ગઈકાલ આજ અને આવતીકાલ ~ નંદિતા ઠાકોર ~ કટાર: ફિલ્ટર કૉફી

આજની સવાર કંઈ જુદી લાગી. ઘડીભર એમ થયું, નવા દિવસે, નવા સૂરજને જોઈએ એટલે એમ લાગે જ. પછી વિચાર આવ્યો- આ ગઈકાલ રાતનું, ગઈકાલનું જ અનુસંધાન નથી? રોજેરોજ, પ્રત્યેક નવા દિવસે નવી ઘટનાઓ કે નવા અનુભવોને કારણે એવું લાગતું હોય છે કે આજનો દિવસ કૈંક જુદો, સારો, ખરાબ ઊગ્યો. પણ ઘણે ભાગે તો આ નવો દિવસ પણ ગઈકાલની ઘટનાઓ, અનુભવોનું અનુસંધાન જ તો છે! જુદા સમયે, જુદા સ્વરૂપે, જુદા સન્દર્ભમાથી પ્રગટતું હોવાને કારણે આપણને એમાંથી નવીનતા અને અલગતાનો અનુભવ પણ મળે જ છે, પણ ગઈકાલ સાથે એનો કશો સંબંધ જ નથી હોતો એવું કહી શકાતું નથી. 

હા, બની શકે કે ગઈકાલે અથવા તો ઘણી બધી ઘણીબધી ગઈકાલોની કડીમાં કશુંક બન્યું, ના બન્યું એવું જ ડિટ્ટો આજે પણ હોય એવું જરૂરી નથી જ. નવું કામ, નવા અનુભવ, નવી અનુભૂતિઓ અને નવી ઘટનાઓ આજે બને એટલે આપણે એનો સંબંધ માત્ર આજ સાથે જ જોડીએ ને? પણ એટલું તો ખરું ને કે કશીક નવી ઘટના કે કાર્યનો કોઈક સંદર્ભ ગઈકાલમાંથી જ ઉતરી આવ્યો હોય એમ હોય પણ ખરું. અને બીજું કૈં નહિ તો વીતી ગયેલી કાલ સાથે અનુભવ કે ઘટનાનો નહીં તો ય આપણો પોતીકો તો કશોક સંબંધ હોય છે જ ને?     

જીવનમાં આવતા દરેક નવા દિવસની અનુભૂતિનું વિશ્વ ક્યારેક સાવ અચાનક ઊભું થતું હોય છે અને ક્યારેક ગઇકાલના તરણાંઓમાંથી કોળી ઉઠતા ઘાસ જેવું, ગઈકાલના બીજમાંથી ઊગી નીકળતા છોડ જેવું ય હોય. તેમ છતાં આજની બધી ક્ષણો આજે જ જન્મી હોવા છતાં એ બધી જ કુંવારી હોય એવું હોય ખરું.

કેટલીય પરિસ્થિતિઓની ગર્ભનાળ વીતી ગયેલી કાલ સાથે જોડાયેલી હોય છે. આપણી આજ – આજ છે કારણકે ગઈકાલે એને ખો આપી છે. ઘટનાઓ, વિચારો, લાગણીઓના નવાં બીજ જેમ આજે રોપાય તેમ વીતી ગયેલી કાલમાં રોપાયાં હોય તો એને  પરિણામે આજે ઘટાદાર થવા માંડ્યા હોય તે ય એટલું જ સાચું ને સ્વાભાવિક.      

આપણે કહીએ છીએ ને ગઈ તિથિ તો જોશી ય નથી વાંચતા, કે પછી રાત ગઈ બાત ગઈ… વગેરે વગેરે. લોકો કહે છે ગઈકાલ એ તો હાથમાંથી સરકી ગયેલી રેતી છે જેને તમે કોઈ કાળે પકડી રાખી શકતા નથી. ગમે તે કરો નવા દિવસને તમે ‘આજ’ જ કહો છો-પણ મઝાની વાત એ છે કે એ આજની ગતિ પણ કાલ જેવી જ હોય છે. આવતીકાલે સવારે તમારી આ આજ-એ ગઈકાલ તરીકે ઓળખાવા માંડશે. જે ગઈકાલને હજુ થોડા જ કલાક પહેલાં નવીનક્કોર આજ તરીકે આપણે આવકારી હતી એ તો આજે વાસી પણ થઈ ગઈ!    

