નેમ, મિડલ નેમ સર નેમ. What’s in a name? લેખક – વિજય ભટ્ટ
નેમ, મિડલ નેમ સર નેમ. What’s in a name? લેખક – વિજય ભટ્ટ
છાપાંમાં અને ઈન્ટરનેટ પર જાહેરાત આવી. જીગ્નેશભાઈ રમણભાઈ શાહ, દશા લાડ વૈષ્ણવ વણિક, અમેરિકા થી ત્રણ અઠવાડિયા માટે આવે છે. H1B ધરાવે છે. જ્ઞાતિબાધ નથી. પ્રગતિશીલ વિચારવાળા કુટુંબોએ જ સંપર્ક કરવો. કન્યા ભણેલી, સંસ્કારી અને ખાવા પીવા માં પણ ફ્લેક્સિબલ હોવી જ જોઈએ .
મહેશભાઈ અને સરલાબેને બે ત્રણ વર્ષથી વિચાર્યું હતું કે એમની શીતલ સ્માર્ટ છે. ઇન્ટરનેશનલ સ્કૂલ અને IB બોર્ડ માં જ અંગ્રેજી માધ્યમ માં તેને ભણાવી છે. વળી ફેશન ડિઝાઇન અને માર્કેટિંગ નું ભણી છે. મુંબઈ, મહેસાણા, અમદાવાદ કે અમરેલીમાં હોય, ગમે ત્યાં જાય પણ વાત અંગ્રેજીમાં જ કરે. અને કોઈ વડીલને મળવાનું હોય તો સામાન્યતઃ વર્તન એકદમ નમ્ર. બધાને જ ઇમ્પ્રેસ્સ કરી નાખે તેવી છે. એમ્અના મનમાં એવું કે બને તો શીતલને અમેરિકામાં જ સેટલ કરવી છે.
શીતલબેનને અમેરિકા વિશે બધું જ ખબર છે. ક્રિસ્ટ્મસ, મધર્સ ડે, વેલેન્ટાઈન ડે. અને થેન્ક્સગિવિંગ તો ખાસ ઉજવે કારણ કે તેઓ એમ માને છે કે આ દિવસ બધાનો આભાર માનવાનો દિવસ છે, જેમ મિચ્છામી દુક્કડમ માફી માંગવાનો છે. એમ જ માનો ને કે શીતલ ભલે રહે ગુજરાતમાં પણ અમેરિકન તહેવારો પણ ઉજવે! બિયોન્સે, બ્રિટની, જોનાસ બ્રદર્સ, અને કિમ કાર્ડેશિયન ને નિયમિત ફોલો કરે છે. શીતલની આદર્શ છે પ્રિયંકા ચોપરા જોનાસ.
ભલે વીસમી સદી માં જન્મ્યાં, શીતલ બેન એકવીસમી સદી અને મિલેનિયલ (MILLENNIAL) વિચારધારાના અને પહેલેથી જ સ્ત્રી સમાનતા ઉપરાંત સ્ત્રી-પ્રધાન સમાજનાં પ્રોત્સાહક છે.
શીતલ અને જીગ્નેશ મળ્યાં અને બંને બાજુ પસંદ પડ્યું.
અરે, એક વાત તો કહેવાની રહી ગઈ! ભલે જાહેર ખબરમાંથી ગોઠવેલ લગ્ન કરવાનાં હતાં, પણ શીતલનો આગ્રહ કે જીગ્નેશે વિધિસર પ્રોપોઝ તો કરવું જ પડશે, અને ત્યારે તે હા પાડશે.! અને જીગ્નેશે રાજીખુશીથી અમેરિકન પ્રથા પ્રમાણે શીતલને પ્ર્પોઝ કર્યું પણ ખરું.
બસ, શીતલબેન મહેશભાઈ દેસાઈના લગ્ન અમેરિકા થી આવેલ, H1B ધરાવતા, IT ના ફિલ્ડમાં, ઍમૅઝૉનમાં કામ કરતા, જીગ્નેશભાઈ રમણભાઈ શાહ સાથે કોર્ટમાં થઈ ગયાં. હાર-તોરા અને ફોટા પડ્યા, અને જરૂરી ડોક્યુમેન્ટ્સ વગેરે બધું જ ઝડપથી આટોપી લીધું. અમેરિકન કોન્સ્યુલેટના લિસ્ટ પ્રમાણે જ સ્તો!
શીતલબેને જ્યારથી ‘હિલેરી રોધમ ક્લિન્ટન’ નામ પહેલી વાર વાંચ્યું હતું ત્યારથી ખબર પડેલી કે રોધમ એ હિલેરીની પિયરની અટક છે. તેમણે બસ એ વખતે જ નક્કી કર્યું હતું કે પોતે પણ જયારે લગ્ન કરશે પછી એવું જ નામ રાખશે.
