનો સૂરજ ઊગ્યો હતો.

(ક્રમશ:)


અગાઉના પ્રકરણોની લિંક આ રહી:

શ્રદ્ધાદીપમાં તેલ કદી ખૂટતું નથી (પ્રકરણ : 4) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા

પગલું માંડું હું અવકાશમાં ~ આત્મકથા (પ્રકરણ : 3) ~ ભૂતાનિવાસ નંબર 3, રૂમ નં. 46 ~ વર્ષા અડાલજા

પગલું માંડું હું અવકાશમાં ~ આત્મકથા (પ્રકરણ : ૨) ~ વર્ષા અડાલજા

પગલું માંડું હું અવકાશમાં ~ આત્મકથા (પ્રકરણ:૧) ~ વર્ષા અડાલજા

***

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. ભુતકાળના રસપ્રદ વાતોનુ સરળ કલાત્મક સંવેદનાઓ ની રજુઆત માણવાની મજા આવી