મેઘ (ગીત) ~ રમેશ પારેખ

મેઘ વરસતાં થતું: કોઈની કૃપા કોઈ પર વરસે છે 
જાણે વિરહી જણને એનું પ્રિયજન આવી સ્પર્શે છે 

મેઘ વરસતાં થતું: કોઈની છાતી ગજગજ છલકે છે 
અવગુંઠનની પાછળ જાણે નટખટ કોઈ મલકે છે 

મેઘ વરસતાં થતું: આંખમાં સ્વપ્નો કોઈ આંજે છે 
ત્વચા તળેના અવડ કૂવા કોઈ નિર્મળ જળથી માંજે છે 

મેઘ વરસતાં થતું કે ધરતી નભનો વૈભવ ઝીલે છે 
ખેતરનું હર ઢેફેઢેફું ફૂલની પેઠે ખીલે છે 

મેઘ વરસતાં થતું: આપણી છાતી બહુ બડભાગી છે 
જળની લિપિ શીખવાની રઢ એને કેવી લાગી છે!

(અવગુંઠન ~ અર્થ : ઘૂંઘટ, ઘૂમટો, બુરખો)

~ રમેશ પારેખ (૩૦-૮-૯૬)
કાવ્યસંગ્રહ: છાતીમાં બારસાખ

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. વરસતા મેઘ જેવી નયનરમ્ય અને સ્પર્શક્ષમ કવિતા