હવે લગ્ન રજીસ્ટર કરવા ગયાં ત્યારે શીતલબેને ખૂબ પ્રયત્ન કર્યો કે નામ – ‘શીતલ દેસાઈ શાહ’ લખાય. કેમ નહિ? પણ મેરેજ રજીસ્ટર વાળા ક્લાર્ક, જે છેલ્લા ચાલીસ વર્ષથી કામ કરે છે, તેમણે પૂછ્યું; “બેન, તમારા બાપુજી નું નામ શું? સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં શું નામ છે? તમારા પતિનું નામ શું? શીતલ બેને ઘણી માથાકૂટ કરી ‘શીતલ દેસાઈ શાહ’ નામ કરાવવા પણ પેલા ક્લાર્ક માને જ નહીં. છેલ્લે પેલા ક્લાર્કે કહ્યું ” બેન, અહીં મેં હજારો H1B વાળા સાથેના લગન કરાવ્યાં છે. તમે જો જીદ કરશો અને પેલા કોન્સુલેટ વાળા વાંધો પાડશે તો મને દોષ ના દેતા.”
કોન્સુલેટની વાત આવી એટલે જીગ્નેશે પણ કહ્યું “હની, જવા દે ને જીદ!. આ અંકલને એક્સપેરિએન્સ છે. તે કહે છે તેમ જ કરીએ. આગળ આપણે અમેરિકામાં જોઈ લેશું.” પેલા ક્લાર્કે મેરેજ સર્ટિફિકેટ પર લખ્યું. ‘ શીતલબેન જીગ્નેશભાઈ શાહ’. પિતાનું નામ મહેશભાઈ છગન દેસાઈ, જન્મ સ્થળ કપડવંજ, વગેરે વગેરે.
શીતલને આ જરા પણ ગમ્યું તો નહોતું , પણ અમેરિકન કોન્સુલેટ માં કાગળિયા કરવા માટે આ મેરેજ સર્ટિફિકેટ ખૂબ જ જરૂરી હતું. જો રિજેક્ટ થાય તો તો મુશ્કેલી, તેથી કચવાતાં કચવાતાં મન મનાવ્યું.
ત્યાર પછી પાસપોર્ટ કઢાવવા અમદાવાદ ઓફિસે ગયાં. ત્યાં પણ મેરેજ સર્ટિફિકેટ પ્રમાણે, શીતલબેન જીગ્નેશભાઈ શાહ, એ નામનો જ પાસપોર્ટ બન્યો.
બસ, આમ શીતલબેન તો આવી ગયાં, યુ એસ એ.!
જીગ્નેશભાઈએ ઉત્સાહથી બધી જ તૈયારી રાખી હતી. આવે કે તરત જ SOCIAL SECURITY NUMBER , EAD CARD, ડ્રાઈવર લાયસન્સ માટેની ટ્રેનિંગ ID કાર્ડ, રેઝ્યુમી વગેરે તૈયાર કરાવવી. એટલું જ નહીં, પણ, ક્યા મિત્રની વાઈફ અહીં વધુ સમયથી છે, સ્માર્ટ છે, અહીં કામ કરે છે કે ભણી છે, એવી બધી ઝીણી ઝીણી વિગતો પણ કઢાવી રાખી હતી. જીગ્નેશભાઈને મનમાં એવું કે કોઈ કેપેબલ વ્યક્તિની સાથે શીતલની સહેજ વધુ દોસ્તી થાય તો યુ એસ ની સિસ્ટમ માં શીતલ જલ્દી સેટ થઈ જાય!
યુ એસ પહોંચ્યા પછી શીતલબેને જયારે જાણ્યું કે જીગ્નેશભાઈએ અમેરિકામાં જોબ પર તેનું નામ બદલી ને જીગ્નેશ શાહ માં થી ‘જેક શો’ ( JACK SHAW) કરી દીધું હતું અને જોબ પર બધા તેમને ‘જેક’ જ કહે છે, ત્યારે જીગ્નેશ માટે નો તેમનો અહોભાવ અને પ્રેમ બંને બમણાં વધી ગયાં!
ડ્રાઈવર લાઇસન્સની લર્નિંગ પરમીટ લેવા ગયાં. શીતલે જાણ્યું કે ડ્રાઈવર લાઇસન્સ લેતી વખતે જરૂરી કાગળો બતાવો ત્યારે તો ડ્રાઈવર લાઇસન્સ પર તમારે જે નામ રાખવું હોય તે બદલીને રાખી શકો. શીતલબેન તો આ જાણીને રાજીના રેડ ! ખૂબ જ ખુશ થયાં.
