નામમાંથી ઊપસે છે શ્યામ (લેખ) ~ હિતેન આનંદપરા

(લેખ સૌજન્ય: ચિત્રલેખા)

મથુરા-દ્વારકા કે હોય વૃંદાવન ભલે એનું
નજરમાં કૃષ્ણની ‘નાદાન’ સતત ગોકુળ હોવાનું
દિનેશ ડોંગરે ‘નાદાન

કળિયુગમાં નામસ્મરણનો મહિમા છે એટલે જન્માષ્ટમી નિમિત્તે નોંધપોથીમાં નામોનું મોરપીંછ ધરીએ. કૃષ્ણના ૧૦૮ નામ છે. એમાંથી થોડાક પણ જોઈએ તો કૃષ્ણનું ચરિત્ર-ચિત્ર આબાદ ઊપસી આવે.

ઉપેન્દ્ર. વિષ્ણુ, નારાયણ, વૈકુંઠ, સ્વયંભૂ, દૈત્યારિ, પુંડરીકાક્ષ, ગરુડધ્વજ, પીતાંબર, અચ્યુત, વિશ્વકસેન, જનાર્દન, ચતુર્ભુજ, પદ્મનાભ, મધુરિપુ, ત્રિવિક્રમ, દેવકીનંદન, શૌરી, શ્રીપતિ, પુરુષોત્તમ, બલિધ્વંસી, કંસારાતિ, અધોક્ષજ, વિશ્વંભર, વિધુ, કૈટભજિત, શ્રીવત્સલાંછન, વનમાળી, ત્રિકમ, કેશવ, મુરલીધર, ચક્રપાણિ, સારંગપાણિ, ગરુડગામી, ગોવિંદ, મુરારિ, હૃષીકેશ, ગોપાળ, ગિરિધારી, વ્રજરાજ, દામોદર, વગેરે. પ્રત્યેક નામમાં છૂપાયેલી અર્થછાયા આ સમર્થછાયાને આછેરી પામવા પુરુષાર્થ કરે છે.  

કંસ મામાની અવકૃપાને કારણે બાલ્યાવસ્થાથી જ દાનવોનો વધ કરવાનું કૃષ્ણના કમભાગ્યે લખાયેલું હતું. કંસે પોતાની બહેન પુતના તથા કણાસુર, શકટાસુર, તૃણાવર્ત, બકાસુર, વત્સાસુર, ધુંધક, પ્રબંધ, વૃષભાસુર, કેશી, વ્યોમાસુર, વગેરે રાક્ષસો મોકલ્યા.

બાળકૃષ્ણે તે સર્વનો નાશ કર્યો. છેવટે અક્રૂરને મોકલી કંસે કૃષ્ણને મથુરા બોલાવ્યા અને શલ, દૂશલ, ચાણૂર, મુષ્ટિક અને કૂટ એ પાંચ વિકરાળ મલ્લો સાથે યુદ્ધ કરાવી તેમના રામ રમાડવાનો પ્રયત્ન કર્યો. રસ્તામાં કુવલયાપીડ નામના સોમરસ પાયેલા હાથીને ઊભો રાખ્યો. અગિયાર વર્ષના બાળગોપાલે હાથી તથા મલ્લોને મારી નાખ્યા. અંતે કંસનો પ્રાણ હરી માતાપિતાને કેદમાંથી છોડાવ્યાં. વાંસળી પકડી શકતા હાથ, પ્રહાર કરવાનું નાનપણથી જ શીખી ગયા હતા.  

કૃષ્ણને મુખ્ય આઠ પટરાણી હતીઃ રુકિમણી, જાંબુવતી, સત્યભામા, ભદ્રા, મિત્રંવદા, સત્યા, કાલિંદી અને રોહિણી. કૃષ્ણની પટરાણીઓની સંખ્યામાં વિષયભાવના નહીં, સહાયભાવના ઉજાગર થાય છે.

પ્રાગજ્યોતિષપુરના નરકાસુર રાજાએ ઘણા રાજાઓની કન્યાઓને પકડી કેદ કરી હતી. કૃષ્ણે નરકાસુરને મારી તે સોળ હજાર એકસો કન્યાઓ છોડાવી તેમની સાથે લગ્ન કરી પોતાનું નામછત્ર આપ્યું.

મથુરાના રાજા હોવા છતાંય વખત આવ્યે તેમણે એક અદના સેવક તરીકે કામગીરી બજાવી. યુધિષ્ઠિરે આદરેલા રાજસૂય યજ્ઞમાં બ્રાહ્મણોનું એઠું ઉપાડવાનું કામ કૃષ્ણે જાતે કર્યું હતું.

કૃષ્ણ ચંદ્રવંશી યયાતિ રાજાના પુત્ર યદુના વંશના હતા. તેમના મણિનું નામ કૌસ્તુભ, સારથિનું નામ દારુક, ખડ્ગનું નામ નંદક, શંખનું નામ પાંચજન્ચ, મુખ્ય શસ્ત્રનું નામ સુદર્શન ચક્ર અને ગદાનું નામ કૌમોદકી હતું.

કૃષ્ણોપનિષદ એકસો અઢાર ઉપનિષદમાંનું એક છે. તેમાં લખ્યા પ્રમાણે પ્રત્યેક પાત્ર કશુંક ઈંગિત કરે છે. તે મુજબ નંદ બ્રહ્માનંદ, યશોદા મુક્તિ, દેવકી બ્રહ્મવિદ્યા, વસુદેવ વેદ, શ્રીકૃષ્ણ અને બલભદ્ર બ્રહ્મ તથા શેષનાગ છે. ગોપીઓ અને ગાયો ઋચાઓ, સખાઓ દેવો, ગોકુલની સમીપનું વન વૈંકુઠ, તે વનનાં વૃક્ષો તપસ્વીઓ છે. રાક્ષસો અવગુણોના પ્રતીક સમા છે. ચાણૂરમલ્લ દ્વેષ, મુષ્ટિકમલ્લ મત્સર, બકાસુર ગર્વ, તૃણાવર્તાદિ અસુરો લોભક્રોધાદિ દર્શાવે છે.

રોહિણી દયા, સત્યભામા અહિંસા, અદાસુર કામ, કંસ કલહ, અક્રૂર સત્ય, ઉદ્ધવ ઇંદ્રિયનિગ્રહ, પદ્મ જગતનું બીજ, કંઠમાં રહેલી તુલસીની માળા ભક્તિ અને ભાર્યા બુદ્ધિના પ્રતીક છે. વ્રજના નંદાદિ સર્વ શ્રીકૃષ્ણથી ભિન્ન નથી ને સર્વવ્યાપક શ્રીહરિ તેમનાથી ભિન્ન નથી એવો અર્થ આ ઉપનિષદ સૂચવે છે.

કૃષ્ણમાં કૃષ્  શબ્દ સત્તાવાચક છે અને  આનંદવાચક છે. જો કે કૃષ્ણને જ્યારે પણ જોઈએ ત્યારે એ ડિપ્રેશન દૂર કરતો ડૉક્ટર જ લાગે. ગીતાનું પ્રિસ્ક્રીપ્શન સમજવું અઘરું પડતું હોય તો તેમનું મુખારવિંદ જોયા કરવાનું. શક્ય છે ત્યાંથી ગોકુળની શેરી સુધી પહોંચી જવાય.  

~ હિતેન આનંદપરા

Leave a Reply to કિશોર બારોટCancel reply

5 Comments

  1. સંક્ષિપ્તમાં કૃષ્ણ વિશે ઘણીબધી માહિતી આપતો લેખ…