બે કાંઠાની અધવચ (નવલકથા) પ્રકરણ: ૪૨ ~ પ્રીતિ સેનગુપ્તા

પ્રત્યેક દિવસે, વામા પોતાના ભાગ્યનો આભાર માનતી. રૉબર્ટ હતો, તો બધું જ હતું એની પાસે. અને ઇફિજૅનાયા આવી ત્યારથી, નવી જાતના આનંદનો પરિચય થયો હતો.

આ ગ્રીક નાટક તો નથી જ, પણ ગ્રીક ને ઇન્ડિયન ડ્રામાના સમન્વયનો, કશોક જુદો, સુખ-પ્રકાર છે, વામા બોલી.

સાંભળીને રૉબર્ટ બહુ હસ્યો. ઍરિસ્ટોટલ અને પ્લેટોને પણ વિચાર કરતા કરી દીધા હશે તેં, વામા!

સામાજિક સમસ્યાઓથી ભરેલું ડ્રામા, ખરેખર તો, કેતકી અને સુજીતના જીવનમાં ભજવાતું ગયું હતું. વિશ પાસેથી મળેલો કેતકીનો ફોન નંબર વામા પાસે સચવાયેલો હતો. યુરોપ અને ઇન્ડિયાથી પાછાં ફર્યા પછી, થોડા દિવસે, એણે કેતકીને ફોન કર્યો.

ઓહ, વામા. તરત જ કેતકી કહેવા માંડી, આઇ ઍમ સો સૉરી. આટલા બધા સમય દરમ્યાન મેં કોઈ સંબંધ રાખ્યો નહીં તારી સાથે. શુંનું શું બની ગયું, મારા સંસારમાં.

વામાને ખબર તો ઘણી હતી, પણ તરત એ કશું બોલી નહીં. કેતકી પણ, ભલે વાત કરીને, હળવી થાય.

શરૂઆતના બનાવ તો સુજીતે કહ્યા, તે પ્રમાણે જ હતા. પણ એ બનાવોએ સુજીતને ગાંડા જેવો કરી દીધો હતો, જ્યારે કેતકી ગુસ્સામાં ધુંધવાતી રહેલી.

વચમાં વચમાં કેતકી ઉદાસ થતી, ને જીવ બાળતી ખરી, પણ એણે સુજીતની તરફ કોઈ સહાનુભૂતિ બતાવી નહતી. એ ક્યાં છે, કેમ છે, એની એક મિનિટ માટે પણ ચિંતા કરી નહતી. સંપૂર્ણ ઉપેક્શાનો ભાવ સતત દાખવ્યો એણે.

સાથે જ, બંને છોકરાંઓ તરફથી, કેતકીને પણ ઉપેક્શા જ મળતી રહી. દૂર રહેતા સચિનને પરિસ્થિતિની થોડી પણ જાણ થઈ, કે એણે આઇનો જ વાંક જોવા માંડ્યો હતો, અને પાપાને માટે એ અજંપો કરવા લાગેલો.

જે અંજલિને કારણે કેતકીએ પ્રોટેક્શન-ઑર્ડર જેવું, અને સુજીતને ઘરમાંથી કાઢી મૂકવા જેવું કઠોર, નિર્દય, વકિલાતી પગલું ભર્યું, તે અંજલિને તો, આઇની સાથે રહેવામાં રસ પણ નહતો. કૉલૅજ શરૂ થતાં, એ પણ ઘરની બહાર નીકળી ગઈ.

અંજલિએ બૅન્કમાંથી થોડી સ્ટુડન્ટ લોન લીધી, થોડી સ્કૉલરશિપ મેળવી, નાનાં કામો કર્યાં, અને ભણવાનું સંભાળ્યું. આટલી હોંશિયારી હતી એનામાં? આટલી સ્વ-કેન્દ્રીયતા?

બંને છોકરાં, પોતપોતાનું સંભાળવામાં, કેવાં હોંશિયાર નીકળ્યાં.

ને કેતકી તરછોડાયાનો ભાવ અનુભવતી રહી હતી.

