જત લખવાનું કે… ~ નંદિતા ઠાકોર ~ કટાર: ફિલ્ટર કૉફી
જત લખવાનું કે…
થોડાંક વર્ષ પૂર્વે એક સંપાદન કર્યું હતું, પત્રોનું. જુદા જુદા લોકોએ જુદી જુદી વ્યક્તિઓને લખેલા પત્રો હતાં. વ્યક્તિઓ જ શું કામ, ઈશ્વરને, પોતાના શહેરને, ગમતી વસ્તુને કે અનુભૂતિને પણ પત્ર લખાયા હતાં.

વિમોચન થયું હતું
નામાંકિત વ્યક્તિઓએ કોઈ ખાસ સમયે, પ્રસંગે કે વિષય પર લખ્યાં હોય એવા પત્રોના તો અનેક સંપાદનો થયાં છે જ પણ આ સંપાદનમાં વ્યક્તિ વિશેષથી માંડીને સીધા સાદા અદના વ્યક્તિએ લખેલા પત્રોનો સમાવેશ છે. ખાસ તો આ બધા પત્રો માત્ર સ્ત્રીઓ દ્વારા લખાયેલા છે. ક્યાંક કશેક વ્યક્ત થવાની,પોતાની ભીતરનું વિશ્વ ઉઘાડવાની માણસમાત્રની એક આદિમ ઝંખના કે જરુરત રહી છે. એમાં પત્રલેખને ઘણો મોટો ભાગ ભજવ્યો.
પત્ર લખવા માટે કંઈ લેખક કે કવિ હોવું ઓછું જ જરૂરી છે? પત્ર એટલે તો અંદરના તારની રણઝણને મનને ગમે અને ફાવે એ રીતે, એવી ભાષામાં અન્ય સુધી પહોંચાડવાની ઘટના. આજના જમાનામાં આપણી પાસે પત્રની અવેજીમાં બીજું ઘણું બધું ઉપલબ્ધ છે પણ હાથમાં કાગળ પકડીને વાંચવાની, તકિયા તળે દબાવી રાખીને પાછા વારંવાર વાંચવાની જે ‘લકઝરી’ છે તે બીજા કશામાં નથી. આપણે સહુએ પત્રો લખ્યા પણ છે અને મેળવ્યા પણ છે. પણ અમુક નિશ્ચિત સંબંધો કે જરુરતો કે કામ સિવાય પણ પત્ર લખી શકાય છે અને એની એક અનોખી મઝા છે. એ મઝાની વાત કરવી છે આજે.
વૉટ્સઍપ, ફેસબુક, મેસેન્જર વગેરેના આ જમાનામાં પણ મને એક પત્ર મળ્યો. સ્વહસ્તે લખાયેલો. સીધાસાદા ફુલસ્કેપ કાગળ પર સરસ અક્ષરે લખાયેલો. હા, મારા સુધી પહોંચડવાનો બીજો રસ્તો હાથવગો ન હોવાથી અને સમય પણ બચાવી શકાય એ ઈચ્છાથી એ હાથે લખાયેલ પત્ર મને મોકલવામાં આવ્યો, સરસ ફોટો પાડીને વૉટ્સઍપથી જ. મેં એક વાર વાંચ્યો, બે વાર વાંચ્યો પછી રહેવાયું નહીં એટલે એનું પ્રિન્ટઆઉટ કાઢી લીધું. ભલે ઓરિજિનલ કાગળ એ નહોતો છતાં લખનારનાં સ્નેહ અને લાગણી મને ભરપૂર અનુભવાયાં.
આ પત્ર બે રીતે વિશિષ્ટ છે. એક તો પત્રલેખક્ને હું ક્યારેય મળી નથી. અમારો પરિચય પરોક્ષ છે. અને બીજું એ કે જે કોઈ વાતો મૅસેજ, ચૅટ કે ફોનથી એ મને કહી શક્યા હોત એ એમના હસ્તાક્ષરમાં મારા સુધી મોકલીને એમણે એમનો સ્નેહ અને આદર પણ મારા સુધી વધુ સારી રીતે પહોંચાડયા. એમની અંગત અને સહજ લાગણી એ કાગળ પર ચિતરાઈ એમના અક્ષરોમાં.
