રમેશ પારેખ ~ ૧૫મી પુણ્યતિથિએ થોડાંક ઓછા જાણીતા શેર

રમેશ પારેખ
(૨૭ નવેમ્બર ૧૯૪૦ ~ ૧૭ મે ૨૦૦૬)

કહે છે – જે કરો છો એ બધું ખુદા દેખે 
ફૂલ તેથી જ ન તોડયું રમેશ પારેખે 
~૧~
કોણ કરશે બુઢ્ઢાઓનો જિર્ણોદ્ધાર રમેશ 
ઋચા વસંતની જેની જીભે નથી જાગી 
~ ૨~
હાથ નાસ્તિક છે ર.પા. તારો 
તે તારી Pen પ્રાર્થના થઈ ગઈ 
~૩~
હરેક શખ્શમાં છે થોડી થોડી રાવણતા 
અપહરણ આંખથી તેઓ કરે સીતાઓના 
~૪~
ઊડવા જનાર પંખીઓ લોહીલુહાણ થાય 
અણિયાળું આસમાન છે તારા શહેરમાં 
~૫~
વાગે જો એની ઠેસ તો લોહી જ નીકળે 
છોને તમારા ઘરમાં હો સોનાનો ઉંબરો 
~૬~
બુકાનીબંધ ધાડાંનાં ધાડાંઓ ઊમટે 
ક્યાં ઓળખી શકાય છે ચોક્કસ વિચારને 
~૭~
એક જ ખુદા છે તો ય છે આ કષ્ટ બેશુમાર 
શું હોત આહીં, હોત જો બેચાર ખુદા ઓર 
~૮~
રમેશ, આપણાં ઝળહળિયાંઓની શી કિંમત ?
ઝવેરી ફક્ત પથ્થરોના તોળનાર  હતા  
~૯~
મારી એકલ રાતના આધાર કેવળ બે જ છે 
એક, ઓશિકું ભીનું: બે, ચાર વાગ્યાનો શુમાર
~૧૦~ 
કોઈ કુંવરી તરફ ફૂલ ફેંક્યાનો અપરાધ ઉર્ફે શિરચ્છેદ નક્કી!
હોય અપરાધી હાજર વધસ્થાન પર એમ છેલ્લી ઘડીમાં ઊભો છું 
~ ૧૧~   
કંકુથી “શ્રી જીવ” લખ્યું ત્યાં લેખણ ભૂલી ગઈ લખાવટ 
અડધા અક્ષર કાગળની થોકડીઓની વચ્ચેથી ચાલ્યા 
~૧૨~
હું ઊંચાઈમાં પાંચ ફૂટનું એકાંત, રમેશ 
ને શબ્દરૂપે સનેપાત કરું છું, જુઓ 
~૧૩~
સરળતાથી જીવવાને માટે અમે 
જીવનભર મરણિયા પ્રયત્નો કર્યા 
~૧૪~
આમ તો છું એક પરપોટો સમયના હાથમાં 
તો ય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં 
~૧૫~

આપનો પ્રતિભાવ આપો..

6 Comments

  1. રપાની સ્મરણતિથિએ ભાવભરી સ્મરણાંજલી

  2. રરમેશ પારેખને આદરભરી સ્મરણાંજલી 🙏