મારા મોટાફોઈ : એક સેનાની (સત્યઘટના) ~ જયશ્રી વિનુ મરચંટ ~ કટાર: જિંદગી ગુલઝાર હૈ

લેખિની”ના “અલ્પપ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની વિશેષાંક” જુલાઈ ૨૦૨૧, સૌજન્યથી સાભાર. “જિંદગી ગુલઝાર હૈ” કટારના ફોર્મેટ જાળવવા યથોચિત સંપાદન કરવામાં આવ્યું છે, એની નોંધ લેવી.) 

મારા મોટાફોઈનું પિયરનું નામ કસ્તુર અને સાસરીમાં એમનું નામ પન્ના હતું. મોટાફોઈના પુત્ર માંડ બે-ત્રણ વર્ષના હશે અને લગ્નના પાંચ-સાત વર્ષોમાં જ મોટાફોઈ વિધવા થયાં હતાં. પૈસાવાળું કુટુંબ એટલે પતિના મૃત્યુ પછી એવી કોઈ કામ કરવાની આવશ્યકતા નહોતી. પણ એમને કોઈનાયે ઓશિયાળા થઈને નહોતું રહેવું.

પ્રાથમિક શાળામાં ભણાવી શકાય એ માટે પોતે આ ઉંમરે પાછાં ભણ્યાં અને શિક્ષિકા થવા માટેના આવશ્યક સર્ટિફિકેટ મેળવ્યા. એમણે સાઉથ મુંબઈની ન્યુ ઈરા સ્કૂલમાં પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ૩૫-૪૦ વર્ષો સુધી કામ કર્યું.

મોટાફોઈને સંગીતની ઈશ્વરદત્ત આત્મસૂઝ હતી અને કંઠ પણ ખૂબ મધુર. એમના સૂર ગાતા સમયે કદી આઘાપાછા ન થતાં. ફોઈની આ જ ચિવટ એમના શિક્ષણકાર્યમાં પણ હતી અને ઘરના દરેક કામ અને વ્યવસ્થામાં પણ હતી. અનેક એન્જિનિયર્સ, ડોક્ટર્સ, સાહિત્યકારો અને પ્રોફેશનલસ એમની પાસે ન્યુ ઈરામાં “ક, ખ, ગ..” શીખ્યાં હશે. પણ, મોટાફોઈના એક અજાણ્યા પાસાને મારે અહીં ઉજાગર કરવો છે. એ છે એમનું ગાંધીજીની “ક્વીટ ઈન્ડિયા”ની ચળવળમાં એમણે કરેલું મૂક, નાનું, નજીવું અને અદનું પ્રદાન.

મોટાફોઈ પ્રભાતફેરીમાં જતા અને રાષ્ટ્રભક્તિના ગીતો ગાતાં, મુંબઈની ગલીઓમાં એમની ટુકડી સાથે વહેલી સવારે નીકળતાં. ૧૯૯૦ના પાછલા વર્ષોમાં મેં એમને પુછ્યું હતું કે “તમે કેમ વહેલી સવારની “પ્રભાતફેરી” માં જોડાયાં? ત્યારે તો ઈન્ટરનેટ ને ઈમેલ કે સેલ ફોન તો નહોતાં તો આવી બધી બાબતની જાણ લોકો સુધી કેવી રીતે પહોંચતી? કઈ રીતે લોકો આવી લોકલ લેવલ પર થતી પ્રવૃત્તિમાં શામેલ થતાં?” 

એમણે કહ્યું, “એ સમય જુદો હતો. હું તો માત્ર એક સાવ નગણ્ય સ્વયંસેવિકા હતી અને એ પણ પાર્ટટાઈમ. ગાંધીજી અને અન્ય સ્વાતંત્ર્ય માટે અવિરત લડતાં વીરોની વાતો સાંભળતી ત્યારે એટલું મને સમજાતું હતું કે “પ્રભાતફેરી” જેવા કાર્યક્રમો મારા જેવા સામાન્ય માણસો માટે છે. “પ્રભાતફેરી” જેવા કાર્યક્રમોને અમારા જેવા અનેક મામૂલી માણસો હાથોહાથ ઊંચકીને લેતાં. સાદી ભાષામાં લખાયેલાં રાષ્ટ્રભાવનાથી છલકાતાં ગીત અને પ્રાર્થનાને સામાન્ય માણસો સુધી, સંગીતમય બનાવી પહોંચાડવાથી સમાજમાં આઝાદી માટેની, સ્વરાજ માટેની જાગરૂકતા જગાડવાનો એ પ્રયત્ન ખૂબ જ સફળ નીવડ્યો હતો.

