કાંઈ મને ચિંતા નથી (લેખ) ~ હિતેન આનંદપરા ~ અર્ઝ કિયા હૈ (ગુજરાતી મિડ-ડે)

આપણા સેવિંગ્સ ખાતામાં હવે ઝાઝું જમા નથી, આખર તારીખમાં ઘરમાં પૈસા નથી, કોરાનાની મહામારીમાં નાના વેપારીઓને ઘરાકી નથી, ત્રૂટક ઈન્ટરનેટને અભાવે ગામડામાં બાળકો સરખું ભણી શકતા નથી, સામાન્ય મુંબઈગરાને કામે ચડવું છે પણ લોકલ ચાલુ નથી, પુસ્તક પ્રકાશકો કે વિક્રેતાઓ પથારો સંકેલી રહ્યા છે કારણકે વાચકો નથી, સેંકડો ઊગતા લેખકોને અખબારી આલમ સુધી પહોંચવું છે પણ કોઈ છાપતું નથી… આવા અનેક નથી આપણી આસપાસ વિસ્તરેલા, વિખરાયેલા ને પથરાયેલા પડ્યા છે. રોતલ અરવિંદ કેજરીવાલ કે રોકકળ રાહુલ ગાંધીની જેમ લમણે ઢીમચાયેલી વાસ્તવિકતા સ્વીકાર્યા સિવાય છૂટકો નથી હોતો. હેમેન શાહ કપરા સંજોગોને વાચા આપે છે…
પડછાયો પણ તિમિરમાં નથી સાથ આપતો
મુશ્કિલ સમયમાં કોણ વફાદાર હોય છે?
ઊભો રહું છું આયના સામે જ રોજ હું
એક ન્યાયાધીશ, એક ગુનેગાર હોય છે

આપણી ભીતર જ દેવ અને દૈત્ય છે. જે બળુકો હોય એ બહાર આવે. લોકો કદાચ પારખી નથી શકતા પણ આયનો ગળથૂથી જ મહાખેપાની હોય છે. એને જૂઠ્ઠું બોલતા નથી આવડતું, જૂઠ્ઠું પકડવામાં માહેર છે. ઈન્ડિયન જેમ્સ બૉન્ડ તરીકે ઓળખાતા બાહોશ અજીત દોભાલ જેવા અનેકને ઘોળીને પી જાય એવો જોરાવર હોય છે આયનો. હાલ કોરાનાના બીજા જાલિમ દોર અને અપેક્ષિત ત્રીજા કાતિલ દોર વચ્ચે ટૂંકાગાળાનું વેકેશન ચાલી રહ્યું છે. જે કામ થાય તે કરી લેવાનું છે. બહારના કામો પતાવવાના છે. ન કરે નારાયણ જો પાછું ઘરે બેસવાની નોબત આવે તો એની માનસિક તૈયારી રાખવાની છે. કેટલીક સમસ્યાનો ઉકેલ લાંબા ગાળાની માવજત વગર મળતો નથી. પ્રણય જામનગરી કહે છે એ ભૂલ અને અનુભૂતિ બધાને થઈ જ હશે…
માણી નથી શકતા કદી; એ સ્હેજ આજને
ઘૂમરાતી જેના મન મહીં ગઈ કાલ હોય છે

સહેલાઈથી એ પણ નથી ઊકલી જતો અહીં
ને સાવ નાનો આમ તો સવાલ હોય છે

નાનું બાળક જિદે ભરાય તો ભલભલા મોટાઓ ભેરવાઈ જાય એમ નાનકા સવાલો આપણી સામે એવો શિંગડા ભેરવે કે એને નાથતા હાંફી જઈએ. મહિનાની હજાર રૂપિયાની સ્કૂલ ફી ભરવી પણ ભારે પડે જ્યારે કામકાજ છૂટી ગયું હોય. બોરીવલી નેશનલ પાર્કમાં જઈ રવિવાર સવાર ગાળવાની ઈચ્છા છેલ્લા છએક મહિનાથી ભીંસીને અખરાઈએ ચડાવી દીધી હોય.

પરાંવિસ્તારમાંથી ટાઉનમાં નિયમિત અવરજવરમાં પડતી ખલેલને કારણે ભૂલેશ્વરસ્થિત મોટી હવેલીમાં કે સિક્કાનગર સામેના ફડકે મંદિરના દર્શન દોહ્યલા થઈ પડયા હોય. પણશીકરનું ફરાળ કે વિનયનું દહીંમિસળ ખાવાની જીભની આજીજીને ખાખરા ખવડાવી-ખવડાવી ‘શટ અપ બેબી’ કહીને છાની રાખવી પડી હોય. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મમાં સંવાદ હતોઃ ‘બડે-બડે શહેર મેં છોટી-છોટી બાતેં હોતી રહેતી હૈ.’ એ પ્રમાણે આવી છોટી-છોટી વાત લાંબું-લાંબું ખોટી કરાવે તો દેવદાસ બનીને ઉર્વીશ વસાવડાની આ પંક્તિઓ ગણગણવી પડે…
કેટલાં વ્હાણો સ્મરણનાં આવ જા કરતાં રહે
ને છતાં આ મન કંઇ બંદર નથી બારું નથી

