શ્રીમદ્ ભાગવત કથા ~ સ્કંધ ત્રીજો ~ અધ્યાય અગિયારમો ~ જયશ્રી વિનુ મરચંટ
સ્કંધ ત્રીજો – અગિયારમો અધ્યાય – “મન્વંતર વગેર કાળ-વિભાજનનું વર્ણન”
ૐ નમો ભગવતે વાસુદેવાય
(ત્રીજા સ્કંધના અધ્યાય દસમો – “દસ પ્રકારની સૃષ્ટિનું વર્ણન” અંતર્ગત આપે વાંચ્યું કે, સૂતજી ઉપસ્થિત રહેલા સહુ શૌનકાદિ મુનિઓને જણાવે છે કે મૈત્રેયજીએ દસ પ્રકારની સૃષ્ટિનું વર્ણન વિદુરજીને કહ્યું. પછી મૈત્રેયજી વિદુરજીને આગળ હવે વંશ, મન્વન્તર વગેરેનું વર્ણન કરશે એવું પણ જણાવ્યું.
સૂતજી આગળ કહે છે કે હે શૌનકાદિ મુનિઓ, આ રીતે સર્જન કરનારા સત્યસંકલ્પ એવા શ્રી હરિ જ બ્રહ્મારૂપે પ્રત્યેક કલ્પના પ્રારંભમાં રજોગુણથી વ્યાપ્ત થઈને પોતે જ જગતના રૂપમાં પોતાની જ રચના કરે છે. ભગવાનની આ લીલાનો પાર સંપૂર્ણપણે પામવો આથી જ અઘરો છે. હવે અહીંથી વાંચો આગળ, સ્કંધ ત્રીજાનો અધ્યાય અગિયારમો, “મન્વંતર વગેરે કાળ-વિભાજનનું વર્ણન”)
સૂતજી કહે છે – હે શૌનકાદિ મુનિઓ, મૈત્રેયજી પછી વિદુરજીને મન્વંતર વગેરે કાળ-વિભાજનનું વર્ણન કરતા જે પ્રમાણે વિદુરજી સાથે સંવાદ સાધે છે એ વિષેનું વર્ણન તમને જણાવું છું.
મૈત્રેયજી વિદુરજીને કહે છે – હે વિદુરજી, પૃથ્વી વગેરે કાર્યવર્ગના સૂક્ષ્મતમ અંશને પરમાણુ કહે છે. આ સૂક્ષ્મતમ અંશ પરમાણુમાં કોઈ પ્રકારના અવસ્થા-ભેદની સ્ફૂરણા હોતી નથી અને કાળભેદનું કે ઘટ-પટ વગેરે વસ્તુભેદનું ભાન પણ હોતું નથી. આના પરથી વસ્તુના સૂક્ષ્મતમ અને મહત્તમ સ્વરૂપનો વિચાર થયો. જે કાળની જાળમાં પરમાણુ અવસ્થામાં વ્યાપ્ત રહે છે તે અત્યંત સૂક્ષ્મ છે પરંતુ એનાથી સાવ વિપરીત, અનેકોઅનેક, અસંખ્ય પરમાણુઓનો જથ્થો થતાં મહત્તમ સ્વરૂપ ઉત્પન્ન થાય છે જે નરી આંખે સર્જન તરીકે જોઈ શકાય છે અને આ જ સ્વરૂપ સર્જનથી માંડીને પ્રલય સુધીની બધી જ અવસ્થાઓને ભોગવી શકે છે.
આ પરમાણુ કેવી રીતે વિશ્વમાં વ્યાપ્ત છે એ પણ વિદુરજી, હું તમને કહું છું.
બે પરમાણુ મળીને એક અણુ થાય છે.
ત્રણ અણુના મળવાથી એક ત્રસરેણુ થાય છે, જે સૂર્યકિરણોના પ્રકાશમાં આકાશમાં ઊડતો જોવા મળે છે.
આવા ત્રણ ત્રસરેણુને પાર કરવામાં સૂર્યને જેટલો સમય લાગે છે એને ત્રુટિ કહે છે.
ત્રુટિથી સો ગણા સમયને વેધ કહેવાય છે.
ત્રણ વેધનો એક ‘લવ’ થાય છે.
ત્રણ ‘લવ’ ને એક નિમેષ કહે છે.
ત્રણ નિમેષને એક ‘ક્ષણ’ કહે છે.
પાંચ ક્ષણની એક કાષ્ઠા છે.
પંદર કાષ્ઠાનો એક લઘુ થાય છે.
પંદર લઘુની એક ‘નાડિકા’ (દંડ) થાય છે.
બે નાડિકાનું એક ‘મુહૂર્ત’ થાય છે.
