એલેક્ઝાંડર (વાર્તા) ~ ગાય દ’ મૉપાસાં ~ સંપાદક-અનુવાદક: મોહનલાલ પટેલ

Guy de Maupassant

એ દિવસે બરાબર ચાર વાગ્યે ત્રણ પૈડાંવાળી વ્હીલચેર લઈને એલેક્ઝાંડર કૅપ્ટન જૉસેફ મેરામ્બલના ઘર આગળ આવીને ઊભો રહ્યો. કૅપ્ટન મેરામ્બલ અગાઉ ભૂમિદળમાં હતો ત્યારે એલેક્ઝાંડર એમનો ઑર્ડરલી હતો. કૅપ્ટન નિવૃત્ત થયા ત્યારે પણ એણે એમની સેવા ન છોડી. એ છેલ્લાં ૭ વર્ષથી એમના ઘરના નોકર તરીકે કામ કરતો હતો. કૅપ્ટનનાં પત્ની માદામ મેરામ્બલનું શરીર ભારે થઈ ગયું હતું, અને અસ્વસ્થ રહેતું હતું. હરવાફરવાની ભારે તકલીફ હતી. દાક્તરી સલાહ પ્રમાણે રોજ એને ફરવા લઈ જવી પડતી. એટલે રોજના ક્રમ પ્રમાણે એલેક્ઝાંડર માદામ મેરામ્બલને ફરવા લઈ જવા તૈયાર થયો હતો.

એણે ગાડીને ઘરના પગથિયાની બરાબર અડોઅડ ખડાવી દીધી જેથી માદામ મેરામ્બલને ગાડીમાં સહેલાઈથી બેસાડી શકે. ગાડી ગોઠવીને એ ઘરમાં ગયો અને તરત વૃદ્ધ કૅપ્ટનનો ઘોઘરો અને ગુસ્સાભર્યો અવાજ સંભળાયો. પછી ધડાધડ બારણાં બંધ થવાનો, ખુરશીઓના ઊથલવાનો અને આઘાંપાછાં થતાં ઝડપી પગલાંનો અવાજ સંભળાયો.

થોડી ક્ષણો પછી એલેક્ઝાંડર બારણામાં દેખાયો. એણે પોતાની પૂરી શક્તિથી માદામ મેરામ્બલને પકડી રાખી હતી. પગથિયાં ઊતરતાં ઊતરતાં એ ખૂબ થાકી ગઈ હતી. એલેક્ઝાંડરે થોડી મથામણ પછી એને ગાડીમાં ગોઠવી, અને પછી પાછળ જઈને એણે ગાડીને નદીકિનારાની દિશામાં ઠેલવા માંડી.

એ લોકો રોજ આ નાના શહેર વચ્ચે થઈને પસાર થતાં. અનેક લોકો એમની તરફ સન્માનપૂર્વક હાથ ઊંચો કરતા. અને આ બંને જણ એવા જ સદ્ભાવથી એનો જવાબ વાળતાં. આ વૃદ્ધ મહિલા તરફ લોકોને જેટલો પ્રેમ અને સદ્ભાવ હતો એટલો જ આદર આ શ્વેત દાઢીવાળા વૃદ્ધ નોકર તરફ હતો, કારણ કે સૌ એને એક આદર્શ સેવક ગણતા હતા.

જુલાઈ મહિનાનો બેરહમ સૂર્ય જુલમી બનીને શહેરના લત્તાઓનાં નીચાં ઘર ઉપર ગરમી વરસાવી રહ્યો હતો. ઘરની દીવાલોના પડછાયામાં કૂતરાં ઊંઘતાં હતાં.

