“મોરા ગોરા રંગ લઈ લે” ~ જયશ્રી વિનુ મરચંટ ~ કટાર: જિંદગી ગુલઝાર હૈ

“મોરા ગોરા રંગ લઈ લે” – (સત્ય ઘટના પર આધારિત. ગોપનીયતા જાળવવા સ્થળ, કાળ અને નામ બદલી નાખ્યા છે.)

રીમા, ઈઝ ધેટ યુ? આર યુ હોમ નાઉ?”

સુઝાને દરવાજો ચાવીથી ખોલવાનો અવાજ સાંભળીને કિચનમાંથી જ મોટેથી કહ્યું.

“યસ. હું જ છું.” રીમાએ અંગ્રેજીમાં જ જવાબ આપતાં કહ્યું. દરવાજો બંધ કરીને રીમા સીધી કિચનમાં ગઈ.

“હું એટલી તો થાકી ગઈ છું. ગઈ કાલ રાતથી અત્યારે બાર વાગ્યા સુધી ER (ઈમરજન્સી રૂમ) ખૂબ જ બિઝી હતો. આપણા જેવા ફર્સ્ટ ઈયર ઈન્ટર્નને તો ગુલામની જેમ દોડાવે છે! સુઝાન, કૅટલીન ક્યાં છે? એ ઓહાયો જવા નીકળી ગઈ? હું જેવા બાર વાગ્યા કે ભાગીને આવી જેથી એને વીશ કરી શકું કે એ એના આ મિની વેકેશનમાં મજા કરીને આવે.”

હજુ સુઝાન કંઈ બોલે એ પહેલાં તો પોતના બેડરૂમમાંથી કૅટલીન બહાર આવી અને કહે, “હું તને ‘બાય’ કહ્યા વિના ક્યાં જવાની હતી? મારી બસ તો સાંજના ચાર વાગ્યાની છે. જીમ મને ગ્રેહાઉન્ડના બસ સ્ટોપ પર મૂકવા આવવાનો છે. હજી તો સાડા બાર જ થયા છે. પણ રીમા, તું માત્ર વેકેશન માટે જ વીશ કરશે? મારા પેરન્ટસને જીમ પસંદ પડે એને માટે તો વીશ કર!”

રીમા કશું પણ બોલ્યા વિના મીઠું સ્મિત આપીને, જમણા હાથના અંગૂઠાથી ‘થમ્સ અપ’ ની નિશાની કરીને કીચનમાં ગઈ. કૅટલીને પોતાની કાંડા ઘડિયાળ પર જોતાં પછી કહ્યું, “લિસન, જીમ મને બસ સ્ટોપ પર મૂકવા આવશે ત્યાર પછી પાછો મોડી સાંજના આવીને એનો થોડો સામાન અહીં મારા રૂમમાં મૂકી જશે. એની પાસે ઘરની અને મારા રૂમની ચાવી છે, તો તમે તમારા પ્લાન પ્રમાણે બાકીનો દિવસ સ્કેડ્યુલ કરજો. જીમ પણ પરમ દિવસે નીકળીને મારા પેરેન્ટસને મળવા ઓહાયો આવશે. આઈ એમ સો એક્સાઈટેડ. આઈ હૉપ, મારા પેરેન્ટસને એ પસંદ પડે.”

સુઝાન કૅટલીન સાથે વાત કરતાં કીચનની બહાર, લિવીંગ રૂમમાં આવીને બોલી, “પડશે જ ને? યુ આર સો લકી. જીમ જેવો હેન્ડસમ છોકરો તને મળી ગયો. અમને તો જીમ જેવો છોકરો શું, સાલું, આપણને ત્રણેયને સ્યુટ થાય એવું વેકેશન પણ નથી મળતું! મને હતું કે આપણને ત્રણેયને વેકેશન સાથે મળત તો કેટલી મજા આવત, નહિ? પણ સાલું, આ ડોક્ટર બનવાની ઉપાધિમાં આપણું યુથ જ કન્ઝ્યુમ થઈ જવાનું છે! આઈ ટેલ યુ, મેડિકલ કોલેજ પતે પછી એક મહિના સુધી હું તો બસ ઊંઘીશ અને પછીનો મહિનો બેકપેક લઈને યુરોપ, અને એ પણ આપણે ત્રણેય જઈશું!”

