“બુલીયીંગ” એક ઘોર અન્યાય (સંશોધનાત્મક લેખ) ~ જયશ્રી વિનુ મરચંટ

જૂન ૧૪, ૨૦૨૦ ને દિવસે એક એવી કમનસીબ ઘટના બની હતી કે જેણે માત્ર ભારતીય ફિલ્મ ઉદ્યોગ બોલીવુડને જ નહીં, પણ આખા ભારતને હલબલાવી નાંખ્યું. હિન્દી ફિલ્મ જગતના હોનહાર, સફળ અને યુવાન, માત્ર ૩૪ વર્ષના અભિનેતા, સુશાંતસિંહ રાજપુતનું અકાળે સંદિગ્ધ સંજોગોમાં અવસાન થયું હતું. જૂન ૧૪, ૨૦૨૧ ને રોજ આ ઘટનાને એક વર્ષ પૂરૂં થશે. હજી આજની તારીખમાં આ બાબતની પોલિસ અને સી.બી.આઈ. તપાસ ચાલી રહી છે.

સુશાંતસિંહના ઘરમાં રહેનારા હાઉસ હોલ્ડ હેલ્પર સ્ટાફ તથા પોલિસનું કહેવું છે કે માનસિક રીતે તકલીફ અને ડિપ્રેશન અનુભવતાં સુશાંતે આપઘાત કર્યો. તો, બીજી બાજુ, સુશાંતના પરિવારજનો અને સ્વજનો માને છે કે આ સુસાઈડ નથી, પણ એક વ્યવસ્થિત યોજના હેઠળ પ્રોફેશનલ-સોશ્યલ બુલીયીંગ અને પરિવારવાદ થકી થયેલી Pre-Planned હત્યા છે. સચ્ચાઈ તો હજી કદાચ સેંકડો માઈલ દૂર છે. પણ સગાવાદ અને બુલીયીંગ, માત્ર બોલીવુડ જ નહીં, જીવનના દરેક ક્ષેત્રમાં અને પરિસરમાં જોવા મળે છે.

સુશાંત સાથે સાચેસાચ શું થયું હતું એનું સત્ય બહાર ક્યારેય આવશે કે નહીં આવે અને જો આવશે તો ક્યારે આવશે, એની કોઈને ખબર નથી. પણ આજે મારે બુલીયીંગ વિષે વિગતવાર વાત કરવી છે. મને એવું લાગે છે કે પરિવારવાદથી પણ વિશેષ, બુલીયીંગ ખતરનાક છે. નાના બાળકો અને દેશના ભવિષ્ય એવા કેટલાંયે જુવાન વિદ્યાર્થીઓ પણ રેગીંગને નામે આમ જુઓ તો બુલીયીંગનો જ ભોગ બને છે. આ સમસ્યા વિશ્વભરમાં છે. તો, આ બુલીયીંગ કરનાર બુલી કોણ અને કેવા હોય છે અને કઈ રીતે તેઓ સમાજમાં હાનિકારક બને છે એના વિષે વૈજ્ઞાનિક રીતે પહેલાં થોડું જાણી લઈએ.

મેં ડિક્શનરીમાં Bullying-બુલીયીંગનો ગુજરાતીમાં અર્થ શોધ્યો તો મને માનવામાં ન આવ્યું કે એનો ગુજરાતી શબ્દ ગુગલમાં “ગુંડાગીરી” તરીકે આપેલો છે! આમ જુઓ તો એનાથી મોટી બીજી સચ્ચાઈ આ શબ્દની હોય પણ ન શકે, છતાં પણ મને લાગે છે કે ગુંડાગીરી શબ્દ વધારે પડતો Harsh- કઠોર અને રૂક્ષ છે. પણ, જ્યાં સુધી આના માટે બીજો કોઈ વ્યાજબી, વપરાશમાં લઈ શકાય એવો શબ્દ ભાષાશાસ્ત્રીઓ શોધે નહીં, ત્યાં સુધી, આ જ શબ્દથી અથવા તો થોડા ઓછા રૂક્ષ શબ્દ, ‘દાદાગીરી’ થી અને બુલીયીંગ શબ્દથી કામ ચલાવી લેવું રહ્યું!
 