છે મમત ઘરમાં મને પ્રત્યેક વસ્તુની છતાં
હું સતત મનને મનાવું છું કશું મારું નથી

આમ તો આપણું અહીંયા કશું નથી. આપણે બધા ટ્રસ્ટીઓ જ છીએ. સવાલ એ છે ટ્રસ્ટી તરીકે કોણ કેટલી ફરજ નિભાવે છે. કેટલીક વાર દૈવત કરતાં દેખાવ અને કૌવત કરતાં કરામત એટલી વધી જાય કે કે સત્વ અને સત્ય બંને કવર ચડાવેલી કારની જેમ ઢંકાયેલા રહે. જિગર જોષી ‘પ્રેમ’ની વાત પ્રેમથી સ્વીકારવી ખરેખર ભારે પડશે…  
તમારી સાથે મુલાકાત બાદ જાણ્યું છે
તમે તો વાતો કરી જાણો – જાણકાર નથી

જુએ છે રાહ હતો જ્યાંનો ત્યાં ઝરૂખો હજી
દશામાં પણ કે દિશામાંય કંઈ સુધાર નથી

જિંદગીમાં ઉત્તરોત્તર સુધારાવધારા કરતા જ રહેવા પડે. જૂના નોકિયા ઉપર જ અટકી ગયા હો તો ઍન્ડ્રોઈડને અપનાવી નહીં શકો. એમટીએનએલના બ્રોડબૅન્ડ પર ભરોસો કાયમ હોય તો જીઓ ફાઈબર વિશે નહીં વિચારી શકો. પેટના રખરખાવ માટે જેમ રોજીરોટી આવશ્યક છે એમ મનના લાલનપાલન માટે કલા જરૂરી છે. હરજીવન દાફડા ત્રણ ચેક-બૉક્સ આપે છે એમાં રાઈટની ટીક કરવી કે ચોકડી મારવી એ તમારે નક્કી કરવાનું છે…  
વૈભવી સામાનથી છલકાય છે ઘર આપણાં
કોઈ ખૂણામાં કિતાબો આપણી પાસે નથી

સહેજ અમથું સુંઘવાથી આયખું મહેકી ઊઠે
એટલા સક્ષમ ગુલાબો આપણી પાસે નથી

કુદરતની સૃષ્ટિમાં બડેબડા લોકોની લાગવગ નથી ચાલતી. વાયરસ જેને ઝાઝું પ્રભાવિત કરવામાં સફળ ન થયો એવું ‘ઓ’ પોઝિટવ બ્લડ જ મને મળે એવી માગણી સિદ્ધિવિનાયક મંદિરની કે અંબાજીની ઑનલાઈન આરતીમાં કરી શકાતી નથી. કરીએ તોય સ્વીકારાવાની નથી. પ્રશાંત સોમાણી અવલોકન પણ કરે છે અને સાથે ફરિયાદ પણ સરકાવે છે… 
કોઈની લાગવગ ત્યાં ક્યાંય નથી
મોક્ષ સારા કરમ સિવાય નથી

એની પાસે હવે શું આશ ભલા
મહેરબાનીમાં જેની ન્યાય નથી

ક્યા બાત હૈ

માત્ર મનની માન્યતા છે, સુખ નથી ચિંતા નથી
સાચું પૂછો તો જીવન જ્યોતિ નથી, જ્વાલા નથી

દૂર બેઠો છું જગતથી દિલ નથી, દુનિયા નથી
કોઈ આની પા નથી કે કોઈ આની પા નથી

બેખુદી પણ એટલી છે કે કંઈ સીમા નથી
ભાનમાં મહેફિલ નથી ને જામમાં મદિરા નથી

આંખમાં અશ્રુ, જિગરમાં ઝખ્મ, દિલમાં વેદના
સર્વ વાતે છું સુખી કાંઈ મને ચિંતા નથી

એક એવી વાત છે જેથી નથી કરતો હું વાત
એમ ના સમજો કે મારી ગાંઠમાં વાચા નથી

મુજ ઉદય ને અસ્તનું ઘાયલ અલૌકિક છે વલણ
મોત એ મારા જીવનની છે ઉષા, સંધ્યા નથી

~ અમૃત ઘાયલ 
(ગઝલનો અંશ)

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. મોત એ મારા જીવનની છે ઉષા, સંધ્યા નથી

    ક્યા બાત હૈ