હા, એ સમયે ઈન્ટરનેટ ને આજની ઈમેલ જેવું કોઈ માધ્યમ નહોતું પણ લોકો તોયે સાચી માહિતી એકમેકને ‘માનવ-કડી’ બનાવીને પૂરી પાડતાં હતાં. મને બીજું તો કંઈ આવડતું નહોતું પણ ગાતાં આવડતું હતું તો મને થયું કે સવારના મારો દિવસ શરૂ કરતાં પહેલાં હું “પ્રભાતફેરી” અને પ્રાર્થનાસભામાં જોડાઈને કમ સે કમ આઝાદીના આ આંદોલનને મારું પોતાનું સમર્થન આપીને આઝાદીની ઈમારતના પાયાનો પથ્થર તો થઈ શકું છું. બસ, આટલું જ કારણ હતું કે હું આ કાર્યક્રમમાં જોડાઈ. 

“મને કુતૂહલ એ વાતનું છે કે કોઈ પણ એક્ઝીક્યુશન પ્લાન વિના આ બધું કઈ રીતે થતું હતું? તમારી સાથે અન્ય વોલિન્ટિયર્સ પણ હતાં?”

“હા. અમે બધાં સ્વયંસેવકો પોતાના એરિયામાં આ ફેરી શરૂ કરતાં પહેલાં એક નિશ્વિત જગાએ મળતાં અને ક્યા માર્ગથી આ ફેરી લઈ જવાની છે એનું પ્લાનીંગ કરતાં. સવારના ભાગમાં, સૌ પોતાના ઘરમાં દિવસનો નિત્યક્રમ શરૂ કરતાં હોય. આથી વધુમાં વધુ લોકોમાં આ વિશેની જાણકારી ઘરઘરમાં સરળ ભાષામાં લખાયેલાં રાષ્ટ્રગીતો અને પ્રાર્થના દ્વારા પહોંચાડી શકાય.”

“પણ કોઈક તો હશે કે જે સૌને નિર્દેશ આપે અથવા તો આમાં કોણે ક્યારે જોડાવાનું એ નક્કી કરીને આ બધી જ ચળવળનો હિસાબ રાખે?” 

ફોઈએ હસીને કહ્યું, “મજાની વાત એ હતી કે આ “પ્રભાતફેરી” નું આયોજન અને એના નેતા કોણ એવું પિષ્ટપેષણ ક્યારેય થયું નહોતું. અમારી સાથે મુસ્લિમ અને ઈસાઈ બહેનો પણ આ “પ્રભાતફેરી” માં જોડાતી હતી. કોઈનોયે ધરમ કે જાતિ કદી અમારી વચ્ચે આવતી નહોતી. કોઈનેય નામ, ઈનામ કે અકરામની ખેવના નહોતી. બસ, એક જ લગન હતી કે આ સ્વાતંત્ર્ય સંગ્રામ અને આઝાદી કેટલી અગત્યની છે, એ સાદું સત્ય દેશની શેરીઓમાં અને ગલીઓમાં વસતો સામાન્ય માણસ પણ સમજી શકે. મને મેઘાણીનું આ ગીત ગાવાનું બહુ ગમતું.

“નથી જાણ્યું અમારે પંથે શી આફત ખડી છે

 ખબર છે એટલી કે માતની હાકલ પડી છે” “

આ વાત થઈ ત્યારે ફોઈ કદાચ ૮૪-૮૫ વર્ષના હતાં. મારા ખૂબ આગ્રહથી એમણે એ બે પંક્તિ ગાઈને સંભળાવી. ત્યારે એમની આંખો બંધ હતી અને એમના મુખ પર કોઈ અદભૂત કાંતિ હતી. એ સમયની યાદમાં તેઓ સદંતર ખોવાઈ ગયા હતા.