કોઈ બુલી, (દાદાગીરી કરનાર) બુલીયીંગ શા માટે કરે છે, એ માટે મેં કેટલાક માનસશાસ્ત્રી (સાયકોલોજીસ્ટ) અને માનસચિકિત્સક (સાયકાયટ્રીસ્ટ) સાથે, એમનો સમય લઈને વિગતવાર વાતો કરી. એના પરથી તારણ નીકળ્યું કે બુલીને લાગે છે કે એમની (બુલીની) નજીવી માં નજીવી, ભૌતિક કે માનસિક જરૂરિયાત કોઈ પણ હિસાબે પૂરી થવી જ જોઈએ, કારણ, એ એમનો જન્મસિદ્ધ હક છે.  માનસશાસ્ત્ર કહે છે કે આવા લોકો પાસે સમાજમાં સહજ રીતે વર્તી શકવાનો સોશ્યલ સ્કીલસેટ નથી હોતો.  બુલીમાં સામાજીક વ્યવહાર અને વર્તાવની સામાન્ય સમજનો અભાવ હોવાથી, બીજા કોઈ માટે તેઓ વિચારી જ નથી શકતાં. આવા લોકોને બીજાની ફિકર-ચિંતા કે સંજોગો સાથે કોઈ લેવાદેવા હોતી નથી. સાચા અર્થમાં તેઓ સામા માણસની લાગણીને સમજવા માટે અસમર્થ હોય છે.

બુલીયીંગ કરનારા કોઈ પણ રીતે સમાજમાં પોતાનું વર્ચસ્વ જાળવવામાં માને છે. આ વર્ચસ્વ તેઓ પોતાનાથી સંજોગવશાત્‍ સહેજ ઊતરતા અથવા સ્વભાવે નરમ કે નબળાઓ પર જમાવે છે. પોતાની આજુબાજુ આવા લોકોને રાખીને તેઓ પોતાનો એક કડપ રાખે છે.

બુલી એક માત્ર એટલું ધ્યાન રાખે છે કે એમના આ ‘શિકાર’માંથી કોઈ એમની સામે કે એમના મતથી વિરુદ્ધ કે એમના વિષે કંઈ પણ બોલવાની હિંમત ન કરી શકે. પોતાની અસુરક્ષાની ભાવના છુપાવવા તેઓ એમના પીડીતના સ્વમાનને કોઈ પણ હદ સુધી જઈને હણી લે છે. બુલી આમ જોવા જાવ તો વ્યવસ્થિત રીતે એમના ‘શિકાર’ નું – શોષિતનું- માનસિક શોષણ કરે છે. સમય જતાં જેમ, જેમ બુલીયીંગ કરવાની ફાવટ આવતી જાય છે તેમ, તેમ બુલીની આ વિકૃત માનસિકતા સતત વધતી જાય છે, વકરતી જાય છે.

માનસશાસ્ત્રીઓ અને ચિકિત્સકો એવું પણ કહે છે કે બુલી જન્મજાત નથી હોતા. ઘણીવાર નાનપણથી બાળકની સાચી-ખોટી જીદ ન પૂરી થતાં, જો બાળક દિન-પ્રતિદિન આક્રમક બનતું હોય તો એ વર્તનને હળવાશથી ન લેતાં, યોગ્ય બાળ માનસચિકિત્સક પાસે જઈને એની ટ્રીટમેન્ટ કરાવવામાં કોઈ છોછ ન અનુભવવી. બાળપણથી આવી આક્રમકતા જો સમયાનુસાર યોગ્ય સારવારથી નિયંત્રિત થાય તો અસલામતિની અને એન્ટાઈટલમેન્ટ (“મને હું ઈચ્છું તે મળવું જ જોઈએ” એવી અધિકારની ભાવના) ને રોકી શકાય છે, એટલું જ નહીં, આવા બાળકોને ભવિષ્યમાં બુલી થતાં બચાવી શકાય છે. 
 