દિવસના ઘટવા અને વધવા અનુસાર, છ અથવા સાત નાડિકાનો એક પ્રહર થાય છે, જેને ‘યામ’ પણ કહે છે. આ દિવસ અથવા રાત્રિના ચોથા ભાગ બરાબર હોય છે.
હે વિદુરજી, મનુષ્યનાં દિવસ અને રાત્રિ ચાર-ચાર પ્રહરના હોય છે.
પંદર દિવસ-રાત્રિનો એક પક્ષ (પખવાડિયું) થાય છે, જે શુક્લ અને કૃષ્ણ (અજવાળિયું અને અંધારિયું)ના ભેદને લીધે બે પ્રકારનો મનાયો છે.
આ બે પક્ષ મળીને એક ‘માસ’ થાય છે, જે પિતૃઓનાં એક દિવસ-રાત્રિ બરાબર છે.
બે માસની એક ‘ઋતુ’ બને છે.
છ માસનો એક ‘અયન’ થાય છે. અયન ‘દક્ષિણાયન’ અને ‘ઉત્તરાયન’ ના ભેદથી બે પ્રકારના છે.
‘દક્ષિણાયન’ અને ‘ઉત્તરાયન’- આ બેઉ અયનો મળીને દેવતાઓનો એક દિવસ-રાત્રિ બને છે અને મનુષ્યલોકમાં એક ‘વર્ષ’ બને છે, જે દ્વાદશ માસ પણ કહેવાય છે.
આવા સો વર્ષોનું મનુષ્યનું પરમ આયુષ્ય ગણાય છે.
ચંદ્રમા વગેરે ગ્રહો, અશ્વિની વગેરે નક્ષત્રો અને સ્મસ્ત તારામંડળના અધિષ્ઠાતા, સૂર્ય ભગવાન, પરમાણુથી માંડીને સંવત્સર સુધીના કાળમાં બાર ‘રાશિ’ ઓ-રૂપે સંપૂર્ણ ભુવનકોશની નિરંતર પરિક્રમા કર્યા કરે છે.
હે વિદુરજી, સૂર્ય, બૃહસ્પતિ, સવન, ચંદ્રમા અને નક્ષત્ર સંબંધિત મહિનાઓના ભેદને લીધે આ વર્ષ જ સંવત્સર, પરિવત્સર, ઈડાવત્સર, અનુવત્સર અને વત્સર કહેવાય છે.
હે વિદુર, આ સૂર્ય ભગવાન જ ઉપરના પાંચ-પાંચ પ્રકારનાં વર્ષોની પ્રવૃત્તિ કરનારા છે. તમે એમની વિધિ-વિધાન પૂર્વક નિયમિત પૂજા કરો. કારણ, સૂર્યદેવ પંચમહાભૂતોમાં તેજસ્વરૂપ છે એમના થકી જ બીજ વગેરે પદાર્થોમાં અંકુર બનવાની પ્રક્રિયા થાય છે અને સર્જનની આ શક્તિને તેઓ કાર્યોન્મુખ કરે છે. સૂર્યદેવ આકાશમાં નિયત ગતિથી વિચરણ કરતા રહીને મનુષ્ય સહિત અન્ય જીવ-સૃષ્ટિનો ક્ષય કરતા રહે છે અને જીવ માત્રના મોહનનું આમ અંતિમ નિવારણ કરતા રહે છે. આથી જ ભગવાન સૂર્યની રોજ ઉપાસના કરતાં રહેવું જોઈએ.
ત્યારે વિદુરજી મૈત્રેયજીને કહે છે – હે મહાજ્ઞાની મુનિવર, તમે દેવતાઓ, પિતૃઓ અને મનુષ્યોના પરમ આયુષ્યનું વર્ણન તો કર્યું પણ સનક આદિ જ્ઞાની મુનિજનો ત્રિલોકની બહાર કલ્પથીયે વધુ સમય રહેનારા છે, તો, તેમના આયુષ્યનું પણ વર્ણન કરો. કારણ, કાળ ભગવાનની ગતિને તમે સમ્યક્પણે જાણો છો.
મૈત્રેયજી કહે – હે વ્યાસપુત્ર, સંત વિદુર, સત્ય, ત્રેતા, દ્વાપર અને કળી એમ ચાર યુગો હોય છે.
આ ચાર યુગ પોતાની સંધ્યા અને સંધ્યા-અંશો સહિત દેવતાઓના બાર હજાર વર્ષો સુધી પ્રવર્તે છે.
આ ચાર યુગોમાં ક્રમશઃ ૧) સત્યયુગ – ચાર હજાર દિવ્ય વર્ષો, ૨) ત્રેતા – ત્રણ હજાર દિવ્ય વર્ષો ૩) દ્વાપર – બે હજાર દિવ્ય વર્ષો અને ૪) કળિ – એક હજાર દિવ્ય વર્ષો હોય છે.