મને અંજલિની બહુ ચિંતા રહી છે. વર્ષોથી એક પછી એક બૉયફ્રૅન્ડ આવે, ને જાય. મને થાય, શું થશે એનું. હવે કોઈ ફિલિપ્પિનના છોકરા સાથે પરણવાની છે, એમ કહે છે. પણ કોને ખબર, ખરેખર પરણશે કે પછી વાતો? અને પરણ્યા એટલે શું સ્વભાવ બદલાઈ જવાનો?, જીવન સુધરી જવાનું?

ક્યાં બને છે એવું? મારું જ જીવન જુઓને, કેતકીના અવાજમાં ભારોભાર ગમગીની હતી.

કેતકીનો નવી નોકરી લેવાનો નિર્ણય, પહેલેથી જ, યોગ્ય નીવડ્યો હતો. કામમાં ઍક્સ્પર્ટ થઈ જતાં એને વાર નહતી લાગી. પ્રમોશન પણ મળતાં ગયાં હતાં.

બાપ્સ અને માઇની હુંફ વગર એ ટકી ના હોત, એણે વામાને કહ્યું. બાપ્સનું સાવ ટૂંકી માંદગીમાં મૃત્યુ થતાં માઇ તો ભાંગી જ પડ્યાં હતાં. કેતકી પોતે પણ ઘણો લાંબો સમય તીવ્ર પીડા ભોગવતી રહેલી. એના જીવનમાંના પ્રૉબ્લૅમોને કારણે, કમભાગ્યે, એણે બાપ્સને ઘણા દુઃખી કર્યા હતા.

ત્યાં સુધીમાં, એ સુજીતની સાથે પોતે કરેલા ક્રૂર વર્તાવ માટે પસ્તાવા માંડેલી. અને ત્યારે, બાપ્સને ગુમાવી દીધા તે પછી, સુજીતને એક ચાન્સ આપવાની બાપ્સની સલાહને અવગણવા બદલ, કેતકીનો પસ્તાવો કેટલાયે ગણો વધી ગયો હતો.

એકલી થઈ ગઈ પછી પણ, કેતકી ઘરની અને પૈસાની બાબતમાં નિશ્ચિંત રહી શકી હતી. તે કયા કારણે, એની જાણ તો એને ઘણા વખત પછી થઈ. 

સુજીત હતાશા અને અનપેક્શિત આઘાતને કારણે ગાંડા જેવો થઈ ગયો હતો, પણ ત્યારે ય, એણે કેતકી ઉપર દાઝ નહતી જ કાઢી.

બૅન્કમાં બંનેનો જૉઇન્ટ અકાઉન્ટ હતો. તે સુજીતે ખાલી ના કરી નાખ્યો, બલ્કે જરૂર પડે તેમ પૈસા લીધા. તે પણ ફક્ત શરૂઆતમાં. પછી તો એને પણ ના અડક્યો એ.

પોતે ભૂખે પણ મર્યો હશે, સરખું નહીં ખાઇને એણે તબિયત બગાડી હશે, પણ પત્નીને કોઈ અગવડ ના પડે, તે વ્યવસ્થાનો ખ્યાલ રાખ્યો.

અને ઘર હતું તો બંનેનાં  નામ પર, પણ સુજીતે એને કેતકીના નામે કરી નાખેલું. તે ક્યારે કર્યું, એની ખબર કેતકીને નહતી. સુજીતે મહેશને કહેલું, અને બધા લિગલ પેપર્સ મહેશને આપી રાખેલા. કહેલું, ભાઈ, તુકીને જરૂર પડે, કે ઘરમાં રહેવા અંગે ચિંતા થાય, ત્યારે જ કરજે આ વાત, અને આપજે આ પેપર્સ.

કેતકી જે નવી ઑફીસમાં કામ કરતી હતી, તે ન્યૂજર્સી છોડીને જવાની હતી, અને ન્યૂયૉર્ક રાજ્યમાં, કોઈ છેક ઉત્તરના શહેરમાં વસવાની હતી. કેતકી ત્યાં જવાનું સ્વીકારે, એવી આશા એના મૅનૅજર રાખતા હતા. એમણે કહેલું, કે આવા સંજોગોમાં કંપની જ તમારું ઘર ખરીદી લેશે. તમારે વેચવાની કોઈ ચિંતા જ નહીં કરવાની.

