ગની દહીંવાલા ~ જન્મદિન : ૧૭-૮-૧૯૦૮ ~ ચૂંટેલા શેર
કેટલાક ઓછા જાણીતા શેર :
૧.
અંધાર રાતનો છું કે સૂરજનું તેજ છું
જે કાંઈ પણ છું હું, તમારા વડે જ છું
૨.
તમારી યાદની સાથે જ આંખમાં આંસુ!
વહે છે તાજની સાથે જ નીર જમનાનાં
૩.
તું એ વર્ષ છે, જે એકાએક વરસી પડે
મુજ તૃષા એવી, જે બારે માસ ચાતક હોય છે
૪.
જર્જર છે છતાં દેવની એંધાણી છે
મંદિરની ધજાએ તો ફરકવું જ રહ્યું
૫.
અતિથિ બે હતાં પણ એકને આપી દીધી રૂખ્સદ
ખુશીને તો કહ્યું જાવા, હવે સંતાપને નહીં કહું
૬.
આ મદ્રસાથી વાલી! ઉઠાવી જ લે મને
અહીંનો સબક જુદો છે : અને હું ભણું જુદું
૭.
ક્ષણિક ઉદાસી તમોને ય એ રીતે પીડે કે
જાણે લટ મહીં પહેલો સફેદ વાળ મળે
૮.
આમારી જેમ સૂરજને શિખામણો દેવા
ક્ષિતિજને એક ખૂણે લઈ જવામાં આવ્યો છે
૯.
પંખી થાકી જાય માળો બાંધતા
ડાળ કંઈ અવળી રીતે સીધી હશે
૧૦.
માટીને મ્હેકવાની ગતાગમ નથી હજી
વરસાદ આંગણા મહીં વરસોવરસ પડ્યો
૧૧.
કરતા થયા છે લોક મહોબ્બત વિનાની વાત
ખાલી મકાન રહી ગયાં, વસ્તી જતી રહી
૧૨.
પૂર્વમાં સરિત કાંઠે એમ સૂર્ય ઊગ્યો છે
બેડલું ગઈ ભૂલી જાણે કોઈ પનિહારી
૧૩.
ઘણું ભારણ છે જીવનમાં, છતાં એક બોજ એવો છે
ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે
૧૪.
હૈયે ગની સંભળાય છે પગરવ તો, પરંતુ
પાછો વળે મેળેથી સમુદાય જે રીતે
૧૫.
સદા એ તેજ-તિમિરની જ આસપાસ હતી
પૂનમ કદી, તો કદી જિંદગી અમાસ હતી
૧૬.
ભરી બેઠા અદાલત ને ઊભા જઈ પોતે પીંજરામાં
મળી છે લાખેણી મુક્તિ છતાં બંધાયેલા છીએ
૧૭.
ગની, થાકી ગયો પણ દિલ કહે છે પુત્રની પેઠે
તમે આરામથી બેસો, બધી આરત મને આપો
૧૮.
એ રીતે ઝબકીને દિલની ઝંખના જાગી હશે
ઊંઘતી રાધા હશે ને વાંસળી વાગી હશે
૧૯.
હજી તો એમણે પાલવ મુક્યો નથી છુટ્ટો
ને એ દિશામાં હવાઓ તો દોડવા લાગી
૨૦.
મને થતું: ઢળી પડીશ હું અમુક શ્વાસમાં
ભલું થયું, તમે મને મળી ગયા પ્રવાસમાં
~ ગની દહીંવાલા
(દહીંવાલા અબ્દુલગની અબ્દુલકરીમ)
(૧૭.૮.૧૯૦૮ ~ ૫.૩.૧૯૮૭)

વંદન..
ખૂબ સુંદર સંકલન
ગનીજીને વંદન.
દિગ્ગજ કવિના સર્જન અને સ્મરણને વંદન
દરેક શૅર એક અમૂલું મોતી.
ગની ચાચાને આદરભર્યા વંદન.
વાહ… સરસ સંકલન…