આ જ વસ્તુ મને ઇમેઇલ કે મૅસેજથી મળી હોત તો એમાંથી એમની લાગણી ઘટી તો ન જ ગઈ હોત પણ આ પ્રકારે પત્ર લખીને એમણે મને એમના મારા તરફના સ્નેહ અને આદરની વધુ ઊંડી પ્રતીતિ કરાવી. મારા કોઈક કાર્યથી, કોઈક પ્રવૃત્તિથી મળતા આનંદને એમણે સુપેરે વ્યક્ત તો કર્યો જ પણ એ આ રીતે કર્યો જેમાં પ્રેમ અને આદરથી ભરેલું એક ખાસ સ્થાન મને એમણે આપી દીધું. કેટલાં લોકો આ કરી શકતા હશે? એ બહેને આ કર્યું અને એ મને ખૂબ સ્પર્શ્યું. કારણકે ઘણીવાર હું પણ આ રીતે પત્રો લખતી હોઉં છું. મનને કશું ગમ્યું, સ્પર્શ્યું એ વ્યક્ત કરવામાં પત્ર મને સૌથી વધુ પસંદ છે.
જયારે કોઈને પત્ર લખું છું ત્યારે હું ભાવનાત્મક સ્તરે એ વ્યક્તિ સાથે જોડાઉં છું, હું પોતે પણ સરસ રીતે, સહજ રીતે વ્યક્ત થાઉં છું. કશીક અંગત ભૂમિકા સર્જાય છે ત્યાં કે પછી જે તે વ્યક્તિ કે એને પત્ર લખવામાં નિમિત્ત બનેલું કારણ ખૂબ ખાસ હોવાની પ્રતીતિ ઉભયપક્ષને થાય છે.

દસ બાર વર્ષ પહેલાંની કેટલીક ઇમેઇલ્સ સાચવી છે અને વારંવાર હું એ વાંચું ય છું. પણ પ્લાસ્ટિકની જૂની થેલીમાં વીંટાળીને નકશીદાર ડબ્બામાં સાચવેલું જુના પત્રોનું ભાથું ખોલીને વાંચું છું ત્યારે હાથથી શરૂ કરીને હૈયા સુધી હેત કે હાશનો જે હૂંફાળો સ્પર્શ અનુભવાય છે એને શબ્દોમાં મૂકીને સમજાવી શકાય એમ જ નથી. કાગળની પોતાની અને લખનારના સ્નેહની સુગંધથી તરબતર થઇ જવાય છે.
સ્વજનના કે પ્રિયજનના પત્રની પ્રતીક્ષાની પણ એક અનોખી મઝા હોય છે. અહીં ઉલ્લેખ કરું છું એ પ્રકારના પત્રોમાં અલબત્ત એ પ્રતીક્ષા તો ન જ હોય પણ જે સરપ્રાઈઝનું તત્વ હોય છે તે બહુ સુંદર હોય છે. અપેક્ષા વગર મળેલું કંઈક, ધાર્યું પણ ન હોય ને આવી મળ્યું હોય એવું કંઈક. અને સાચે જ, એ બહુ અમૂલ્ય હોય છે. પત્રમાં લખાયેલી વાતોની, અક્ષરોની, એની પાછળની અલગ અલગ પ્રકારની લાગણીઓની દરેકની નોખી સુવાસ હોય છે અને ભીતરના વિશ્વમાં એનો ઉઘાડ થાય એ ક્ષણોની રમ્યતાનાં સ્પંદન વર્ષોના વર્ષો સુધી માણસના સંવિતમાં છલકાતાં રહે છે.
ભલે સમયની અને જમાનાની કે આજની જિંદગીની માંગ એ હોય કે આપણે આધુનિક સુવિધાઓનો ભરપૂર ઉપયોગ કરીએ. એ જરુરી જ છે. કરવું જ જોઈશે, પણ ક્યારેક કાગળના ખોળે કલમ રમતી મૂકવાની, હસ્તાક્ષરમાં હૈયું ઠાલવવાની મઝા માણવાનું જતું કરનારાઓમાંની હું તો નથી. તમે છો?
– નંદિતા ઠાકોર
‘નિશ્ચિત સંબંધો કે જરુરતો કે કામ સિવાય પણ પત્ર લખી શકાય છે
અને
એની એક અનોખી મઝા છે. ‘
એ મઝાની ગમી