ઈદી (વાર્તા) ~ જયશ્રી પટેલ

(પ્રકાશન સૌજન્ય: ગુજરાત મેઈલ – અમદાવાદ)

ભંગારવાળો જુનુસ હતો ખોજા મુસલામ, તે બોલવામાં પણ ખૂબ મીઠડો હતો. જ્યારે નીચેથી બૂમ પાડે કે મેહરુનીશા બહાર દોડતી આવે. બન્ને એકબીજાને જોઈ મુસ્કુરાય અને પછી પાછા પોતપોતાના રસ્તે પડી જાય. મેહરુનિશા વિચારતી ખુદાનાખાસ્તા જો કોઈવાર અબ્બુ જોઈ ગયા તો! 

એ વાતને પાંચ સાલ વીતી ગયાં. હવે જુનુસ પાસે મોટી દુકાન હતી, મોટો ધંધો હતો અને મેહરુનિશા પણ ઓગણીશમાંથી પચ્ચીસની થઈ ગઈ હતી. પ્રેમમાં બન્ને પડી જ ચૂક્યા હતાં. જુનુસને પરિવારમાં કોઈ જ નહોતું. અબ્બુ કે અમ્મી જે ગણો તે રહીમચાચા જ હતાં જેમણે તેને મોટો કર્યો હતો. જુનુસે રહીમચાચાને બધી વાત કરી.

ખુદાના માણસ રહીમચાચા નિકાહની વાત લઈ પહોંચ્યા મેહરુનિશાનાં અબ્બુ રિયાઝ પાસે. જાણતાં હતા કે રિયાઝ થોડો માથાભારે છે , પણ તેઓને પોતાની જુબાં પર ખૂબ જ ભરોસો હતો. 

રિયાઝ સાથે વાત કરવા આવેલા રહીમચાચાને વાતવાતમાં ખબર પડી કે મેહરુનિશા તો મા બની શકે તેમ નથી. આ વાત કહેતાં કહેતાં રિયાઝની આંખો ભરાઈ આવી અને તે જુનુસને છેતરવા નહોતો માંગતો. આ વાત જણાવી દેવામાં જ ભલમનસાઈ ગણી હતી.

રહીમચાચા હવે જુનુસને શું કહે? સત્ય જણાવવું જ રહ્યું .નમાઝી જુનુસનું હૃદય તૂટી જશે ? શું રસ્તો કાઢવો? આ વિચારોમાં ને વિચારોમાં રહીમચાચા મસ્જિદ આગળ જઈ બેસી ગયાં. જુનુસ મસ્જિદમાંથી બહાર આવ્યો અને તેણે જોયું કે ઉદાસ રહીમચાચાની આંખો ભીની અને ચહેરો દુ:ખી છે.

તેણે કારણ જાણવા પ્રયત્ન કર્યો. કારણ જાણતાં , તે ફિક્કું હસ્યો ને બોલ્યો, ‘ચાચા, મારે ક્યાં ખાનદાન પરિવાર કે આગળ પાછળ નામ છે કે હું આશા રાખું કે મારો વારસ મારા ખાનદાનનું નામ રોશન કરે! જાઓ રિયાઝચાચા ને કહો, હું મેહરુનિશા સાથે નિકાહ પઢવા તૈયાર છું.’

રિયાઝ અને મેહરુનિશા તો વિશાળ હૃદયી જુનુસનો ઉત્તર સાંભળી ગદગદ થઈ ગયાં. રિયાઝે જુનુસને કહ્યું,” તુમ સચમુચ ખુદા કે બંદે હો.” 

ખુદાની સચ્ચી ઈબાદત કરનાર અને સાચા હૃદયથી પ્રેમ કરનાર ખરેખર શારિરીક ખોડ કે ખાંપણ જોતા નથી. નિકાહને પાંચ વર્ષ બાદ જુનુસ ખૂબ મોટો વ્યાપારી બની ગયો હતો.

એક દિવસ મેહરુનિશાને સમાચાર મળ્યા પડી કે તેની સહેલી કોઈ મહારોગમાં સપડાઈ છે. તેની નાની બાળકીની સંભાળ રાખનાર કોઈ જ નથી. ત્યારે મેહરુનિશા તે બાળકીને પોતાને ત્યાં લઈ આવી. પોતાની સહેલીને અસ્પતાલમાં મૂકી. જો કે જુનુસને આ ન ગમ્યું. તે ક્યારેય પેલી બાળકી સામે જોતો જ નહિ. સામે પણ ન આવતો.

થોડા દિવસમાં મેહરુનિશાની સહેલી દુનિયાને અલવિદા કહી ચાલી ગઈ, પણ આંખો બંધ થાય એ પહેલા તેને દીકરીની ચિંતા નહોતી. રહીમચાચાએ કબ્રસ્તાન વિધિ પતાવી.

દીકરીનું નામ રશિદાબાનુ રાખવામાં આવ્યું. જુનુસની અનદેખી હજી ચાલુ જ હતી. મેહરુનિશાએ પોતાના પ્યારનો વાસ્તો આપ્યો તો પણ જડબેસલાક બંધ કરી દીધેલા પોતાના હૃદયનાં દ્વાર તેણે ન ખોલ્યા. અચાનક એક દિવસ તે ગાડીમાં બેસવા જતો હતો અને એક સુંદર બાળકી તેનો સુટ ખેંચી રહી. તેની કાલીઘેલી ભાષામાં હાથ લંબાવી બોલી, ”અબ્બુ ! ઈદી..”

જુનુસ મસ્જિદમાં ઈદી આપવા જઈ રહ્યો હતો. તે એકદમ જ સડક થઈ ગયો. તેણે બંધ કરેલા હૃદયનાં દ્વાર પર જાણે કોઈએ હથોડો માર્યો હોય ને તેના ચૂરેચૂરા થઈ ગયા હોય તેમ બે ઘડી તેના કાને ફરી ફરી “અબ્બુ ઈદી”, “અબ્બુ ઈદી”ના  પડઘા અથડાયા કર્યા.

.જુનુસે બાળકીને ઉપાડી વહાલ ચુંબનોથી પ્રેમની વર્ષા કરી. દૂર ઉભેલી મેહરુનિશાનું હૃદય માતૃવાત્સલ્યથી છલકાય ઉઠ્યું.. રશિદાને અબ્બુ રૂપી ઈદીની ભેટ મળી ગઈ.

(ઈદી = જે દિવસે ઈદ હોય તે દિવસે એકબીજાને અપાતી ભેટ)

~ જયશ્રી પટેલ

આપનો પ્રતિભાવ આપો..

32 Comments

 1. ખૂબજ સુંદર વાતાઁ છે. હ્રદયને હચમચાવી દે તેવી છે. આમે નાના બાળકો સૌને પ્યારા હોય છે. ગમે તેવો માણસ હોય તો પણ તે જરૂર પીગળી જાય.

 2. Scale of:
  Bad- Good- Better- Best
  Review- Best Story
  Review Description:
  Love is beyond human vision is the theme of this story. In today’s selfish and discriminatory social behavior, story enlightening the positivity. Writer gets the Kudos…

 3. ખૂબ સરસ વાર્તા, હૃદયને સ્પર્શી ગઈ.
  સહુને એમની ઇદી મળે એવી ભાવના જાગી મનમાં.
  હ્રદયસ્પર્શી

 4. વિવિધ સ્તરે જીવતાં માનવીઓની મનઃસ્થિતિ નું સુંદર ચિત્રણ

 5. ખૂબ જ હ્રદય સ્પર્શી અને મૂલ્યવાન ઈદી.. વાહ જયશ્રી બહેન