તેજ સ્વરૂપ એ પરમેશ્વર (લેખ) ~ હિતેન આનંદપરા ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ ગુજરાતી મિડ-ડે

આ સૃષ્ટિ કોઈ અકળ તેજ ને સકળ ચેતનાથી પલ્લવિત છે. યુગોથી સૂર્યની સ્વીચ ઑન અને ઑફ થયા કરે છે. આમ તો સૂર્ય અવિરત પ્રકાશમાન છે, પણ આપણે તેજથી અંજાઈ ન જઈએ એ માટે કુદરતે તેજ-તિમિરની ગોઠવણ કરી આપી છે. પૃથ્વીને સૂર્યની ફરતે કોણ ફેરવે છે, ચંદ્રને પૃથ્વી ફરતે કોણ ફેરવે છે એનાં વૈજ્ઞાનિક કારણો આપણે સ્કૂલમાં શીખ્યા છીએ. છતાં આ વિદ્યાર્થીમન કૌતુકમાંથી બહાર નથી આવી શકતું. કશું અગોચર ને કશું અગમ્ય એવું તત્ત્વ છે જે નજર સામે હોવા છતાં નજરની પહોંચમાં આવતું નથી. લલિત ત્રિવેદીને થતા પ્રશ્નો  આપણને પણ થાય જ છે…

પથરાયું છે આ સાંજમાં કોની જટાનું તેજ?
આકાશમાં ઝબોળતો અવતાર કોણ છે?
આ કોણ ગુમ થયું છે ગુફાના પ્રકાશમાં?
આલેક થઈ ગયેલો ચમત્કાર કોણ છે?
શાશ્વત તત્ત્વની ખોજ માટે જિંદગીઓ તો શું જન્મો પણ ઓછા પડે. માણસે યંત્રો બનાવ્યા, પણ શરીર ભીતરની આખી યંત્રણા કેવી રીતે કાર્યરત રહે છે એ સમજવામાં કોઈ ધી ઍન્ડ આવે નથી. જેમ ગીતાના શ્લોકમાંથી હર વખત કોઈ નવું અર્થઘટન પ્રાપ્ત થાય એમ મેડિકલ સાયન્સમાં નવાં ને નવાં પાસાં ઉજાગર થતાં જાય. બધું શોધાઈ ગયું છે, હવે કંઈ બાકી નથી એવો વિચાર સાયન્સ પણ ન કરે અને સમજુ પણ ન કરે. અમિત વ્યાસ કહે છે એમ આ બધું સમજવા ગુરુનું શરણ લેવું પડે…
સાંઈ! તમે જ કંઈક કહો તાંતણા વિશે
લોકો તો ગૂંચવાઈ ગયા છે, કપાસમાં
જ્યારે સ્વયમના તેજથી અંધાર ઓગળે
ત્યારે ફરક રહે નહીં પૂનમ-અમાસમાં
જાતમાં દૈવત ઉમેરવા માટે ગર્ભશ્રીમંત નહીં પણ મર્મશ્રીમંત હોવું જરૂરી છે. કશુંક પામવાની તરસ જ તરવેણી સુધી પહોંચાડી શકે. આમ તો મહાત્માઓએ આ રાહ ચીંધ્યો જ છે, પણ દરેકે પોતાની કેડી પોતે કંડારવાની હોય કારણ કે દરેકનું અનુભૂતિનું વિશ્વ અલગ હોવાનું. હાથમાં નક્શો હોય તો ગંતવ્ય સુધી પહોંચવામાં સહાય થાય પણ પ્રવાસ તો પોતે જ કરવો પડે. હેમંત મદ્રાસી તેની કળ આપે છે…
ના પ્રકાશિત થઈ શકાશે અન્યથા
બસ હવે તો ખુદ તું તારો સૂર્ય થા
અંધકારે જીવવાનું છોડીને
તેજથી ઝગમગતું કોઈ દૃશ્ય થા
ગરબાનાં છિદ્રોમાંથી પ્રસરતું તેજ હોય કે મસમોટા સૂર્યમાંથી પ્રસરતું તેજ હોય, બન્નેની જ્ઞાતિ એક જ છે. અહીં ઊંચનીચની કે વત્તાઓછાની વાત નથી, સત્ત્વ અને તત્ત્વની વાત છે. મસમોટા સમુદ્રમાં પાણીનું એક નાનકડું ટીપું પણ મહત્વનો હિસ્સો હોય છે. વામનથી વિરાટ સુધી જે ચૈતન્ય પથરાયું છે એને પામવાની એક ટકો મંછા પણ જાગે તો બધા જ રાગ, દ્વેષ, માન, અપમાન જેવા દુન્વયી ટંટાફિસાદ ટાંયટાંયફીસ થઈ જાય. સંસારમાં રહીને સાધુત્વને નિભાવી જાણવું અઘરું કામ છે. આવા લોકો પાસેથી જિંદગીનો વિશેષ અર્થ સમજવા મળે. એ માટે હૈયાનો ધબકાર અને પાયાનો નિર્ધાર આવશ્યક છે એવું પ્રવીણ શાહ જણાવે છે…
કર મન એક વિચાર, જવું છે
ખોલી સઘળા દ્વાર જવું છે
દૃશ્યોને પણ ઓળંગીને
તેજ-તિમિરની પાર જવું છે
અલૌકિકને પામવાની, ઓળખવાની, જાણવાની ઝંખના જાગવી એ પણ કૃપા છે. એમાં ઉંમર આડે નથી આવતી. પૂર્વજન્મના બીજ સંસ્કારિત થયા હોય એવા ઘણાં બાળકો કિશોરાવસ્થામાં પહોંચતા જ આમૂલ ફેરફારના સાક્ષી બને છે. જીવ જ્યારે દુનિયામાં ચોંટતો ન હોય ત્યારે સમજી લેવાનું કે પરમ તત્ત્વએ કોઈ વિશેષ પ્રયોજન તમારા માટે નિર્માણ કર્ય઼ું છે. સ્મિતા શાહ ‘મીરાં’ તેનો પરિચય કરાવે છે…
કોણ છાતીમાં ધખાવે છે ધૂણી
હોય કંઈ ઓમકાર જેવું ભીતરે
‘છે તુંહી’ બાજે ‘તુંહી’ ઝંકાર સમ
શ્વાસમાં એકતાર જેવું ભીતરે
ભીતર તરફનો ઝોક વિકસાવવામાં અનેક પરિબળો ભાગ ભજવે. વિવેકાનંદના પિતા વિશ્વનાથ દત્તા કલકત્તા હાઈ કોર્ટમાં એટર્ની હતા. વિવેકાનંદના દાદા દુર્ગાચરણ સંસ્કૃત અને પર્શિયનના સ્કોલર હતા જેઓ પચ્ચીસ વર્ષની ઉંમરે સાધુ બન્યા હતા. વિવેકાનંદને નાની ઉંમરથી જ અધ્યાત્મ તરફ આકર્ષણ થયું હતું. વિશદ અભ્યાસ અને રામકૃષ્ણ પરમહંસ જેવા ગુરુને પામી તેમણે અવનવી ઊંચાઈઓ સર કરી. લક્ષ્મી ડોબરિયા કહે છે એવી પ્રતીતિ વીજળીના ચમકારે થતી હોય છે…
તળ, સપાટી તાગવા આવી ચડે
સ્વપ્નમાં પણ સૂરતા આવી ચડે
એક પ્રતીક્ષારત દીવાના તેજથી
સાંજ ખુદના રંગમાં આવી ચડે
પરમનું તેજ કોઈ પણ રૂપે આપણી પાસે આવી શકે. ફૂલ હોય કે પતંગિયું, નદી હોય કે ઝરણું, પાંદડું હોય કે પર્વત, આરતી હોય કે અવરોધ, વાદળ હોય કે વૃક્ષ, બાળક હોય કે મૂર્તિ; એમ ગમે તે સ્વરૂપમાં તમને દર્શન થઈ શકે. શરત બસ એટલી છે કે આંખોમાં મથરાવટીનો મોતિયો ન થયો હોય. મનહર મોદીની પંક્તિઓ તળમાંથી તારવેલું તારણ તરતું મૂકે છે…
તેજને તાગવા, જાગને જાદવા
આભને પામવા, જાગને જાદવા
શૂન્ય છે, શબ્દ છે. બ્રહ્મ છે, સત્ય છે
ફૂલવા ફાલવા, જાગ ને જાદવા