મોટાફોઈ અમારે ત્યાં મલાડ રહેવા આવતાં ત્યારે એમની સાથે વાતો કરવાની બહુ મજા આવતી. મારા બાપુજી-ભાઈ, અને ફોઈની વચ્ચે ઉંમરમાં બહુ ફરક ન હોવાથી, એ બેઉ ભાઈ-બહેન વાતો કરતાં- કરતાં ક્યારેક વાતવાતમાં ઝઘડી પણ પડતાં. બેઉ ભાઈ-બહેને વચ્ચે આ પ્રેમભરી “સિબલીંગ રાઈવલરી” છેલ્લે સુધી રહી હતી.

મારા પિતાજી આજીવન કોંગ્રેસી રહ્યાં. એમણે એમનાથી બનતી આર્થિક મદદ તેઓ આઝાદીની લડતમાં કાયમ કરતા હતા. એક વખત સ્વાતંત્ર્યની લડત વિષે ભાઈ- મારા પિતાજી- અને મોટાફોઈ બે-ત્રણ કલાક સરદાર પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ વગેરેની વાતો ખૂબ ભાવુકતાથી યાદ કરતાં બેઠાં હતાં. કદાચ, એ બેઉ ભાઈ-બહેન વચ્ચે જ્વલેજ જોવા મળતી એવી સંવાદિતાની આ એક મખમલી પળની હું સાક્ષી બની હતી. મારા ધ્યાનમાં છે ત્યાં સુધી, એ વખતે હું કોલેજના પહેલા કે બીજા વર્ષમાં ભણતી હતી. એનું જે સ્મરણ મારા હ્રદય પર આજે પણ અંકિત છે, એને ટાંકવાનો મોહ હું જતો નથી કરી શકતી.

ભાઈ – “તને યાદ છે? આપણે જ્યારે નાનાં હતાં ત્યારે આપણા જૂના ઘરની બાજુના ભાગમાં આગળ કૂવો હતો, એની પાછળ ઘટ્ટ આંબાવાડિયું હતું અને એની નીચે સદંતર ઢંકાઈ ગયેલી બે નાની પતરાની રૂમો ત્યારે હતી?”

મોટાફોઈ – “હા, બિલકુલ યાદ છે. એ સમયે આઝાદીની લડતના નામી કે ગુમનામી લડવૈયા અંગ્રેજોથી સંતાવા માટે શરણ શોધતા આવી ચડતા તો બાઈ (મારા દાદી) અને ભા (મારા દાદા) એમને ત્યાં રહેવાની સગવડ કરી આપતાં. મને એ પણ યાદ છે કે હું, બાઈ અને ભાભી (મારા મા), સાડીના છેડા નીચે ખાવાનું સંતાડીને, કોઈ જુએ નહીં એમ, એ રૂમોની બહાર એમને માટે મૂકી આવતાં અને ઉપર પાંદડા મૂકીને એને ઢાંકી દેતાં. પછી, બે ટકોરા હળવેથી મારીને, ચોર પગલે ત્યાંથી નીકળી જતાં”

ભાઈ – “મને યાદ છે ત્યાં સુધી એકવાર વિઠ્ઠલભાઈ પટેલ પણ ત્યાં એક દિવસ માટે સંતાયા હતા.”

મોટાફોઈ – “હા, મને એ બરાબર યાદ છે. મારે એમને જોવા હતાં અને મળવું હતું પણ પાછળ રહેલા એમના સાથીએ એવું કહ્યું હતું કે વિઠ્ઠલભાઈને કોઈક ખાસ જગાએ પહોંચવું જરૂરી હતું આથી તેઓ રાતના આવીને, થોડો આરામ કરીને તરત જ નીકળી ગયા હતા.” 

ભાઈ – “ત્યારે મલાડની વસતી તો ૮૦૦-૧૦૦૦ ની પણ માંડ હતી. આપણા આ ઘરની આજુબાજુ તો ભાતના ખેતરો હતા. અંગ્રેજોના સંત્રીઓ દિવસના ભાગમાં ઓછી વસ્તીવાળા એરિયામાં સતત આંટા મારતાં રહેતાં એટલે રાતના ભાગમાં જ આ સ્વાતંત્ર્ય સેનાનીઓ આવીને સંતાઈ જતાં અને પછી રાત કે વહેલી સવારના અંધારામાં જ ત્યાંથી જતાં રહેતાં.” 

