સવાર (ગીત) ~ કિશોર બારોટ

અંધકારના સરવર મધ્યે ‘ડબાક’ દઈને પડે સૂરજનો પ્હાણો, ઝલમલ તેજ કુંડાળા થાય.

નીડ-નીડથી એક સામટા ટહુકા ઊડે, કલરવથી કૈં ભરે છલોછલ રતુંબડું આકાશ
લપસી પડવાની બીકેથી પોચાં-પોચાં પગલાં તડકો માંડે, ફરકે લહલહ ઝીણું ઘાસ
સાવ અવાચક કૂવાને કૈં ફૂટયાં રણઝણ ગીત, રૂપના રેલા શેરી-શેરીમાં રેલાય
અંધકારના સરવર મધ્યે ‘ડબાક’ દઈને પડે સૂરજનો પ્હાણો ઝલમલ તેજ કુંડાળા થાય

પાંદ-પાંદ પર મ્હોરેલાં ઝાકળ ફૂલોમાં સૂરજ મલકે, ઊગ્યું જાણે નક્ષત્રોનું ઝાડ
કોઈ પરાજિત યોદ્ધા-શો આ પાછે પગલે ક્ષિતિજની રાવટીએ પૂગે ધુમ્મ્સ કેરો પ્હાડ
અને વાયરે ફંગોળાતો મોલ, ને ઉછળે લીલાં-લીલાં મોજાં, ખેતર દરિયો થઈ છલકાય
અંધકારના સરવર મધ્યે ‘ડબાક’ દઈને પડે સૂરજનો પ્હાણો, ઝલમલ તેજ કુંડાળા થાય

~ કિશોર બારોટ
+91 99252 52290


આપનો પ્રતિભાવ આપો..

5 Comments

  1. સુંદર કલ્પનોથી શ્રુતિગમ્ય કવિતા

  2. ‘મને ‘આપણું આંગણું’માં આવકારો આપવા બદલ હિતેન ભાઈનો આભાર 🙏

  3. અને વાયરે ફંગોળાતો મોલ, ને ઉછળે લીલાં-લીલાં મોજાં, ખેતર દરિયો થઈ છલકાય
    અંધકારના સરવર મધ્યે ‘ડબાક’ દઈને પડે સૂરજનો પ્હાણો, ઝલમલ તેજ કુંડાળા થાય
    વાહ્
    કવિશ્રી કિશોર બારોટનુ મધુરું ગીત

  4. અવનવાં કલ્પના અને પ્રતીકોથી સજ્જ મીઠ્ઠું ગીત…!!!