મેં એક માનસશાસ્ત્રીને પ્રશ્ન પૂછ્યો કે રેગીંગ અને બુલીયીંગ એક જ હોય છે અને જો બેઉ એકમેક સાથે જોડાયેલા હોય તો બેઉમાં સામ્ય શું છે?

એમણે જવાબ આપ્યો કે સ્થૂળ સ્વરૂપે રેગીંગ અને બુલીયીંગ એક લાગે પણ ક્લીનીકલી એમાં ફરક છે. રેગીંગ એક ખાસ પરિસ્થિતિમાં પોતાનાથી જુનિયર વ્યક્તિઓ પર પોતાનું વર્ચસ્વ એક નિશ્ચિત સમયની અવધિ માટે સ્થાપવાની રમત રૂપે કરવામાં આવે છે. રેગીંગ કરનારા એ ખાસ સ્થિતિમાંથી નીકળી જાય પછી એ રેગીંગનું મહત્ત્વ એમને મન નથી રહેતું. મોટા ભાગના રેગીંગ કરવાવાળા નોર્મલ જિંદગીમાં કોઈ પણ કોમ્પ્લેક્સ વિના પાછાં ગોઠવાઈ પણ જાય છે. જ્યારે બુલીમાં એક ખાસ વૈચારિક ખાસિયત હોય છે, જેને અંગ્રેજીમાં પેરાનોયા (Paranoia) – એટલે કે સતત સંવર્ધિત થતી સામી વ્યક્તિ માટેની અવિશ્વાસની લાગણી- કહે છે. આ અવિશ્વાસના મૂળિયાં એટલાં તો ઊંડા હોય છે કે તેઓ હંમેશાં સામી વ્યક્તિના ઈરાદાઓ પર, નાનીમોટી દરેક બાબતોમાં શક જ કરતા હોય છે. આ શકને કારણે તેઓ પોતાની અંદર જ એક પ્રકારની શત્રુત્વવાળી અને જલદ એવી દ્વેષની લાગણી –Hostility- સતત અનુભવતાં હોય છે. આ લાગણી જ એમને પરોક્ષ રીતે બુલીયીંગ કરવા પ્રેરતી હોય છે, જેનો એમને ખુદને પણ ખ્યાલ નથી હોતો.  
 
એમના પરિચયમાં આવતાં લોકોને ભલે આવા બુલી માટે બહું ઊંચો અભિપ્રાય ન હોય, પણ બુલીને પોતા માટે ઊંચો અભિપ્રાય હોય છે, જે આમ જુઓ તો એ એક ભ્રમ જ છે. આવો નાહકનો ભ્રમ એમનામાં એક જાતની અસલામતી પેદા કરે છે. આવા અનેક બુલીના અભ્યાસ પછી એક જાણીતા માનસશાસ્ત્રીએ એમના સંશોધન પેપરમાં ખૂબ સ્પષ્ટતાથી પ્રતિપાદિત કર્યું છે કે બુલીયીંગની વૃત્તિથી લાંબા સમયથી પીડાતાં એટલે કે Chronically જે બુલી હોય તેઓના સંબંધો, બચપણથી જ એમના માતાપિતા અને ભાઈબહેનો સાથે કાયમ એક પ્રકારના તાણ ભર્યા હોય છે.

એક માનસચિકિત્સકે બુલી કઈ રીતે અન્યને એમના શિકાર બનાવે છે એ વિષે વાત કરી. બુલીયીંગ કરનારા મનથી અતિશય અસુરક્ષિત હોય છે, પણ પોતે ખૂબ જ સ્ટ્રોન્ગ છે, તાકતવર છે, એવો રોફ રાખવાનું એમને ગમતું હોય છે. સાચા અર્થમાં તેઓ મનથી એટલા અશક્ત હોય છે કે તેઓ પોતાની અશક્તિ અને નબળાઈ છુપાવવા ‘ઓફેન્સ ઈઝ ધ બેસ્ટ ડિફેન્સ’ની હિમાકત કરીને એક આક્રમક સ્વરૂપ અપનાવીને, ‘મને કોઈની સાડીબાર નથી’ એવો દેખાવ રાખે છે.

