સતત લાચાર છું (લેખ) ~ હિતેન આનંદપરા ~ લેખ સૌજન્ય: ગુજરાતી મિડ-ડે

કોરાનાની પારાયણે પહેલા તબક્કામાં રામાયણ સરજ્યું અને બીજા તબક્કામાં મહાભારત. છેલ્લા થોડા સમયમાં કોરાના અથવા વિવિધ માંદગીને કારણે આપણે સુધીર દેસાઈ, વિરંચી ત્રિવેદી, ખલીલ ધનતેજવી, રિષભ મહેતા, જગદીપ ઉપાધ્યાય, બ્રેન્યાઝ ધ્રોલવી, ફિલિપ ક્લાર્ક, કવિ દાદ, અરવિંદ પંડ્યા, સુમંત રાવલ, નસીર ઈસ્માઈલી વગેરે સર્જકો તથા ઈમ્તિયાઝ પટેલ, જે. અબ્બાસ, અમિત મિસ્ત્રી જેવા નાટ્યકર્મીઓ ગુમાવ્યા. આ બધું ક્યાં જઈને અટકશે એનો કોઈ પ્રતીતિકર જવાબ નથી. મરીઝસાહેબ કહે છે એવી ફિલસૂફી પચાવવી અઘરી પડે છે…
જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી
અમૃત મળે તો શું કરું? એમાં અસર નથી
આવાગમન છે બન્ને જગતમાં સતત મરીઝ
પૂરી જે થાય એવી જીવનની સફર નથી
સ્વજનને શ્વાસ માટે વલખાં મારતાં જોવાની લાચારી, હૉસ્પિટલમાં બેડ મેળવવા માટેની ફોનાફોની, બેડ મળી જાય તોય રેમડેસિવિર ઈન્જેકશન માટેની દોડાદોડી… આવાં અનેક દૃશ્યો રાષ્ટ્રીય સ્તરે આંખોને દઝાડી રહ્યાં છે. તબીબોએ આપેલી આગોતરી ચેતવણીને સરકારે નજરઅંદાજ કરી તેના કારણે સ્થિતિ વણસી ગઈ. એમાં બંગાળની ચૂંટણીએ બળતામાં કેરોસીન હોમ્યું. સત્તાની લાલસામાં નેતાઓએ કોવિડ નિયમોનું છડેચોક અને સરેઆમ ઉલ્લંઘન કર્યું. બાત નિકલેગી તો બહોત દૂર તલક જાએગી. મનોજ ખંડેરિયા કહે છે એ પ્રમાણે ઊભરાતાં સ્મશાનોની બળબળતી ખામોશી દઝાડે છે…
નિંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી
સ્વપ્નોમાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ
એકમેકમાં દીવાલ ઘરોની મળી જશે
પહેરો સતત ભર્યા કરો ઉંબરની આસપાસ
વામન વાઈરસની બુદ્ધિમત્તા વિરાટ સાયન્સને ટપી જાય એવી નીકળી. રૂપ બદલતા રહીને વાર-પ્રહાર કરવાની એની ટેકનિક ગજબનાક અને ખતરનાક છે. પૂર્વાનુભવ ન હોવા છતાં તબીબી જગતે તાલ મેળવવાનો પ્રયાસ કર્યો પણ માળખાકીય સુવિધાઓ ઓછી પડી. રસી મેળવવા માટે ચાર-પાંચ કલાક ખડેપગે ઊભા રહેતા વરિષ્ઠ નાગરિકોને નજરે જોયા ત્યારે ખ્યાલ આવ્યો કે આ લડત લાંબી છે અને મક્કમતા માગી લે છે. રસીકરણ કેન્દ્રો જ કોરાના પ્રસારક બની જાય એવી ભીડ એકઠી કરવામાં નિમિત્ત બને છે. દિનેશ ડોંગરે ‘નાદાન’ કહે છે એમ સમજાય ખરું પણ સમજાવી શકાય એવી સ્થિતિ નથી હોતી…
જેમ કોઈ આગને આપે હવા
એમ આપે એ સતત દર્દો નવાં
જિંદગી પણ આખરે ટૂંકી પડી
વાત દિલની એમને સમજાવવા
વિવિધ રાજ્યોની ચૂંટણી, નેતાઓની વિશાળ રેલીઓ, કુંભમેળા જેવું વિરાટ આયોજન વગેરે કારણોએ આગને હવા આપી. ચારધામ યાત્રા મે મહિનામાં નિર્ધારિત છે. તેના કારણેય ઘણા લોકો સ્વધામ પહોંચી જશે. સંશોધકો કહે છે તે પ્રમાણે હવામાં આ વાઈરસ પ્રસરતો હોવાથી ઘરે પણ માસ્ક પહેરી રાખવો હિતાવહ છે તો બહારની વાત શું કરવી. આટલી બધી શિસ્ત પાળવા આપણે નાગરિકો ટેવાયેલા નથી. ઉલ્લંઘન આપણા લોહીમાં છે, પાલન નહીં. વાંક બધાનો જ નીકળશે. જલન માતરીનું અવલોકન કડવું લાગશે, પણ બેબુનિયાદ નથી…
મુશ્કિલ પડી તો એવી કે આઠે પ્રહર પડી
પણ દુઃખ છે એટલું જ કે કારણ વગર પડી