કેતકીને બહુ ચિંતા કરવી નહતી પડી; ખાસ કરીને જ્યારે મહેશે એને કહ્યું, કે સુજીતભાઈએ ઘર તમારાં નામ પર કરી નાખ્યું છે, અને અડધો ભાગ નહીં, ઘર પૂરેપૂરું તમારું છે.

એકદમ જ અણધાર્યા સમાચાર હતા આ.

સુજીત નબળાઈઓનો ભોગ બનતો રહ્યો હતો, એ સાચું, પણ એની ક્યાંયે ઉપર એ જઈ શકતો હતો, તેની સાબિતી એની આ ઉદારતા હતી.

તે વખતે કેતકીએ બહુ વિલાપ કરેલો, માથાં કૂટેલાં, મહેશને બહુ આજીજી કરેલી સુજીતને પાછો લઈ આવવા માટે. મનથી એ વધારે ને વધારે, પોતાને જ ગુનેગાર માનતી થઈ હતી.

ખેર, વામા, છેલ્લે, કુટુંબનાં બીજાં ત્રણ સદસ્યોની જેમ, મેં પણ ઘર છોડ્યું. જોકે, મારી સગવડથી, ને મારા જ લાભાર્થે. બદલીની સાથે, નોકરીમાં પગારનું ધોરણ ઘણું વધી જતું હોય છે, તું જાણે છે ને?

માઇને મેં મારી સાથે જ રાખ્યાં. મને કંપની રહે, ને વધારે તો, એમને હું સાચવી શકું એટલે. દેવકીને તો એનો વર, અને બે દીકરીઓ, એટલે એ તો બિઝી, અને મઝામાં જ હતી.

હવે તો માઇ પણ નથી રહ્યાં. મારી સાથે રહેનાર, મને સાચવનાર, અરે, મને વહાલ કરનાર દુનિયામાં હવે કોઈ નથી. કેતકીને જાણે જાતની દયા આવતી હતી. 

હા, સચિને એના પાપાને શોધવા પ્રયત્ન કરેલા. કદાચ એમનો સંપર્ક, અચાનક, એના મિત્ર ખલીલને થયો પણ હતો, પણ સચિનની પાછી એક મોટી ભૂલ થઈ ગઈ. એણે તરત ચેક મોકલ્યો, પાપાને સહાય કરવા, પણ એ એમને સ્નેહના શબ્દો લખવાનું ચૂકી ગયો.

તને ખબર છે ને, વામા, કે સુજીત જેવા અભિમાની હતા, તેવા જ સ્વમાની હતા. ફગાવી દીધી એ ભીખ એમણે, અને ફરી બધું છોડી દીધું આત્મ-ગૌરવને માટે.

સચિન, અંજલિ અને હું એકબીજાંના સાધારણ સંપર્કમાં રહીએ તો છીએ, પણ નિકટતા નથી અમારી વચ્ચે. કદાચ એમને જરૂર નથી મોટી ઉંમરની થઈ ગયેલી માતાની, પણ મને જરૂર છે મારાં બાળકોના વહાલની, અને એમને વહાલ કરવાની.

એમને સમય હોય, એટલેકે બે-પાંચ મિનિટનો, ત્યારે મને ફોન કરે. ક્યારેક અમે ત્રણ જણ કૉન્ફરન્સ કૉલ કરીએ, કે જેથી સાથે વાતો થાય. પણ મેં જોયું છે, કે ભાઈ-બહેનની વચ્ચે મિત્રતાનું કોઈ ચિહ્ન રહ્યું નથી.

એ બંને મને દોષિત ગણે છે, એમનાં પોતાનાં બિચારાં જેવાં જીવન માટે, અને હું – હું મને પોતાને દોષિત ગણું છું, અમારાં બધાંનાં બિચારાં જેવાં જીવન માટે.