આ દંભનો આક્રમક દેખાડો ઘણીવાર સરળ હ્રદયવાળા કે વસમા સંજોગોને આધીન થયેલાઓ પર માનસિક રીતે હાવી થઈ જાય છે. દુઃખની વાત એ છે કે સમય જતાં, આવા શોષિતોને, -બુલીડને- આ બુલીયીંગ સહેવાની ટેવ પડી જતાં, એમની દશા પિંજરામાં રાખેલા, પાંખ કાપીને ઊડવા માટે અશક્ત થઈ ગયેલા પંખી જેવી થઈ જાય છે.

બુલીની બીજી ખાસિયત છે કે જાહેરમાં તેઓ પોતાનાથી વધુ સમર્થ માણસોની હાજરીમાં જ નાની વાત લઈને એમના ‘શિકાર’નું ઘોર અપમાન કરે છે, જેથી બાકીના જોનારાઓને પર પણ એક રીતે એમની ધાક બેસી જાય અને એ સમર્થ લોકો પણ એમની સામે બોલવાની ન હિંમત કરે કે ન સામો પડકાર ફેંકે. આ એક જાતની હેતુપૂર્વક કરવામાં આવેલી ધાકધમકી-Intimidation જ છે, એટલું જ નહીં, એમના ચુંગલમાં આવેલાં ‘શિકાર’ને ગભરાવીને પોતાની હકૂમત જાહેરમાં જમાવીને, એને પોતાની શેહમાં રાખવાની અભાનપણે થતી કોશિશ છે. એમનો ‘શિકાર’ એમના હાથમાંથી છટકી ન જાય એના માટે બુલી સતત ચિંતિત રહે છે. આવા બુલી એમના શિકારને- શોષિતને- એકલાં મળે ત્યારે તેમને માટે ખૂબ જ નિસ્બત અને વ્હાલ બતાવે, જેથી એમના એ ‘વીક્ટીમ’-શિકાર- એમને છોડીને જતાં પહેલાં અનેકવાર વિચાર કરે કે આટલાં વગદાર અને સ્ટ્રોન્ગ હોવા છતાં આપણાં માટે આટલું વ્હાલ રાખે છે, તો, ‘એમનું બોલ્યું ગાંઠે શું બાંધવું,’ કરીને, એમને જલદી છોડીને જવાની હિંમત કરતા નથી.

આ પીડિત કે શોષિત, પોતાની અંતરમનની નબળાઈ કે કોઈ ડરને કારણે આવા શોષણના આદિ થઈ ચૂકે છે અને બુલીને છોડવાના વિચારે ભયભીત થઈ જાય છે. એક એવી માનસિકતા રહેતાં, રહેતાં શોષિતના મનમાં ઘર કરી લે છે કે તેઓ એક બુલીને છોડીને જશે તો બહારની દુનિયાના બીજા બુલી- દાદાગીરી કરવાવાળા પણ એમનું ઓછાવતા અંશે આવું જ શોષણ કરશે તો, અંગ્રેજી કહેવત, પ્રમાણે ”Known Devil Is Better Than Unknown Devil.” (ઓળખીતો શેતાન, અજાણ્યા શેતાન કરતાં વધુ સારો) એમ માનીને, આવી Abusive and Exploitive Relationship- અપમાનકારક ને અત્યાચારપૂર્ણ શોષણપૂર્ણ સંબંધને શોષિત નિભાવી લે છે. લાંબા સમય સુધી આવો Abusive – અત્યાચારભર્યો સંબંધ નિભાવી લેતાં ‘બુલીડ’ને, – શોષિતને- પણ એક રીતે આવું સૂક્ષ્મ શોષણ સહેવાની સુષુપ્ત મનથી ટેવ પણ પડી જાય છે.

