કહું અણબોટી આંખોની વાત (ગીત) ~ જળના હસ્તાક્ષર (ગીતસંગ્રહ) ~ જિજ્ઞા ત્રિવેદી

કહું અણબોટી આંખોની વાત
સખી, એ તો જાગી છે રાતોની રાત

કેટલાંય દરિયાઓ ઉછળી-ઉછળીને કહે
પ્રીતથી છલકાતી વારતા
મલ્હારી રાગને છેડીને મોજા પણ
લથબથતું વ્હાલ વરસાવતા
ધમસમસતા યૌવનને ઝંખનાઓ વિનવે કે
આપી દે થોડું એકાંત

એક દિ બુલબુલે પૂછી નાખ્યું કે
કહે, પિયુજી તારા છે કેવા
શરમનો ઘૂમટો તાણીને કીધું કે
છે પેલા મોગરાની જેવા
કિરણોના રથમાં થઈને સવાર યાદ
આવે ત્યાં ફૂટે પરભાત

સોળ-સોળ વરસોથી કુંવારી લાગણી
હૈયામાં રાખી છે સાચવી
તારે ખાતર સજન, એક-એક રસ્તેથી
નજર્યુંને લીધી છે તારવી
કોડભરી કન્યાના જીવતરને કહી દે તું
કરવું છે ક્યારે રળિયાત

~ જિજ્ઞા ત્રિવેદી
ગીતસંગ્રહ: જળના હસ્તાક્ષર


પ્રાપ્તિસ્થાનઃ
પ્રવીણ પ્રકાશન લિ.
લાભ ચેમ્બર્સ, મ્યુ. કૉર્પો. સામે
ઢેબર રોડ, રાજકોટ
મૂલ્યઃ રૂપિયા 185/-
www.pravinprakashan.com

 

 

આપનો પ્રતિભાવ આપો..

One Comment


  1. સુ શ્રી જિજ્ઞા ત્રિવેદીના જળના હસ્તાક્ષર ગીતસંગ્રહ) ના મધુરા ગીત કહું અણબોટી આંખોની વાત
    ધન્યવાદ