શ્રદ્ધાનો હો વિષય તો… ~ નંદિતા ઠાકોર ~ કટાર: ફિલ્ટર કૉફી

 
મને ઈશ્વર પર શ્રદ્ધા છે અને એ વાતને ધર્મ કે કોઈ પ્રકારની ધાર્મિકતા સાથે કશી લેવાદેવા નથી. અને મારે એ પણ યાદ રાખવાનું હોય છે કે ઈશ્વર પરની મારી શ્રદ્ધા કે આસ્થાની સાથે સાથે મને મારામાં, મારી જાતમાં પણ વિશ્વાસ હોવો જ જોઈએ. છે જ.

હું મને જોઉં છું, ઓળખું છું, જાણું છું છતાં હું મારામાં જ વિશ્વાસ ન રાખી શકું તો હું ઈશ્વર નામની પેલી અદ્રશ્ય શક્તિ પર શું શ્રદ્ધા રાખવાની હતી?   

ઈશ્વર ઉપર શ્રદ્ધા હોવી અને એનો એક કમ્ફર્ટ ઝોન જીવનમાં હોવો  લગભગ સ્વાભાવિક છે પણ જેને પોતાની જાતમાં જ વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી એનું તો બિચારો ઈશ્વર પણ કંઈ કરી ના શકે. ઈશ્વર તરફની શ્રદ્ધા એ કોઈ મર્યાદિત સમય માટે મળતી ભેટ યોજના નથી. શ્વાસ લેવા સાથે વણાઈ ગયેલી સહજ ઘટના છે.

પરિસ્થિતિ મનગમતી હોય કે વિકટ- આ શ્રદ્ધા અવિચલ રહે છે. રહેવી જ જોઈએ. પોતાને ગમતું કે ધાર્યું ન થાય અથવા તો અણગમતી પરિસ્થિતિ નિર્માય ત્યારે શ્રદ્ધા ગુમાવી આકળવિકળ થઈ ઉઠનારા લોકો અન્ય પરિસ્થિતિમાં ઈશ્વર નામની આંગળી તો શું આખેઆખો પહોંચો પકડીને જીવતાં હોય! બદલાતી ઋતુની જેમ એમની શ્રદ્ધાની કળા વધઘટ થતી જ રહે.      

પ્રાર્થના, પૂજા, સેવા, ધર્મગ્રંથોનું વાંચન અને એવાં કેટલાંય વિધિવિધાન કે નિયમો લોકો પોતાને માટે પોતાની રીતે નક્કી કરે છે જે અલબત્ત એમની અંગત શ્રદ્ધા કે ઈચ્છા પર અવલંબે છે. પણ ઈશ્વરને ઘડિયાળ કે કૅલેન્ડરના રૂટિનમાં ગોઠવી રાખનાર ઘણા લોકોને માટે એ બધું માત્ર એક દૈહિક ક્રિયા બનીને રહી જાય એવું બનતું આપણે જોયું જ છે.

પ્રભુની ઈચ્છા વગર પાંદડું ય હાલતું નથી એમ વારંવાર બોલનારા લોકો પોતાને ના ફાવતી કે ના ગમતી એવી પ્રભુની ઈચ્છા એક પળ માટે ય સ્વીકારી શકતા નથી. એમાં ઈશ્વર પ્રત્યેની એમની આસ્થા ખૂટે છે એમ કહેવા કરતાં ઈશ્વર સાથેના પોતાના સંબંધ પરની એમની શ્રદ્ધા ખૂટે છે એવું કહેવું વધુ યોગ્ય લાગે છે.  

બીજી બાજુ એવાં લોકો ય મળી આવે છે કે જે કોઈ પ્રકારના ક્રિયાકાંડ કે નિયમોમાં બંધાયા વગર પણ ઈશ્વર નામનો એક ભરોસો, એક વિશ્વાસ પોતાની ભીતર સતત જીવંત રાખે છે. એમની શ્રદ્ધાનો દીપ બાહ્યાચાર સિવાય પણ સતત પ્રગટેલો જ હોય છે.        

હજુ ગત વર્ષે જ જેમણે પોતાના જીવનસાથીને ગુમાવ્યા છે એવાં ચોર્યાસી-પંચ્યાસી વર્ષનાં એક વડીલ મહિલાને હું જાણું છું. ઉમ્મરની સાથે આવતી થોડી તકલીફો તો છે જ પણ તેઓ હજુ પોતાના ઘરે એકલાં રહે છે. કોઈ જીદને કારણે નહીં હોં. પુત્ર-પુત્રીઓ નજીકમાં જ છે પણ એમના પર બોજ નથી બનવા માંગતા. એ કહે છે કે જરુર પડે ત્યારે બધા આવીને ઊભા જ રહે છે ને! દરેકને પોતપોતાના કામધંધા છે, બાળકો છે, બીજી કેટલી ય જવાબદારીઓ છે એમાં હું મારો ઉમેરો નથી કરવા માંગતી. શરીર બહુ અટકી જશે ત્યારે જોઈશું.