રીમા પણ કિચનમાંથી પોતાની કૉફી લઈને બહાર આવી અને કેટલીન અને સુઝાનની વચ્ચે જગા કરીને સોફા પર બેઠી. કેટલીન હસીને રીમાને સહેજ ધક્કો મારતાં કહ્યું, “તું ચાર વરસની કીકલી છે? આમ શું ધક્કા-મુક્કી કરીને વચ્ચે બેસે છે?”

કૉફીની સીપ લેતાં રીમા બોલી, “કૅટલીન, કોને ખબર, મને એમ લાગે છે કે તું બહુ જલદી કરી રહી છે. હજુ ત્રણ મહિનાથી જ તું જીમને ડેટ કરી રહી છે. તારા પેરન્ટ્સને મેળવવા પહેલાં તું તો સ્યોર છે ને કે તારે એની સાથે રહેવું છે?”

કૅટલીન કંઈ બોલે એ પહેલાં સુઝાન બોલી, “રીમા, આપણે ત્રણેયે, ચાર વરસ પહેલાં જ્યારથી મેડિકલ સ્કૂલ શરૂ કરી છે ત્યારથી આપણે રૂમમેટ અને ક્લોઝ ફ્રેન્ડસ છીએ. તને તો કોઈ પર જલદી ભરોસો જ નથી આવતો! એમાંયે કોઈ છોકરો હોય તો, એણે લગભગ ઊલટા લટકી જવું પડે તારી ધૂન પર! તો જ તને વિશ્વાસ આવશે!”

રીમા કૉફીની સીપ લેતાં સુઝાનને કહે, “તું બોલી નથી પણ મને ખબર છે કે તું મનમાં એમ જ વિચારે છે કે હું સાઉથ-ઈન્ડિયન છું અને મારા પેરેન્ટ્સ બહુ કન્ઝરવેટીવ છે એટલે હું આમ બીહેવ કરું છું, પણ એવું નથી. મને લાગે છે કે કૅટે પહેલાં થોડો વધુ વખત જીમ સાથે ગાળવો જોઈએ. ધેટ’સ ઓલ!” અને પછી કૅટલીના તરફ ફરીને કહે, “જીમને જલદી ગુસ્સો આવી જાય છે એ મને નથી ગમતું. હા, એ શાંત પણ થઈ જાય છે પણ, કૅટ, તું ખૂબ જ સમજદાર અને રેશનલ વ્યક્તિ છે. તું આમ જલદી કોઈ વાત સાંભળીને ઉકળી નથી જતી. મને જીમના આવા ગુસ્સેલ સ્વભાવનો થોડોક ડર લાગે છે. બસ. આટલી જ વાત છે.”

કૅટલીને રીમાના માથા પર એક ટપલી મારી અને કહ્યું, “યસ ગ્રાન્ડમા..!” અને ત્રણેય બહેનપણીઓ હસી પડી..!

