મારી ભાષા મારી ઓળખ ~ નંદિતા ઠાકોર ~ કટાર: ફિલ્ટર કૉફી

     
જાતજાતના ને ભાતભાતના ‘દિવસો’ આપણે ઉજવીએ છીએ. એમાં એક તે ગુજરાતી ભાષા દિવસ. કવિ કુસુમાગ્રજનો જન્મદિવસ મરાઠી ભાષા દિવસ તરીકે ઉજવાય છે એમ કવિ નર્મદનો જન્મદિવસ એટલે ગુજરાતી ભાષા દિવસ. બીજાં અનેક દિવસોએ આપણે જે તે દિવસ પૂરતું કશું વિશેષ કરી લઈએ એટલે એ દિવસ ઉજવાઈ જાય એમ જ આ દિવસનું પણ થતું હશે? 

ડિજિટલ પ્લેટફોર્મને કારણે ઘણું બધું કરી શકતા આપણે કદાચ આ અને આવાં બીજાં થોડાક દિવસો પરત્વે જરાક વધુ સભાન થયા છીએ અને કોઈને કોઈ રીતે એને વિશેષ  બનાવવા પ્રયત્નશીલ હોઈએ છીએ. હમણાં હમણાંનું એક વાત પર ખાસ ધ્યાન ખેંચાય છે કે ભાષા સાથે કે ભાષાને લગતી કોઈક પ્રવૃત્તિ કરનારાઓ  સાથે જોડાયેલાં લોકો ભાષાની ‘સેવા’ કરે છે એમ કહેવાય છે.

મને આ ‘સેવા’ શબ્દ સમજાતો જ નથી. ભાષાની મહત્તા જાળવતાં કે ભાષાની સમૃદ્ધિ બરકરાર રહે, વધુ ખીલે, વધુ પ્રસરે એવાં કાર્યોની વાત જુદી, પણ પોતાની થોડીઘણી આવડત કે પસંદગીને લીધે કોઈક નાની મોટી પ્રવૃત્તિઓ કરનારા પોતાને ગમે છે, ફાવે છે, એટલે જે તે કાર્યો કરતા હોય ભલે પણ તેથી તેઓ માત્ર ભાષાની સેવા અર્થે આમ કરે છે એવું માનવાનું બહુ ફાવતું નથી.

કદાચ કોઈ સત્વશીલ પ્રવૃત્તિથી ભાષાની સેવા આપોઆપ થઇ જતી હોય તે વાત જુદી. આનંદ માત્ર એટલો છે કે ગુજરાતી જાણનારા, સમજનારા, વાપરનારા અને એમાં કોઈક ને કોઈક પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકનારા લોકો  હજુ છે, ઠેર ઠેર છે.

શ્રી ઉમાશંકર જોશીએ ક્યાંક કહેલું અને શ્રી રઘુવીર ચૌધરીએ પણ ક્યાંક એ વાત કરેલી કે ભાષા પ્રત્યેનો પ્રેમ હોય, સજાગતા હોય તો કોઈકને કોઈક રીતે એને જીવાડવાના, વિકસાવવાના પ્રયાસો થઇ જ શકે. આ બધાને માટે ખૂબ મોટું પ્લેટફોર્મ જોઈએ, કે કોઈ સંસ્થા સ્થાપવી પડે એવું કશું નથી. એક વ્યક્તિ એકલપંડે પણ ધારે તો ઘણું કરી શકે. હા, શરત માત્ર એ કે તમને તમારી ભાષા માટે પ્રેમ હોય, ગર્વ હોય. એને ‘શું શાં પૈસા ચાર’ ની કક્ષાએ ન મૂકવાની સભાનતા આપણી પાસે હોય તેટલું ય પૂરતું.  

આમ તો આપણે કહીએ બાર ગાઉએ બોલી બદલાય. જુદા જુદા પ્રદેશો કે જુદી જુદી જ્ઞાતિઓ ભલે ગુજરાતી જ બોલે, પણ એમાંય ઘણી બધી ભિન્નતા દેખાઈ આવે. આપણી ભાષાની આ જ તો મઝા છે. અવનવા લહેકા કે અવનવા શબ્દ પ્રયોગો એ બધુંય આવે છે એક જ લેબલ હેઠળ – ગુજરાતી.

ભલે ચવાઈને કુચ્ચો થઇ ગયું હોય પણ  ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત’ આ વિધાન સખ્ખત રીતે સાચું છે અને એ યાદ રાખ્યા વગર નહીં ચાલે.  મને વિપિન પરીખની એક પંક્તિ બહુ ગમે છે: “મને મારી ભાષા ગમે છે કારણ બાને હું બા કહી શકું છું’. (well, એવું તો દરેક ભાષાને લાગુ ના પડે? દરેક ભાષા પાસે મા કે બા માટે એમનો પોતાનો શબ્દ હશે અને તે જ એમને માટે ખાસ હશે.!)   

છતાં મને આ વાક્ય એટલા માટે ગમે છે કે મા સાથે આપણે સૌ ગર્ભનાળથી જોડાયા હતા ને એની સાથેનો આપણો સંબંધ જેટલો ઉત્તમ અને અગત્યનો છે એટલો જ છે આપણી ભાષા સાથેનો આપણો સંબંધ. ગુજરાતી આપણે માટે માનો હૂંફાળો ખોળો છે. દિવસોના દિવસો સુધી ઉત્તમ gourmet ભોજન લીધા પછી પણ ઘરની ખીચડીથી જે તૃપ્તિ થાય છે એ તૃપ્તિ આપે છે આપણી ભાષા.

વિદેશના વસવાટે અન્ય ભાષાની જરૂરત મારે માટે વધારી દીધી છે એ ખરું પણ હજુ સપનાં, આંસુ અને ઓડકાર મને ગુજરાતીમાં જ આવે છે.  મારે માટે તો હજુ લાલ પીળો ને વાદળી એ મૂળ રંગ કહેવાય…એમ ગુજરાતી  ગુજરાતી અને ગુજરાતી એ જ મૂળ ભાષા કહેવાય અને રહેવાની. (ક્યારેક લાલ, પીડો ને વાદડી સાંભળી કે વાંચીને ભેજું ફરી જાય ખરું 😊

મારી ભાષા એ મારી ઓળખ છે, વજૂદ છે અને ગૌરવ છે. એની ‘સેવા’ કરી શકું છું કે નહીં તે તો કોણ જાણે, પણ એને માટે ગર્વ ન અનુભવું એમાંની હું તો નથી. તમે છો? 

~ નંદિતા ઠાકોર 

આપનો પ્રતિભાવ આપો..