નદી તરફનાં વૃક્ષોની છાયાવાળા માર્ગ સુધી ઝડપથી પહોંચી જવા એલેક્ઝાંડર શ્વાસભેર વ્હીલચેર ધકેલી રહ્યો હતો, અને માદામ મેરામ્બલ હવે એમાં ઝોકાં ખાવા લાગી હતી. એ લોકો વૃક્ષોની હરોળવાળા માર્ગ ઉપર આવી પહોંચ્યાં ત્યારે પૂરેપૂરી છાયાના પ્રભાવથી માદામ મેરામ્બલ જાગી ગઈ અને સદ્ભાવથી એણે એલેક્ઝાંડરને કહ્યું : ‘આટલી બધી ઝડપથી નહીં ભલા માણસ, આ રીતે તો, આ ગરમીમાં તું ખલાસ જ થઈ જઈશ.’

આ દયાળુ હૈયાવાળી સ્ત્રીને પોતાના પ્રબળ સ્વાર્થની આડે એ ન સમજાયું કે હવે ઝાડપાનની બરાબર છાયા આવી ત્યારે જ એ પેલાને ધીરે હાંકવાનું કહી રહી હતી !

પુરાણાં ઝાડની કમાનોથી છવાયેલા આ રસ્તાની નજીક બંને કાંઠે ઊભેલાં વિલોવૃક્ષનાં ઝુંડમાં થઈને નદી વહી રહી હતી. નાજુક જલતરંગોની મર્મર, ખડકો ઉપર પાણીની છાલકો અને વળાંક લેતા જલપ્રવાહનો ધોધ – આ બધું વિહાર માટેના આ સ્થળ ઉપરની તાજી અને ભીની હવામાં ભળીને વહેતા પાણીના સંગીતરૂપે વિસ્તરતું હતું.

શીતળ અને હરિયાળા સૌંદર્યની મીઠાશને માણ્યા પછી માદામ મેરામ્બલ બોલી : ‘હવે મને સારું લાગે છે… આજે કૅપ્ટન પલંગમાંથી ઊંધી દિશાએથી નીચે ઊતર્યા લાગે છે. એટલે સવારથી જ એમણે કંકાસ કરવા માંડ્યો છે.’

એલેક્ઝાંડરની પાંત્રીસ વર્ષની લાંબી વફાદારીભરી સેવાના પરિણામે અને છેલ્લાં છ વર્ષના વિશેષ સહવાસના કારણે આ વૃદ્ધ મહિલા અને એની વચ્ચે ઠીક ઠીક આત્મીયતા કેળવાઈ હતી. એ લોકો રોજબરોજની ઘરગથ્થુ વાતો કરતાં. પણ મોટે ભાગે તો એમની વાતનો વિષય કૅપ્ટનના સ્વભાવ અને એમના તેજ મિજાજ અંગે રહેતો. એ લોકો માનતાં હતાં કે કૅપ્ટનની નોકરી ઊંચી આશાઓ જન્માવે એ રીતે શરૂ થઈ પણ કોઈ જાતના ખાસ પ્રમોશન વગર અને કશી ઉજ્જવળ સિદ્ધિ સિવાય પૂરી થઈ એની હતાશાના કારણે જ કૅપ્ટનનો મિજાજ આટલો બધો ખરાબ થઈ ગયો છે. કૅપ્ટનના આ મિજાજ અંગે આ બે જણ ખૂબ ચિંતા કરતાં.

માદામ મેરામ્બલે વાત ચાલુ રાખી : ‘હા, આજે જરૂર એ પલંગમાંથી અવળી બાજુ ઊતર્યા છે. એમણે લશ્કર છોડ્યું ત્યાર પછી ઘણી વાર આવું બન્યું છે.’

એક નિઃશ્વાસ સાથે એલેક્ઝાંડરે માદામના વિચારમાં પૂર્તિ કરીઃ ‘એમ જ કહો કે આવું રોજ બને છે, અને એમણે લશ્કરની નોકરી છોડી એ પહેલાંય આવું રોજ બનતું હતું.’