આ પ્રત્યેકમાં જેટલા હજાર વર્ષો હોય છે, તેનાથી બમણાં સો વર્ષ તેમની સંધ્યા અને સંધ્યા-અંશમાં હોય છે. યુગના આરંભમાં સંધ્યા હોય છે અને અંતમાં સંધ્યા-અંશ હોય છે.
દરેક યુગમાં એક-એક વિશેષ ધર્મનું વિધાન મળે છે.
સત્યયુગના મનુષ્યોમાં ધર્મ પોતાના ચાર ચરણોથી રહે છે. પછી અન્ય દરેક યુગમાં અધર્મની વ્રુદ્ધિ થવાથી ધર્મનો એક-એક ચરણ ઘટતો જાય છે.
હવે આ સમજણ પ્રમાણે જોઈએ તોઃ
સત્યયુગમાં – ૪,૦૦૦ દિવ્ય વર્ષો યુગનાં, ૪૦૦ દિવ્ય વર્ષો સંધ્યાના, ૪૦૦ દિવ્ય વર્ષો સંધ્યા-અંશના – ટોટલ ૪,૮૦૦ દિવ્ય વર્ષો હોય છે.
આ જ ગણતરીનું પ્રમાણ રાખીએ તોઃ
ત્રેતાયુગમાં – ૩,૬૦૦ દિવ્ય વર્ષો હોય છે
દ્વાપરયુગમાં – ૨,૪૦૦ દિવ્ય વર્ષો હોય છે.
કળિયુગમાં – ૧,૨૦૦ દિવ્ય વર્ષો હોય છે.
મનુષ્યોનું એક વર્ષ એ દેવતાઓનો એક દિવસ હોય છે, તેથી દેવતાઓનું એક વર્ષ મનુષ્યોનાં ૩૬૦ વર્ષો બરાબર થાય છે. આમ જો માનવીય પરિમાણથી ગણીએ તો કળિયુગના ૪,૩૨,૦૦૦ વર્ષો થાય છે. તેનાથી બમણાં વર્ષો દ્વાપરયુગનાં, ત્રણ ગણાં વર્ષો ત્રેતાયુગનાં અને ચાર ગણા વર્ષો સત્યયુગનાં થાય છે.
હવે તમને કલ્પ વિષે કહું છું જેમાં તમારા સવાલનો જવાબ રહ્યો છે. ત્રિલોકની બહાર, મહર્લોક (અંતરિક્ષમાંના સાત લોકોમાંનો ‘ભૂઃ’, ‘ભુવઃ’, ‘સ્વ:’ પછીનો લોક, ચોથો લોક) થી માંડીને બ્રહ્મલોક સુધી અહીંની એક હજાર ચતુર્યુગીનો એક દિવસ હોય છે અને એટલી જ મોટી રાત્રિ હોય છે, જેમાં સૃષ્ટિ સ્રષ્ટા બ્રહ્માજી શયન કરે છે. તે રાત્રિનો અંત થતાં આ લોકનો કલ્પ આરંભાય છે. તેનો ક્રમ જ્યાં સુધી બ્રહ્માજીનો દિવસ હોય ત્યાં સુધી સતત ચાલતો રહે છે.
એવા એક કલ્પમાં ચૌદ મનુઓ થાય છે. પ્રત્યેક મનુ ૭૧ ચતુર્યુગીથી થોડોક વધુ પોતાનો અધિકાર ભોગવે છે. પ્રત્યેક મન્વંતરમાં અલગઅલગ મનુવંશી રાજાઓ, સપ્તર્ષિઓ, દેવતાઓ, ઈન્દ્રો, અને ગંધર્વો વગેરે પણ એમના અધિકાર ભોગવે છે. બ્રહ્માજીનું આ સર્જન દિન-પ્રતિદિન થતું રહે છે. એમાં ત્રણેય લોક રચાય છે અને પશુ-પક્ષીઓ, મનુષ્યો, પિતૃઓ અને દેવતાઓની ઉત્પત્તિ થાય છે.