૧૯૮૩ના મે મહિનાની આ વાત હતી. રીમા, કૅટલીન અને સુઝાન એ ત્રણેય બહેનપણીઓ ફિલાડેલ્ફિયાની એક ખૂબ નામી મેડિકલ કૉલેજમાં ચોથા વરસમાં ભણી રહ્યાં હતાં. સુઝાન મેથ્યુ, રીમા નાયર અને કૅટલીન ગ્રે, ચાર વરસથી કેમ્પસ પર એપાર્ટમેન્ટ શેર કરતાં કરતાં, એકમેકના પાકા દોસ્ત બની ગયાં હતાં. કૅટલીન અને જીમે ડેટિંગ કરવાનું હજુ ત્રણ મહિના પહેલાં જ શરૂ કર્યું હતું. એ દિવસોમાં સોશ્યલ મીડિયા નહોતાં. છતાં પણ, એ સમયના પોતાના અટપટા પ્રશ્નો પણ હતાં અને પારિવારીક તથા સામાજિક દબાણો પણ હતાં. એ વખતે પણ આ પ્રેશરમાંથી કોઈ પણ સાંગોપાંગ ઉગરીને બહાર નીકળી જઈ શકે એ શક્ય નહોતું. “હર વક્ત કી અપની અઝિયત હોતી હૈ ઔર અપની અઝિયત કા બોજ ખુદ હી ઢોના હોતા હૈ!”
****
કૅટલીન હાંફળી-ફાંફળી, ગ્રેહાઉન્ડના બસ સ્ટેશનથી સીધી, નોર્થ ઈસ્ટ ફિલાડેલ્ફિયાની જેલ પર એક વકીલ સાથે પહોંચી હતી અને જેલની એડમિનીસ્ટ્રેશનની ઓફિસમાં ત્યાંના અધિકારી સાથે વાત કરતી હતી. પછી ત્યાંથી પાસ લઈને એ બેઉ કેદીઓ સાથે મુલાકાત કરવાના ખંડમાં કોઈ એક કર્મચારી સાથે ગયા. બેઉના મોઢા પર ચિંતા હતી. કૅટલીન ટેબલ પર નર્વસનેસમાં આંગળી ફેરવતાં ફેરવતાં એના વકીલને પૂછ્યા વિના રહી ન શકી, “વકીલ સાહેબ, હજુ એને આવતાં કેટલી વાર લાગશે?” વકીલે એના હાથ પર હાથ મૂકતાં બોલ્યા, “મિસ, ગ્રે, એ આવતો જ હશે. અને, ટ્રસ્ટ મી, વી વીલ ગેટ હીમ આઉટ ઓફ હીયર ઓન બેઈલ.”

કૅટલીનના મુખ પર ગુસ્સો, નિરાશા અને અસહાયતાના મિશ્ર ભાવના વાદળો છવાયેલાં હતાં. રૂમમાં એરકન્ડિશન ચાલુ નહોતું અને ગરમીથી એના ગોરા ગાલ પર રતાશ ઊભરી આવી હતી. કૅટલીને વકીલ સામે ડોકું ફેરવીને કહ્યું, “યસ, સર. થેન્ક યુ સર.”

એટલામાં જેલના એક કર્મચારી સાથે છ ફૂટ ઊંચો, કદાવર અને સોહામણો એક ગોરો યુવક આવી પહોંચ્યો. ઑરેન્જ કલરના જેલના કપડામાં એને જોઈને કૅટલીન મ્લાન હસીને કહે, “યુ લુક હેન્ડસમ ઈન ઑરેન્જ!” જીમ પણ સહેજ હસ્યો અને કંઈ ન બોલ્યો.

એકાદ મિનિટના મૌન પછી, કૅટલીન બોલી, “જીમ, આઈ વીશ કે હગ આપવી એલાઉડ હોત! પણ હવે મને સાચું કહે, શું થયું હતું? હું હજી રાતના સાડા અગિયારે કોલંબસ, ઓહાયો પહોંચી કે બીજે દિવસે સવારના સાત વાગ્યામાં તેં મને ફોન કર્યો કે સુઝાન અને રીમાએ તારા પર અને તારા ત્રણ મિત્રો પર રેપનો આરોપ મૂકીને તમને એરેસ્ટ કરાવ્યા છે. ડેમ ઈટ, મેં મારા મા-બાપને પણ પૂરૂં કંઈ કહ્યું નથી અને સવારની નવ વાગ્યાની ગ્રેહાઉન્ડમાં પાછી આવી છું. તેં મને કહ્યું હતું કે તારી વાત સાંભળ્યા વિના મારે રીમા કે સુઝાન સાથે વાત ન કરવી. તો લે, આ હું સીધી તારી પાસે આવી છું. ટેલ મી, જીમ આખરે થયું શું? એ બેઉની સાથે હું પછી મળી લઈશ. મારે બસ, તારા મોઢે સત્ય સાંભળવું છે.”