મોટાફોઈ – “તુ તો તારા બિઝનેસમાં જ રહેતો હતો એથી તને તો ખબર નહીં હોય પણ, એ બે રૂમોમાં કોઈ ત્યાં આવ્યું છે એની ખબર આપણને પડે એ માટે રૂમના દરવાજા બહાર ચાર પથ્થર મૂકી દેતાં હતાં, જેથી એમને ખાવાનું પહોંચાડી શકાય. બાઈની સાથે હું, ઈન્દુ (મારા નાનાફોઈ) અને વલ્લભ (મારા નાનાકાકા) રોજ કૂવામાં પાણી ભરવાને બહાને સવારના ભાગમાં જોઈ આવતા કે ત્યાં પથ્થરો છે કે નહીં!”

ભાઈ અને મોટાફોઈ, બેઉ ભાઈ-બહેન, સત્યવક્તા, ખૂબ આખાબોલાં અને સ્પષ્ટ વક્તા હતાં. તેઓ એકબીજા સાથે આમ નોસ્ટાલજીક વાતો તો ક્યારેય કરતાં નહીં! પણ, આ એક વિરલ ક્ષણ મારા સ્મરણમાં એ દ્રશ્ય આજે પણ અકબંધ છે.

મોટાફોઈએ ગાંધીજીની “ક્વીટ ઈન્ડિયા” ની જે લડત ૮ ઓગષ્ટ, ૧૯૪૨માં, ગોવાલિયા ટેંકના ઓગષ્ટ ક્રાંતિ મેદાનથી શરૂ થઈ હતી એમાં પણ સ્વયંસેવિકા તરીકે ભાગ લીધો હતો. મારા કોલેજના દિવસોમાં મોટાફોઈની સાથે આ વાતો કરવાની મને ખૂબ મજા આવતી. 

એક વખત આમ જ વાતો કરતાં એમણે કહ્યું; “હું “ક્વીટ ઈન્ડિયા”ના આંદોલનમાં સ્વયંસેવિકા તરીકે માત્ર એટલું જ કરતી કે નાના પાયે ચાલતા સ્ત્રી મંડળોમાં જઈને આઝાદીની લડત વિષે માહિતી આપતી. હું સ્કૂલમાં ભણાવતી હતી આથી મને મુંબઈના વિવિધ વિસ્તારોમાં ચાલતાં સ્ત્રી મંડળો વિષે જાણકારી મળી જતી. હું અને મારા જેવી બીજી બે ચાર બહેનપણીઓ પ્રાર્થના સમાજ, તારદેવ, કોટ નો વિસ્તાર અને કાલબાદેવીના વિસ્તારમાં આવેલા સ્ત્રી મંડળોમાં જઈને આઝાદીની લડત માટે દેશમાં જે ઝુંબેશ ચાલતી હતી એનાથી એમને અવગત કરાવતાં.”

“શું ત્યારે આ માહિતી બધે પહોંચે એવું કોઈ મિડીયાનું અસરકારક માધ્યમ નહોતું?”

ફોઈ એકાદ-બે ક્ષણ વિચાર કરીને પછી બોલ્યાં, “મને ધ્યાનમાં છે ત્યાં સુધી “ક્વીટ ઈન્ડિયા”ની ચળવળ વખતે બધાં છાપાંઓ પર અને પત્રિકાઓ છાપવા પર આ વિશેની વાતો લખવા ઉપર પ્રતિબંધ હતો. ઉષાબેન મહેતા, સ્વરાજની લડતનું મોટું નામ હતું. તેઓ આ સમય દરમિયાન ગુપ્ત જગા પરથી મુંબઈમાં એક રેડિયો સ્ટેશન ચલાવતાં. અમને એ રેડિયો સ્ટેશન પરથી આ આઝાદીની જંગ વિશેની વધુ અને તાજી માહિતી મળી રહેતી. જો કે મને યાદ છે ત્યાં સુધી કોઈક અંદરના જ માણસે આ રેડિયો સ્ટેશન વિશેની ગુપ્ત વિગતો અંગ્રેજ સિપાહીને કહી દીધી અને એ રેડિયો સ્ટેશન બંધ કરવું પડ્યું. ઉષાબેનને પણ જેલ થઈ હતી. અમે સહુ ત્યારે બહુ જ ઉકળી ગયાં હતાં. કેટલા અફસોસની વાત છે કે આપણાં જ માણસો, આપણને પરદેશી તાકત સામે ઝૂકાવવામાં કારણભૂત થતાં રહ્યાં છે! સાચે જ સદીઓ વિતી ગઈ છે પણ આપણી વચ્ચે આવા જયચંદ અને અમીચંદ આજે પણ જીવિત છે!”    

