અમે પુરુષની જાત (ગીત) ~ મુકેશ દવે
અમે પુરુષની જાત અમારા હૈયામાં કલ્પાંત છતાંએ આંખોથી ના ટપકી શકીએ,
અમે શ્રીફળની નાત અમારા જળનો છે ખખળાટ છતાંએ આછેરું ના છલકી શકીએ.
મન ઝળુંબ્યું આભ ઘટાટોપ ગોરંભાતું જાય
કે જાણે મેઘાડંબર વરસી પડશે,
શ્વાસ થંભી જાયને એવા વીજ કડાકા થાય
કે જાણે ગઢની રાંગો ફસકી પડશે,
અમે મેઘલી રાત અમારા રવરવમાં ઉકળાટ છતાંએ ઝરમરિયું ના વરસી શકીએ,
અમે પુરુષની જાત અમારા હૈયામાં કલ્પાંત છતાંએ આંખોથી ના ટપકી શકીએ,
ઊંડાઘૂને પથ્થર થઈને ભફાંગ ડૂબતા વમળવમળ સર્જાય
કે જળને રઢિયાળાં ચિતરીએ,
દેહ કોતરી ઘણાં ટાંકણાં ખમતા જાતા પીડાયું ઊભરાય
કે સૌની આરતમાં ઉતરીએ,
સૌને કરવાના રળિયાત મેલી ઓરતામાં આગ છતાંએ મૂરત થઈ ના ચમકી શકીએ,
અમે પુરુષની જાત અમારા હૈયામાં કલ્પાંત છતાંએ આંખોથી ના ટપકી શકીએ,
~ મુકેશ દવે
જિ. અમરેલી

સરસ રચના
ગીત રચના સરળ છે,એટલે સરસ છે…ગમ્યું.સલામ….
જશવંત મહેતા.
સુંદર ગીત
સરસ રચના
એક પુરુષ માટે રચાયેલ એક સરસ રચના
Nice poem
કદાચ પહેલી જ વાર પુરુષો માટેની કવિતા અને એકદમ સરસ !
સરસ મજાનું પુરુષો માટેનું પુરુષ કવિ થકી રચાયેલું ગીત.