પછી કૅટલીન એના વકીલ તરફ વળી અને જીમને ઓળખાણ કરાવી કે ફિલામાં રહેતાં એના પિતાના વકીલમિત્ર, જીમને બેઈલ અપાવવાની પ્રક્રિયા શરૂ કરવાના હતા. વકીલ જીમ તરફ પેપરવર્ક આગળ કરે છે અને જીમને સહી કરવાનું કહે છે. જીમ સાથે આવેલો જેલનો કર્મચારી ત્યાં જ દરવાજા પર ઊભો હતો. જીમ એની સામે એક ત્રાંસી નજર નાખે છે અને પછી કૅટલીનની સામેની ખુરશી પર બેસીને વકીલે આપેલા કાગળ પર સહી કરીને કહે, “થેન્ક યુ કૅટ ફોર કમીંગ. હું ખરેખર દિલગીર છું કે તને આમ પેલી તારી રૂમમેટ- બેઉ કાળી નાગણો માટે થઈને ભગાડવી પડી.”

કૅટલીને ટેબલ પર આગળ કરાયેલા જીમના બેઉ હાથ પકડી લીધાં અને બોલી, “જીમ, હું તને ખૂબ પ્રેમ કરું છું પણ રીમા અને સુઝાનને પણ હું ચાર વરસથી ખૂબ નજીકથી ઓળખું છું. હા, સુઝાન આફ્રિકન અમેરિકન બ્લેક છે અને રીમા સાઉથ-ઈન્ડિયન છે, પણ, એ બેઉ મારી બેસ્ટ ફ્રેન્ડ્સ છે. આવી રીતે, આવા શબ્દો અને રેસિસ્ટ બિહેવીયર તારા જેવા ભણેલા અને કલ્ચર્ડ છોકરા માટે સારા ન કહેવાય. તો હવે મારે માત્ર એ જાણવું છે કે મારા ગયા પછી ગઈ કાલે રાતે આખરે થયું શું હતું? મારે આઈડિયલી તારી સાથે જ જવું જોઈતું હતું પણ મને થયું કે હું તારા પહેલાં એક દિવસ વહેલી જઈને, મોમ-ડેડને તારા વિષે બધું કહું કે હાઉ વન્ડરફુલ યુ આર! આથી જ હું વહેલી ગઈ! પણ તારે મને જે સત્ય હોય તે કહેવું જ પડશે, જીમ. એના સિવાય હું તને મદદ પણ કઈ રીતે કરી શકું?”

જીમ એકદમ જ ઉકળી ગયો, “તારે સત્ય જાણવું છે એવું તું કહે છે તો આટલું સત્ય તારા માટે પૂરતું નથી કે એ બેઉ બી…સે, મને અને મારા ફ્રેન્ડ્સને રેપના ગુના માટે આમ જેલમાં પૂરાવી દીધાં? આજે હું તારા મા-બાપને મળવા આવવાને બદલે, સાલી આ જેલમાં સડું છું…! અને તું? મને કહે છે કે આ સારું ન કહેવાય, તે સારું ન કહેવાય! તો શું મને જેલમાં નંખાવ્યો એ સારું કહેવાય? અને પાછું એ પણ એમને ખબર હતી કે હું તારા મા-બાપને મળવા ઓહાયો જવાનો છું, તારી સાથે લગ્ન કરવાની પરમિશન મેળવવા! જો મારે આજે સવારે નવા એપાર્ટમેન્ટનું પઝેશન ન લેવાનું હોત તો હું તો કાલે જ તારી સાથે આવત ને આ બધી ઉપાધિમાં તો ન પડત! તને મારી કંઈ પડી જ નથી કૅટ?”

કૅટલીનના ચહેરા પર હજી જીમ એણે ધાર્યો હતો એવો ઉકળાટ નહોતો જોઈ શકતો. આથી એ વધુ ગુસ્સ્સાથી બોલ્યો, “કૅટ, તું મારો ભરોસો નથી કરતી ખરું ને? એ બેઉ કાળી છોકરીઓ માટે થઈને તું મારી પાસેથી સત્ય જાણવાની જિદ પકડીને બેઠી છે! મારા માન્યામાં નથી આવતું કે એ બેઉ કાળી છોકરીઓ માટે તું મારી પાસે એક્સપ્લેનેશન માગી શકે!?”

કૅટલીન શાંતિથી પણ એક અધિકૃતતાથી બોલી, “લુક જીમ, મને કહે કે ખરેખર થયું શું હતું?”