દરેક વખતે ફોઈ આવી વાતો કરીને એક નિશ્વાસ સાથે એમનો તકિયા-કલામ જરૂર કહેતા, “એ વખત જ જુદો હતો, લોકો જુદાં હતાં!” એમના એ વાક્યમાં શરશય્યા પર સૂતેલા ભીષ્મની વેદના અનાયસે ટપકતી હતી.

મેં એકવાર એમને પુછ્યું હતું કે “ફોઈ, ગાંધીની વિચારધારાની તમારા પર ઊંડી છાપ હોવા છતાં તમે ખાદી કેમ ન અપનાવી? તમારા પર અન્ય સહયોગીઓને જોઈને કોઈ દિવસ એવું દબાણ ન આવ્યું કે તમે પણ ખાદી પહેરો?”

મોટાફોઈ કહે, “મને ગાંધીજીની બધી જ વાતો ગળે નહોતી ઊતરતી. હા, ખાદી પહેરવાથી અંગ્રેજ માલનો બહિષ્કાર કરવા માટે એક ઉપકરણ જરૂર મળ્યું પણ કોણ જાણે કેમ, સાચું કે ખોટું, સારું કે ખરાબ, પણ મને ખાદી અપનાવવાનું મન નહોતું થયું. મારા પર તો ગાંધીની બે વાતોએ ખૂબ જ અસર કરી છે, “સાચું બોલો અને ડર્યા વિના અન્યાય સામે અવાજ ઊઠાવો.” મને લાગે છે કે સત્ય બોલીને, અન્યાય સામે અવાજ ઊઠાવીને ને મારા અંતરના અવાજને અનુસરીને હું ગાંધીના બતાવેલા રસ્તા પર ચાલું છું. મને ગાંધીજીની વાતોમાંથી જે આટલું સમજાયું છે એ પ્રમાણે જીવી જાઉં તો બસ!”

મેં ત્યારે હસીને પૂછ્યું હતું કે “તમારો અંતરનો અવાજ કદી કોઈ પરિસ્થિતિમાં ખોટો આવ્યો તો? ગાંધીજી માટે પણ આજે કહેવાય છે કે એમણે દેશના ભાગલા વખતે અને વડાપ્રધાનની વરણી સમયે ખોટા નિર્ણય લીધાં હતાં!”

મોટાફોઈ મારા માથા પર ટપલી મારીને બોલ્યાં, “મને ખબર છે કે તું મારી અને તારા ‘ભાઈ’ ના મનમુટવની વાત આડકતરી રીતે કરી રહી છે છોકરી! બીજું કોઈ હોત તો હું આ વાત કરનારને ઘરની બહાર કાઢત, પણ, તારા સવાલનો જવાબ આપીશ. હા, મારા આત્માનો અવાજ કોઈક સંજોગોમાં ખોટો હોય શકે પણ એ સાચા-ખોટાનો નિર્ણય સમય પર જ છોડીશ.” 

મોટાફોઈ છેલ્લા શ્વાસ સુધી આ પ્રમાણે જ જીવ્યાં. એમણે કદી પોતાના આત્માના અવાજ સાથે સમાધાન ન કર્યું. She lived her life on her own terms with conviction. 

