ચાલો થોડુંક્ હસીએ (ગીત) ~ કૃષ્ણ દવે.

તસવીર સૌજન્ય : News18

ઘણું ઘણું ભાઈ ઘણું જ રોયા
ચાલો થોડુંક્ હસીએ
થઈ શકે તો હોઠ ઉપર મુસકાન બનીને વસીએ

મારો તારો કે પેલાનો નથી કોઈનો વાંક
નાનો કે મોટો પણ સૌને લાગ્યો છે તો થાક
મુઠ્ઠી મુઠ્ઠી નિરાંતના બે શ્વાસ મળે તો શ્વસીએ

ચાલો થોડુંક્ હસીએ

નથી કુહાડી થવું કોઈની નથી જ બનવું હાથા
નથી ડ્હોળવી ભાષા નિર્મળ નથી કૂટવા માથા
બની બ્હાવરા એકમેકને શા માટે ભાઈ ડસીએ ?

ચાલો થોડુંક્ હસીએ

ફરે કાળનુ ચક્ર નિરંતર ધાર્યું એનું કરશે
સમય નામનો મલમ મુલાયમ સૌના જમો ભરશે
આવે એને આવકારીએ, થોડુંક્ થોડુંક્ ખસીએ

ચાલો થોડુંક્ હસીએ

~ કૃષ્ણ દવે
તા: ૨૫-૫-૨૦૨૧

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

  1. ફરે કાળનુ ચક્ર નિરંતર ધાર્યું એનું કરશે
    સમય નામનો મલમ મુલાયમ સૌના જમો ભરશે
    આવે એને આવકારીએ, થોડુંક્ થોડુંક્ ખસીએ

    ચાલો થોડુંક્ હસીએ
    સાંપ્રતકાળે પ્રેરણાદાયી વાત