‘એ ખરું છે, પણ એ બિચારાનું નસીબ જ વાંકું હતું. એણે વીસ વર્ષની ઉંમરે બહાદુરીના એક કાર્ય સાથે નોકરીનો આરંભ કર્યો. એને પારિતોષિક પણ મળ્યું. પણ પછી વીસ વર્ષની ઉંમરથી પચાસ વર્ષની વય સુધી એ કૅપ્ટનના હોદ્દાથી આગળ વધી ન શક્યા. નોકરી શરૂ કરી ત્યારે વધારે નહીં તો નિવૃત્ત થતાં સુધીમાં કર્નલનાં હોદ્દા સુધી પહોંચવાની એને આશા હતી.’

‘એ ગમે તે માદામ, પણ એમાં એમનો જ વાંક છે. એ આટલા આખાબોલા ન રહ્યા હોત તો એમના ઉપરી અમલદારોનો પ્રેમ જીતી શક્યા હોત. અને એ લોકોએ કૅપ્ટનના લાભમાં એમની વગ વાપરી હોત. આગળ વધવું હોય તો નરમ બનવું પડે અને લોકોને ખુશ રાખવા પડે.’

‘એ આપણી સાથે આવો વર્તાવ રાખે છે એમાં તો આપણો જ વાંક છે, કારણ કે આપણને એમની સાથે રહેવાનું ગોઠી ગયું છે. પણ બીજાઓની વાત જુદી છે.’

માદામ મેરામ્બલ વિચારમાં પડી ગઈ. વર્ષોથી દરરોજ એ આ માણસની ક્રૂર કઠોરતા વિશે વિચાર કરતી રહી હતી. ઘણાં વર્ષો પૂર્વે ઊજળી કારકિર્દીની ક્ષમતાવાળા સોહામણા આ યુવાનને પોતે શી શી ધારણાઓ સાથે પરણી હતી !… માણસ જીવનમાં કેવી ભૂલો કરે છે !

માદામે મૃદુ સ્વરે કહ્યું : ‘આપણે થોડી વાર થોભીએ, એલેક્ઝાંડર. તારી હંમેશની બેઠક ઉપર જરાક થાક ખા.’

રવિવારે ફરવા આવનારાઓ માટે વીથીના વળાંક ઉપર એક નાની બેઠક હતી. થોડી તૂટી પણ ગઈ હતી. આ લોકો અહીં આવતાં એટલે એલેક્ઝાંડર થોડી વાર એના ઉપર બેસીને થાક ખાઈ લેતો.

અત્યારે એલેક્ઝાંડર એના ઉપર બેઠો અને પંખા જેવી પોતાની સફેદ દાઢીને આંગળાંની પકડમાં લીધી અને એ બંધ આંગળાંને દાઢીના છેડા તરફ સરકાવવા માંડ્યો. કદાચ દાઢીના લાંબા ઉગાવાનું પ્રદર્શન કરવા માગતો હોય !

માદામ આગળ બોલી : ‘મારી બાબતમાં તો એમ કહી શકાય કે હું એને પરણી એટલે એની કઠોરતાને સહન કરું એ સ્વાભાવિક છે. પણ મને એ સમજાતું નથી, એલેક્ઝાંડર, કે તું પણ એ બધું શા માટે સહન કરી રહ્યો છે !’

એલેક્ઝાંડરે ખભા હલાવ્યા. બોલ્યો : ‘ઓહ, હું ?… માદામ…’

માદામે ઉમેર્યું : ‘ખરેખર, મેં ઘણી વાર આ વિશે વિચાર કર્યો છે. જ્યારે હું પરણી ત્યારે તું એમનો ઑર્ડરલી હતો. એ વખતે તો તારા માટે બીજો કોઈ રસ્તો નહોતો; પણ પછીય અમે તને આટલો ઓછો પગાર આપીએ છીએ અને તારી તરફ આવો ખરાબ વર્તાવ રાખીએ છીએ તોપણ તું અમને વળગી રહ્યો છે. બીજા લોકોની માફક પરણીને, બાળબચ્ચાં સાથે કુટુંબજીવન જીવવાને બદલે તું અમારી સાથે શા માટે રહ્યો છે એ મને સમજાતું નથી.’