જીમનો ગુસ્સો હવે સાતમા આસમાને પહોંચી ગયો હતો. “તારે સત્ય જાણવું છે ને, તો લે સાંભળ! કાલે રાતે હું અને મારા ત્રણ રૂમમેટ મારો સામાન તારા રૂમમાં મૂકવા રાતના સાડા અગિયારે ગયા. ત્યારે જોયું કે ટીવી ઑન રાખીને સુઝાન અને રીમા બેઉ સા..લી કાળીઓ ત્યાં સોફા પર જ સૂઈ ગઈ હતી. અમે ઍન્ટર થયા એની જાણ ટીવીના અવાજમાં એમને ન થઈ. અમે ચારેય જણાંએ પાંચેક ડ્રીન્ક્સ લીધેલાં હતાં. નશાની હાલતમાં અમે ચારેય જણાએ એ બેઉને વારંવાર રેપ કરી પણ સાચે જ બધું નશામાં થયું. કૉઇ એવો ઈરાદો નહોતો.

વહેલી સવારના નશો ઉતર્યો ને અમે સવારના પાંચ વાગે ત્યાંથી ભાગ્યા. જતાં પહેલાં મારા એક જોડીદારે સુઝાન અને રીમાને ધમકાવીને કહ્યું કે જો આ વાતની ફરિયાદ પોલીસને કરી છે તો અમારા જેવાં બીજાં થોડાંક વ્હાઈટ બોયસ છે, એ લોકો નાહક અન્ય તમારા જેવી કાળી છોકરીઓનું અને કાળી-બ્રાઉન ફોરેનર છોકરીઓનું અપહરણ કરીને ગેંગ-રેપ કરશે અને એની જવાબદારી તમારા પર હશે! તો ચૂપ જ રહેજો. એમાં જ તમારી ભલાઈ છે. તોયે એ સા…લીઓએ ન બીજી બ્લેક છોકરીઓનો કે ન એ ફોરેનર કાળી-બ્રાઉન છોકરીઓનો કે ન તારો વિચાર પણ કર્યો અને પોલીસ કમ્પલેઈન્ટ કરી દીધી!

હવે હું અહીં ફસાયો છું. મારી સાથેના એ ત્રણ જણાંને તો એમના ફાધર આવીને બેઈલ પર છોડાવી ગયા. મારા ફાધર પ્રિસ્ટ છે. તેઓ તો મને કોઈ રીતેય આવા ગુના માટે બેઈલ પર નહીં છોડાવે. એટલે મેં તને ફોન કર્યો,..! કૅટ, આ મારી અને તારી બેઉની જિંદગીનો અને આપણા ભવિષ્યનો સવાલ છે. પ્લીઝ, કંઈ પણ કરીને મને છોડાવ! પ્લીઝ, પ્લીઝ..! પેલી બેઉ નાલાયક કાળીઓને તો પછી અમે જોઈ લઈશું! એમને માટે તું ઈમોશનલ ન થતી! એ બેઉએ જ આપણી જિંદગી બરબાદ કરી છે. તું સમજે છે ને કૅટ? આઈ લવ યુ અ લોટ કૅટ, પ્લીઝ!”

જીમે હવે રડવાનું પણ ચાલુ કર્યું. કૅટલીનની આંખો પણ છલકાઈ પડી. એના ગોરા ગાલ પર મધ્યાહ્નના સૂર્યની લાલાશ ઝળકી રહી હતી. એણે જીમના પકડેલાં હાથ છોડી દીધાં. ટેબલ એ રીતે લગોલગ દીવાલ સાથે હતું કે સ્પેશ્યલ પરમિશન લઈને મળવા આવનારા કેદીને હગ આપવા બીજી બાજુ જઈ ન શકે. અચાનક કૅટલીન ટેબલ પર ચઢી ગઈ અને જીમની પાસે જઈને એને બે તમાચા ચોડી દીધાં…અને પાછી પોતાની ખુરશી પર આવી ગઈ! જેલનો કર્મચારી આવે અને કંઈ કરે કે કહે એ પહેલાં અને જીમ કે કૅટલીન સાથે આવેલો વકીલ, કોઈ કંઈ સમજે કે કહે કે કરે, એ પહેલાં તો કૅટલીન વાવાઝોડાની જેમ ખુરશીમાંથી ઊભી પણ થઈ ગઈ અને વકીલના હાથમાંથી જીમે સહી કરેલા બેઈલના કાગળો ઝૂંટવીને ફાડી નાખ્યાં. પછી જીમ તરફ ફરીને બોલી,

