કળા અને જટા – ભાવેશ ભટ્ટ

કળા અને જટા – ભાવેશ ભટ્ટ

કોઈ તોફાની બાળકને ખાવા-સુવા માટે ઘણા માબાપ ‘બાવો ઉપાડી જશે’ની ધમકી આપીને ખુલ્લેઆમ કાનૂનભંગ કરતા જોવા મળે છે.
આપણે ત્યાં સાધુ બાવાઓ સૈકાઓથી બાળકોને શિસ્ત શીખવાડવા પરોક્ષ રીતે કાર્યરત રહ્યા છે.
પણ જો બાળકના ડર માટે બાવા રોલમોડેલ કેમ રહ્યા છે એનું રહસ્ય શોધવા જઈએ  તો જે વાત ઉડયા વગર પણ આંખે વળગે છે તે એ છે કે એમની લાંબી જટા અને દાઢી, અને આ રહસ્ય પાછળનું કારણ તપાસીએ તો એક અગવડતા પ્રકાશમાં આવે છે અને જો આખા સંસારનો ત્યાગ કર્યો હોય તો એ બાલ-દાઢીના પ્રસાધનો સાથે રાખી એના ત્યાગને અભડાવે નહીં.
અહીં સુધી તો વાત સમજાઈ જાય એવી છે, પણ કળાના ક્ષેત્રમાં આ વાત કોયડો બનીને સામે આવે છે.
નાટક,કવિતા,ફિલ્મ,ગીત-સંગીત, ચિત્ર, વગેરેના કવિ, કલાકાર, સર્જકોનો જો કમનસીબે સાક્ષાત્કાર થાય તો એમાંના ઘણા ખરા સ્ત્રીને હરીફાઈ આપતા વાળ અને સાધુબાવાને છાજતી દાઢીમાં જોવા મળે છે.
ગૃહસ્થ જીવન જીવતા આ લોકોને કાતર કે અસ્ત્રાની સગવડ હોવા છતાં એનો ત્યાગ કરી એમના ભાગનો સમય અને વાત્સલ્ય કાંસકાને આપે છે અને ‘વાળ-હત્યા’ના પાપથી બચે છે.
અગાઉ આ લક્ષણ વૈજ્ઞાનિકોમાં વિશેષ જોવા મળતું હતું.
પણ એમનું કારણ પણ સમજમાં આવે એવું હતું કે એ લોકો ‘નથી’ને શોધવામાં ‘છે’ ને વિસરી જાય એ સ્વાભાવિક હતું, એ તો અન્નજળની સુધબુધ પણ ખોઈ બેસતા હતા તો વાળ દાઢી તો શું ચીજ હતી.
તો પછી આ ‘કળાબાજો’માં આ પદ્ધતિ કયા પ્રયોગ ખાતર અસ્તિત્વમાં આવી એ પ્રશ્નનો જવાબ એ ખુદ પણ આપી શકે કે નહીં એ શંકાનો વિષય છે.
લિટરેચર ફેસ્ટિવલ, આર્ટ ગેલેરી, ફિલ્મ/દ્રામાં ફેસ્ટિવલ કે મ્યુઝિક શૉમાં આ ‘કેશ પ્રેમી’ઓ વિપુલ માત્રામાં અને સૌથી અલગ પડવાના આનંદને મુશ્કેલીથી છુપાવી સહજ લાગવાનું દુષ્કર કાર્ય કરતા નજરે ચડે છે.
કોઈ પણ મંચ ઉપર જ્યારે આ લાંબી લટોવાળા મખમલી વસ્ત્રોમાં ખાબકે છે ત્યારે અન્યોને ‘અબુધ બાળક’ સમજીને આછું સ્મિત આપે છે.
એમના રોજિંદા જીવન પર જો એક નજર કરીએ તો સવારે તૈયાર થતા મા,બહેન,કે પત્ની પાસે વાળ ઓળાવવા બેસતા હોવાનું ચિત્ર ભાસે છે.
આમ તો ઘરમાં મા-દીકરી કે બે બહેનો વચ્ચે ‘હેરપીન’ કે ‘બો’ની આપલે થતી હોય છે.
એ વિનિમયમાં આ પ્રજાતિ પણ જોડાય છે.
કોઈ યુવતી કે સ્ત્રી ઘરની બહાર નીકળે છે ત્યારે જે રીતે તેના ઉપર પડતી નજર/બદનજરથી ટેવાઈ જઈને પછી વિચલિત નથી થતી એમ જ આ સાંસારિક બાવાઓ રસ્તામાં એમના પર લોકોની કટાક્ષમાં હસતી નજરથી સંયમ નથી ખોતા, ઉલ્ટાનું સામેવાળાને સંકુચિત સમાજનો હિસ્સો માની એમના પર મનમાં હસીને ઉદારતાના ઈતિહાસ રચે છે.
રસ્તા પર દ્વિચક્રી વાહન પર જઈ રહેલા બે મિત્રોમાં પાછળના મિત્ર તરીકે જ્યારે કોઈ ‘દીર્ઘ કેશી’ મિત્ર બેઠો હોય છે ત્યારે પાછળથી આવતા સહયાત્રીઓ દ્વારા અજાણતા જે છેડતીના બનાવો બનતા હોય છે તે ભલે કશે ચર્ચાતા ના હોય પણ પીડિતના મૌન વિશે નવાઈ તો ઉપજાવે જ છે.
આવા પુરુષોને પણ અર્ધનારેશ્વરનું બિરુદ આપી શકાય જો કોઈની ધાર્મિક સમજણ ના દુભાય તો !
આ પ્રથાએ વિદેશથી ભારતમાં પગપેસારો કર્યો હોય એવી શક્યતા પણ પ્રબળ છે.
જો એ પ્રમાણે જોઈએ તો વિદેશોમાં સ્ત્રી-પુરુષમાં સમાનતાના ધોરણ ત્યાંના ડિવોર્સ કેસની સંખ્યાની જેમ ખૂબ ઊંચા હોય છે.
એટલે શક્ય છે કે એ સમાનતાના સામાનમાં વધારો કરવા એકબીજાના કેશની રીતભાતને અપનાવવામાં આવી હોય,
પણ અહીં તો એ શક્યતા પણ નથી.
આમ તો ભારત દેશનો વસ્તી વધારો પણ ક્યાંક ઊંડે ઊંડે આના કારણમાં છુપાયો હોઈ શકે છે.
આટલી ગીચ વસ્તીમાં પોતાને આસપાસના ટોળાનો હિસ્સો બની ગયાના આઘાતનો બદલો લેવા આ ક્રાંતિકારી પગલું ભરાયું હોઈ શકે.
પણ જો તમે કોઈ સર્જનાત્મક કામ સાથે જોડાયેલા હશો તો તમને તમારું કામ જ ટોળાથી અલગ કરી દેશે.
એના પર વિશ્વાસ ન રાખીને જો તમે  પોતાના શારીરિક દેખાવથી જુદા પડશો તો એ ‘ડિફરન્ટ લૂક’ કરતા ‘કૌતુક’ બની જશે.
એટલે પ્રતિષ્ઠિત બનવું અને પ્રતિષ્ઠિત લાગવું એ બેમાંથી કયો વિકલ્પ પસંદ કરવો એ સ્વનિર્ભર છે,
અને જો બંને વિકલ્પ પર કળશ ઢોળી બેઉમા સફળ થાવ તો પણ  કોઈ વાંધો નથી પણ એટલું યાદ રાખજો કે ‘હેર કટિંગ એસોસિયેશન’ વાળા તમને ક્યારેય માફ નહીં કરે.

આપનો પ્રતિભાવ આપો..