હું સુજીતની દોષિત તો છું જ. નથી જાણતી, કે ક્યારે મને માફ કરવા વિનવી શકીશ એમને. એવી તકનું ભાગ્ય મને ક્યારેય મળશે ખરું?

વામા લગભગ ચૂપ રહેલી. એણે સામે કોઈ પ્રશ્ન પૂછ્યા નહતા, જરાયે આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું નહતું. કારણ એ, કે એને લગભગ આ બધી વાતોની જાણ પહેલેથી જ હતી.

લાંબી એકતરફી વાત કર્યા પછી, કોઈ એક ઘડીએ, અચાનક, કેતકીને ખ્યાલ આવ્યો, કે વામાએ કોઈ રિઍક્શન આપ્યાં નથી, કોઈ કૉમૅન્ટ કરી નથી. એવું કેમ?

એનો અર્થ એ તો નહીં, કે એ જાણે છે આ બધું? ક્યાંથી જાણ્યું હશે એણે?

મહેશભાઈની સાથે એને પરિચય નથી. દેવકી સાથે વાત થઈ હોય, તો દેવકી મને કહે જ. તો? તો પછી?

કેતકીએ ગળગળાં થઈને પૂછ્યું, વામા, તું કાંઈ જ બોલી નથી. આ બધું સાંભળીને તને આઘાત ના લાગ્યો હોય, નવાઈ ના લાગી હોય, તેમ કઈ રીતે બને?

પ્લીઝ, વામા, તને કશી પણ વધારે ખબર હોય તો — મને કહે કે —

કેતકી, તારું અનુમાન સાચું છે. સુજીત અમને, એટલેકે રૉબર્ટને મળવા આવેલા. લાંબી વાતો કરેલી, એમનાં પોતાનાં કષ્ટ અને કઠિનાઇઓની બાબતે.

કેમ છે એ? શું ખબર છે એમના? વામા, પ્લીઝ, તું મારાથી છુપાવતી નહીં કશું.

રૉબર્ટે સુજીતને ઘણી મદદ કરી છે, કેતકી. સુજીતને એક નોકરી અપાવી છે. હવે એ પાછા પોતાના પગ પર ઊભા રહી શકશે. તબિયત પણ સુધરશે, ધીરે ધીરે, હવે.

તબિયત? શું થયું છે એમને?

કેતકી, તારે, હવે, એમની ચિંતા કરવાની જરૂર નથી, ઑલ રાઇટ? ફોન પર વામા કટાક્શ કર્યા વિના રહી ના શકી.

વામા, હું બધાંની માફી માગવા તૈયાર છું. બાપ્સની આજીજીને, અને મહેશભાઈની વિનંતીને, અવગણીને મેં બહુ મોટો અન્યાયી વર્તાવ કર્યો. એનાં પરિણામ સુજીત એક જ નહીં, અમે ચારેય ભોગવી જ રહ્યાં છીએ. હું અને છોકરાં પૈસેટકે ઠીક છીએ, પણ મનથી ઉજ્જડ જ છીએ, કેતકી બહુ ઉદાસ ભાવે બોલી.

જો તું જાણતી હોય, કે એ ક્યાં છે, વામા, તો પ્લીઝ, મને કહે.

આટલું પણ કહી દેવાનું હતું?, વામા વિમાસતી હતી. શું કરું?, કહી દઉં? કેતકીને ફોન કર્યો તે પહેલાં, એણે રૉબર્ટને પૂછી નહતું રાખ્યું, કે સુજીત મળવા આવ્યો હતો તે કેતકીને કહેવું કે નહીં. પણ હવે તો કહેવાઈ ગયું હતું. હવે નહીં કહેવાનો સવાલ જ ક્યાં રહ્યો હતો?

કેતકી, સુજીત ક્યાં રહે છે તેની મને ખબર નથી. પણ રૉબર્ટ પાસે એમનો ફોન નંબર, કદાચ, છે.

ખરેખર, વામા? હું સચિનને કહીશ. એ તને ફોન કરશે. પ્લીઝ એને નંબર આપજે. સચિન તો ઘણી વાર, પાપાની હાલતનો વિચાર કરી કરીને ડિપ્રેશનમાં જતો રહે છે.