શોષિત એ સમજી નથી શકતા કે કોઈને ‘વિક્ટીમ’ બનાવવા, એ ‘બુલી’ની, પોતાના માટેના ઉચ્ચ અભિપ્રાયને ટકાવી રાખવા માટેની પ્રાથમિક આવશ્યકતા છે. બુલીયીંગ કરવાવાળા એમના ‘શિકાર’ના મગજમાં એવું ઠસાવે છે કે, શોષણકર્તા-બુલી- એમની જોડે સંબંધ રાખીને એમના પર ઉપકાર કરે છે! બુલીયીંગ કરવાવાળા પોતાનાથી જે સહેજ ઉતરતા લાગે એવાને જ ‘શિકાર’ બનાવે છે. બુલી સામા માણસની પરિસ્થિતિ, લાચારી અથવા સ્વયં માટે કોઈ પ્રકારની હીણપતની અનુભૂતિને કોઈક રીતે માપી લઈને, પછી એવા પર પોતાનું વર્ચસ્વ સ્થાપે છે. શરૂઆતમાં આવા પરિસ્થિતિથી લાચાર લોકો કે જે સામાજિક સ્ટેટસમાં પોતાનાથી ઉતરતાં હોય, એમને થોડીક મદદ કરીને અથવા થોડો સ્નેહ બતાવીને આ બુલી કાયમ માટે એમનો વિશ્વાસ જીતે છે. એના પછી જ આ શોષિતને કાયમ પોતાના અંગૂઠા નીચે રાખવાની હલચલ ચાલુ થઈ જાય છે.
  
એક સ્વાભાવિક સવાલ થાય કે હદ બહારના બુલીયીંગનો ઈલાજ કઈ રીતે કરી શકાય? માનસચિકિત્સકો આનો એક જ ઈલાજ બતાવે છે, અને, એ છે શોષિતે પોતાના સ્વમાન માટે ઊભા થવાની હિંમત પોતામાં કેળવવી જ રહી. ‘ત્વમ્‍ ઉત્તિષ્ઠ ભારત!’

હિંમતથી બુલીની ચુંગલમાંથી મુક્ત થઈને, એમને છોડીને જતાં રહેવું, પછી ભલેને કેટલું પણ નુકસાન વ્યક્તિગત રીતે, સામાજીક રીતે કે પ્રોફેશનલી સહેવું પડે. આવું કરવામાં નહીં આવે તો એક દિવસ ચોક્કસ સહનશક્તિની હદ આવતાં, પીડિત મનથી સ્વીકારી લેશે કે હવે આત્મહત્યા જ એક માત્ર વિકલ્પ છે. બેઝિકલી, ઘણીવાર સામા માણસનું સ્વમાન- Self Esteem અને સમમૂલક યોગ્યતા-Worth- ‘બુલી’ દ્વારા એટલી હદ સુધી હણી નાંખવામાં આવે છે કે શોષિતને આત્મહત્યા કરવાનું જીવવા કરતાં વધુ સરળ લાગે છે.

આવું ન થાય એ માટે આપણે સંતાનોને બચપણથી જ સુરક્ષાની ભાવના આપીએ અને સમજાવીએ કે દોસ્તી, દરેક નાનાં-મોટા સાથેના પ્રોફેશનલ સંબંધો, પારિવારિક સંબંધો, કે સામાજિક સંબંધોમાં હંમેશાં સર્વ સમાનતા-Equality -, એકમેક પ્રત્યેના આદર અને કદર હોવા જ જોઈએ. જ્યાં એકમેક પ્રત્યેના આ આદર અને કદર નથી હોતાં ત્યાં જ “કોણ કોનાથી વધુ શક્તિમાન છે” એની નોંધ અભાનપણે અને ઘણીવાર તો સંપૂર્ણ હોશોહવાશમાં આવા સંબંધોમાં લેવાય છે અને પછી શક્તિમાન જો બુલી હોય તો પછી શોષણ પણ કરે છે. આથી જ સ્વસ્થ અને આરોગ્યમય સમાજ માટે, દરેક સંબંધોમાં પરસ્પર આદર અને કદર હોવા એ સાચા અર્થમાં તો પાયાની જરૂરિયાત છે.