કાળક્રમે બ્રહ્માજીનો દિવસ વીતી જાય છે અને ત્યારે તેઓ તમોગુણના સંપર્કને સ્વીકારીને સૃષ્ટિ-રચનારૂપી પોતાના પૌરુષને સ્થગિત કરીને નિશ્ચેટ થઈ જાય છે. તે સમયે સમસ્ત વિશ્વ એમનામાં વિલય પામે છે. જ્યારે સૂર્ય-ચંદ્ર વિનાની પ્રલયરાત્રિ આવે છે ત્યારે ભૂઃ, ભુવઃ અને સ્વઃ, એ ત્રણેય લોક બ્રહ્માજીના શરીરમાં છુપાઈ જાય છે. તે સમયે ત્રણેય લોક શેષજીના મુખમાંથી નીકળેલી આગમાં બળવા માંડે છે. તેના તાપથી ત્રસ્ત થઈને બૃગુ વગેરે મુનીશ્વરો મહર્લોકમાંથી જનલોકમાં જાય છે. એ દરમિયાન, સાતે સમુદ્રો પ્રલયકાળના પ્રચંડ પવનથી ઊભરાઈને પોતાનાં ઊછળતાં મોજાંઓથી ત્રિલોકને ડૂબાડી દે છે. ત્યારે તે પાણીમાં શેષશય્યા પર સૂતેલા ભગવાન યોગનિદ્રામાં આંખો બંધ કરીને શયન કરે છે. તે સમય દરમિયાન, જનલોકમાં વસતા મુનિજનો ભગવાનની સ્તુતિ કરતાં રહે છે.
આ પ્રમાણે કાળની ગતિથી એક-એક હજાર ચતુર્યુગીના રૂપમાં પ્રતીત થતાં દિવસ-રાત્રિ બદલાતાં બ્રહ્માજીનું સો વર્ષોનું પરમ આયુષ્ય પણ વીતી ગયેલું હોય એમ દેખાય છે.
બ્રહ્માજીના આયુષ્યના અર્ધ ભાગને ‘પરાર્ધ’ કહે છે. હે વિદુર, અત્યાર સુધી પહેલો પરાર્ધ વીતી ચૂક્યો છે, બીજો પરાર્ધ ચાલી રહ્યો છે.
અગાઉના પરાર્ધના આરંભમાં બ્રાહ્મ નામનો મહાન કલ્પ થયો હતો. તેમાં બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ હતી. પંડિતો એને ‘શબ્દબ્રહ્મ’ કહે છે. તે પરાર્ધના અંતમાં જે કલ્પ થયો હતો એને પાદ્મકલ્પ કહે છે. તેમાં ભગવાનના નાભિસરોવરમાંથી સર્વલોકયુક્ત કમળ પ્રગટ થયું હતું. આગળ કહ્યું તેમ, આ કમળમાંથી જ બ્ર્હ્માજી પુનઃ ઉત્પન્ન થયા હતા. આ સમયે જે કલ્પ ચાલી રહ્યો છે એ બીજા પરાર્ધનો આરંભક છે, જેને વરાહ કલ્પ કહે છે. આ બે પરાર્ધના કાળને અવ્યક્ત, અનંત, અનાદિ, વિશ્વાત્મા શ્રી હરિના એક નિમેષ (આંખના પલકારા) જેટલો માનવામાં આવે છે. પરમાણુથી માંડીને બ્રહ્માજીના દ્વિપરાર્ધ સુધી વિસ્તરતો કાળ શ્રી હરિ પર કોઈ પ્રભુત્વ દાખવી શકતો નથી. આ કાળ દેહ વગેરેનું અભિમાન રાખનારા જીવોનું જ શાસન કરવા સમર્થ છે. પ્રકૃતિ, મહત્તત્વ, અહંકાર અને પંચ તન્માત્રાઓ – આ આઠ પ્રકૃત્તિઓ સહિત દસ ઈન્દ્રિયો, મન અને પંચભૂતો – એમ સોળ વિકારો સાથે મળીને બનેલો બ્રહ્માંડકોશમાં, પોતામાં, કરોડો બ્રહ્મરાશિઓ સમાવી છે. અને આ જ પરમ પુરાણપુરુષ, સર્વસમર્થ પરમાત્મા શ્રી વિષ્ણુનું શ્રેષ્ઠ સ્વરૂપ છે.
શ્રીમદભાગવત મહાપુરાણનો ત્રીજા સ્કંધ અંતર્ગત, અગિયારમો અધ્યાય –“મન્વંતર વગેર કાળ-વિભાજનનું વર્ણન” સમાપ્ત થયો.
શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.
‘પ્રકૃતિ, મહત્તત્વ, અહંકાર અને પંચ તન્માત્રાઓ – આ આઠ પ્રકૃત્તિઓ સહિત દસ ઈન્દ્રિયો, મન અને પંચભૂતો – એમ સોળ વિકારો સાથે મળીને બનેલો બ્રહ્માંડકોશમાં, પોતામાં, કરોડો બ્રહ્મરાશિઓ સમાવી છે. અને આ જ પરમ પુરાણપુરુષ, સર્વસમર્થ પરમાત્મા શ્રી વિષ્ણુનું શ્રેષ્ઠ સ્વરૂપ છે’
ખૂબ સરળ રીતે સમજાવ્યુ છતા શ્રી વિષ્ણુનું શ્રેષ્ઠ સ્વરૂપ અનુભ્વાય તો ધન્ય ધન્ય