બે ગઝલ ~ મેહુલ પડિયા

૧.
આખેઆખો મને સંસાર નથી જોઈતો
મારી મહેનતનું દે ઉપકાર નથી જોઈતો

એ હદે કોઈ મદદગાર નથી જોઈતો
માથા પર મારે કોઈ ભાર નથી જોઈતો

એક તો જિંદગી આપી ને વળી દિલ આપ્યું
આવો ઉપકાર બીજી વાર નથી જોઈતો

એટલે સમજી શકે નહિ તું હૃદયની વાતો
કોઈ પણ વાતે અહંકાર નથી જોઈતો

એવું લાગે છે મને મારી જ પાસે રાખું
મને મારો કોઈ હકદાર નથી જોઈતો

૨.
સીધી રીતે જીતી શકો તો એ કમાલ છે
શતરંજ છે જીવન અને ઘોડાની ચાલ છે

પૂછો છો કેમ આવું આ કેવો સવાલ છે
વર્ષો વીતી ગયા છે છતાં એ જ હાલ છે

મારા જ હાથે હું મને લપડાક મારું છું
બહું સારું છે કે મારે ફકત બે જ ગાલ છે

સાથે રમીને મોટો થયો છું હવે શું ડર
તકલીફ સાથે હોય તો કોની મજાલ છે

જીવનનો ક્યાં નિયમ છે બધું હોવું જોઈએ
આ શેની દોડધામ છે શેની બબાલ છે

~ મેહુલ પડિયા

આપનો પ્રતિભાવ આપો..

5 Comments