‘તમે એકલાં હો ને કૈં થાય, મુશ્કેલી ઊભી થાય તો શું?’ એવા પ્રશ્નના જવાબમાં એ કહે છે કે, ‘કૈં પણ થવાનું હોય તે ગમે ત્યાં થઈ જ શકે છે પણ મને મારા ઈશ્વર પર શ્રદ્ધા છે, હું મારી રીતે યોગ્ય જીવન જીવવા પ્રયત્નશીલ છું તો એ મારો સાથ થોડો જ છોડી દેવાનો છે?’  

મને લાગે છે કે આ સાચી શ્રદ્ધા છે. તેઓ પોતે મંદિરે નથી જતા, કોઈ પૂજાપાઠ કે ધાર્મિક  વિધિ વિધાનો પણ નથી કરતા, પણ શ્રી અરવિંદનું ‘સાવિત્રી’ વાંચે છે, ગીતાસાર વાંચે છે,  ભાગવત વાંચે છે , બીજું ઘણું ય વાંચે છે અને એ બધામાંથી જે કૈં ગમ્યું છે, પામ્યા છે એની ખૂબીઓ વિષે  વાતો કરતાં કરતાં જીવન પ્રત્યેનો એમનો હકારાત્મક અભિગમ સતત છલકાતો હોય છે. કોઈ પણ પૃચ્છા કે ચિંતાની સામે એમનો એક જ જવાબ હોય છે- ‘ઉપરવાળો છે ને! શ્રદ્ધા રાખો!‘     

રોજિંદા જીવનનું રૂટિન હોય કે તહેવારો પર્વો વગેરેની આસપાસ વણાયેલી પ્રથાઓ મુજબની કોઈ ક્રિયાઓ હોય- દરેકની પોતાની એક વિશેષતા છે, દરેકનો કોઈક અર્થ છે જ પણ આખરે તો બધું નકામું, જો શ્રદ્ધા જ ન હોય તો.

સાચી શ્રદ્ધાની કોઈ છૂટીછવાઈ ક્ષણો નથી હોતી જે સગવડ પ્રમાણે ખિસ્સામાંથી કાઢીને વાપરી  લેવાની હોય. એ તો અખંડ  જ્યોતની જેમ આપણામાં સતત પ્રજ્વલિત હોય. 

શ્રદ્ધા ભલે પરમ શક્તિ પ્રત્યેની હોય, પણ એનું સાચું સ્વરૂપ તો વ્યક્તિએ જાતે પોતે અનુભવવાનું અને પામવાનું હોય છે. અનેક વિટમ્બણાઓ કે વિપરીત પરિસ્થિતિમાં પણ પોતામાં અને પરમમાં રખાતી શ્રદ્ધા એકમેકથી વેગળી નથી. એકમેકનો હાથ સાહીને જ એ ચાલે છે.  પેલાં વડીલ બહેનની જેમ ખુદમાં અને ખુદામાં શ્રદ્ધા રાખીને જીવતાં આવડે એવું શીખવાના પ્રયાસો છોડી દઉં એમાંની હું તો નથી. તમે છો? 

~ નંદિતા ઠાકોર 

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. શ્રી નંદિતાજી ઠાકોર,
    આપનું એક વાક્ય ખૂબ ગમી ગયું કે, “સાચી શ્રદ્ધાની છૂટીછવાઈ ક્ષણો નથી હોતી જે સગવડ પ્રમાણે ખિસ્સામાંથી કાઢીને વાપરી લેવાની હોય. એ તો અખંડ જ્યોતની જેમ આપણામાં સતત પ્રજ્વલિત હોય”. વિચારણીય લેખ.

  2. ‘શ્રદ્ધા ભલે પરમ શક્તિ પ્રત્યેની હોય, પણ એનું સાચું સ્વરૂપ તો વ્યક્તિએ જાતે પોતે અનુભવવાનું અને પામવાનું હોય છે. અનેક વિટમ્બણાઓ કે વિપરીત પરિસ્થિતિમાં પણ પોતામાં અને પરમમાં રખાતી શ્રદ્ધા એકમેકથી વેગળી નથી.’ શ્રદ્ધા અંગે સ રસ તર્કસંગત વાત .
    શ્રદ્ધાનું તત્વ તમારી અંદર વસે છે. તે તમારો ગુણ છે. તે તમે જે બનો છો–તે છે, તમે જેમાં વિશ્વાસ ધરાવતા હોવ તે નહીં. શ્રદ્ધાએ અસ્તિત્વમાં ફરીથી ગળાડૂબ થઈ જવાની ક્રિયા છે. તમે એ સમજો છો અને અનુભવો છો કે તમે સૃષ્ટિના ઘણા જ નાના અંશ છો. તે માટે કોઈ બૌદ્ધિક સમજણ હોવી જરૂરી નથી, તે જીવંત અનુભવ છે કે તમે સ્વયંને આ પૃથ્વીનો નાનો અંશ ગણો છો. જ્યારે તમે આ રીતે જીવંત અનુભવ બનો છો, ત્યારે તમે શ્રદ્ધા છો. ત્યાં સુધી શ્રદ્ધા વિશે વાત કરવાનો કોઈ અર્થ નથી.
    કહેવાતા રૅશનાલીસ્ટ ,માઓવાદી બુધ્ધિશાળી વર્ગ અને ભ્રષ્ટ મીડીયા આવી વાતને અંધશ્રધ્ધામા ખપાવે છે!