ક્યા બાત હૈ

ધીમાં ધીમાં પગલાં ભરતાં કિરણોને રે ભાળું
તેજ સ્વરૂપ એ પરમેશ્વરને રોજરોજ નિહાળું

મનનું આંગણ ઝળહળ ઝળહળ
ઝળહળ શ્રદ્ધા દ્વાર
ઓમકારનો નાદ ગુંજતો
હૈયાને દરબાર
સમરણ પ્રભુનું કરતાં કરતાં ચિતડું એમાં ઢાળું

સૂર્ય જેમ અજવાળું અહીંયા
સંબંધોની સૃષ્ટિ
અંતરના ઈશારા સમજી
કરું પ્રેમની પુષ્ટિ
સાક્ષીભાવથી રહી જગતમાં મનખાને અજવાળું

પાપ પુણ્યના લેખાંજોખાં
કરવાં કેવી રીતે?
કર્મોના હિસાબ આપતા
જન્મારાઓ વીતે
જન્મ મરણના ફેરાઓને કેમ કરીને ટાળું?

~ મેઘજી ડોડેચા ‘મેઘબિંદુ
અવસાનઃ 2 ઑગસ્ટ 2021 

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. વાહ હિતેનભાઈ, ખૂબ જ સુંદર લેખ..
    સકળ ચેતનાનું તેજ સમગ્ર લેખમાં દેખાય છે.
    અભિનંદન દિલ સે..

  2. સ્વ મેઘજી ડોડેચા ‘મેઘબિંદુ‘ની સુંદર રચનાઓ સાથે તેજ સ્વરૂપ એ પરમેશ્વર સ રસ લેખ