નવી ગિલ્લી નવો દાવ અને નવા દિવસે નવો સૂરજ એ ગમે તેટલું સાચું હોય પણ મને હંમેશા એમ લાગે છે કે અર્ધસત્ય જ છે. ગઈકાલ નામની ક્ષણ તમારી અંદર જમા થઇ જાય છે અને એને સાથે લઈને જ તમે આજ અને આવતીકાલની ભૂમિકામાં ગોઠવાઈ જાવ છો.

દિવસ બદલાતાંની સાથે જ ફરી એ ચક્ર શરુ થઇ જાય છે. કાળચક્રના એક ટુકડા પર લખાયેલું નામ બદલાતું જાય છે – રોજ. એક અદીઠ ગતિ સતત અનુભવાય છે – રોજ. પણ એ ટુકડાના અનેક નાના મોટાં કણો મારા સંવિતની ભીતર જમા થતાં જાય છે અને ઘણે અંશે મારી આજ અને આવતીકાલને આકારવામાં અગત્યનો ભાગ પણ ભજવે છે જ.

મને એમ લાગે છે મૂળની માયા છોડીએ તો જ વધુ ઊંચે ઊડી શકાય કે વધુ આગળ જઈ  શકીએ એ વાત જેટલી સાચી છે, એટલી જ  સાચી એ વાત પણ છે જ કે મૂળની માયા ત્યજી દીધા પછી ધીરે ધીરે ઘટાદાર વૃક્ષ બનવાની સંભાવનાઓ ઓછી નથી થઈ જતી શું? જે છૂટે છે તે છૂટવા દઈએ અને આપણે નવાની  શોધમાં આગળ વધતા જ રહીએ એને પ્રગતિ કહેવાતી હશે ખરી, પણ આ છોડવા – મેળવવાની પ્રક્રિયામાં આપણી પાસે આપણું જ કહી શકાય એવું કૈં પણ બચશે ખરું?  હાથ ભલે ખાલી રહી જાય પણ આ ચકરાવામાં મન અને ક્યારેક જીવન પણ ખાલી રહી જાય એવું નથી બનતું શું?    

એટલે જ મને લાગે છે કે મારી આજ એ મારી અનેક ગઈકાલોનું સતત બદલાતું સ્વરૂપ જ છે. આવતીકાલે એ નામ અને રૂપ બદલીને પણ રહેશે તો મારી પાસે જ, મારી અંદર જ. મને મારાથી સતત જોડી રાખતી એક કડી છે આ તો.

હું આજે જે કંઈ હોઈ શકું છું એ માત્ર અને માત્ર  મારી આજને જ આધારિત નથી. મારી અંદર અનેક ગઈકાલોનાં થરનાં  થર જમા થયેલાં છે. સારા, નરસા, કામના ને નકામા. છતાંય હું નવા દિવસને, નવા સૂરજને આવકારું છું, કશુંક નવું જાણું છું, સમજુ છું, શીખું છું, અનુભવું છું ને છતાંય જાણે અજાણે મારી વીતેલી કાલની અનુભૂતિઓને તો મારી આસપાસ વીંટીને જ આગળ વધુ છું.      

વીતેલી કાલની પીડા કે ખુશીને ભલે એ જ તીવ્રતાથી નહીં, તો ય હું આજે ય અનુભવું છું. એ બધું કદાચ જુદી રીતે જોઉં છું. મનગમતું હોય તે બધું પકડી રાખવાની અને મારી સાથે ને સાથે આગળ લઇ જવાનું મને ગમે છે. કે પછી અણગમતું સઘળું હવે વીતી ગયું છે અને એનાથી મનને મુક્ત કરવા તરફ મારી આજ અને આવતીકાલ મને લઈ જાય છે એવું માનવું ગમે છે.     

નવું નવું જાણવું, જોવું, શીખવું સમજવું બધું જ ગમે છે, આજની આંગળી ઝાલી આવતી કાલ તરફ આગળ વધવું ય ગમે છે પણ મને ગઈકાલના મૂળ સાથે જોડાયેલ હોવું ય ગમે છે. એમાંથી જે બિનજરૂરી છે એ કાઢી નાખવાનું છે એની અલબત્ત મને જાણ છે પણ નવું પામવાની તરસમાં, નવા સૂરજને પૂજવાની જરુરુતમાં પણ મને મારી આજ સાથે જોડતી મારી ગઈકાલને  વિસારે પાડી દઉં એમની હું તો નથી. તમે છો? 

~ નંદિતા ઠાકોર  

આપનો પ્રતિભાવ આપો..