દુઃખની કબૂલ વાત, પણ આનો જવાબ દો
સુખની ઝડીઓ પણ સતત કોના ઉપર પડી?

આ મહામારીમાં આપણને માનવતાનાં દર્શન પણ થયા અને દાનવતાનું પ્રદર્શન પણ જોવા મળ્યું. એક તરફ ઈન્જેકશન અને ઑક્સિજનની કાળાબજારી જોઈને આપણો વિશ્વાસ ડગી જાય. તો બીજી તરફ કોઈ અજાણ્યા યુવાન માટે નાગપુરના ૮૫ વર્ષના એક બુઝુર્ગે પોતાનો બેડ આપી દીધો એ (સાંભળેલો) કિસ્સો જિંદગીનો મર્મ સમજાવે. એક તરફ પૈસાના વેપારી તો બીજી તરફ માનવતાના પૂજારી. અશોક ચાવડા ‘બેદિલ’ વાસ્તવિકતા દર્શાવે છે…
પ્રસંગોપાત ઊછળી પાઘડી બે-ચારની આગળ
સતત લાચાર છું સંબંધના વેપારની આગળ
હું જેને આંગળી પકડી અહીં ઉંબર સુધી લાવ્યો
મને ભૂલી ગયા ઘર જોઈને એ દ્વારની આગળ
કોરાનાએ મારેલી બીજી થપ્પડમાંથી મળેલી શીખ હવે ભૂલવી ન જોઈએ. કદાચ હજી આપણે લડતની મધ્યમાં છીએ. માત્ર સરકારી અધિકારીઓ નહીં, પ્રત્યેક નાગરિકે સૈનિક તરીકેની ફરજ બજાવવાની છે. આપણે વાઈરસ સામે વોરિયર ન બની શકીએ તો કંઈ નહીં, એના કેરિયર તો ન જ બનીએ. મોના નાયક ‘ઊર્મિ’ આ લડતને શબ્દસ્થ કરે છે…
નથી હોશ એને કે ગૂંગળાઈ જાશે
એ બારી વિનાની ઈમારત ચણે છે

ઘડીભરમાં સ્થાપે, ઘડીમાં ઊથાપે
સતત મારી ઊર્મિઓ સમરાંગણે છે

ક્યા બાત હૈ

જે જગાએ આપણે મળતા સતત
છાંયડા પણ ત્યાં હવે બળતા સતત

આપણે તો શબ્દ પણ ના બોલીએ
તે છતાં પણ લોક સાંભળતા સતત

આંસુઓના રૂપમાં આજે જુઓ
આપણા સંબંધ ઓગળતા સતત

અશ્રુથી અસ્તિત્વ અજવાળ્યા કર્યું 
આપણે તેથી જ ઝળહળતા સતત

પ્હાડ તોડીને જ એ નીકળ્યા હશે
જે સ્વભાવે હોય ખળભળતા સતત

હું ઊભો રહું જેની છાયામાં સતત
એ જ પડછાયા મને છળતા સતત

સૂર્ય જેવી જિંદગીની શોધમાં
આપણે તો પૂર્વમાં ઢળતા સતત

~ રિષભ મહેતા

(લેખ સૌજન્ય: ગુજરાતી મિડ-ડે, તા. ૨.૫.૨૦૨૧)

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

  1. તત્કાલીન પરિસ્થિતિ નું સચોટ ચિત્રણ અને યોગ્ય પંક્તિઓનું ચયન કાબિલે દાદ અભિનંદન મિત્ર

  2. સામાન્ય નાગરીકથી માંડી કહેવાતા બુધ્ધિશાળી લોકોએ છડેચોક અને સરેઆમ ઉલ્લંઘન કર્યું. ત્યારે દરેક દેશમા મનોજ ખંડેરિયા કહે છે એ પ્રમાણે ઊભરાતાં સ્મશાનોની બળબળતી ખામોશી દઝાડે છે…

  3. કોરાના સામે આજે માનવી કેમ લાચાર છે, સારી રીતે સમજણ આપી છે.
    👌🌹🌹😊