“મને ખબર નથી કે તારું ને મારું ભવિષ્ય શું હશે પણ એટલું નક્કી છે કે મારું ભવિષ્ય તારી સાથે તો નથી જ નથી! જે માણસ, માત્ર કાળા-ગોરા રંગના આધારે એણે કરેલા અપરાધને સાચા કે ખોટાં પોતાની મેળે જ ઠેરવી લે, એ માણસ મારે મન રાક્ષસથી કમ નથી અને મને રાક્ષસ સાથે ઘર માંડવાનો કોઈ શોખ નથી. અરે, તેં મને પસ્તાવો કરીને કહ્યું હોત ને કે નશામાં ભૂલ થઈ ગઈ તો પણ હું તારી સાથે રહેત! તને તો રંજ પણ નથી અને પસ્તાવો પણ નથી! હું તો રીમા અને સુઝાન પર જે વિત્યું હશે એની કલ્પના જ નથી કરી શકતી! અને એ પણ શા માટે, કારણ એ લોકો બ્લેક છે, ફોરેનર છે, બ્રાઉન છે! જીમ, આ મારો જ વાંક છે. આ હીણાં કામમાં હું આમેય ભાગીદાર તો બની જ ગઈ છું કારણ કે મેં તારા પર ભરોસો મૂકીને તને અમારા ઘરની અને મારા રૂમની ચાવી આપી. એટલે જ તો તું તારા નાલાયક દોસ્તો સાથે ડ્રીન્ક્સ લઈને અમારા ઘરમાં ઘૂસી શક્યો! અને સાંભળ, હું નથી માનતી કે હું બેઈલ નહીં કરાવું તો તું આખી જિંદગી જેલમાં સડતો રહેશે પણ હું તને બેઈલ અપાવીને તારા ગુનામાં ફરી ભાગીદાર તો નહીં જ બનું! જીમ, આ લોયર તને મદદ કરવી હોય તો કરી શકે છે પણ હા, આજ પછી તુ મને કદી મળવાની કોશિશ પણ ન કરતો!”

જીમે કાકલૂદી કરી, “સોરી, સોરી. યુ આરે રાઈટ. પ્લીઝ, કૅટ, મારી ભૂલ થઈ ગઈ. પ્લીઝ, હું તારા પગે પડું છું. મને માફ કર. પણ મને છોડીને આમ ન જા. હું તો તારા વિના જીવી જ નહીં શકું. મને ખબર છે કે તું પણ મારા વિના રહી નહીં શકે….! કૅટ, કૅટ!”

લોયર પોતાની ફાઈલો ભેગી કરતો હતો. કૅટલીન પોતાની બેકપેક લઈને પાછું ફર્યા વિના જ કેદીઓના મુલાકાતીના ખંડની બહાર આંધીની જેમ નીકળી ગઈ.

***   

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

  1. રંગભેદની માનસિકતાને લઈને સ્ત્રી સન્માનની ભાવનાને પણ ઠેબે ચઢાવે એવી વ્યક્તિને જીવનભરની સજા જ હોય.

  2. સાંપ્રત સમયે યોગ્ય ઉંમરે લગ્ન કરવાના અનેક પ્રશ્નો છે.છુટાછેડા મોંઘા છે અને કોર્ટમા કોની તરફેણમા ચુકાદો આપશે તે પણ ચોક્કસ નથી હોતુ .લીવ ઇન રીલેશન સામાન્ય જનતાએ પણ સ્વિકાર્યું છે સાથે ધર્મ અને કાળા ગોરાનો ભેદમા માનનારા-ન માનનારા છે.આવા સંજોગમા ગુન્હાનુ પ્રમાણ વધ્યું છે આવા સંજોગમા આવી પ્રેરણાજનક ઘટના આધારિત વાર્તા બદલ ધન્યવાદ

  3. જે ખોટું કામ છે તેનું સમર્થન તો ન જ હોય.પ્રતિકાર કરવાની આ રીત પણ બરાબર છે.