સચિનના મનમાં તો હું જ દોષી છું. અને ખરેખર હું છું જ. જો હું સુજીતનો સંપર્ક કરાવી આપું, તો કદાચ મને માફી મળે મારા દીકરા પાસેથી.

કેતકી જાણતી હતી, કે એ ફોન કરશે તો સચિનના કટાક્શ સહેવા પડશે, એના છણકા ખમવા પડશે. છતાં એણે ફોન કર્યો. બાબા, એક સારા ખબર છે.

રહેવા દે હવે, આઇ. આ કમભાગી કુટુંબમાં સારા ખબર આવ્યે હજાર વર્ષ થઈ ગયાં.

ના, બાબા —

પ્લીઝ, આઇ. મને નામથી બોલાવતાં શીખ.

હા, સચિન. જો, તારા પાપા સાથે વામા આન્ટીને અને રૉબર્ટ અંકલને સંપર્ક છે. રૉબર્ટે જ એમને એક નાની નોકરી અપાવી છે. તું આન્ટીને ફોન કરીશ? એમની પાસેથી તને પાપાનો ફોન નંબર મળશે.

આ પછી, સચિને વામાના ઘરનો ફોન નંબર કેતકીની પાસેથી લઈ લેવામાં એક ક્શણની પણ વાર કરી નહીં. એક વાર ફોન કર્યો, તો કોઈ ના મળ્યું. બીજે દિવસે કર્યો, તો લાઇન બિઝી હતી. ફરી કર્યો, ત્યારે વામા મળી, પણ સુજીતનો ફોન નંબર એ જાણતી નહતી.

તારો નંબર આપ, સચિન, તો રૉબર્ટ તને ફોન કરશે.

કાંઈ નહીં, આન્ટી, હું જ અંકલને ફરી ફોન કરીશ.

આખરે રૉબર્ટ ઘેર હતો, અને સચિનની સાથે વાત થઈ શકી.

તને તારા પાપાની હાલત વિષે કશી ખબર છે, સચિન?, રૉબર્ટે બહુ ગંભીર અવાજે પૂછ્યું.

સુજીતથી ભૂલો થઈ હતી, પણ કેટલાયે પુરુષો એથી ક્યાંયે વધારે ગુના કરતા હોય છે. રૉબર્ટના મતે સુજીત માફીને લાયક હતો, અને સાધારણ કહેવાય એવા સુખને પણ લાયક હતો.

હા, અંકલ, મારે એમને પગે પડવું છે, એમને ભેટવંુ છે, એમની સંભાળ લેવી છે. મારે ફરી એમને હસતા જોવા છે, અંકલ.

મને મારી ભૂલો તો સમજાઈ છે, પણ આઇની ક્રૂરતા પણ —. હું આઇને પાપાની પાસે પણ નહીં જવા દઉં. અંકલ, મને પ્લીઝ, પાપાનો ફોન નંબર આપો.

રૉબર્ટને ખાતરી હતી, કે સચિનનો ફોન જશે તો સુજીત હવે એની સાથે વાત કરી શકશે. રૉબર્ટે એને જે થોડો આધાર આપ્યો હતો, એનાથી સુજીતનું નિર્બળ મન ધીરે ધીરે ફરીથી પોષણ પામી રહ્યું હતું.

અલબત્ત, રૉબર્ટને એ ખાતરી નહતી, કે સુજીત, આટલું સહન કર્યા પછી, સચિન સાથે વાત કરવા, કે એને મળવા તૈયાર થશે કે નહીં.

એણે સચિનને રોક્યો નહીં, પણ ચેતવ્યો તો ખરો જ. જો, સચિન, ખૂબ સાચવીને વાત કરજે, ને સાચવીને મળજે સુજીતને. એનું દિલ બહુ પાતળા કાચનું બનેલું છે, તે યાદ રાખજે.

હા, અંકલ.

સારું, તો લખ આ ફોન નંબર, તારા પાપાનો.

 — સમાપ્ત —

આપનો પ્રતિભાવ આપો..