અમેરિકા આવવા કરતાં પણ હવે નામ બદલાશે તેની ખુશી વધારે!
શીતલબેન કેટલા વારસોથી રાહ જોતાં હતાં કે પિતાનું નામ કે પતિનું નામ પોતાની ઓળખ માં ન હોય. તેમ કરવામાં તે સ્ત્રી મુક્તિ ગણતા.
ડ્રાઈવર લાઇસન્સ પર નવું નામ લખાવ્યું, ‘ શીતલ દેસાઈ શાહ’.
વાહ વાહ! મોઢું ભરાઇ જાય એવું નામ! જેમ કે હિલરી રોધમ ક્લિન્ટન.
“હવે મારા રૂટ્સ ની આઇડેન્ટિટી વાળું નામ છે” એમ શીતલબેને જાહેર કર્યું. એમને થયું, “હવે આ થયુંને સ્ત્રીના પૂર્ણ સમ્માનવાળું નામ!” મનોમન આવું વિચારી શીતલબેન તો પોરસાયા કે પુરુષોના જ પ્રાધાન્યવાળું નામ નહીં વાપરવું પડે!
હવે આજે ઉતર્યો પેલા મેરેજ ક્લાર્ક પરનો ગુસ્સો અને મનમાં વિચાર્યું, “હશે, એ કાકા યે બિચારા શું કરે? સિસ્ટમ પ્રમાણે તેમણે કરવું જ પડે ને.”
“હવે જો કદાચ પોલીસ ઉભો રાખે, અને નામ પૂછે, તો વટથી કહીશ ” શીતલ દેસાઈ શાહ”. અને લાસ્ટ નેમ પૂછે, તો જ કહીશ શાહ. પણ મિડલ નેમ હવે દેસાઈ. મારી પોતાની રૂટ આઇડેન્ટિટી! “
પછી તો તરત ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર, ટ્વીટર પર બધે જ શીતલ દેસાઈ શાહ નામ કરી દીધા.
જાણે એક સફળતાની સીડીનું પહેલું સોપાન ચડી ગયાં.
પ્રેગ્નન્સી દરમ્યાન બાબો છે એમ ખબર પડી ત્યારથી જ શીતલબેનની ઈચ્છા કે બાબાનું નામ, જેમ ફિલ્મ ડિરેક્ટર સંજય લીલા ભણસાલીએ તેમની માતાનું નામ પોતાના મિડલ નેમ તરીકે રાખ્યું છે તેમ જ રાખવું,
બાબાના નામમાં માતાનું નામ, પિતાનું નહિ. બાબાનું નામ બર્થ સર્ટિફિકેટમાં લખાવ્યું, ‘સમીર શીતલ દેસાઈ શાહ’. જીગ્નેશભાઈ ઉર્ફે જેક પણ સંમત . એમને પણ એટલો જ આનંદ!
વરસો વીતતાં ગયાં બાબો સમીર હવે પ્રિ-સ્કૂલ જતો થયો. કેટલાક અમેરિકન બાળકો તેને શમીર કહેતા અથવા તો જેને નામ ટૂંકાવી ને બોલવાની ટેવ હોય તે શમી અને મીર કહેતા. મીર અને શમી જેવાં શબ્દો ને લીધે ઘણા સમીર ને પાકિસ્તાની કે ઈરાની કે મિડલ ઇસ્ટર્ન હોય તેમ માનતાં તે શીતલબેનને ખૂંચતું; અને કહેતાં; “લોકો પણ કેવાં છે? આટલા સરસ નામ ને બગાડીને બોલે છે.”
શીતલબેનને હવે ‘સમીર’ નામ પાડવા માં જાણે ભૂલ થઇ ગઈ હોય તેમ લાગતું.
હવે પહેલા ધોરણના એડમિશન વખતે પાંચ-છ વર્ષ ના સમીર નું નામ બદલવાનું એ નક્કી, એમ શીતલબેને વિચાર્યું અને છેવટે નામ લખાવ્યું ‘સૅમ શીતલ દેસાઈ શાહ’, SAM SHITAL DESAI SHAH. SAMIR માં થી IR કાઢી નાખ્યું. હવે સૅમ નામ પણ એકદમ વેસ્ટર્ન અને અમેરિકન લાગે અને સાથે મા નું નામ, બાપનું નહીં.
હવે શીતલબેન પાછા ખુશ, ખુશ!