માનસશાસ્ત્રના રિસર્ચ પેપર્સ વાંચતા એક બીજી ખાસ વાત નજરે ચડી. એમાં ‘બુલી” માટે અમુક ખાસ લક્ષણો આપવામાં આવ્યાં છે. આ સંશોધન લેખ કહે છે કે શોષણકર્તા એટલે કે બુલી બે જ મોડમાં ઓપરેટ કરી શકે છે. એક, બુલીના મોડમાં, જેમાં તેઓ જાહેરમાં પીડિત પર વર્ચસ્વ રાખે અને જો એ બુલીની સામે જરા અવાજ ઊઠાવવા જાય તો બધાંની વચ્ચે શોષિતને એના પગ તળે કચરી નાંખતા બુલીને જરાયે ખંચકાટ પણ નથી થતો. આ દાદાગીરી કરવાવાળાઓના હિસાબે, તેઓ પોતાની ધાક કાયમ રાખવા જે ‘તાંડવ’ મચાવે છે, એ બિલકુલ વ્યાજબી છે. એમને એક જ ચીજમાં રસ હોય છે કે શોષિતને એટલો નિર્વિર્ય કરવો કે એ બુલીના યશોગાન કરવા સિવાય બીજું કંઈ કહેવાની હિંમત ન કરે. જો શોષિત કોઈ રીતે એમને ન ગાંઠે તો આવા ‘બુલી’ પછી, ડિફેન્સ મીકેનિઝમ તરીકે વિક્ટીમ કાર્ડ રમવાનો બીજો રસ્તો સહજતાથી અપનાવી લે છે. આમ કરીને પોતા પર જ જુલમ થયો છે’ એવું બતાવીને, ઊલટા સામેથી, જાહેરમાં, રડીધડીને શોષિતના- વિક્ટીમના ગળે પડી જાય છે. આ રીતે પીડિતને તેઓ એમની “હા માં હા” ન મેળવવા બદલ અપરાધની ભાવના અનુભવવા મજબૂર કરી દે છે અથવા તો મજબૂરીમાં એમનો ‘શિકાર’ ક્ષમાપ્રાર્થી- એપોલોજીસ્ટ બનીને માફી માગે છે. બુલીને તો માત્ર એક ઝનૂન હોય છે કે એમનો ‘શિકાર’ એમના અગૂઠાં નીચે ‘યેન કેન પ્રકારેણ’ કાયમ રહે.
 
આવા દાદાગીરી કરવાવાળાઓ પોતે કરૂણાવાન છે, ભોળા છે, મદદકર્તા છે, બહુ સમજદાર છે, કાબેલ છે અને દુનિયામાં એમની ખૂબ ઈજ્જત છે, (હકીકત જ્યારે સાવ વિપરીત હોય છે!) એવો અભિપ્રાય ધરાવતાં હોય છે. બુલી સજ્જડપણે માને છે કે દુનિયા આખી એમનામાં રહેલાં ‘ગુણો’ ને કારણે એમની કાયમ જ ઈર્ષા કરે છે. માનસશાસ્ત્રીઓ કહે છે કે સાચા અર્થમાં ‘બુલી’ પોતાની ભવ્યતા, વૈભવ, અને ખોટી આબરૂ ઈત્યાદિના ભ્રમો સાથેની મગજની વિકૃતિ અથવા બીજાઓ વિષે વહેમ અને અવિશ્વાસની અપવૃત્તિ – પેરાનોયા -થકી પીડાતા, માનસિક રીતે બિમાર દર્દી હોય છે, જેમની સમયસર ચિકિત્સા થવી જોઈએ.
 
