મળવું અને છૂટા પડવું ~ નંદિતા ઠાકોર ~ કટાર: ફિલ્ટર કૉફી
એક સતત બનતી ઘટના એટલે કોઈને મળવું અને છૂટા પડવું. આખાય દિવસમાં આપણે કોઈને ને કોઈને મળીએ, છૂટા પડીએ એ ક્રમ ચાલ્યા જ કરે છે.
જાણીતા લોકીની વાત એક તરફ પણ અજાણ્યા લોકોને મળવાની વાત જરીક નોખી હોઈ શકે છે. ઘણીવાર પહેલાં કદી ન મળેલા લોકો અચાનક મળે અને મળવાની ઘટના પૂરી થાય એ પહેલાં તો એવી રીતે હળી જાય કે આપણી અંદર એમનું એક ખાસ સ્થાન નિર્મિત થઇ જાય. એમની સ્વભાવગત ઉષ્માથી આપણને એ સહજ સ્વીકારી લે, એમના આંતરજગતમાં આપણને સહજતાથી એવી રીતે ભેળવી દે કે આપણને યાદ પણ ના રહે કે આ ઓળખાણ તો હજુ હમણાં જ થઇ છે! એવા લોકો વારંવાર નથી મળી આવતા. પણ મળે છે ત્યારે પછી એ માત્ર વ્યક્તિઓ નહીં, એક ઘટના થઇ જતા હોય એવું લાગે છે. ભીતરથી જોડાયાની ઘટના, કશોક આંતરસેતુ રચાયાની ઘટના, સમજ કે અનુભૂતિની એક સમભૂમિ પર હોવાની ઘટના.
આવા લોકોની એક બહુ મોટી વિશિષ્ટતા એ હોય છે કે ઓળખાણ થયાની પહેલી ભૂમિકામાં જે માહિતીનું આદાનપ્રદાન જરૂરી હોય તે થઇ જાય પછી પોતે શું છે, શું હોઈ શકે છે એની સભાનતા વગર એમના અંગત વિશ્વમાં એ લોકો આપણને આવકારે અને તે ય એવી રીતે કે આપણને ય આપણા ‘હોવા’નો આનંદ અનુભવાય. પોતાના સ્નેહવિશ્વમાં આપણને દોરી જતી એમના વ્યક્તિત્વની આ હરિયાળી કાયમી હોય એ પણ સમજાય.
બારીબારણાંમાંથી સૂર્યકિરણનો એકાદ નાનકડો પટ્ટો ઘરમાં પથરાય પણ આખું ઘર એ ઉજાસની મ્હેકથી સભર થઇ જાય એમ આવા લોકો આપણી અંદર કશુંક ઉજાળતા જાય. સ્વ વિશેની સભાનતા આવા લોકોમાં કાં તો હોય જ નહીં અને હોય તો એને માત્ર સકારાત્મક રાખી શકવાની આવડત એમનામાં સહજપણે જ દેખાઈ આવે. કદાચ એથી જ આવા લોકો સ્વમાંથી આસાનીથી નીકળી જઈને સહજપણે અન્ય સુધી પહોંચી શકે છે.
ઘણા લોકો એવા મળે છે કે જે પોતાના સ્થાન, મોભો, આવડત કે સિદ્ધિઓના ચક્રવ્યૂહમાં જ ફસાયેલા હોય. એમની વાતો, વર્તન બધું જ પોતાની આસપાસ ફરતું રહે. પોતે શું છે, કોણ છે, કેવાં કેટલાં અને કઈ રીતે સજ્જ છે એ વિષે વાતો કરવી અથવા કોઈક ને કોઈક રીતે એ બધું આગળ ધર્યા કરવું એ એમની ખાસિયત હોય છે. એવે વખતે જે તે વ્યક્તિને નહીં પણ કોઈક મોભાને, કોઈક લેબલને મળતાં હોઈએ એવું લાગે.
પોતાની વાત કે પોતાને વિશેની વાત સ્વના હૂંકાર વગર કરી શકવાની આવડત જેમની પાસે હોય છે એ જ ક્યાંક અન્યની ભીતર પ્રવેશી શકે છે. કે પછી અન્યને પોતાની ભીતર આવકારી શકે છે. એવું જરૂરી નથી કે આવાં લોકો અંગત જ થઇ જાય. કદાચ ફરી ક્યારેય આપણે એમને મળી ન શકીએ અથવા તો ફરી મળવાનો મોકો મળે ત્યાં સુધીમાં એક અત્યંત લાંબો સમયગાળો પસાર થઇ જાય એવું ય બને. પણ આવકારથી વિદાય સુધીનો સમય થોડી ક્ષણોનો હોય કે કલાકોનો, અત્તરના ફાયા જેવું આપણી અંદર મઘમઘી રહે છે એવાં લોકો. એમનું આવજો પણ ખરા અર્થમાં એક આવકાર સમું હોય છે. મળવાની, મળીને છૂટા પડવાની સમયાવધિ ભલે ગમે તેટલી હોય, પણ છૂટા પડ્યા પછી પણ એમના વ્યક્તિત્વની, સંવેદનશીલ માનવીયપણાની મહેક જળાધારીની જેમ સતત ટપકતી રહે છે આપણી ભીતર. આવાં લોકો મળી આવે તે ક્ષણ એક અવસરથી કમ નથી હોતી. મોટેભાગે અણધારી રીતે બનતી આ ઘટના છે તો ય આવા લોકો મળી આવે તેની પ્રતીક્ષા મનને ગમતી હોય છે. એ પ્રતીક્ષા કરવાનું મને પણ ગમે છે પણ સાથે સાથે અન્ય કોઈ માટે હું પણ આ પ્રકારની વ્યક્તિ થઇ શકું, હોઈ શકું એ શક્યતા અને એ વિશેની સભાનતા વિસરી જાઉં એમાંની હું તો નથી જ. તમે છો?
~ નંદિતા ઠાકોર
વસમી વિદાયના એક કારણમાં પોતાનો ‘કક્કો સાચો’નું જક્કી વલણ રહેલું છે.
અભાવ અને અગવડ કરતા અહમનો ટકરાવથી ઝગડા વધુ થતા હોય છે