એય…ને કાળુભાર (ગીત) ~ મનોહર ત્રિવેદી

(કાળુભાર = નદીનું નામ)

ચાલતી રહે એ…યને ઠુમકદાર બે કાંઠે મ્હાલતી રહે એય… ને કાળુભાર!
લૂનાં પીળાં ઝૂમખાંઓ ખંખોળિયું ખાવા આવતાં એને હળવે રે હુલાવતી રહે 
એય… ને કાળુભાર!

રેતના ઘાસલ થૂમડે બેસી કાળિયો કોશી ભરબપ્પોરે સૂર રેલાવે મોકળે મને
અડવાણે પગ સોંસરી વીંધી સીમ આ પવન વાતવે વળે ઝાડની આછી છાંયડી કને

એકલવાયું ઊડતું પંખી ચાંચ બોળીને જાય એ મશે જળનો દઈ સાદ એને
બોલાવતી રહે એય… ને કાળુભાર!

અહીંથી તહીં પતંગિયાની પાંખ-શાં નયન રઘવાયાં થઈ ઠેકઠેકાણે ભટકે કદી
ગઈ વેળાનાં સગડ ક્યાંથી હોય વેળુમાં? – તોય થાકોડાભેર બે ચરણ અટકે કદી

પાનીએ  રાતા લવકારાને ઠારવા ત્યારે કોઈ ભીના સંભારણે છાલક મારતી રહે
એય… ને કાળુભાર!

(૨૫-૩-૧૯૮૦)
~ મનોહર ત્રિવેદી
કાવ્યસંગ્રહ: છુટ્ટી મૂકી વીજ 


આપનો પ્રતિભાવ આપો..

4 Comments

  1. નદીના વેગ જેવું જ વેગીલું ને ઊછળતું ગીત