ન ટેલિફોન, ન તાર, ન સંપર્ક સાધવાના સાધનો કે ન કોઈ પહેલેથી કરી રખાતી વ્યવસ્થા કે પ્લાનીંગ, આવી બધી જ વ્યવસ્થિત રીતે પ્રસરતી અવ્યવસ્થા વચ્ચે, અનેક ધર્મો, જાતિ અને ભાષામાં વહેંચાઈ ગયેલી, જીવન ટકાવી રાખવાના મૂળભૂત સાધનોથી પણ વંચિત આપણી પ્રજા, આટલો મોટો આઝાદીનો સંગ્રામ કેવી રીતે લડી હશે એવો પ્રશ્ન મારા મનમાં આજે પણ ઊઠે છે. પણ, ત્યારે મને મારા મોટાફોઈ, પન્નાબેન મરચંટ જેવા અનામી અને પાયાના લેવલ પર નાનાં કામ કરનારા અસંખ્ય અદના સેનાનીઓ યાદ આવે છે. આ સાવ સામાન્ય લાગતાં સૈનિકો, પોતાની પાછળ કોઈ પણ જાતની નામના કે ફૂટ પ્રિન્ટ મૂક્યા વિના, ચૂપચાપ પોતાથી બનતા સાવ નાના લાગતાં કામ કરીને કાળની ગર્તામાં ગર્ક થઈ ગયાં! 

મોટાફોઈ આમ જુઓ તો ન તો ગાંધીના આશ્રમમાં રહ્યાં, ન તો એમણે ખાદી પહેરી, ન તો “અંગ્રેજો ભારત છોડો” ના નારા લગાવવા રસ્તા પર ઊતર્યા, ન જેલમાં ગયાં. એમણે ન રેંટિયો કાંત્યો કે ન તો કોઈ મંચ પર ઊભાં રહીને ભાષણો આપ્યાં. મોટાફોઈએ માત્ર પોતાનાથી બનતા પ્રયાસો કરીને આઝાદીની લડત વિશે એમના રહેઠાણ સ્થળની આસપાસના એરિયામાં જ પ્રભાતફેરી કરીને અને સ્ત્રી મંડળોમાં ભાગ લઈને સ્ત્રીઓમાં જાગૃતિ ફેલાવવાનું નજીવું કામ એક સ્વયંસેવિકા તરીકે કર્યું. ન જાણે આવા કેટલાયે ગુમનામી કાર્યકર્તાઓ હશે કે જેમણે પાયામાં પોતાના આવા અગણ્ય અને નગણ્ય નાના કામોની સિમેન્ટ પૂરીને, આઝાદીની આખી ઈમારત ઊભી કરવામાં મદદ કરી હશે! આ બધાંને મારા બેઉ હાથે સો, સો સલામ! 

આજે, ૨૦૨૧ માં, સોશ્યલ મિડિયા થકી એક પોતાની છબી ઉજાગર કરવામાં વ્યસ્ત નેતાઓ સહિત, આપણે સહુ પ્રજાજનો પણ એ સમયના આવા અદના સૈનિકો પાસે કેટલાં વામણાં લાગીએ છીએ? વાર-તહેવારે ગાંધીનું નામ વટાવી ખાઈને, સ્વાતંત્ર્ય સંગ્રામની લડતનો હવાલો આપનારાઓ આપણા નેતાઓ અને આપણે સહુ, વ્યક્તિગત રીતે ગાંધીની સચ્ચાઈ અને અન્યાય સામે અવાજ ઊઠવવાની હિંમત લાવીને જીવી શકીએ તોયે દેશનું ભલું થશે.

~ જયશ્રી વિનુ મરચંટ

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. બહુ જ સરસ ! ભત્રીજી એ ફોઇ જોડેના સંબંધોને જીવંત કરી વાચકના હૃદયને ઝકઝોરી નાખ્યું. આભાર.

  2. .

    ‘આપણા નેતાઓ અને આપણે સહુ, વ્યક્તિગત રીતે ગાંધીની સચ્ચાઈ અને અન્યાય સામે અવાજ ઊઠવવાની હિંમત લાવીને જીવી શકીએ તોયે દેશનું ભલું થશે.’ સાચી વાત પણ સાંપ્રતસમયે સમજાવવુ
    બહુ કઠીન છે