અમેરિકામાં લોકો તમને મીડલ નેમથી પણ બોલાવે. સૅમ હવે ત્રીજા-ચોથા માં આવ્યો. તોફાન મસ્તીમાં બાળકો એક બીજાને ચીડવે. સૅમનું મિડલ નેમ ‘શીતલ’, તેથી ટીખળી બાળકો તેના નામની મજાક ઉડાવતા. ‘શીટલ’ કહી ને ચીઢવે. ‘શીટ’ એટલે ગંદુ. શીતલે બાબાને સમજાવ્યો કે શીત એટલે કોલ્ડ એમ કહેવાનું. વળી કહ્યું કે શીટ એટલે કાગળ એમ પણ કહેવાય. પણ બીજા બાળકોએ સૅમને ચીડવવાનું બંધ ન કર્યું. અને શીટ કહ્યા કરે. કોઈ એક બાળકને બીજા બાળકો જ્યારે ખરાબ નામથી ચીડવે તે સારું તો નહિ જ.
પાછી ફરી આ નામની મોકણ!, શીતલ વિચાર્યું.
હવે શીતલબેનને બહુ જ ચિંતા થઇ કે મારું નામ સૅમના નામમાં મૂકવાથી બિચારા સૅમને હવે બધાં શીટ કહે છે અને સેમને શરમ આવે છે. પ્રિન્સિપાલ પાસે જઈ નામ બદલાવવા પ્રયત્ન કર્યો પણ એ માટે મોડું થઇ ગયું હતું.
સૅમ કહેતો “મોમ, બધા ઇન્ડિયન છોકરાંઓના મિડલ નેમ તેમના ફાધરના નેમ હોય છે. મારે પણ જીગ્નેશ મિડલ નેમ કરવું છે.”
શીતલ અને જીગ્નેશે સૅમની સાથે ઇન્ડિયા ફરવા જવાનું નક્કી કર્યું, અને હવે સૅમનો પાસપોર્ટ રીન્યુ કરાવવાનો હતો. પાસપોર્ટ રીન્યુ કરતી વખતે જરૂરી દસ્તાવેજો કરો તો નામ કાયમ માટે બદલી શકાય તેથી નક્કી કર્યું કે હવે સૅમનું નામ સુધારી લઈએ.
આજે સૅમને અનહદ આનંદ હતો, વરસો પહેલાં શીતલબેનને જેટલો નામ બદલવાનો આનંદ હતો, તેટલો જ!
સૅમના નવા બનાવેલ અમેરિકન પાસપોર્ટ માં હવે ‘સમીર શીતલ દેસાઈ શાહ’ ને બદલે નવું નામ મૂક્યું ‘સામ જીગ્નેશ શાહ’ !
છેલ્લા સમાચાર છે કે, શીતલ બેને OCI કાર્ડ માટે અરજી કરી છે. કોઈ માથાફૂટ થાય નહિ તેથી તેમના ભારતીય પાસપોર્ટમાં જે નામ છે તે જ નામ થી OCI કાર્ડ ની અરજી કરી છે-
‘ શીતલબેન જીગ્નેશભાઈ શાહ!’
********
આખરે તો, નેમ, મિડલ નેમ સર નેમ. What’s in a name?
નામ શોધવાની પ્રક્રિયા છે.. વ્યક્તિને ઓળખ આપે છે ને જ્યારે તે ઓળખને નંબરમાં થોડી ફેરવાય કેદી નં ૪૫૨ કે દર્દી નં ૫ એમ તેથી નામનું તથ્ય વધે.. હવે તો જો જોડણી ખોટી હોય તો પણ તકલીફો ઉભી થાય.. તેથી વ્યક્તિસ્વાતંત્ર્ય નામ સચોટ હોવું જરૂરી.🙏
Good point, Jayshree ben. Thank you!
‘શીતલ બેને OCI કાર્ડ માટે અરજી કરી છે. કોઈ માથાફૂટ થાય નહિ તેથી તેમના ભારતીય પાસપોર્ટમાં જે નામ છે તે જ નામ થી OCI કાર્ડ ની અરજી કરી છે- ‘ શીતલબેન જીગ્નેશભાઈ શાહ!’જેવા બનાવ કેટલાક કેસમા બને છે અને કાયદાનો સ્વીકાર કરી સુધારાય છે
“What’s in a name? That which we call a rose by any other name would smell just as sweet.” William Shakespeare વાક્ય ને ગુજરાતી મા સમાજતા કહ્યું કે-‘નામમા શું છે? તમે ગુલાબને ગુલાબ કહો કે જુલાબ કહો સુગંધ તો સરખી જ રહેવાની!
THANK YOU ! Pragnaju ben!