બાકી સઘળું ઈશ્વર કરશે (ગઝલ) ~ દિનેશ ડોંગરે ‘નાદાન’ 

તું તારા હિસ્સાનું કરજે બાકી સઘળું ઈશ્વર કરશે;
શ્રદ્ધાપૂર્વક માથું ધરજે બાકી સઘળું ઈશ્વર કરશે.

સારી નરસી વેળા આવે હિમ્મત રાખી આગળ વધજે
શ્વાસે શ્વાસે એને સ્મરજે બાકી સઘળું ઈશ્વર કરશે.

દરિયામાં ઝંઝા તોફાનો સાવ સહજ એ ઘટનાક્રમ છે
તું કેવળ જુસ્સાથી તરજે બાકી સઘળું ઈશ્વર કરશે.

જીવનમાં જે કંઇ મળશે એની ઈચ્છા છે સમજીને,
અંતે એના ચરણે ધરજે બાકી સઘળું ઈશ્વર કરશે.

જ્યાં પહોંચીને એવું લાગે પોતીકાં પણ આઘા ભાગે,
ત્યાંથી તુર્તજ પાછો ફરજે બાકી સઘળું ઈશ્વર કરશે.

જેવું છે એવું જાણીને, જીવન આખ્ખુએ માણીને,
મૃત્યુ આવે ત્યારે મરજે બાકી સઘળું ઈશ્વર કરશે.

તારું હોવું કેવળ એના આયોજનનો હિસ્સો ‘નાદાન’
સત કર્મોનું ભાથું ભરજે બાકી સઘળું ઈશ્વર કરશે.

~ દિનેશ ડોંગરે ‘નાદાન’ 

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

 1. કવિશ્રી દિનેશ ડોંગરે ‘નાદાન’ની સુંદર ગઝલ
  તું તારા હિસ્સાનું કરજે બાકી સઘળું ઈશ્વર કરશે;
  શ્રદ્ધાપૂર્વક માથું ધરજે બાકી સઘળું ઈશ્વર કરશે.
  વાહ
  સંકલ્પની શક્તિનો સાર
  શ્રદ્ધાપૂર્વક ચેતનામાં થી અભાવ ને દૂર કરો અને વિપુલતા, પ્રચુરતા નો અનુભવ કરો.
  જયારે તમારાં હૃદયમાં સંકલ્પ સ્ફૂરે છે ત્યારે તમારી ચેતના, બ્રહ્માંડમાં પ્રસરે છે. આટલાં વિશાળ, બૃહદ બ્રહ્માંડમાં મારે તો મારો નાનો સંકલ્પ પૂરો કરવો છે. ધારો કે તમે કોઈને પ્રશ્ન પૂછો છો અને તમારાં મનમાં શંકા છે કે તેઓ તમારા પ્રશ્ન નો સાચો જવાબ આપશે કે નહીં, તો તમે બરાબર રીતે તમારો પ્રશ્ન રજૂ જ નહીં કરો. તો સાચો રસ્તો શું છે? સૃષ્ટિની દિવ્યતામાં શ્રદ્ધા રાખો ને કહો કે આ મારી વિનંતી છે અને તેનો ચોક્કસ સ્વીકાર થશે જ. પ્રયત્ન કરો, કર્મ કરો અને વિશ્રામ કરો. રાત્રે ઊંઘી જતાં પહેલાં દસ મિનિટ ધ્યાન કરો, તમારા સંકલ્પનું સમર્પણ કરો અને ખુશી સાથે નિદ્રાધીન થાઓ. યોગ સાધના અને સજગતા નો અભ્યાસ કરો અને ઈચ્છા પૂર્તિ ના જ્વરને છોડી દો. દ્રષ્ટિકોણ બદલશો તો સમજાશે કે બહારનું જગત ભીતરથી જ શરુ થાય છે. જો તમારું અંદરનું જગત સુંદર છે તો બહારનું જગત આપમેળે સુંદર બનતું જશે. તમે પરિવર્તન નું માધ્યમ બનશો

 2. માનવ અને ઇશ્વરની ભૂમિકાનું સરસ સરળ વર્ણન