‘મારા માટે એ જુદી વાત છે, માદામ.’ આમ કહી એલેક્ઝાંડર પોતાની દાઢી ખેંચવા લાગ્યો. જાણે દોરડું ખેંચવા લાગ્યો. જાણે દોરડું ખેંચીને પોતાની અંદર રહેલા કોઈ બેલને વગાડતો હોય. એની આંખમાં કશોક અજંપો પણ હતો.

માદામ મેરામ્બલ પોતાની વાતના અનુસંધાનમાં બોલી : ‘તું કંઈ ખેડૂત નથી; ભણેલો પણ છે.’

એલેક્ઝાંડર ગર્વથી વચ્ચે જ બોલ્યો : ‘હું જમીન સર્વેયરનું ભણ્યો હતો.’

‘તો પછી તારું જીવન વેડફી મારવા માટે અમારી સાથે કેમ રહ્યો ?’

એ બોલ્યો : ‘હા, એ મારી એક સ્વાભાવિક કમજોરી હતી. બીજું શું ?’

‘સ્વાભાવિક કમજોરી ?’

‘હા, જ્યારે હું કોઈની સાથે મારું મન જોડું જ છું, એટલે બસ જોડું જ છું. બસ પછી બીજું કંઈ જ નહીં.’

માદામ મેરામ્બલ હસી પડી. એ બોલી : ‘એમ કહીને તું મારી પાસે એ નહીં મનાવી શકે કે કૅપ્ટનની માયાળુતા અને સજ્જનતાએ તને જીવનભર એની સાથે જોડી રાખ્યો છે !’

એલેક્ઝાંડર અજંપાથી બેઠક ઉપર જરા હાલ્યો. એ પારાવાર ક્ષોભ પામ્યો હોય એવું ચોખ્ખું જણાઈ આવતું હતું. પછી પોતે જ સાંભળી શકે એવી રીતે અસ્પષ્ટપણે બોલ્યો : ‘કૅપ્ટન નહીં, પણ તમારે લીધે !’

વૃદ્ધ સ્ત્રી, જેના ચહેરાની આસપાસ લટકી રહેલા શુભ્ર વાળનાં ગૂંચળાં હંસનાં પીંછાં જેવાં લાગતાં હતાં, જરા ચમકી અને પોતાના નોકર તરફ આશ્ચર્યથી જોઈ રહી.

‘એલેક્ઝાંડર, તું કહે છે એ કંઈ સમજાયું નહીં.’

એલેક્ઝાંડરે પહેલાં હવામાં ઊંચે જોયું, પછી બીજી બાજુ અને ત્યાર બાદ દૂર જોઈ રહ્યો. શરમાળ માણસો કોઈ ગુપ્ત રહસ્ય કબૂલતાં જે રીતે મોઢું ફેરવી લે છે એમ એણે માથું ફેરવ્યું અને પછી તો કોઈ સૈનિકને ફાયરનો હુકમ મળતાં જે હિંમત દાખવે એ હિંમતથી બોલ્યો : ‘પહેલી વાર હું લેફટનન્ટનો પત્ર લઈને તમારી પાસે આવ્યો, તમે મારી તરફ એક સ્મિત કર્યું અને એક ફ્રેન્ક આપ્યો. બસ પછી કંઈ બાકી ન રહ્યું.’

‘વધારે ચોખવટથી કહે.’

કોઈ ગુનેગાર ગુનો કબૂલ કર્યા પછી જે ભયથી આવૃત્ત થઈ જાય છે એવી જ કોઈ ભયની અસર હેઠળ એ બોલી ગયો : ‘હું માદામ તરફ આકૃષ્ટ થઈ ગયો, બસ !’