સાચા અર્થમાં તો પ્રોફેશનલ કે સોશ્યલ બુલીયીંગને કારણે, કોઈ નિર્દોષ વ્યક્તિની પ્રતિભા મ્હોરે તે પહેલાં જ રહેંસી નાખવામાં આવે છે. આવા બુલીયીંગ સામે આપણે લોકશાહીયુક્ત સુશિક્ષિત ને સભ્ય સમાજ તરીકે જાગવું જ પડશે. પ્રતિભાવાન હોવા છતાં સંજોગોને કારણે અથવા શારિરીક કે માનસિક નબળાઈને કારણે બુલીયીંગના શિકાર થતી વ્યક્તિઓનું સત્વ હણાઈ ન જાય એને માટે સાથે મળીને, એક સમાજ તરીકે અવાજ ઊઠાવો પડશે. આ આપણી એક Dynamic- ડાઇનૅમિક, પ્રેરક, ગતિશીલ, ક્રિયાશીલ, જોમવંતા સમાજ તરીકેની જવાબદારી પણ છે. જો આમ નહીં કરીએ તો સુશાંત જેવા અનેક પ્રતિભાશાળી યુવાનોના ગયા પછી “જમીં ખા ગઈ, આસમાં કૈસે કૈસે” જેવી શ્રદ્ધાંજલિ આવનારા વર્ષોના વર્ષો સુધી આપતાં રહીશું.

બુલીયીંગ એક ઘોર અન્યાય છે, જે સતત આપણી ચોતરફ અનેક સ્તર પર ખુલ્લેઆમ થતો રહે છે, માર્ટિન લ્યુથર કીંગે કહ્યું હતું કે “Once an injustice somewhere is a threat to Justice everywhere.” અર્થાત, ક્યાંક કોઈને અન્યાય થતો હોય તે સમસ્ત વિશ્વમાં ખુલ્લેઆમ, ન્યાયને અપાતી ધમકી છે. એક જાગરૂક સમાજ તરીકે આપણે આ બુલીયીંગના અન્યાય સામે અવાજ નહીં ઊઠાવીએ તો સમાજ તરીકે ક્યાંક આપણે ઊઠી ન જઈએ, એ વિષેની લાલબત્તી માર્ટિન લ્યુથર કીંગે આ વાક્યમાં પરોક્ષ રીતે ધરી છે.

અસ્તુ!

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. ક્યાંક કોઈને અન્યાય થતો હોય તે સમસ્ત વિશ્વમાં ખુલ્લેઆમ, ન્યાયને અપાતી ધમકી છે. એક જાગરૂક સમાજ તરીકે આપણે આ બુલીયીંગના અન્યાય સામે અવાજ નહીં ઊઠાવીએ તો સમાજ તરીકે ક્યાંક આપણે ઊઠી ન જઈએ, એ વિષેની લાલબત્તી માર્ટિન લ્યુથર કીંગે આ વાક્યમાં પરોક્ષ રીતે ધરી છે…
    આજના સમયમાં સમાજ તરીકેની આપણી ફરજ ભૂલી જવી જરાય પોસાય તેમ નથી.

  2. બુલીયીંગ અંગે અભ્યાસપૂર્ણ લેખથી ઘણું નવુ જાણ્યું .
    આદીકાળથી આ સમસ્યા તો રહી જ છે પણ હવે ઘણા કારણોને લીધે તેનું પ્રમાણ વધ્યું છે.
    જેમા દુશ્મનોએ , વિધર્મીઓએ ધર્મના પ્રચાર માટે અને આપણા પોતાના પણ પોતાના લાભ માટે નાણા બળે બુલીયીંગ કરે છે અને તે અંગે મીડીયા પણ શાંત રહે છે.
    ‘ અર્થાત, ક્યાંક કોઈને અન્યાય થતો હોય તે સમસ્ત વિશ્વમાં ખુલ્લેઆમ, ન્યાયને અપાતી ધમકી છે. એક જાગરૂક સમાજ તરીકે આપણે આ બુલીયીંગના અન્યાય સામે અવાજ નહીં ઊઠાવીએ તો સમાજ તરીકે ક્યાંક આપણે ઊઠી ન જઈએ, એ વિષેની લાલબત્તી માર્ટિન લ્યુથર કીંગે આ વાક્યમાં પરોક્ષ રીતે ધરી છે’ આ વાતમા બધાને દુ{ખ લાગે પણ અન્યાય સામે અવાજ ઉઠાવનારની કત્લેઆમ જોતા સામાન્ય જન ગભરાય તે સ્વાભાવિક છે.
    “અહિંસા પરમો ધર્મ: માને અને અગત્યની વાત
    ધર્મ હિંસા તથૈવ ચ”ને બીકના માર્યા ટાળે છે.