માદામે કશો જવાબ ન આપ્યો, તેમ જ એના તરફ જોયું પણ નહીં. પણ એણે આ વાતને એના ચિત્તમાં લીધી. એ સ્ત્રી કરુણાસભર, સીધી, તર્કશીલ, નમ્ર અને ભલી લાગણીઓથી ભરપૂર હતી. એણે એક ક્ષણમાં વિચારી લીધું કે આ માણસે માત્ર પોતાના સાંનિધ્યમાં રહેવા ખાતર જ, એક પણ શબ્દ બોલ્યા વગર જીવનની સર્વ ઉપલબ્ધિઓને જતી કરી. આ કમનસીબ માણસનો કેવો લગાવ ! માદામ મેરામ્બલને રડી પડવાનું મન થયું.

‘ચાલો, હવે આપણે જઈએ.’ એ ગંભીર થઈને બોલી. એની ગંભીરતામાં ગુસ્સો નહોતો.

એ ઊભો થયો. વ્હીલચેરની પાછળ ગયો અને એને ધકેલવા લાગ્યો. એ લોકો ગામની નજીક આવ્યાં ત્યારે એમણે કૅપ્ટનને રસ્તામાં એમની રાહ જોતા ઊભેલા જોયા. એ એમની તરફ જ આવી રહ્યા હતા.

એ છેક પાસે આવી પહોંચ્યા ત્યારે, ઝઘડો કરવાની દાનતથી જ બોલતા હોય એમ બોલ્યા : ‘આજે ભોજનમાં શું છે ?’

‘ચીકન અને સંગીત !’

કૅપ્ટન એકદમ આવેશમાં આવી જઈને ગુસ્સામાં બરાડવા લાગ્યા : ‘ચીકન ! ફરીથી ચીકન ! રોજ રોજ ચીકન ! જાય જહાન્નમમાં. તમારા રોજબરોજના ચીકનથી હું થાકી ગયો છું. તમને બીજું કંઈ બનાવવાનું સૂઝતું જ નથી ? રોજ એનું એ ?’

માદામ મેરામ્બલે શાંતિથી જવાબ આપ્યો : ‘પ્રિય, શું કરીએ ? દાક્તરે એ જ આદેશ આપ્યો છે. પાચનની દૃષ્ટિએ તમારા માટે એ જ ઉત્તમ છે. જો તમને અપચાની તકલીફ ન હોત તો તમને આપી શકાય એવી તો ઘણી ચીજો છે, જે અત્યારે હું તમને આપી શકતી નથી.’

ઉશ્કેરાટભર્યા કૅપ્ટન બરાબર એલેક્ઝાંડરની સામે ઊભા રહીને બોલ્યા : ‘હું માંદો છું તેમાં આ જાનવરનો જ વાંક છે. પાંત્રીસ પાંત્રીસ વર્ષથી એ એના કચરા જેવા રાંધણાથી મને ઝેર આપી રહ્યો છે.’

માદામ મેરામ્બલે પેલા વૃદ્ધ નોકર તરફ માથું ફેરવ્યું. બંનેની નજરો મળી. શું હતું એ નજરોમાં ?
***
મૂળ વાર્તા અંગ્રજીમાં વાંચવા માટેની link:
https://americanliterature.com/author/guy-de-maupassant/short-story/alexandre

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. આ વાર્તા દેખીતી વાસ્તવિકતા કરતા ય વધુ સ્પષ્ટ રીતે સત્ય કહે છે. અંતઃકરણની ઊંડી બાબતોને ઉજાગર કરે છે.ઘટનાઓને કારણે પાત્રો અને તેમની મનોસ્થિતિ બદલાતી જાય.છે. તેમની કોઈ ઈચ્છા હોય. તે જીવનમાં કંઈક કરવા માંગતા હોય. વાર્તામાં પાત્રો વચ્ચે સ રસ સંવાદ અને વર્ણન છે. પાત્રોનો બીજા પાત્રો સાથે કે પોતાની જાત સાથે સંઘર્ષ છે જે વાચકોને જકડી રાખે છે.અંત શોકાતુર, કરુણાત અને વક્રતાભર્યો છે જે વાર્તાને અદભૂત બનાવે છે.